ફિલ્મ મલાલ દ્વારા મિઝાન જાફરીની સાથે શર્મિન સહગલ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે સંજય લીલા ભણસાલીની ભાણેજ છે. તેમ છતાંય તેના માટે બોલિવૂડમાં એન્ટ્રી કરવી ખૂબ મુશ્કેલ રહી. શર્મિન માટે બોલિવૂડમાં આવવા માટે સૌથી મોટી ચેલેન્જ તેનું વજન રહ્યું હતું. તેને વજન ઊતારવામાં છ વર્ષ લાગ્યા. જોકે તે સમય દરમિયાન તેણે અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. જેમાં તેણે ઓમાંગ કુમાર સાથે મેરી કોમ ફિલ્મમાં અને બાજીરાવ મસ્તાની ફિલ્મમાં ભણસાલી સાથે આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકે કામ કર્યું છે. પડદા પર આવતા પહેલા તેણે પડદા પાછળની દુનિયાનો અનુભવ કર્યો છે. સંજય લીલા ભણસાલીની તે ભાણેજ છે, છતાંય તેના માટે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સ્ટ્રગલ રહી છે. પોતાને એક્ટ્રેસ બનાવવા માટે ખૂબ હાર્ડવર્ક કર્યું છે. મંગેશ હડવલે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ મલાલ દ્વારા તે જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે, તો એ પણ જાણી લઇએ કે આ ફિલ્મ 2004માં આવેલી તમિલ ફિલ્મ 7 જી રેનબો કોલોનીની હિંદી રીમેક છે. જેને ભણસાલી પ્રોડ્યુસ કરી રહ્યા છે. હવે શર્મિન બોલિવૂડમાં સંજય લીલા ભણસાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મ મલાલ દ્વારા ડેબ્યૂ કરવા જઇ રહી છે ત્યારે તેની સાથે થયેલી રૂબરૂ મુલાકાતમાં ફિલ્મમાં તેના પાત્ર વિશે, મિઝાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અને ફિલ્મ વિશેની વાત કરી.

હિરોઇન બનવાનું કારણ ફિલ્મી વાતાવરણ કહી શકાય.

સૌ કોઇ જાણે છે કે મારો ઉછેર ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા વાતાવરણમાં થયેલો છે. મારા મામા ખૂબ જ લોકપ્રિય ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી છે. હું ચાર વર્ષની હતી ત્યારે મેં શાહરૂખ ખાનને ફિલ્મ દેવદાસના શૂટીંગ સેટ પર જોયેલા છે. તે વખતે હું સેટ પર રમતી હતી. હું 17 વર્ષની થઇ ત્યાં સુધી મેં એક્ટ્રેસ બનવાનું વિચાર્યું નહોતું. તે સમય સુધી મારા મનમાં ડોક્ટર બનવાનો વિચાર હતો. મેં ઇન્ટરમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, સાયકોલોજી, સ્પેનિશ અને થિયેટરના વિષયો લીધા હતા. 17 વર્ષની ઉંમરમાં જ્યારે હું ઇન્ટરનું ભણી રહી હતી તે સમયે હું ખૂબ સ્થૂળ કાયા ધરાવતી હતી. તે સમયે છોકરાઓ મારા પર હસતા હતા અને મજાક કરતા હતા. તે જ સમયથી મારા મનમાં એક વાત ઘર કરી ગઇ કે ગમે તે થાય હવે તો એક્ટ્રેસ બનીને જ રહીશ. જોકે મારી એક્ટ્રેસ બનવાની મુસાફરી સરળ રહી નહોતી. તેના માટે મારે સૌથી પહેલા મારું વજન ઘટાડવું પડ્યું. હું વજન ઉતારવા માટે છ વર્ષ સુધી શારીરિક, માનસિક અને લાગણીની પીડાઓ વચ્ચેથી પસાર થઇ છું. મારા માટે તે ખૂબ જ મુશ્કેલ રહ્યું. હું કોઇને કહી પણ શકું તેમ નથી કે મેં કેવી રીતે મારું વજન ઉતાર્યું છે. તે યાદ કરવું મારા માટે ખૂબ મુશ્કેલ છે.

મલાલ ફિલ્મ તમારા મામા પ્રોડ્યુસ કરી રહ્યા છે, તો સરળતાથી તક મળી ગઇ એમ કહી શકાય.

આ વાત સાચી નથી. હું મારી મમ્મીની પરવાનગી લઇને મામા સંજય લીલા ભણસાલીને મળી હતી. તે સમયે તેમણે મને ટ્રેનિંગ આપવાની શરૂ કરી. જેમાં પોતાને બીજાની સામે કેવી રીતે પ્રેઝન્ટ કરવું, તે શીખવાડ્યું. સાથે સાથે મેં વજન ઊતારવાની પણ શરૂઆત કરી. તે પછી ફિલ્મી દુનિયાને સમજવા માટે ઓમાંગ કુમાર સાથે મેરી કોમ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કર્યું. તે પછી બાજીરાવ મસ્તાનીમાં સંજય સરની આસિસ્ટન્ટ બની. તે સમયે કોસ્ચ્યુમનું બધુ કામ હું સંભાળતી હતી. સંજય સર મને મારી ભૂલો પર ખૂબ ખીજાતા. પાંચ વર્ષ મારી મહેનતને જોયા પછી જ તેમણે મને ફિલ્મ મલાલમાં હિરોઇન બનવાની તક આપી.

ફિલ્મ વિશે જણાવ.

આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે. જેમાં બે અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવક-યુવતી શિવા મોરે અને આસ્થા ત્રિપાઠી મળે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. મારું પાત્ર આસ્થા ત્રિપાઠીનું છે. ફિલ્મની વાર્તા 1998ના સમયની વાત છે. આસ્થા અને શિવા મુંબઇમાં રહે છે. આસ્થાનો જન્મ મુંબઇમાં થયેલો છે. પણ આસ્થા મહારાષ્ટ્રીયન નથી, તે ઉત્તર ભારતીય છે.

તારા પાત્ર વિશે જણાવ.

આસ્થાને શબ્દોથી નહીં પણ લાગણીથી સમજી શકાય તેવું તેનું પાત્ર છે. આસ્થાના ચહેરા પર ક્યારેય હાસ્ય જોવા મળતું નથી પરંતુ જ્યારે તેના જીવનમાં શિવાનો પ્રવેશ થાય છે, તો તે હસતા શીખી જાય છે. તેને લાગવા લાગે છે કે શિવા જ તેને જીવનની બધી ખુશીયો આપી શકે છે. શિવાનો પ્રેમ જ આસ્થાને સારી રીતે સમજી અને સમજાવી શકે છે.

આસ્થાના પાત્ર માટે કોઇ ખાસ તૈયારીઓ કરવી પડી.

આ પાત્ર માટે મારે ખાસ કોઇ તૈયારી કરવાની જરૂર પડી નથી. હું મુંબઇમાં જ જન્મી છું, તેથી શુદ્ધ હિન્દી ઉચ્ચારની જરૂર હતી નહીં. જોકે ડિરેક્ટર મંગેશ સરે અમને દાદર અને માહિમના કેટલાક વિસ્તારોમાં અનેક વખત લઇ ગયા હતા. અમને તે વિસ્તારમાં લઇ જવાનો તેમનો હેતું એક જ હતો કે કલાકાર તરીકે અમે અમારા મહારાષ્ટ્રીયન અને ઉત્તર ભારતીય પાત્રને સ્પષ્ટ રીતે સમજી શકીયે. તે લોકોની રહેણીકરણી થી લઇને નાનામાં નાની બાબતોને સમજીને અમે અમારા પાત્રમાં અપ્લાય કરી શકીયે. આ અનુભવ ખરેખર ખૂબ સુંદર રહ્યો હતો.

કો-સ્ટાર મિઝાન સાથેનો અનુભવ કેવો રહ્યો.

અમે બંને છેલ્લા 17 વર્ષથી મિત્ર છીએ. ફિલ્મ મલાલના શૂટીંગ દરમિયાન પણ અમને લાગતું હતું કે મંગેશ સર અને સંજય સર અમારા ટીચર્સ છે. અમે બંને શૂટીંગના સેટ પર નાના છોકરાઓની જેમ લડતા હતા. અમે બંને સ્કુલ ટાઇમથી સારા મિત્રો છીએ અને એકબીજાની હંમેશા મદદ કરીયે છીએ.

Loading

Spread the love

Leave a Comment