ઐતિહાસિક ફિલ્મો બોલિવૂડ બોક્સ ઓફિસ પર હંમેશા ધૂમ મચાવે છે. ફિલ્મના વિષયથી લઇને ફિલ્મ રજૂ થાય ત્યાં સુધી તેના વિશેની માહિતી સતત આવતી રહે છે. કહેવાય છે કે ફિલ્મો સમાજનું જ પ્રતિબિંબ હોય છે. આ પ્રતિબિંબ વડે જો સમાજને વધારે સારી રીતે જાણવાનો પ્રયત્ન કરવો હોય તો તેના ઇતિહાસમાં ડોકીયું કરવું પડે છે. ભારતીય સમાજમાં ત્રણ પ્રકારની ફિલ્મો બને છે. પહેલી વ્યાવસાયિક ફિલ્મો જે ફક્ત પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. બીજા પ્રકારની જે ફિલ્મો બને છે, તે કલા પ્રદર્શિત ફિલ્મો હોય છે, જેમાં સમાજનું ચરિત્ર ચિત્રણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવે છે. જે અવોર્ડ વિનિંગ ફિલ્મો હોય છે. આ બધાથી અલગ ત્રીજા પ્રકારની ફિલ્મો હોય છે, જે આપણા ભૂતકાળ તરફ આપણને દોરીને લઇ જાય છે. આ પ્રકારની ફિલ્મો વધારે લોકપ્રિય થાય છે કારણકે જે વિષયોને રચનાકાર પસંદ કરે છે, તે વિષયોની જાણકારી દર્શકોને હોય છે. તેથી ઇતિહાસ આધારિત ફિલ્મો પર દર્શકો પોતાની પ્રતિક્રિયા પણ ઝડપથી આપે છે. હાલમાં બોલિવૂડમાં ઐતિહાસિક ફિલ્મો વધારે બની રહી છે. આવનારા સમયમાં ઘણી ફિલ્મો બનવા જઇ રહી છે. હાલમાં તો ફ્લોર પર પદ્માવતી, તાનાજી – અનસંગ વોરીયર, ધ – મગધ ફિલ્મો ઇતિહાસના અનેક પાસાઓને દર્શકો સમક્ષ ખોલશે.
શરૂઆતના સમયની સફળ ફિલ્મો
બોલતી ફિલ્મોની શરૂઆત જ ડ્રામા ફિલ્મ આલામઆરાથી થઇ હતી. આ એક રાજકુમારીની પ્રેમકહાણી હતી. મિનર્વા મુવીટોન ના માલિક અને અભિનેતા તેમજ નિર્દેશક સોહરાબ મોદી માટે તે મીલના પથ્થર સમાન સાબિત થઇ. સોહરાબ મોદીએ અનેક ઐતિહાસિક ફિલ્મો બનાવી જેમાં પુકાર, સિકંદર, પૃથ્વીવલ્લભ અને ઝાંસી કી રાનીનો સમાવેશ થાય છે. ઝાંસી કી રાની ભારતની પહેલી ટેક્નીકલર ફિલ્મ હતી. જોકે બોલિવૂડે મુગલકાળની અનેક ફિલ્મો બનાવી છે. જેમાં અકબર, જહાંગીર અને શાહજહાં પસંદગીના પાત્ર સાબિત થયા હતા.
મુગલ-એ-આઝમે તે સમયે ઇતિહાસ રચ્યો હતો. અકબરના દિકરા જહાંગીરના અનારકલી સાથેના પ્રેમ પર આધારીત બનેલી ફિલ્મ અનારકલી અને મુગલ-એ-આઝમ બંને હિટ સાબિત થઇ હતી. અનારકલી ફિલ્મ 1953માં બની, જેમાં શહેજાદા સલીમનું પાત્ર પ્રદીપ કુમારે ભજવ્યું હતું અને બીના રાય નાદીરા એટલે કે અનારકલીના પાત્રમાં હતી. તે પછી 1960માં મુગલ-એ-આઝમ બની જેમાં દિલિપ કુમાર અને મધુબાલાની જોડી સલીમ અને અનારકલી તરીકે જોવા મળી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી અને તેને રંગીનમાં બનાવીને ફરીથી રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા અનારકલીનું કાલ્પનિક ચરિત્ર સેલ્યુલાઇઝ્ડ પર જીવંત અને અમર થઇ ગયું.
