ટેલિવિઝનની એક લોકપ્રિય અભિનેત્રી સ્નેહા વાઘ, સ્ટાર ભારતના આવનારા શો ‘ચન્દ્રશેખર’, એક દેશભક્તિની કથા વાળા શોમાં જોવા મળી રહી છે, જ્યાં તેઓ ચન્દ્રશેખરની માતા ‘જગરાની દેવી’ની ભૂમિકામાં છે. સ્નેહા વાઘ આ પહેલા પણ જ્યોતિ નામની જાણીતી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તે ઉપરાંત એક વીર કી અરદાસ વીરામાં પણ તેઓ માતાના પાત્રમાં જોવા મળ્યા હતા. હવે તેઓ ફરીથી માતાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. સ્નેહા સાથે તેના પાત્રને લઇને થયેલી વાતચિત.
- અમને તમારા શો વિશે જણાવો.
સ્ટાર ભારતની સૌથી નવી રજૂઆત એ એવા શોનું સચોટ ઉદાહરણ છે જે લોકોના હ્રદયના તાર ઝણઝણાવી મૂકશે. “ચન્દ્રશેખર” એક યુવાન છોકરાની વાર્તા છે. જે ડરની આંખોમાં આંખ પરોવીને જુએ છે અને જીવન પોતાની શરતો પર જીવે છે. તે મુશ્કેલીઓનો સામનો જુસ્સાથી કરે છે અને દર્શકોની સામે એક પ્રેરણાદાયક પાત્રને રજૂ કરે છે. આ સિરિયલમાં એક મહાન સ્વતંત્રતા સેનાની ચન્દ્રશેખરના જીવનની જન્મથી લઈને મૃત્યુ સુધીની સફર જોવા મળવાની છે.
- આ શોની કઇ બાબત તમને શો તરફ ખેંચી લાવી?
‘ચન્દ્રશેખર’ એક વ્યક્તિના જીવન પરથી પ્રેરણા પામેલી સાચી વાર્તા છે અને તે મહાન સ્વતંત્રતા સેનાનીના ભવ્ય જીવનને અંજલિ છે. મારે માટે આ શો જ અગત્યનો છે. આવું પહેલી વખત બની રહ્યું છે કે લોકો સમક્ષ ચન્દ્રશેખર અને તેમના પરિવારની સમગ્ર કથા પ્રસ્તુત થવા જઈ રહી છે. જેમાં તેમણે કેવી રીતે દેશ માટે લડાઈ લડી તે પણ છે. મારે માટે તેને દર્શકો સામે રજૂ કરવી એક ગર્વ લેવા જેવી વાત છે. તો, આખા પ્રોજેક્ટની તાજગી એ મને આ તક સ્વીકારવા માટે પ્રેરિત કરી.
- આ શોમાં તમારા પાત્ર વિશે કંઇક જણાવો.
હું જગરાણી દેવી, ચન્દ્રશેખર આઝાદની માતાનું પાત્ર ભજવું છું. તે એક સરળ પણ સબળ પાત્ર છે. તે ચન્દ્રશેખરના એક નીડર બાળક હોવા માટેની એકમાત્ર પ્રેરણા છે. તે પોતાના દીકરામાં દરેક સમસ્યાનો સામનો કરવાના ગુણો મૂકે છે અને જે આગળ જઇને એક નીડર દેશભક્ત બને છે. તે પોતાના બાળકનું એક સિંહની જેમ રક્ષણ કરે છે અને તેને પણ એક સિંહની જેમ નીડર બનવાની પ્રેરણા આપે છે. મને આ પાત્ર ભજવવા મળ્યું છે, તેના માટે ખૂબ ઉત્સાહિત છું અને પુસ્તકોમાં વાંચેલા ઇતિહાસને જીવંત કરવામાં જઈ રહી છું તેનો ગર્વ પણ થઇ રહ્યો છે. મને એક કલાકાર તરીકે મારી સીમાઓને દૂર ધકેલવાની તક આપે તેવા શોમાં કામ કરવું મને ગમશે. જેથી કરીને દરેક શો પછી હું એક પગલું આગળ વધી હોઉં. જગરાની દેવી પણ આવું જ એક પાત્ર છે જે એક પગલું આગળ છે.
- શોમાં આવું મહત્ત્વનું પાત્ર ભજવવાથી કેવી લાગણી થાય છે?
હું એક કલાકાર તરીકે જે પણ પાત્ર મને સોંપવામાં આવ્યું હોય તેને પૂરો ન્યાય આપવામાં માનું છું. જગરાની દેવીની ભૂમિકા ભજવતી વખતે મને તે પાત્રની મક્કમતા તેની તરફ ખેંચી લાવી છે. જો મને તક મળે તો, હું એક દીકરીની ભૂમિકા પણ ભજવીશ, તમે તમને મળેલા પાત્રમાં કેવી રીતે ઢળી જાવ છો તેના ઉપર બધો આધાર છે. આ પાત્ર ઘણી બધી લાગણીઓ, અભિવ્યક્તિઓની માંગ કરે છે અને તેના ઘણા આવરણો અને સંસ્કરણો છે. પાત્રમાં ઢળી જવા માટે મેં જગરાની દેવી વિશે ઘણું બધું વાંચન કર્યું છે. ખરેખર તેમના વિશે જાણ્યા પછી એક સ્ત્રીની નીડરતા અને બહાદુરીની જાણકારી થઇ. આપણા ઇતિહાસમાં કેટકેટલીય નીડર સન્નારીઓ હતી તે પણ જાણવા મળે છે.
- તમારો તમારા સહ-કલાકાર આયાન ખાન, કે જે ચન્દ્રશેખર બન્યો છે, તેની સાથે તાલમેલ કેવો છે?
આયાન એક સિતારો બનવા જ જન્મ્યો છે. તે અદભૂત કલાકાર છે અને જેવું શૂટિંગ શરુ થાય છે, પોતાના પાત્રમાં ડૂબી જાય છે. અમારા મોટાભાગના દ્શ્યો સાથે છે અને અમે સેટ ઉપર ઘણો સારો સમય વીતાવીએ છીએ. તે સેટ ઉપર મારે માટે તણાવમાંથી મુક્તિ અપાવનાર છે. અમારા ખાલી સમયમા અમે ઘણી રમતો રમીએ છીએ અને સંગીત સાંભળીએ છીએ.
- આ શો ચન્દ્રશેખર વિશે તમારો શું અભિપ્રાય છે?
ચન્દ્રશેખર ચોક્કસપણે ઇતિહાસને ફરી જગાડશે. હું ખુશ છું કે મને મહાન ચન્દ્રશેખરના સફરનો ભાગ બનીને તેના થકી તેમને અંજલિ આપવાની તક મળી છે. હું હંમેશા એવી ભૂમિકાઓ પસંદ કરું છું જેમાં કોઇ સંદેશ હોય અને જે અર્થપૂર્ણ હોય. જગરાની દેવીએ જેવી રીતે ચન્દ્રશેખરને નીડર થવાની પ્રેરણા આપીને એક બદલાવ લાવ્યા, તે રીતે હું ઇચ્છું છું કે મારું પાત્ર પણ દર્શકોને પ્રેરણા આપે.
- તમારી આ શો પાસેથી શી અપેક્ષા છે?
મને ખાતરી છે કે શો ખૂબ આગળ જશે. ખૂબ મહેનત, સંશોધન, આયોજન અને અમલીકરણને લીધે આ શક્ય બન્યું છે. હું આશા રાખું છું કે દર્શકો શો સાથે અને અમે એક ટીમ તરીકે જે રજૂ કરીએ છીએ તેની સાથે જોડાણ અનુભવે.
મેધા પંડ્યા ભટ્ટ