ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે એટલે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ કપડાં પહેરવા જરૂરી બની જાય છે. તેમાં પણ બદલાતી ફેશનની સામે અપડેટ રહીને હંમેશા કઇક નવા ડ્રેસીંગને સ્વીકારતી યુવતીઓ અને મહિલાઓને માટે વિન્ટરમાં કેવું ડ્રેસીંગ કરવું તેને લઇને તે ચિંતામાં મૂકાઇ જતા હોય છે. બદલાતી ફેશનનની દોડમાં દરેક વ્યક્તિને સ્ટાઇલિશ દેખાવું ગમે છે અને તેમાં પણ કોલેજ ગોઇંગ ગર્લ્સને વધારે અપડેટ રહેવું ગમતું હોય છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઊની કપડાંની ખરીદી લોકો કરે છે. જેમ જેમ ઠંડી વધતી જાય તેમ સ્વેટર, જેકેટ, કોટ, મોજા, સ્કાર્ફ, ટોપી, શાલ વગેરેની ફેશનના પ્રમાણમાં ખરીદી કરવાનું પસંદ કરવામાં આવે છે. દર વર્ષે ફેશનમાં પરિવર્તન થાય છે. શિયાળામાં ગરમ અને ઊની કપડામાં પણ વિવિધ વેરાયટીઝ જોવા મળે છે. પ્લેઇન કલરના જેકેટ્સ, ચેક્સવાળા ઓવરકોટ, સિંગલ કલરના સ્વેટર તો એવરગ્રીન છે. જોકે હવે તો મલ્ટીકલરના સ્કાર્ફ, સ્વેટર, ટોપી અને મોજા કોલેજ ગોઇંગ ગર્લ્સની પસંદગી હોય છે. માથાને પણ ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે સ્કાર્ફ, ટોપી અને સ્ટોલ જરૂરી બની ગયા છે. તે સિવાય લોંગ કોટ, લોંગ ઊની કે ડેનિમ સ્રગ વધારે ડિમાન્ડમાં છે. જોકે આ વર્ષે મલ્ટી કલરના જેકેટ, લોંગ કોટ અને મોજા પહેરવાની ફેશન વધારે પ્રચલિત બની છે.

 

સ્કાર્ફ

સ્કાર્ફ સ્ટાઇલિશ લુક પણ આપે છે અને ઠંડી સામે રક્ષણ મેળવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. કોલેજ જવા માટે, ફરવા જવું હોય કે ઓફસમાં કેઝ્યુઅલ દેખાવા માટે કે પછી કોઇ પ્રોફેશનલ મિટીંગમાં સ્કાર્ફ દરેક ડ્રેસ સાથે ફિટ બેસે છે. તમે સ્કર્ટ, જીન્સ અથવા અન્ય વેસ્ટર્ન ડ્રેસીસની સાથે મલ્ટીકલરના સ્કાર્ફ પહેરી શકો છો. બજારમાં મોટી સાઇઝના સ્કાર્ફ પણ મળે છે, જેનો ઉપયોગ દુપટ્ટા તરીકે કરી શકાય છે. સ્કાર્ફ વુલન, સિલ્ક અને કોટનવુલ મટિરિયલમાં ઉપલબ્ધ છે. તમે તમારા ડ્રેસીસની સાથે અલગ અલગ રીતે સ્કાર્ફ પહેરીને સ્ટાઇલીશ લુક મેળવી શકો છો. તેને ટ્વીસ્ટ કરીને ગળાના ભાગમાં વાળીને પહેરી શકાય છે. બે વિરુદ્ધ દિશામાં તેને ફેરવીને ગાંઠ મારીને પણ પહેરી શકાય છે. સામાન્ય દુપટ્ટા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ટાઇની જેમ પણ પહેરી શકો છો. જો ગ્લેમર લુક મેળવવો હોય તો કલરફુલ સ્કાર્ફને માથાની ફરતે બાંધી શકો છો.

મોજા, ટોપી, સ્ટોલ

મોજામાં સ્ટોકિન્સથી લઇને એન્કલ લેન્થ મોજા પહેરી શકો છો. એમાં પણ કોટન અને વુલન મટીરીયલ મળી શકે છે. એટલું જ નહીં આ મોજા હવે તો સુંદર પ્રકારની ડિઝાઇનમાં પણ જોવા મળે છે.  જો ઇચ્છો તો બૂટી એટલે કે બૂટ જેવા લાગતા મોજા ઘરમાં પહેરી શકો છો. માથાની ટોપી પણ અનેક પ્રકારની મળી રહે છે. જે હૂંફની સાથે ફેશનેબલ લુક આપે છે. જેમાં હાથની બનાવેલી સાધારણ ટોપીથી લઇને બ્રાન્ડેડ ડિઝાઇનર ટોપી સામેલ છે. જો વધારે ઠંડી હોય તો તમે ક્રોશિયોની ટોપી પણ પહેરી શકો છો. કોટ અને સ્વેટર બંને સાથે તે પહેરી શકાય. ક્યારેક શાલને બદલે સ્ટોલ પણ સ્ટાઇલિશ લુક આપે છે. અત્યારે બજારમાં વુલન, સિલ્ક અને કોટનના ખૂબ જ સુંદર સ્ટોલ ઉપલબ્ધ છે. જેને તમે વેસ્ટર્ન અને ટ્રેડીશનલ બંને ડ્રેસીસ સાથે પહેરી શકો છો. સ્ટોલનો ઉપયોગ તમે નેકના ફ્રન્ટમાં અને બેકમાં બંને તરફ પહેરીને કરી શકો છો.

