બોલિવૂડમાં છેલ્લા કેટલાય સમયથી બાયોપિક ફિલ્મોનો દોર પૂરજોશમાં છે. આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ પેડમેન રજૂ થઇ હતી. જે પદ્મશ્રી સન્માનિત સમાજ સેવક અરુણાચલમ્ મુરુગનાથમ્ પરથી બનેલી બાયોપિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં બોલિવૂડના સુપરહીટ મશીન કહેવાતા સુપરસ્ટાર અક્ષયકુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે આ વર્ષે અક્ષય કુમાર અન્ય અનેક બાયોપિક ફિલ્મોમાં જોવા મળશે. તે ઉપરાંત પણ કેટલીક બીજી બાયોપિક ફિલ્મો આ વર્ષે રજૂ થવા જઇ રહી છે. તો આ વર્ષે 2018માં આવનારી અને અન્ય કેટલીક ચર્ચાતી બાયોપિક ફિલ્મો પર એક નજર નાખીયે.

ગોલ્ડ

આ ફિલ્મ દેશના રાષ્ટ્રીય ખેલ હોકીના નેશનલ ખેલાડી બલબીર સિંહની બાયોપિક છે.  વર્ષ 1948માં  ભારતીય ટીમ દ્વારા જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો તેમાં ખેલાડી તરીકે બલબીર સિંહ હતા. તેમના જીવન પર આ ફિલ્મ બનવા જઇ રહી છે. ફિલ્મ રીમા કાગતી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. જેમાં બલબીર સિંહની મુખ્ય ભૂમિકા અક્ષય કુમાર ભજવવાના છે અને તેમની સાથે ટીવી એક્ટ્રેસ મૌની રોય ડેબ્યૂ કરવા જઇ રહી છે.

 

દત્ત

એક્ટર સંજય દત્તની બાયોપિકનું ડીરેક્શન દત્તના સૌથી લોકપ્રિય ડીરેક્ટર રાજકુમાર હિરાની કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તનું પાત્ર ભજવી રહ્યા છે. શૂટીંગ દરમિયાન લીક થયેલા ફોટાઓમાં રણબીર કપૂર એકદમ સંજય દત્ત જેવા જ લાગી રહ્યા છે. તેના કારણે ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. રણબીર આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.

 

મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી

કંગના રનૌતની આવનારી ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી આ વર્ષે 2018માં રીલીઝ થવા જઇ રહી છે. અત્યાર સુધીમાં મળેલી જાણકારી પ્રમાણે ફિલ્મની રીલીઝની તારીખ 27 એપ્રિલ 2018 નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા બાહુબલી અને બજરંગી ભાઇજાનના લેખક કે.વી.વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. જોકે પદ્માવત ફિલ્મ બાદ આ ફિલ્મ માટે પણ અત્યારથી વિવાદ શરૂ થઇ ચૂક્યો છે.

 

ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર સંજય બારૂ દ્વારા પુસ્તક લખવામાં આવ્યું છે, જેનું નામ ધ એક્સીડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર છે. જેના પરથી ફિલ્મ બની છે. તેમાં મુખ્ય પાત્ર અનુપમ ખેર ભજવી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષના 21 ડિસેમ્બર 2018ના રોજ રીલીઝ થઇ શકે છે. આ ફિલ્મના સ્ક્રિનપ્લે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમેકર હંસલ ભચેચ દ્વારા લખાયા છે.

 

સુપર 30

ફિલ્મ સુપર 30 ગરીબ બાળકો માટે કોચિંગ સેન્ટર ચલાવનાર સેન્ટર હેડ આનંદ કુમારની બાયોપિક છે. જેમાં તેમના સંઘર્ષના દિવસોથી લઇને રામાનુજ એવોર્ડ સુધીની સફરને દેખાડવામાં આવી છે. રસપ્રદ વાત તો એ છે કે જોધા અકબર ફિલ્મમાં બાદશાહ અકબરનું પાત્ર ભજવ્યા બાદ ઋત્વિક રોશન માટે આ બીજી તક છે કે તે કોઇ બાયોપિક ફિલ્મમાં જોવા મળશે.

 

મોગલ

આ ફિલ્મ માટે અક્ષય કુમાર પહેલી પંદગી છે. તો સાથે જ અક્ષય કુમાર પણ આ ફિલ્મનો ભાગ બનવા જઇ રહ્યા છે, તેથી તે ઘણા ખુશ છે. આ ફિલ્મ ટી-સિરિઝ કંપનીના સંસ્થાપક ગુલશન કુમારના જીવન પર આધારીત બાયોપિક ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર ગુલશન કુમારનું પાત્ર ભજવવા જઇ રહ્યા છે.

 

સાઇના

ડીરેક્ટર અમોલ ગુપ્તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને લઇને બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ પર બાયોપિક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જોકે આ ફિલ્મનું શૂટીંગ હજી સુધી શરૂ થયું નથી. જોકે આ પહેલા શ્રદ્ધા હસીના પારકરની બાયોપિક ફિલ્મમાં કામ કરી ચૂકી છે. જે બોક્સ ઓફિસ પર વધારે સફળ થઇ નહીં. એવું કહેવાય છે કે હાલમાં શ્રદ્ધાને ફેમસ બૈડમિન્ટન કોચ અને ખેલાડી ગોપીચંદ પુલેલા ટ્રેનિંગ આપી રહ્યા છે.

 

 

સૂરમા

ફેમસ હોકી ખેલાડી સંદીપ સિંહના જીવન પર બની રહેલી ફિલ્મ સૂરમામાં મુખ્ય પાત્રમાં એક્ટર અને સિંગર દિલજીત દોસાંગને જોશો. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ તાપસી પન્નુ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં બંનેનો પ્રેમ દેખાડવામાં આવશે અને સાથે જ રમત પ્રત્યેનું તેમનું ઝનૂન પણ જોવા મળશે. આ ફિલ્મને ડિરેક્ટર શાદ અલી બનાવી રહ્યા છે.

 

ઝલકી

નોબલ પુરસ્કાર વિજેતા અને સમાજ સેવક કૈલાશ સત્યાર્થીના જીવન પર બની રહેલી ફિલ્મ ઝલકીમાં અભિનેતા બોમન ઈરાની કૈલાસ સત્યાર્થીની ભૂમિકા ભજવશે, જેને 2014 માં નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જેમણે 144 દેશોના 83,000 થી વધુ બાળકોના હકોનું રક્ષણ કરવા માટે કામ કર્યું છે. આ ફિલ્મ એક નાની છોકરી છે જે એક બાળ મજૂર તરીકે કામ કરતી વખતે ખોવાઇ જાય છે. ફિલ્મનું દિગ્દર્શન ફિલ્મમકર બ્રહ્માનંદ એસ સિંઘે કરશે.

 

મન્ટો

નવાઝુદ્દીન સિદ્દીકીની કરીયરની ગાડી હવે ફુલ સ્પીડમાં છે, ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તે પહેલા કદાચ એવા કલાકાર હશે જે  તેની કરિયરમાં બીજી બાયોપિક ફિલ્મ કરી રહ્યા છે. માંજી – ધ માઉન્ટેન મેન તેમની પહેલી બાયોપિક હતી અને હવે વીસમી સદીના લેખકના જીવન પર આધારીત ફિલ્મ મન્ટો તેમની બીજી બાયોપિક ફિલ્મ છે. જે નંદીતા દાસ ડિરેક્ટ કરી રહી છે.

 

 

બોક્સ

કેટલીક ચર્ચાતી બાયોપિક ફિલ્મો

  • યુવા એન્ટરપ્રેન્યોર હરિનાથ સિંહ હવે ચંગિઝ ખાન પર બાયોપિક બનાવવાની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. તે ફિલ્મને ફક્ત ભારત પૂરતી જ નહીં પણ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. ફિલ્મ ખૂબ જ મોટા બજેટની રહેશે અને મેકર્સનું માનવું છે કે બાહુબલી ફિલ્મની જેમ જ લોકો તેને પસંદ કરશે.
  • હાલમાં શશિકલાને સુપ્રિમ કોર્ટે સજા કરી છે અને હવે તે 10 વર્ષ સુધી મુખ્યમંત્રી નહીં બની શકે તેવું જણાવ્યું છે. તેના જીવન પરથી એક એક્ટ્રેસ કેવી રીતે પોલીટીશિયન બની તે ફિલ્મ ડિરેક્ટર રામગોપાલ વર્મા બનાવવા જઇ રહ્યા છે.
  • એસ્ટ્રોનોટ કલ્પના ચાવલાના જીવન અને સ્પેસની દુનિયા પરની ફિલ્મ બનાવવામાં આવશે જેમાં પ્રિયંકા ચોપરાને મુખ્ય પાત્ર તરીકે લેવાશે.
  • જાણીતા શૂટર ખેલાડી અને ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રાના જીવન પર બાયોપિક બનાવવામાં આવશે. જેમાં અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર મુખ્ય પાત્ર ભજવશે.
  • ઇન્ડિયન એસ્ટ્રોનોટ રાકેશ શર્માના જીવન પર બાયોપિક બનશે. જેમાં આમિર ખાન મુખ્ય પાત્ર ભજવશે. દંગલમાં આમિરની દિકરીનો રોલ કરનાર ફાતિમા સના શેખ આ ફિલ્મમાં તેની પત્નીનું પાત્ર ભજવશે. આમિર ખાન અને સિદ્ધાર્થ રોય કપૂર આ ફિલ્મ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
  • અજય દેવગન હવે ઐતિહાસિક બાયોપિક ફિલ્મ કરશે. તે ફિલ્મમાં સુબેદાર તાનાજી મુસરેનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે ના પાત્ર પર આધારીત હશે. ઓમ રાઉતના નિર્દેશન હેઠળની આ ફિલ્મ 2019માં રીલીઝ થશે. તાનાજી ભારતીય ઇતિહાસના ગૂમનામ યોદ્ધાઓમાના એક છે. ફિલ્મમાં તાનાજી તેમના રાજા છત્રપતિ શિવાજી, માતૃભૂમિ અને લોકો માટે લડતા હતા. અહીં ખાસ વાત જણાવીશ કે, મહારાષ્ટ્રના ઇતિહાસમાં તાનાજી સિંહગઢના યુદ્ધ (1670)માં મુગલ સેનાને પરાષ્ત કરવા માટે જાણીતા રહ્યા છે.
  • હાલમાં જ સોનું સુદે કહ્યું હતું કે બેડમિન્ટન ચેમ્પિયન પી.વી.સિંધુ પર તે બાયોપિક બનાવશે કારણકે તે પહેલી મહિલા છે જે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને લાવી છે. આ ફિલ્મ માટે દિપીકા પાદુકોણેને પસંદ કરવામાં આવી છે.
  • ક્રિકેટર કપિલ દેવ પર બાયોપિક ફિલ્મ બનવા જઇ રહી છે, જેમાં રણવીર સિંહ મુખ્ય પાત્રમાં જોવા મળશે.
  • જાણીતી દોડવીર ખેલાડી પી.ટી.ઊષા પર પણ બાયોપિક બનવા જઇ રહી છે, જેમાં મુખ્ય પાત્ર તરીકે પ્રિયંકા ચોપરાને લેવાની ચર્ચા ચાલી રહી છે.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment