અલંકાર કે આભુષણો પહેરવાની પ્રથા સ્ત્રી પુરુષ બંનેમાં પ્રચલિત છે. જોકે સૌથી વધુ ઉપયોગ તો સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રીઓનો આભુષણો પ્રત્યેનો પ્રેમ આજકાલનો નથી, પરંતુ ખૂબ જ પ્રાચીનકાળથી ચાલ્યો આવે છે.

પ્રાચીન અલંકારો

અલંકારો કે આભુષણોનો ઉદ્દેશ્ય શરીરનું સૌંદર્ય વધારવાનું જ છે એટલે જ પ્રાચનીકાળથી જ સ્ત્રીઓ પોતાનું શરીર પુષ્પ, ચિત્ર-વિચિત્ર પચ્થરો તેમજ શંખલા, છીપલા, કોડીઓ તેમજ નાના પ્રાણીઓના કોમળ હાડકાંઓના તથા પક્ષીઓના પીંછાઓના અલંકારો અને આભુષણોથી શણગારતી હતી. આવા આભુષણો તેઓ ગળામાં, માથા પર, કેડ પર પહેરતા. તે વખતના આભુષણો આજના આભુષણો જેવા ફેશનેબલ કે કિંમતી નહોતા. જ્યારે આજે તો એક એકથી ચઢીયાતા અને એક જુઓ ને બીજુ ભૂલો એવી ડિઝાઇનવાળા આભૂષણો બજારમાં ઉપલબ્ધ છે. જોકે હવે તો કોડી, છીપલાં અને રુદ્રાક્ષની ફેશન પાછી આવી ગઇ છે.

બીજા કરતા મારા આલંકારો કે આભુષણો ચઢિયાતા જ હોવા જોઇએ, એ સિદ્ધાંત અનુસાર અલંકારો હાંડકા-પત્થરો જેવા સુલભ પદાર્થો સિવાય ધીમે ધીમે કાંસા, પિત્તળ, પ્લેટીનમ, નીલમ, મોતી, પન્ના, હીંરા કે સોના-ચાંદી-રૂપાના બનવા લાગ્યા. કારીગરોની કારીગરીના વિકાસની સાથે સાથે ઘરેણા બનાવવાની રીત અને તેની ફેશનોમાં પણ અમુલ પરિવર્તન આવ્યું છે.

અલંકારોનો વ્યવહાર ખૂબ જ પ્રાચીન છે. રામાયણ, મહાભારત વગેરેમાં કિરીટ, કવચ, કુંડળ, બલૈયું વગેરે આભુષણો જોવા મળે છે. તે સમયના આભુષણો કેવા હતા તે આપણે સિરિયલો દ્વારા જોઇ શકીયે છીએ. વૈદીક કાળ સમયે પોશાક માત્ર બે કે ત્રણ વસ્ત્રોનો જ હતો, પણ સોના-ચાંદીના આભુષણો ખૂબ જ પહેરવામાં આવતા.

સ્ત્રી-પુરુષો બંને એ પહેરતા. પુરુષો પણ નાક-કાન વિંધાવતા અને ગળામાં, કેડમાં અને કમરમાં આભુષણો પહેરતા. અજન્ટા અને બૌદ્ધ ગુફાઓની ભીંતો પરની મૂર્તિઓના અલંકારો માત્ર દક્ષિણની જ નહીં, પરંતુ સમસ્ત ભારતની શિલ્પકલાનું ઉદાહરણ છે. પ્રાચીન સમયમાં અલંકારો ખૂબ જ મોટા અને વજનમાં ખૂબ જ ભારે હતા. તેમાં કલા-કારીગરીની સાથે સાથે તેની બાંધણી અને આકાર પણ ખૂબ આકર્ષક હતા. એ વખતના અલંકારો પોલા અને નક્કર એમ બે પ્રકારના હતા.

અલંકારોની રચના ખાસ તો સૌંદર્ય વધારવાની છે. અલંકારો શિર, લલાટ (કપાળ), કાન, નાક, ગળુ, હાથ-પગ, તેની આંગળીઓ, પંજો, પહોંચો. કમર, પગનું કાંડુ. ચોટલામાં પહેરાય છે. જેમાં ગળુ, કાન અને હાથ-પગનું સ્થાન મુખ્ય છે. એટલું જ નહીં પરંતુ તે સ્થાન પરના અલંકારો અનેક સદીયોથી કાયમ રહ્યા છે, જ્યારે બીજા અંગો માટે તેમ થયું નથી. કાનમાં છેદ પાડીને અલંકારો પહેરવાની પ્રથા ખૂબ જૂની છે. પહેલા કર્ણફૂલ, ઝૂમકા વગેરે આભૂષણો કાનને સજાવતા. કમર પર પડેલા અનેક આભૂષણો પહેરાતા, સ્ત્રીઓ મસ્તક પર ભારોભાર અલંકારો પહેરતી, પરંતુ જેમ જેમ જમાનો બદલાયો તેમ તેમ આભૂષણો ભૂલાતા ગયા. જોકે જેકો મોતીના સેટ, કુંદન સેટ, સ્ટોન અને હીરાના સેટની પ્રથા પણ વર્ષો સુધી ચાલી.

આજના અલંકારો

હાલની આપણી અલંકાર રચના પ્રાચીન ઢબની નથી. તેમાં ફ્રાન્સ, ઇજીપ્ત, આંગ્લ અને બીજા દેશોની રચનાનો સમન્વય જોવા મળે છે. જેમ જેમ વિવિધતા-ફેશન અને કારીગરીનો સ્પર્શ થતો ગયો તેમ તેમ અલંકારોમાં દેશ-વિદેશની કલાઓ પ્રવેશતી ગઇ છે.

વિવિધ જાતીઓમાં ઘરેણામાં વિવિધતા

આજની યુવતીઓને કેડ પરના સાંકળી-મેખલા (કમર-મેખલા), લલાટ પર દામણી છે, બંધી છે, પગે સાંકળા પહેરવા ગમતા નથી. જ્યારે ગળા-હાથ-પગ-કાન પરના અલંકારો કાયમી ધોરણે રહેવાના જ છે. જોકે તેમા ફેશનમાં ફેરફાર અને સાદગી જરૂરથી જોવા મળી રહી છે. તો પણ તે પહેરનારની શોભામાં અભિવૃદ્ધી જરૂરથી કરે છે. માથા માટેના પણ અનેક આભૂષણો છે. તેમાં મારવાડની બહેનોમાં મોતીની માળા, દામણી અને બોર પહેરવાની પ્રથા આજેપણ જોવા મળે છે. નાકના આભૂષણોવાળી ચૂની, નથણી, જડ વગેરે મુખ્ય છે. મદ્રાસી બહેનો નાકની બંને જુએ ચૂની પહેરે છે. કાનમાં પણ છેદ પાડીને અલંકાર પહેરવાની પ્રથા ખૂબ વર્ષો જૂની છે. કાન આકર્ષક અંગ છે. લટકણીયા, બુટ્ટીઓ, એરીંગ, લવિંગો બજારમાં મળે છે. હાલમાં લટકણીયાઓની પ્રથા ખૂબ ચાલે છે. ઝૂમ્મર આકારની ગોળ રીંગોની ડિઝાઇનોવાળા, ત્રિકોણાકાર ચિન્હોવાળા લટકણીયાએ માત્ર હિન્દુ બહેનો જ નહીં બંગાળી, પંજાબી, પારસી, ખોજા, મુસલમાન, મરાઠી બહેનોમાં પણ પ્રચલિત બન્યા છે.

આજના સમયની ફેશન અલગ

આજે હવે ફેશનની વિવિધતાની સાથે અલંકારોમાં વિવિધતા જોવા મળે છે. સ્ટોન, કુંદન, મોતી, સોનું, ચાંદી, હીરા, મોતી, ઉન, દોરી વગેરેના આભૂષણો જોવા મળે છે. જોકે હવે પહેલાની જેમ લોકો સંપૂર્ણ દાગીના પહેરવાનું પસંદ કરતા નથી. ક્યારેક ફક્ત કાન કે ગળામાં તો ક્યારેક ફક્ત કાનમાં જ હેવી બુટ્ટીઓ જોવા મળે છે. હવે પગની ઝાંઝરીના બદલે સિંપલ એન્કલેટ જોવા મળે છે. હાથમાં અનેક પ્રકારની બંગડીઓને બદલે સિંપલ બ્રિસલેટ જોવા મળે છે. ગળામાં ભારે હારના બદલે સિંપલ ચેન જોવા મળે છે. ભારે વજનના સેટ હવે ફક્ત પ્રસંગોપાત જ જોવા મળે છે. જોકે ઐતિહાસિક ફિલ્મો અને ટીવી રિયલોમાં જે પ્રકારના ભારે સેટ પહેરેલા જોવા મળે છે, તેનાથી આકર્ષાઇને પણ લોકો જૂના સમયના અલંકારો પર પસંદગી ઊતારે છે. જોકે જૂના સમયની ડિઝાઇનમાં નવી ફેશનનો ટચ પણ આભૂષણને આકર્ષક બનાવી દે છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment