તમે હાઉસવાઇફ હો કે વર્કિંગ વુમન, પણ ઉનાળામાં આખા દિવસના કામકાજ પછી જ્યારે બેડરૂમમાં પગ મૂકીએ ત્યારે ‘હાશ’નો અનુભવ થાય છે. આખા દિવસનો થાક જાણે બેડરૂમમાં પગ મૂકતાં જ ઊતરી જાય છે અને પલંગમાં પડતાં તો આંખો ઘેરાવા લાગે છે, પણ એક મિનિટ…. આના માટે તમારા બેડરૂમની સજાવટ એવી હોવી જોઇએ કે તમને ત્યાં સાચા અર્થમાં થાક ઊતરવાનો અને રિલેક્સ થયાનો અનુભવ થાય. તો જાણીએ કે બેડરૂમની સજાવટ ઉનાળામાં કેવી કરવી જેથી આરામનો અનુભવ થાય?
રેક
સૌથી પહેલાં વાત કરીએ રેકની. તમારા બેડરૂમમાં રેક રાખો અને એવી જગ્યાએ તે ગોઠવો કે તમને ગમતાં પુસ્તકો, તમારી એક્સેસરીઝ, કોસ્મેટિક્સ કે ઇવન લેપટોપ પણ તમે ઇચ્છો તો ત્યાં મૂકી શકો. આવા રેક આજકાલ માર્કેટમા અનેકવિધ સાઇઝમાં અને રંગના મળે છે. તે તૈયાર લાવવા હોય તો તૈયાર લાવીને લગાવો અથવા કોઇ કાર્પેન્ટરને તમને ગમતી ડિઝાઇન બતાવી તે મુજબ પણ રેક બનાવડાવી શકો. જેથી તમારી બધી વસ્તુઓ વ્યવસ્થિત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે હાથવગી પણ હોય.
સોફ્ટબોર્ડ
એક સોફ્ટબોર્ડ તમારા બેડની પાછળની દીવાલ પર લગાવી દો. સોફ્ટબોર્ડ મોટા ભાગે તમને સ્ટેશનરીની શોપ્સમાંથી મળી જશે. આને તમે ઓનલાઇન પણ મગાવી શકો છો. આ સોફ્ટબોર્ડ પર તમે રાત્રે બીજા દિવસે કરવાના કામ, તમારા પાર્ટનરને કોઇ મેસેજ જણાવવાનો હોય તો તે, લખી શકો છો. જો સોફ્ટબોર્ડ તમે ખરીદવા ન ઇચ્છતાં હો તો થર્મોકોલ લઇ તેને તમારા ગમતા શેપમાં કટિંગ કરીને પણ લગાવી શકો છો. તે સાથે આના પર તમે તમારા ગમતા ફોટોગ્રાફ્સ, તમને આવેલા કાર્ડ્ઝ વગેરે પણ લગાવી શકો છો. તે જોઇને તમને અતીતના મધુર સંભારણા યાદ આવશે અને મન ખુશ કરી દેશે.
હેંગિંગ લેમ્પ
હેંગિંગ લેમ્પ પણ તમારા બેડરૂમની શોભા વધારવાની સાથે તમારી ક્રિએટિવિટીનો પણ પરિચય આપે તેવું ઇચ્છતાં હો, તો કલરફૂલ ટ્રાન્સપરન્ટ પેપર્સમાંથી જાતજાતના શેપના લેમ્પશેડ તૈયાર કરો અને તેમાંથી વાયર કાઢી પ્લગમાં ભરાવી દો. જ્યારે લાઇટ કરશો ત્યારે તમારો બેડરૂમ તમને ગમતા રંગોથી ઝગમગવા સાથે તમે બનાવેલા હેંગિંગ લેમ્પ્સથી શોભા પણ વધારશે. આકર્ષક કલર્સ અને તમારી ક્રિએટિવિટીનો આનંદ તમારા મનને ખુશીથી તરબોળ કરી દેશે અને બધું જ ભૂલીને તમે તમારા સમણાંની દુનિયામાં ખોવાઇ જાવ એવું વાતાવરણ રચાઇ જશે.
ક્વોટ કે વર્ડ્ઝ
બેડરૂમની દીવાલને અલગ લુક આપવા માટે તમે જાતજાતના ક્વોટ કે વર્ડ્ઝ પણ સુંદર કેલિગ્રાફીથી લખી શકો છો. ‘Me + You = Love’ જેવા ક્વોટ્સ આકર્ષક ફ્રેમમાં લખી તેને દીવાલ પર લગાવો. આવા ક્વોટ્સ લખેલી ફ્રેમ લગાવેલી દીવાલ તો આકર્ષક લાગશે, તે સાથે તમારા પાર્ટનરને પણ ખુશી પ્રદાન કરશે અને તમારા બંને વચ્ચે પ્રેમમાં વધારો કરશે તે નફામાં. વળી, જ્યારે જ્યારે આ દીવાલ પર તમારી નજર પડશે ત્યારે તમે પણ આનંદ અનુભવશો.
ક્રોકરી
ઘણી વાર ઘરમાં એવી ક્રોકરી પડી હોય છે, જેનો એકાદ પીસ કાં તો તૂટી ગયો હોય અથવા ખરાબ થઇ ગયો હોય. એવા ક્રોકરી સેટમાં જરૂર પૂરતી માટી ભરી તેમાં નાના નાના ઇનડોર પ્લાન્ટ્સ રોપીને બેડરૂમના એક કોર્નરમાં નાનો એવો ગાર્ડન કોર્નર પણ બનાવી શકો છો. આ ક્રોકરી પર તમને ગમતા કલરથી પેઇન્ટ કરી લો. એકાદ દિવસ તેને સારી રીતે સુકાવા દો અને પછી તેમાં એવા પ્લાન્ટ્સ લગાવો જે બેડરૂમનો શો વધારવાની સાથે તેના દેખાવથી પણ તમારું મન મોહી લે. બેડરૂમના એક કોર્નર કે બારીમાં આ રીતે નાનકડો ગાર્ડન બનાવી તમે વાતાવરણને ખુશનુમા બનાવી શકો છો.
ફેરીલાઇટ્સ
આ ઉપરાંત, આજકાલ ફેરીલાઇટ્સ બેડરૂમમાં લગાવવાનો ટ્રેન્ડ પણ ખૂબ લોકપ્રિય બન્યો છે. આ ફેરીલાઇટ્સ એટલે આપણે જે ઝીણા ઝીણા બલ્બની સીરિઝ લગાવીએ છીએ તે, પરંતુ તેમાં અલગ અલગ રંગને બદલે તમારા બેડરૂમની દીવાલના રંગ સાથે મેચ થાય એવા રંગના બલ્બવાળી સીરિઝ પસંદ કરો. આ ફેરીલાઇટ્સને તમે ઇચ્છો તો તમારા બેડની ચારે તરફ અથવા તો એક સાઇડની દીવાલ પર અથવા બારીમાં એવી રીતે ગોઠવો કે તમારે નાઇટલેમ્પ ચાલુ કરવાની જરૂર ન રહે અને આ લાઇટ્સથી તમારા બેડરૂમની રંગત નિખરી ઊઠે. વળી, ડેકોરેશનમાં તે અત્યંત સુંદર પણ લાગે છે.
ક્રેપ પેપર્સ
બીજું કંઇ ન કરવું હોય તો તમે અલગ અલગ કલરના ક્રેપ પેપર્સ લઇ, જ્યારે તમને થોડી ફુરસદ મળે ત્યારે તેને જુદા જુદા શેપમાં કટિંગ કરી લો. એ પછી આ વિવિધ ક્રેપ પેપર્સના કટિંગ્સને એક દીવાલ પર તમને ગમે તે રીતે લગાવી દો. દીવાલનો લુક બદલાવાની સાથે બેડરૂમનો લુક પણ એકદમ યુનિક લાગશે.
આ રીતે થોડી ક્રિએટીવિટી અને તમારી પસંદગી અનુસાર તમે બેડરૂમને ડિફરન્ટ લુક આપો અને જુઓ તમારો આખા દિવસનો થાક કેવો દૂર થઇ જાય છે અને તમે હોંશભેર સજાવેલા તમારા બેડરૂમમાં ઊંઘ પણ કેવી ગાઢ આવે છે!