એક જ નામથી બે વાર બનેલી ફિલ્મો
આ ઉપરાંત કેટલીક ફિલ્મો તો બે વાર બની. જેમાં તાજમહલ 1963માં ફિલ્મ બની. જેમાં શાહજહાંના પાત્રમાં પ્રદીપ કુમાર અને મુમતાઝના પાત્રમાં બીના રાય હતા. જ્યારે શહેનશાહ જહાંગીરના પાત્રમાં રેહમાન અને નૂરજહાંના પાત્રમાં વીણા હતી. આવી જ ફિલ્મ તાજમહલ 2005માં પણ બની. જેમાં શાહજહાં કબીર બેદી, મુમતાઝ તરીકે સૌનયા જેહાન, ઔરંગઝેબના પાત્રમાં અરબાઝ ખાન અને નૂરજહાંના પાત્રમાં પૂજા બત્રા હતી. તાજમહલની મુમતાઝ મહલ શૌહર શાહજહાં દ્વારા તેની યાદમાં બનાવાયેલા તાજના કારણે અમર થઇ ગઇ. બીજી ફિલ્મ રઝીયા સુલતાન પણ બે વખત બની હતી. કમલ અમરોહીની 1983માં બનેલી ફિલ્મ જેમાં હેમા માલિની અને ધર્મેન્દ્ર તેમજ પરવીન બાબી હતા. જે દિલ્હીની સુલ્તાન રઝીયા પર આધારીત હતી. આ ફિલ્મમાં રઝીયા અને તેના ગુલામ યાકુબના પ્રેમને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ પહેલા 1961માં દેવેન્દ્ર ગોયલે પણ ફિલ્મ રઝીયા સુલતાન બનાવી હતી. ફિલ્મમાં નિરૂપા રોયે રઝીયા અને કામરાને યાકુબનું પાત્ર ભજવ્યું હતું.
આસુતોષ ગોવારીકર – સંજય લીલા ભણસાલી
છેલ્લા કેટલાક સમયની વાત કરીયે તો આસુતોષ ગોવારીકરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ જોધા – અકબર ખૂબ જ સફળ રહી હતી. જેમાં ઐશ્વર્યા અને ઋતિકની જોડીને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી. ફિલ્મની શરૂઆત એક યુદ્ધથી થાય છે અને તેમાં જ ફિલ્મની ભવ્યતાનો અંદાજો લગાવી લેવામાં આવે છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ અકેડમી પુરસ્કાર (આઇફા) સમારોહમાં પણ આ ફિલ્મ છવાયેલી રહી હતી. તેણે જૂદી જૂદી કેટેગરીમાં આઠ એવોર્ડ મેળવ્યા હતા. આસુતોષ ગોવારીકરે ઘણા સમય પછી ફરીથી ઋતિક રોશન સાથે ફિલ્મ મોહેંજો-દરો બનાવી. જેમાં હડપ્પા સંસ્કૃતિ – સભ્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂજા હેગડે અને ઋતિકે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી.
જોકે બાજીરાવ – મસ્તાની ફિલ્મને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. સંજય લીલા ભણસાલી છેલ્લા કેટલાય વર્ષોથી આ ફિલ્મ બનાવવા પાછળ મહેનત કરી રહ્યા હતા. આ ફિલ્મમાં પહેલા સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીને લઇને ફિલ્મ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સલમાન અને ઐશ્વર્યાને એકબીજા સાથે મનભેદ હોવાના કારણે ફિલ્મ બંધ પડી હતી. અંતે તેમની ખોજ દિપિકા પાદુકોણે, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા પર અટકી. આ ફિલ્મે સફળતાનો નવો જ ઇતિહાસ રચ્યો. દિપિકા અને રણવીરને આ ફિલ્મ માટે અનેક એવોર્ડ પણ મળ્યા. હવે સંજય લીલા ભણસાલી પદ્માવતી ફિલ્મ લઇને આવી રહ્યા છે. જેમાં દિપિકા પાદુકોણે, શાહીદ કપૂર અને રણવીર સિંહ જોવા મળશે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલર ખૂબ જ ચર્ચામાં છે. જોકે ફિલ્મના શૂટીંગ દરમિયાન તે સતત કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલી રહી હતી પણ અંતે ભણસાલી ડિસેમ્બરમાં આ ફિલ્મ થિયેટરમાં લઇને આવી રહ્યા છે.