સ્વેટર, કોટ

સ્વેટર અને કોટમાં પણ અવનવી સ્ટાઇલ જોવા મળે છે. જેમાં સ્વેટરમાં સામાન્ય કોટ સિવાય લોંગ કોટ, ફરવાળા કોટ, હાફલેન્થ મિડીયમ ફિટવાળા, ડેનિમ અને કોર્ડરોયના કોટ વગેરે પર પસંદગી ઊતારી શકો છો. તે સિવાય પુલોવર, જેકેટ્સ અને કફ્તાનની ડિઝાઇનમાં પણ તમને વિવિધતા મળી રહે છે. મોટાભાગે વુલનવેરમાં જોવા મળતા કલરમાં વાદળી, જાંબલી, લાલ, મરૂન, ગુલાબી અને મર્જન્ડા જેવા રંગના કોટ અને સ્વેટરને વધારે પસંદ કરવામાં આવે છે. લેધર જેકેટ્સમાં રેડ, વ્હાઇટ, બ્રાઉન, બ્લેક, ગ્રે અને બ્લ્યુ કલર વધારે ડિમાન્ડમાં છે.

 

વિન્ટરમાં સ્ટાલિશ લુક 

ડિઝાઇનર જીજ્ઞા શાહ કહે છે કે, આ વખતે યંગ ગર્લ્સમાં સ્કર્ટ, પ્લાઝો અને હાઇ વેસ્ટ પેન્ટ્સની સાથે જેકેટ્સ વધારે સ્ટાઇલિશન લુક આપશે અને પહેલી પસંદગીમાં પણ રહેશે. સાથે જ રિવર્શિબલ જેકેટ્સ વધારે ડિમાન્ડમાં છે. વિન્ટર વેરમાં આજકાલ અવનવા સ્વેટર, વિન્ડ ચીટર, પૂલઓવર વગેરે મળે છે અને તેને પહેરીને તમે કોલેજ, ઓફિસ કે પાર્ટીમાં સ્ટાઇલીશ લુક મેળવી શકો છો. જીન્સ ઉપર બંધ ગળાનું સ્વેટર કે જેકેટ પહેરી શકાય છે. નોકરીયાત યુવતીઓ અને મહિલાઓ પણ ઓફિસમાં કેવા વિન્ટરવેર પહેરવા તેનું ખાસ ધ્યાન રાખે છે. જીન્સની સાથે ફક્ત સ્વેટર જ નહીં પણ કોટ અને લેધર જેકેટ્સ પણ શોભે છે. શિયાળામાં પહેલા જે રેગ્યુલર સ્વેટર કે સ્કાર્ફ પહેરવામાં આવતા તેના બદલે હવે સ્ટાઇલિશ લુક આપતા સ્વેટર, કોટ સ્ટાઇલ, પૂલોવર, ડેનિમ જેકેટ, પોન્ચૂ, વિન્ડચિટર તેમજ સ્કાર્ફની જગ્યાએ સ્ટોલ વધારે પસંદ કરે છે. ઓફિસમાં યુવતીઓ પેન્ટ કે જીન્સની સાથે કોટ પહેરી શકે છે અથવા ફ્લેનલ મટીરીયલમાંથી બનેલા ચૂડીદાર, કુર્તા કે કોટ પહેરી શકે છે. ફ્લેનલ મટીરીયલ હળવું અને ગરમ કાપડ છે. જે દેખાવમાં સ્ટાઇલિશ પણ લાગે છે. ઠંડીની ઋતુમાં લગ્નમાં કે પાર્ટીમાં જવાનું હોય તો બજારમાં ડિઝાઇનર વુલનવેર્સ પણ મળે છે. વિન્ટર વેર સેફ હોવાની સાથે કમ્ફર્ટેબલ પણ હોય છે. આ વખતે પ્યોર વુલનની સાથે સેમી વુલનનું ચલણ પણ વધુ જોવા મળે છે. તો હવે શિયાળાની ગુલાબી ઠંડીની સાથે તમે પણ સ્ટાઇલિશ વિન્ટર વેર દ્વારા તમારો લુક ચેન્જ કરી લો.

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment