આપણે સૌ જાણીએ છીએ કે આપણને નાનપણથી જ જણાવવામાં આવે છે અને ભણાવવામાં આવે છે કે હંમેશા સાચું બોલવું જોઇએ, પરંતુ સાચું બોલવાથી કેટલી મુશ્કેલી પડે છે અને તે કેટલું નુકસાનકારક સાબિત થાય છે તે દરેક વ્યક્તિ જાણે છે. બોલિવૂડ સ્ટાર માટે પણ સાચું બોલવું ખૂબ મુશ્કેલ છે. સાચુ બોલવાથી તેમને પણ જીવનમાં ક્યાંકને ક્યાંક તકલીફો પડી છે. આવા જ કેટલાક બોલીવુડ કલાકારો પાસેથી તેમના જીવનના સત્ય બોલવાના અને સત્ય ન બોલવાના કિસ્સાઓ જાણીએ
- જુઠ્ઠું બોલવા કરતા એકવાર સાચું બોલવું વધારે સરળ છે – કંગના રનોટ
હું જે કહું છું તે હંમેશા બિન્દાસ કહું છું કારણ કે મને ખબર છે કે જૂઠ્ઠુ ગમે તેટલું મજબૂત હોય ક્યારેક ને ક્યારેક લોકો સમક્ષ આવે છે. તે સિવાય મને કોઈના ખોટા વખાણ કરવા કે ચમચાગીરી કરવાની આદત નથી. જો મને લાગે કે સામેવાળી વ્યક્તિ સાચે જ વખાણપાત્ર છે, તો હું તેના વિશે સાચો અભિપ્રાય આપું છું. મેં ઘણી વાર સાચું બોલવાનો પ્રયત્ન કર્યો છે, જેના કારણે મને ખૂબ સાચુ-ખોટું સાંભળવા મળ્યું છે. મારી સાથે નેપોટિઝમ વિશે કે પછી ફિલ્મ મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી ને લઈને સાચુ બોલવાના કારણે વિવાદ થયો હોય એવું પણ બન્યું છે. હું હંમેશા બિન્દાસ રીતે મારી વાત રજુ કરું છું, કારણ કે હું સાચી છું અને તેથી જ કોઈપણ વ્યક્તિ મારું ખરાબ કરી શકતું નથી. મને લાગે છે કે સો વાર જુઠ્ઠું બોલવા કરતા એકવાર સાચું બોલવું વધારે સરળ છે. કોઈના ડરના કારણે તો હું ક્યારેય ખોટું બોલતી નથી.
- હંમેશા સાચું બોલવું હાનિકારક પણ છે – સલમાન ખાન
હું હંમેશા સાચું બોલું છું, પરંતુ લોકો મને સાચું બોલવા દેતા નથી. ખાસ કરીને જ્યારે હું ટ્વીટર પણ મારા વિચારો વ્યક્ત કરું છું સાચું બોલું છું તો એટલી બધી મુશ્કેલીઓ ઊભી થઇ જાય છે કે મારા પિતાજીએ મને માફી માગવા માટે કહેવું પડે છે. સાચી વાત તો એ છે કે જો તમે સાચુ બોલશો તો કોઈ તમારી સાથે વાતચીત જ નહીં કરે કારણ કે આજે લોકો સાચું સાંભળવા જ માગતા નથી. કેટકેટલાય પોલિટિકલ અને પર્સનલ મુદ્દાઓ છે જેના ઉપર જો હું સાચું બોલવાનું શરૂ કરું તો મારું જીવવું મુશ્કેલ બની જશે. તેમ છતાંય હું સતત પ્રયત્ન કરતો રહું છું કે સાચું બોલું અને સામેવાળા વ્યક્તિ ને સાચી સલાહ આપી શકું. ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ મારા કડવા સત્યને સમર્થન આપ્યું છે અને પોતાનામાં સુધારો પણ કર્યો છે. હંમેશા સાચું બોલવું હાનિકારક પણ છે કારણ કે આપણે પોતે પણ સાચુ સહન કરી શકતા નથી. હું વિચારું છું કે હું એવા લોકોની વચ્ચે જ સાચું બોલું જે લોકો મારી કહેલી સાચી વાતને સમજે અને તેની કદર કરી શકે.
