એકધારી ઘરેડ કરતાં કંઇક અલગ કામ કરવા માટે સ્વરા ભાસ્કર જાણીતી છે. `લિસન અમાયા’, `નિલ બટે સન્નાટા’, `અનારકલી ઓફ આરા’ જેવા અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મોમાં એણે સારી ભૂમિકાઓ ભજવી છે. તે સાથે જ એણે `તનુ વેડ્સ મનુ’, `તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને `વીરે દી વેડિંગ’ જેવી કોમર્શિયલ ફિલ્મો પણ કરી છે. સ્વરા ભાસ્કર ભલે બોલિવૂડની એ ગ્રેડની હિરોઇન ન હોય, પણ પોતાના અભિનયથી એણે આગવી ઓળખ તો ઊભી કરી જ છે. અલગ અલગ જોનરની ફિલ્મો કરવાની સાથે સાથે એ વેબ સિરીઝ પણ કરી રહી છે. ફિલ્મો ઉપરાંત, સ્વરા વેબ સિરીઝમાં પણ અભિનય કરી રહી છે. આજકાલ એ એક વેબ સિરીઝ `ઇટ્સ નોટ ધેટ સિમ્પલ’ સીઝન 2 અંગે ચર્ચામાં છે. નારીપ્રધાન આ વેબ સિરીઝમાં કામ કરીને સ્વરા ખુશ છે. તાજેતરમાં સ્વરા સાથે વેબ સિરીઝ `ઇટ્સ નોટ ધેટ સિમ્પલ’ સિઝન-2 અને સ્વરા વેબ સિરીઝ કેમ કરી રહી છે? કોમર્શિયલ ફિલ્મોમાં એની કરિયરને કેટલો લાભ મળી રહ્યો છે? બિન્દાસ્ત સ્ટેટમેન્ટ વિશે ઊભી થતી મુશ્કેલીઓ અંગે શું કહેવું છે સ્વરા ભાસ્કરનું તે તેની પાસેથી જ જાણીયે.
તમારું નામ બોલિવૂડમાં જાણીતું છે, ફિલ્મો પણ હિટ નીવડે છે. એવામાં વેબ સિરીઝ કરવાનું શું કારણ?
વેબ સિરીઝ `ઇટ્સ નોટ ધેટ સિમ્પલ’નું નિર્માણ વાયકોમ 18ની કંપની વૂટ કરી રહી છે. તેનું સ્ટાન્ડર્ડ ઘણું ઊંચું છે. વળી, આજકાલની જનરેશન જૂના જમાનાની વાર્તાઓ જોવા નથી ઇચ્છતી. એવામાં તેઓ વેબ સિરીઝ ખૂબ હોંશભેર જુએ છે. તેથી આ એક મોટું માધ્યમ બની ગયું છે. `ઇટ્સ નોટ ધેટ સિમ્પલ’ વેબ સિરીઝની પહેલી સિઝન 2016માં રિલીઝ થઇ હતી, જે ખૂબ લોકપ્રિય બની હતી. મારા માટે પણ એક સ્ટ્રોંગ રોલ અને વાર્તા ખૂબ મહત્વનાં હોવાથી મેં તે સ્વીકારી.
વેબ સિરીઝની વાર્તા અને તમારી ભૂમિકા શું છે?
વેબ સિરીઝની વાર્તા મીરા નામની સ્ત્રીની છે. મીરાનાં લગ્ન એવા માણસ સાથે થયા જેના માટે એ દરેક રીતે મિસફિટ છે. મીરા શહેરમાં રહેનારી, સુશિક્ષિત અને સ્વતંત્ર મહિલા છે, પણ એનાં દાંપત્યજીવનમાં ખૂબ દુઃખી અને પરેશાન છે. ઘણી વાર વિચારે પણ છે કે એ આ સંબંધને કેમ ખેંચી રહી છે. એક તબક્કે મીરાં ઇચ્છે છે કે નવો સંબંધ બાંધી લે. શું બને છે મીરાના જીવનમાં. સમસ્યાઓ વધે છે કે ઘટે છે. આ જ સિચ્યુએશનની આસપાસ વેબ સિરીઝની વાર્તા વણાયેલી છે.
મીરાના પાત્રને કેવી રીતે જુવો છો?
આ પાત્ર સાથે સહેલાઇથી રિલેટ થઇ શકાય છે. આપણા સમાજમાં પુરુષ જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે ત્યારે તેને ભૂલીને માફ કરી દેવામાં આવે છે, પણ જો કોઇ મહિલા પોતાની માનસિક જરૂરિયાતો માટે કોઇ પુરુષ સાથે રેસ્ટોરાંમાં જઇને કોફી પીએ તો ચર્ચાનો વિષય બની જાય છે. આ ભેદભાવ સિવાય બીજું શું છે. આ વેબ સિરીઝના રાઇટર ચારુદત્ત આચાર્ય છે. આ વાર્તા મને ખૂબ ગમી. સુમિત વ્યાસ, પૂરબ કોહલી વેબ સિરીઝમાં મારા કો-સ્ટાર્સ છે.
તમે ફિલ્મો ઉપરાંત પણ અનેક મુદ્દાઓ પર મત ધરાવો છે. આના લીધે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના વિશે શું કહેવું છે?
મેં મારી ઇમેજ જાણી જોઇને નથી બનાવી. હું તો સ્કૂલ-કોલેજના દિવસોથી આવી જ છું. તમે સૌએ જોયું હશે કે મારી સ્પષ્ટ વાતોને લીધે હું ટ્રોલ થઇ છું. મારા પરિવારજનોને ચિંતા થાય છે. બોલિવૂડમાં જે મારા હિતેચ્છુઓ છે તે મને સમજાવે છે કે મારે મારી વાણી પર નિયંત્રણ રાખવું જોઇએ જેથી વિવાદનો વિષય ન બનું. તેઓ મને કહે છે કે તારી પ્રામાણિકતાથી સમાજ માત્ર એક રાતમાં બદલાવાનો નથી. તારા પર હુમલો થઇ શકે તેની કોને ખબર પડવાની છે. હું આ વાતોને ક્યારેય ગંભીરતાથી નથી લેતી. કાયમ મારો મત જણાવું છું.
ફિલ્મ `વીરે દી વેડિંગ’ ની સફળતાનો કેટલો લાભ મળ્યો છે?
ફિલ્મ `વીરે દી વેડિંગ’ની સફળતાનો લાભ અમને સૌને ઘણો મળ્યો છે. જો ફિલ્મ ફ્લોપ થઇ હોત તો દરેકના માટે ખરાબ થયું હોત. ફિલ્મ તો ટીમ વર્કના આધારે જ ચાલે છે. એ પછી ફિલ્મની ઓફર્સની વાત કરું તો અત્યારે એવો સમય નથી કે તમારી પાસે ડઝન ફિલ્મોની ઓફર્સ હોય. હવે સૌ ગણતરીની ફિલ્મો જ કરે છે. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીનું મહત્વ વધારે હોય છે. હું પણ મારી જાતને રિપીટ ન કરું એમ ઇચ્છું છું.