દિવ્યેશ ઓફિસેથી ઘરે આવીને ફ્રેશ થઇને ટીવી ચાલુ કરીને બેઠો. સુચિતા બાલ્કનીમાંથી કપડાં લઇ રહી હતી. અચાનક તે ઊઠીને તેની પાછળ જઇને તેને અડોઅડ ઊભો રહી ગયો. બંનેને એકબીજાના શરીરનો સ્પર્શ થવા લાગ્યો. સુચિતા તરત પાછળ ફરી તેને હળવો ધક્કો મારીને હસીને રૂમમાં જતી રહી. દિવ્યેશે તેની પાસે પાણી માંગ્યુ. સુચિતા રસોડામાં ગઇ તો ફરી દિવ્યેશ તેની પાછળ ગયો અને તેની કમરમાં હાથ નાખીને તેની તરફ ખેંચીને પીઠ પર હળવું ચુંબન કર્યું. સુચિતાએ ફરીને તેની છાતીના ભાગ પર ચુંબન કર્યું અને પાણી આપ્યું. રાત્રે જ્યારે બંને બેડરૂમમાં સૂતા હતા, તો દિવ્યેશે ઊંધી ફરીને સૂતેલી સુચિતાને કમરના ભાગેથી પકડીને પોતાની નજીક ખેંચી. થોડીવાર તેની સાથે દિવસભરની વાતો કર્યા પછી હળવેથી તેના શરીર પર ચુંબન કરવા લાગ્યો. સુચિતા તેની તરફ ફરીને તેનામાં ઓતપ્રોત થઇ ગઇ. બંને એકબીજાને લપાઇને સૂઇ ગયા.

રાકેશને સવારમાં ઓફિસે જવામાં મોડું થઇ રહ્યું હતું. મનસ્વી ટીફીન પેક કરી રહી હતી અને સાથે સાથે રાકેશના કડવા શબ્દો પણ સાંભળી રહી હતી. તેમછતાંય મનસ્વીએ હસતા મોઢે રાકેશને વિદાય કરીને ફરીથી ઘરના કામમાં પરોવાઇ ગઇ. બપોરે રાકેશે ટીફીનમાં મૂકેલી રસોઇ વિશે ફોન કરીને ગમેતેમ સંભળાવ્યું. મનસ્વીને ખૂબ દુખ થયું. તે રાકેશનો ગુસ્સો દૂર કરવા સાંજે તેને ભાવતી રસોઇ બનાવવાની તૈયારીમાં લાગી ગઇ. રાકેશ રાત્રે મોડેથી ઘરે આવ્યો. મનસ્વીએ તેને જમવા માટે કહ્યું તો બહારથી જમીને આવ્યો છે તેમ જણાવી સીધો રૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. મનસ્વી જમ્યા વિના જ બધા કામ પતાવીને બેડરૂમમાં આવી. રાકેશે થોડીવાર મોબાઇલ જોયા બાદ મનસ્વીને તેની તરફ ખેંચી અને પોતાના તરફ વાળીને તેના શરીર સાથે અડપલા કરવા લાગ્યો. મનસ્વીની ઇચ્છા નહોતી તે જાણકારી હોવા છતાંય રાકેશે પોતાની ઇચ્છા પૂરી કરી લીધી અને ત્યારબાદ પડખું ફેરવીને સૂઇ ગયો.

પતિ-પત્નીના સંબંધમાં ફક્ત શારીરિક સુખ જ મહત્વનું નથી. તમે એકબીજા સાથે દિવસભર કેવો અને કેટલો સંવાદ કરો છો, એકબીજાને કેટલા પ્રેમથી સાચવો છો, એકબીજાને કેવો સ્પર્શ કરો છો અને તે સ્પર્શ દ્વારા તમારા પ્રેમની કેવા પ્રકારની અભિવ્યક્તિ કરો છો, તે ખૂબ મહત્વનું છે. સંબંધને સાચવવામાં શારીરિક આકર્ષણ તો બીજા તબક્કામાં આવે છે, પહેલા તબક્કામાં તમારો એકબીજા પ્રત્યેનો વ્યવહાર અને સંપર્ક સૌથી મહત્વની બાબત છે. તમે તમારા સંબંધમાં એકબીજા પ્રત્યે કેટલું ખેંચાણ અનુભવી રહ્યા છો, તે જરૂરી છે. ફક્ત શારીરિક ખેંચાણ જ મહત્વનું નથી.

તમે દિવસ દરમિયાન એકબીજા માટે કેટલો સમય કાઢીને સંપર્ક કરી લો છો, તે પણ સંબંધને જોડવામાં મહત્વનું છે. સંપર્કમાં રહેવું સંબંધને વધારે ગાઢ બનાવે છે. સાથે જ તમે કેવો અને કેટલો સંવાદ કરો છો, તે સૌથી અગત્યની વાત છે. તમે જો એકબીજા વિશેની વિગતો જાણવામાં અને કહેવામાં રસ ધરાવતા હો તો તે બાબતો તમને એકબીજાની વધારે નજીક લાવે છે.

સ્પર્શ અને સંવાદ જો નિયમિતપણે જળવાઇ રહેતો હોય તો બંનેને એકબીજા માટે લાગણી અને ખેંચાણ આપોઆપ થતું જોવા મળે છે. તેનાથી તમારી વચ્ચેની શારીરિક ક્રિયા વધારે ઉત્તેજનાસભર બની શકે છે. જ્યારે વ્યક્તિ સંપર્કમાં હોય તો તેની પ્રત્યેનું ખેંચાણ વધવાથી તેના પ્રત્યેનું આકર્ષણ પણ વધારે તીવ્ર બને છે. આવા સંજોગોમાં જ્યારે બે વ્યક્તિ એકબીજાને મળે ત્યારે તેમની વચ્ચે જ્યારે સમાગમક્રિયા થાય તો તે બંનેને ચરમસીમા સુધી પહોંચાડે છે. બંનેને એકબીજાથી શારીરિક સુખનો આનંદ પ્રાપ્ત થાય છે. તેથી જો તમે એકબીજા સાથે સંપર્કમાં રહીને પ્રેમાળ સંવાદોથી જોડાયેલા રહેશો તો શારીરિક સુખ આપોઆપ સુખદ બની રહેશે.

Loading

Spread the love

Leave a Comment