એકલી રહેતી માતાને આર્થિક મદદ કરતી દીકરીને જ્યારે જમાઇ તરફથી કનડગત કરવામાં આવે, ત્યારે એ દીકરી શું કરે?
એક સમયે બેન્કમાં નોકરી કરી હોય અને પછી એવા સંજોગો સર્જાય કે ઘરે ઘરે ફરીને ગૃહોપયોગી વસ્તુઓ વેચીને સેલ્સવુમન તરીકે નોકરી કરવી પડે તો કેવી સ્થિતિ સર્જાય? સ્મિતાબહેન પાંત્રીસ વર્ષની ઉંમરે લોકોના ઘરે ફરી ફરીને પ્રોવિઝનની વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. વીસ વર્ષની ઉંમરે તેમના લગ્ન રમણિકભાઇ સાથે અમદાવાદમાં જ થયાં હતાં. શહેરમાં જ પિયરીયું અને સાસરીયું હોવાથી સ્મિતાબહેન ખુશ હતા કારણ કે તેમની માતા એકલાં જ રહેતાં હતાં. બે મોટા ભાઇ છે પણ તેઓ પોતપોતાના લગ્ન પછી જુદા રહેવા લાગ્યા હતા. સ્મિતાબહેન બેન્કમાં કલાર્કની નોકરી કરતાં હોવાથી તેઓ ઘરમાં અને ક્યારેક તેમની માતાને આર્થિક મદદ કરતાં.
લગ્નના બે વર્ષ પછી તેમને ત્યાં દીકરી જન્મી અને તેનું નામ ગોપી રાખ્યું. જીવન સારી રીતે પસાર થતું હતું, પણ રમણિકભાઇનો સ્વભાવ ધીમે ધીમે વિચિત્ર થવા લાગ્યો. સ્મિતાબહેન કહે છે, ‘મારી મમ્મીને હું મદદ કરું તે એમને ગમતું નહીં. બંને ભાઇઓએ સંબંધ તોડી નાખ્યો હતો એટલે મારી મા એકલી હોય તો એની જવાબદારી પણ મારી બની જ રહે ને, તે એમને ગમતું નહીં. ધીમે ધીમે મને અને ક્યારેક તો ગોપીને પણ વગર કારણે મારવા લાગ્યા. એક દિવસ મને એમણે ખૂબ મારી.
એ વખતે ગોપી દસ વર્ષની હતી, એ વચ્ચે આવી તો એને પણ મારવા લાગ્યાં. મારાથી એ સહન ન થતા મેં એમને માથામાં લાકડી ફટકારી દીધી. એમને લોહી નીકળતાં એ ઘરની બહાર જતાં રહ્યા અને લોકોને બૂમ પાડીને ભેગા કર્યા. આજુબાજુના લોકો પણ એમના સ્વભાવથી પરિચિત તો હતા જ. તેઓ વચ્ચે પડ્યા અને મને સમજાવીને મારા પિયર જતાં રહેવાની સલાહ આપી. હું મારી માતાને ત્યાં રહેવા આવી ગઇ અને પછી ત્યાંથી જ નોકરીએ જતી. મમ્મી મારી દીકરીને પણ સાચવી લેતા હતા.
એક વખત મારા પતિએ મારી ઓફિસે આવીને ધમાલ કરી અને એના પરિણામે મારે નોકરી ગુમાવવી પડી. એ વારંવાર મારી માતાના ઘરે આવીને પણ ગમેતેમ બોલતા અને સોસાયટીમાં તમાશો કરતા. મને ખૂબ શરમ આવતી હતી. નોકરી પણ નહોતી અને દીકરી અને માતા બંનેની જવાબદારી નિભાવવાની હતી. અનેક મુશ્કેલીઓ હતી. હું પિયર આવતી રહેવાથી એમનો અહ્મ ઘવાયો. એક દિવસ સવારમાં મારી મમ્મીના ધરે આવીને ખૂબ જ મોટો તમાસો કર્યો. દસથી બાર કલાક સુધી ઝગડો કર્યો. સોસાયટીના લોકો પણ ભેગા થયા, તેમણએ મારી નોકરીના સ્થળે તો મને બદનામ કરીને નોકરી વગરની કરી દીધી હતી. હવે તેમને મારી મમ્મીના ઘરે પણ લોકોની વચ્ચે અમને બદનામ કરી દેવા હતા. તમાશો વધતા આજુબાજુના વર્ષો જૂના પડોશીઓ વચ્ચે પડ્યા અને તેમને પોલીસમાં પડડાવી દેવાની ધમકી આપી. લોકોના ડરને કારણે તેઓ જતા રહ્યા પણ મારા મોઢા પર છુટાછેડા માટેના કાગળ ફેંકીને ગયા.
બાર વર્ષના લગ્નજીવનનો અંત આવતાં બાર કલાક જેટલો સમય માંડ લાગ્યો એવું કહીએ તો પણ ચાલે. પછી હું આઝાદ તો હતી પણ માતા અને દીકરીની જવાબદારી મારા પર હતી. સહેલીની મદદથી મને એક કંપનીમાં સેલ્સવુમનની નોકરી મળી અને છેલ્લા ત્રણ વર્ષથી હું એ નોકરી કરી રહી છું. જીવનમાં છાંયો પણ જોયો અમે હવે તડકામાં જીવી રહી છું, પણ હિંમત હારી નથી અને હારીશ પણ નહીં. મારી દીકરી પણ મારી સ્થિતિ સમજે છે અને એ પ્રમાણે જ જીવનના પાઠ શીખી રહી છે. મને આનંદ એ વાતનો છે કે આજે મારી માતા અને દીકરી બંનેને સારી રીતે રાખી શકું છું. જે કામ મારા ભાઇઓ ન કરી શક્યાં એ હું કરું છું.’ દિકરી મારા આંસુ લૂછે છે અને હિંમત વધારે છે. જ્યારે મારી માતાનો મને સહકાર મળી રહે છે જે જીવનમાં આગળ વધવામાં મદદરૂપ બને છે.
(પાત્રના નામ બદલ્યા છે)
મેધા પંડ્યા ભટ્ટ
Good