કંગના રનૌતની અભિનય પ્રતિભા અંગે ફિલ્મમેકર્સની સાથોસાથ પ્રેક્ષકો પણ સારી રીતે જાણે છે. ‘તનુ વેડ્સ મનુ ફિલ્મના બંને ભાગ અને ‘ક્વિન પછી તો એ ખરેખર બોલિવૂડની ક્વિન બની ગઇ છે. જોકે ગયા વર્ષે એની બંને ફિલ્મો ‘રંગૂન અને `સિમરનમાં એના અભિનયના વખાણ તો થયા, પણ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર જોઇએ, એવી કમાણી ન કરી શકી.  હવે નવા વર્ષની શરૂઆત સાથે કંગના ફરી પોતાને ક્વિન સાબિત કરવાના પ્રયત્નમાં છે. એણે ભારતની વીરાંગના રાણી લક્ષ્મીબાઇના જીવન પરથી બનેલી ફિલ્મ `મણિકર્ણિકા – ધ ક્વિન ઓફ ઝાંસીમાં અભિનય કર્યો છે. આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ફિલ્મ રીલિઝ થઇ ગઇ છે ત્યારે એના માટે આ ફિલ્મ ખાસ એટલા માટે પણ છે કે એનો કેટલોક હિસ્સો કંગનાએ પોતે ડિરેક્ટ કર્યો છે. કંગના રનૌત ફિલ્મ `મણિકર્ણિકા – ધ ક્વિન ઓફ ઝાંસી ને લોકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એ રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા કરી રહી છે. પોતાનું પાત્ર સારી રીતે ભજવવા માટે એણે શું ખાસ તૈયારીઓ કરી? આ ફિલ્મનો કેટલોક ખાસ ભાગ કંગનાએ પણ ડિરેક્ટ કર્યો છે. તો ભવિષ્યમાં એ હવે ફરીથી ડિરેક્શન કરશે? નવા વર્ષમાં એ શું આશા રાખે છે? કેટલીક મુક્ત મનની વાતો કંગના સાથે…

તમારી મેગા બજેટ ફિલ્મ `મણિકર્ણિકા – ધ ક્વિન ઓફ ઝાંસી’ રીલિઝ થઇ ગઇ છે. તમારા માટે આ ફિલ્મ કેટલી ખાસ છે?

એક કલાકાર તરીકે કહું તો મારા માટે આ સન્માનની વાત છે કે મને સ્ક્રીન પર રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા ભજવવાની તક મળી છે. આપણે સૌએ રાણી લક્ષ્મીબાઇની વાર્તા વાંચી-સાંભળી છે, એમની વાર્તાથી દરેક ભારતીયને ગર્વ થાય છે, પ્રેરણા પ્રાપ્ત થાય છે. બ્રિટિશ શાસન સામે ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે એમણે સ્વતંત્રતા મેળવવા માટેનો પડકાર ફેંક્યો હતો. એ એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓ ઘરની બહાર પણ નીકળતી નહોતી. એવા સમયમાં રાણી લક્ષ્મીબાઇએ પોતાના રાજ્ય, પોતાની પ્રજાની રક્ષા માટે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું. રાણી લક્ષ્મીબાઇ પાસેથી આપણને પ્રેરણા મળે છે કે જો સ્ત્રીને પોતાની ક્ષમતા, પોતાની શક્તિનો ખ્યાલ આવે તો એ અશક્યને પણ શક્ય કરી બતાવે છે.

સાંભળ્યું છે કે ફિલ્મ બનવામાં મોડું થયું ત્યારે ડિરેક્ટર કૃષે ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી હતી. એવામાં તમે ફિલ્મનો બાકીનો ભાગ ડિરેક્ટ કર્યો?

હા, ફિલ્મ બનવામાં કેટલાક કારણોસર મોડું થઇ રહ્યું હતું અને ડિરેક્ટર કૃષના એ પછીના કેટલાક કમિટમેન્ટ્સ હતા, જે આ ફિલ્મ મોડી થવાને લીધે અટકી પડ્યા હતા. જેના કારણે તેમણે અધવચ્ચેથી ફિલ્મ છોડવી પડી. એ વાત પણ સાચી છે કે આ ફિલ્મનો કેટલોક હિસ્સો મેં ડિરેક્ટ કર્યો છે, પણ તેની ક્રેડિટ હું લેવા નથી ઇચ્છતી. આ ફિલ્મમાં દરેકે ખૂબ મહેનત કરી છે, ખાસ કરીને ક્રિએટિવ રાઇટર્સની મહેનત પણ દેખા છે, એટલે આ અમારા સૌની ફિલ્મ છે.

તમે ન્યૂયોર્ક જઈને ડિરેક્શન, રાઇટિંગનો કોર્સ કર્યો હતો. ફિલ્મ `મણિકર્ણિકા – ધ ક્વિન ઓફ ઝાંસી’નો કેટલોક ભાગ શૂટ કરીને તમને ડિરેક્શનનો અનુભવ પણ થઈ ગયો. શું ભવિષ્યમાં કોઇ ફિલ્મો ડિરેક્ટ કરશો?

અત્યારે તો મારું એવું કોઇ પ્લાનિંગ નથી. મારું ધ્યાન માત્ર એક્ટિંગ પર છે. એક્ટિંગ જ મારું પેશન છે. હું એક્ટિંગને બાજુ પર રાખીને ડિરેક્શન કરવા નથી ઈચ્છતી. જો ભવિષ્યમાં કોઇ પ્લાનિંગ હશે તો જરૂર જણાવીશ.

ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇના પાત્ર ભજવવા માટે તમારે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડી?

હું જ્યારે કોઇ ફિલ્મ સાઇન કરું છું ત્યારે મારા પાત્રને સંપૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરું છું. પાત્રમાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. રાણી લક્ષ્મીબાઇની ભૂમિકા માટે પણ મેં એ રીતે તૈયારીઓ કરી, પણ આ પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરવી પડી. ઘોડેસવારી, તલવારબાજી શીખી, ઘણી બધી એક્શન પણ કરવી પડી. આ ફિલ્મના પહેલા દિવસના શૂટિંગમાં જ ચહેરા પર ઘા થયો હતો, લગભગ વીસ ટાંકા આવ્યા હતા. જોકે મેં અને અમારી ટીમે ખૂબ હાર્ડવર્ક કર્યું અને અમારી ફિલ્મ પૂરી કરી.

નારીકેન્દ્રિત ફિલ્મોની સફળતાની જવાબદારી અભિનેત્રીઓ પર હોય છે. તમારી પણ અનેક ફિલ્મોની જવાબદારી તમારા પર રહી. ફિલ્મ `મણિકર્ણિકા’ની સાથે પણ આવી જ સ્થિતિ છે. શું કહેશો?

સૌથી પહેલાં તો પ્રશંસા કરવા માટે આભાર, પણ હું આખી ફિલ્મની જવાબદારી મારા પર લેતી નથી. કોઇ પણ ફિલ્મ ટીમવર્કથી બને છે. જેમાં ડિરેક્ટર, એક્ટર, રાઇટર અને સ્પોટબોયનું પણ યોગદાન હોય છે. હા, મુખ્ય પાત્ર ભજવવાને લીધે હું વધારે જવાબદારી અનુભવું છું અને એવું થવું પણ જોઇએ. આ જ કારણસર હું દરેક ફિલ્મમાં મારા હન્ડ્રેડ પર્સન્ટ આપું છું.

તમારો સમાવેશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સાઇનિંગ અમાઉન્ટ લેનારી અભિનેત્રીઓમાં થાય છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આમિર, શાહરુખ, સલમાન અને અક્ષય જેવા કલાકારો સાથે કોઇ પણ ફિલ્મ નથી કરી શકી.

મારી દૃષ્ટિએ કોઇ પણ ફિલ્મનો હીરો એની વાર્તા હોય છે. મારી સાથે હીરો કોણ છે એનાથી મને કોઇ ફરક નથી પડતો. હું જ્યારે કોઇ ફિલ્મ સાઇન કરું છું ત્યારે સૌથી પહેલાં ફિલ્મની વાર્તા અને તે પછી મારા પાત્ર ઉપર વધારે ધ્યાન આપું છું. અત્યાર સુધી હું આ જ રીતે કામ કરતી રહી છું.

નવું વર્ષ શરૂ થઇ ગયું છે. આ વર્ષમાં શું આશા રાખો છો?

આશા તો એવી છે કે આ વર્ષ મારા માટે ખૂબ સફળતા અને ખુશીઓથી ભરપૂર હશે. આ વર્ષે મારી ત્રણ ફિલ્મો રીલિઝ થશે. એ ફિલ્મોના પ્રમોશન અને બાકીના કામમાં મારો સમય જશે. તે ઉપરાંત, આ વર્ષે મારો વિચાર મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો પણ છે. સતત કામમાં વ્યસ્ત હોવાને લીધે હું તેમને સમય આપી શકતી નથી.

થોડા સમય પહેલાં દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓએ પણ લગ્ન કરી લીધાં. કંગના ક્યારે લગ્ન કરવાની છે?

લગ્ન માટે હજી કોઇ પ્લાનિંગ નથી… `એ બંને એક્ટ્રેસીસ ખૂબ પ્રતિભાશાળી છે. દીપિકા અને પ્રિયંકાએ લગ્ન કરી લીધા છે એ વાતથી મને ખૂબ આનંદ થયો. મને પણ આવી રીતે થતાં લગ્ન ખૂબ ગમે છે. હું 25 વર્ષની હતી ત્યારે મારા મનમાં લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો અને મેં વિચાર્યું પણ હતું કે લગ્ન કરીને સેટલ થઇ જઇશ. જોકે અત્યારે 31 વર્ષની થઇ ગઇ હોવા છતાં હજી મારા મનમાં લગ્ન બાબતે કોઇ પ્લાનિંગ નથી. મેં તો આ બધું ઇશ્વર પર છોડી દીધું છે.

બોલિવૂડમાં નામ-પ્રસિદ્ધિ મેળવ્યા પછી હોલિવૂડમાં કોશિશ કરવાનો વિચાર કંગનાને નથી આવ્યો?

હોલિવૂડ માટે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નથી. બોલિવૂડમાં જ મને એટલા સારા પાત્રો ભજવવાની તક મળી રહે છે કે ક્યારેય હોલિવૂડમાં જવા અંગે વિચારવાનો સમય જ નથી મળ્યો. હા, ભવિષ્યમાં મને હોલિવૂડમાંથી કોઇ સ્ટ્રોન્ગ કેરેક્ટરની ઓફર મળશે તો ચોક્કસ ત્યાં અભિનય કરવા વિશે વિચારીશ.

Loading

Spread the love

Leave a Comment