પહેલા પણ બની ચૂકી છે પદ્માવતી
અહીં એક વાતનો ખાસ ઉલ્લેખ અને જાણકારી આપીશ કે ઇતિહાસ આધારિત ફિલ્મો બનવાની શરૂઆત 1924થી થઇ હતી. જેમાં બાબુરાવ પેંટરની ડિરેક્ટ કરેલી ફિલ્મ સતી પદ્મીની પહેલી ઇતિહાસ આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મ 24મી સદીની મહારાણી પદ્માવતી હતી. જેની એક ઝલક દિલ્હીનો સુલતાન અલાઉદ્દીન ખિલજી જોઇ લે છે અને તેને મેળવવા માટે ચિત્તોડ પર આક્રમણ કરે છે. ખિલજી રાજપુતોને તો હરાવી જ દે છે પણ પદ્માવતી તેના હાથમા આવે તે પહેલા જ સતી થઇ જાય છે. આ ફિલ્મને તે સમયે ઇગ્લેંડમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. તે સમયે બનેલી પદ્માવતી પરની આ એક મૂંગી ફિલ્મ હતી.
નિષ્ફળ રહેલી ફિલ્મો
સમ્રાટ અશોકના જીવન પર આધારિત ફિલ્મ અશોકા 2001માં બની. જેમાં શાહરૂખ ખાન અશોકના પાત્રમાં અને કરીના કપૂર કૌરવકીના પાત્રમાં હતા. આ ફિલ્મમાં બંનેની પ્રેમની વાર્તાને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મને દર્શકોએ વધારે પસંદ ન કરી. તે જ રીતે ગોલ્ડી બહલની ફિલ્મ દ્રોણા જેમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા જેવા લોકપ્રિય ચહેરા હોવા છતાંય દર્શકોએ ફિલ્મ પસંદ ન કરી. 2005માં આવેલી આમિર ખાનની ફિલ્મ મંગલ પાંડે પણ ખૂબ ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. તે સમયે નિર્માતાઓને ઐતિહાસિક ફિલ્મો ન બનાવવી જોઇએ તેવું વાતાવરણ સર્જાયું હતું.
આવનારી ઐતિહાસિક ફિલ્મો
અજય દેવગન દ્વારા ટ્વીટર પર તાનાજી – ધ અનસંગ વોરીયરના પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં ભરપૂર એક્શન જોવા મળશે. ફિલ્મ મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે ના પાત્ર પર આધારીત હશે. ઓમ રાઉતના નિર્દેશન હેઠળની આ ફિલ્મ 2019માં રીલીઝ થશે. અભિનેતા અજય દેવગને તેમની આ ફિલ્મ વિશે ટ્વીટર પર જાણકારી મૂકી દીધી છે. આ ફિલ્મના પોસ્ટરમાં તલવારની ઢાલ વડે પોતાનો ચહેરો છૂપાવતા જોવા મળે છે. પોસ્ટરમાં અજયનો ચહેરો દેખાતો નથી પણ પોસ્ટર જોઇને લાગે છે કે ફિલ્મમાં એક્શન વધારે છે. અજય દેવગણે ટ્વીટર પર જણાવ્યું છે કે, હું આ ફિલ્મમાં સુબેદાર તાનાજી મુસરેનું પાત્ર ભજવી રહ્યો છું. તાનાજી ભારતીય ઇતિહાસના ગૂમનામ યોદ્ધાઓમાના એક છે. ફિલ્મમાં તાનાજી તેમના રાજા છત્રપતિ શિવાજી, માતૃભૂમિ અને લોકો માટે લડતા હતા. અહીં ખાસ વાત જણાવીશ કે, મહારાષ્ટ્રના ઇતિહાસમાં તાનાજી સિંહગઢના યુદ્ધ (1670)માં મુગલ સેનાને પરાષ્ત કરવા માટે જાણીતા રહ્યા છે.
હાલમાં ફિલ્મ પદ્માવતી ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના કલાકારોમાં દિપિકા પાદુકોણે, શાહિદ કપૂર અને રણવીર કપૂરના પોસ્ટર રજૂ થયા બાદ લોકો પાત્રને લઇને ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. તે સિવાય અન્ય બે ફિલ્મોની માહિતી પણ જાણવા મળી છે, જેમાં યુવા એન્ટરપ્રેન્યોર હરિનાથ સિંહ હવે ચંગિઝ ખાન પર બાયોપિક બનાવવાની તૈયારી શરૂ કરી ચૂક્યા છે. તે ફિલ્મને ફક્ત ભારત પૂરતી જ નહીં પણ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. ફિલ્મ ખૂબ જ મોટા બજેટની રહેશે અને મેકર્સનું માનવું છે કે બાહુબલી ફિલ્મની જેમ જ લોકો તેને પસંદ કરશે. આ સિવાય રાણી લક્ષ્મીબાઇ પર પણ ફિલ્મ બનવા જઇ રહી છે, જેમાં મુખ્ય પાત્રમાં બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત જોવા મળશે. આ ફિલ્મ પણ આવતા વર્ષે રીલીઝ થવાની છે.
મેધા પંડ્યા ભટ્ટ