- સાચુ બોલવાથી કોઇને દુખ પહોંચે તે જોઇ શકતો નથી – રણવીર સિંહ
હું વધારે પડતું સાચું બોલતો નથી કારણકે લોકોને મારા કારણે દુઃખી કરવા ઇચ્છતો નથી. જો હું સાચું બોલીશ તો સામેવાળી વ્યક્તિ દુઃખી થઈ જશે. તેથી વધારે સાચું ન કહું તેવો મારો હંમેશા પ્રયત્ન રહે છે. હું પર્સનલી લોકોને દુઃખી જોઇ શકતો નથી. હું ઈચ્છું છું કે મારી વાતોથી મારા વર્તનથી લોકોનું મનોરંજન કરી શું અને લોકો ખૂબ આનંદ કરે અને ખુશ રહે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ઊણપ હોય છે. જો આપણી અંદર દરેક પ્રકારની ખૂબીઓ હોત તો આપણે બીજા માં ખામી શોધી શક્યા હોત, પરંતુ કોઈપણ સંપૂર્ણ રીતે પરફેક્ટ વ્યક્તિ નથી. દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક ખામી છુપાયેલી જ હોય છે. આપણે સિસ્ટમની વાત કરીએ કે વ્યક્તિની હું ક્યારેય સાચું બોલીને કોઈને દુઃખી કરતો નથી પરંતુ તેને પોતાની રીતે સલાહ જરૂરથી આપું છું. જો તે સમજી જાય તો ઠીક અને ન સમજી શકે તો મને તે વ્યક્તિથી કોઈ ફરિયાદ રહેતી નથી.
- મારા ઘરમાં દરેક વ્યક્તિ મારા સાચા બોલવાથી ખૂબ ડરે છે – સોનમ કપૂર
હું સાચું બોલવાથી ડરતી નથી પરંતુ હું માનું છું કે સત્ય ખૂબ કડવું હોય છે. સાચું બોલવાથી આપણે પોતાના લોકોને સુધારી શકીએ છીએ એ વાત સાચી છે, પણ સાથે જ આપણે હંમેશા સાચું બોલીશું, ઈમાનદાર રહીશું, તો તેવામાં તમને રિસ્પોન્સ પણ સારો મળશે. આવી વ્યક્તિના મિત્રો ખૂબ ઓછા હોય છે, પરંતુ તે દરેક સાચા મિત્રો હશે. સાથે જ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડે છે કે સાચું બોલતી વખતે એટલી સાવધાની જરૂર રાખવી જોઈએ કે સામેવાળી વ્યક્તિને ખોટું લાગે નહીં અને તમે તમારી વાત પણ રજૂ કરી શકો. મારા ઘરમાં દરેક વ્યક્તિ મારાથી ખૂબ ડરે છે કારણકે હું તેમને સાચું કહેવાથી ડરતી નથી. ખાસ કરીને મારા પિતા મારાથી ખૂબ ડરે છે. જોકે ક્યારેક ખોટું બોલવાથી કોઈનું નુકસાન ન થતું હોય અને સામેવાળાને ખુશી મળતી હોય તો જુઠ્ઠું પણ બોલી શકાય છે. તેમાં કોઈ નુકસાન નથી.
- સાચું બોલવાના કારણે મારે સાર્વજનિક રીતે માફી માગવી પડી છે – કપિલ શર્મા
અરે બાપ રે, આજના સમયમાં સાચું બોલવું તો ખૂબ જ મુશ્કેલ કામ છે, કારણકે કોઈ સાચું સાંભળવામાં માગતું જ નથી. તમે એકવાર સાચું બોલીને તો જુઓ, તમને એટલી બધી ગાળો સાંભળવા મળશે કે તમારી તબિયત બગડી જશે. આ વાતનો અનુભવ મને સૌથી વધારે થયેલ છે. તેથી હું સાચું બોલતા હંમેશા ડરું છું. ઘણીવાર તો સાચું બોલવાના કારણે મારે સાર્વજનિક રીતે લોકોની માફી માગવી પડી છે. તેથી હું પબ્લિકલી તો લોકોની માફી માગવાથી ખૂબ ડરું છું, પરંતુ મારા પોતાના લોકોની વચ્ચે બેધડક સાચું બોલી દઉં છું કારણકે ત્યાં આગળ મારી વાતને કોઈ ખોટું માનતું નથી. લોકો મને ખૂબ પ્રેમ કરે છે.