આપણે જે રીતે આપણા ઘરને શણગારીએ છીએ તે જ રીતે આપણુ કાર્યસ્થળ પણ સુંદર અને સુઘડ હોય તો કામ કરવાની મજા બેવડાઇ જાય છે. ઓફીસ ફક્ત કામ કરવા માટેનું એકમાત્ર સ્થળ જ નથી પણ કર્મચારીના વિચારો અને પ્રતિષ્ઠાનું પ્રતિક પણ ગણાય છે. ઓફિસનું ઇન્ટિરિયર તેની ઉપયોગિતા ઉપરાંત આવશ્યકતા અને બજેટ પર પણ આધારિત હોય છે. એવામાં આફિસના કર્મચારીઓ આરામથી બેસીને કામ કરી શકે છે અને કુશળ સંચાલન થઇ શકે તે માટે સ્પેસ અને અન્ય જરૂરી વસ્તુઓ જેવી કે સિટીંગ અને સ્ટોરેજના ખાના, ઇલેકટ્રીકલ વાયરીંગ તેમજ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે.
બીજી મહત્વની વાત એ છે કે જો તમે પોતાની ઓફિસ બનાવી હોય કે બનાવવાના હો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કાર્યસ્થળ એવી જગ્યાએ રાખવું જોઇએ જેમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન હોય એટલે કે બેસવામાં અને ઊઠવામાં અને આવવા જવામાં સરળતા રહે, કોઇપણ પ્રકારની અસુવિધા ન હોય, જરૂરી સામાન્ય નજીકના સ્થળોએથી મળી રહે. તે સિવાય ઓફિસનો લે-આઉટ અને ડિઝાઇન ભવિષ્યમાં વિસ્તારની શક્યતાઓ હોય તો તે મુજબનો હોવો જોઇએ. સજાવટ વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે ઓફિસ કાર્ય કરવાનું સ્થળ છે, તેવું લાગવું જોઇએ.
સજાવટ
વિન્ડો પર પડદાના બદલે બ્લાઇન્ડ્સનો ઉપયોગ યોગ્ય રહે છે. પ્લાસ્ટિકની બ્લાઇન્ડ્સ સસ્તી હોય છે પણ લુક અને ઉપયોગીતાને ધ્યાનમાં લેતા હાલમાં રોમન બ્લાઇન્ડ્સનું ચલણ વધ્યું છે. જે ફોલ્ડ પણ થઇ શકે છે. સાથે જ રૂમને રીચ લુક પણ આપે છે. જો ઓફિસ મેઇન રોડની નજીક હોય અથવા તો કોઇ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હોય જેથી તમને અવાજ પ્રદૂષણ વધારે લાગતું હોય તો અવાજને કાબૂમાં રાખવા માટે એકોસ્ટિક પણ લગાવડાવી શકાય છે. તે ઉપરાંત કુદરતી અને કૃત્રિમ છોડવાઓથી પણ સુંદરતા ઊભી કરી શકાય છે.
ફર્નીચર
ઓફિસમાં રફ એન્ડ ટફવાળા ફર્નીચરોનો ઉપયોગ કરી શકાય છે. તે સ્થાયી સંપત્તિ હોય છે. એવામાં સુંદરતા અને સુવિધાની સાથે ક્વોલિટીને પણ પ્રાથમિકતા આપવી જોઇએ. આજકાલ બજારમાં મોર્ડન અને મોડ્યુલર ફર્નીચરનું ખૂબ ચલણ છે. મોર્ડન ફર્નીચરની ખાસિયત એ છે કે તે નાના યુનિટમાં મળી રહે છે. તેને સાચવવા પણ ખૂબ સરળ હોય છે. ફર્નીચર રૂમના આકાર પ્રમાણે મલ્ટીપર્પઝ હોવું જોઇએ. જગ્યાના આકાર પ્રમાણે એલ, કાર્વિંગ શેઇપ ફર્નીચર મૂકી શકાય છે. ઓપન લુક આપવા માટે લો હેડ પાર્ટીશન કરાવી શકાય છે. પ્રાઇવસીની સાથે ખુલ્લુ પણ રાખવું હોય તો વુડ વિથ ગ્લાસ પાર્ટીશનનો વિકલ્પ પસંદ કરી શકાય છે. ઓફિસ સ્ટાફ માટે લેમિનેટેડ ફર્નીચર શક્ય છે. તો વળી, એક્ઝીક્યૂટીવની ઓફિસ માટે પોલિસ્ડ અને એક્સક્લૂઝીવ ફર્નીચરથી રીચ લુક આપી શકાય છે. સ્ટોન વિથ વુડ અને ગ્લાસ ટેબલ રૂમને સુંદર લુક પ્રદાન કરે છે.
ફ્લોર અને સિલિંગ
હાલમાં લાઇટીગ માટે ફોલ્સ સિલિંગ અને ફ્લોરીંગ પર પસંદગી ઉતારવામા આવી રહી છે. ફોલ્સ સિલિંગથી રૂમમાં એર કન્ડીશન અને લાઇટીંગની ઇફેક્ટમાં વધારો કરાવી શકાય છે. બજેટ અને પસંદગી પ્રમાણે ફ્લોરીંગ માટે વુડન ટાઇલ્સ, મારબલ, સ્ટોન અથવા વિનાયલ ફ્લોરીંગ વગેરે વિકલ્પો છે. વુડન ફ્લોરીંગ સૌથી સરળ છે અને તેનું ટાઇલ્સ અને સ્ટોન સાથેનું કોમ્બિનેશન રીચ લુક આપે છે.
કલર અને લાઇટીંગ
દિવાલો પર સારા કલરીંગ અને મટીરીયલનો ઉપયોગ કરીને પોઝીટીવ એનર્જીવાળું વાતાવરણ ઊભુ કરી શકાય છે. કોર્પોરેટ ઓફિસ અને એડવરર્ટાઇઝીંગની ઓફિસોમાં રંગોનો તાલમેલ બેસાડે પ્રભાવકારી લુક આપી શકાય છે. લાઇટ કલર્સ એવરગ્રીન હોય છે. પણ થીમ કલર કંપની અને પ્રોડક્ટની ઓળખાણ ઊભી કરે છે. તે ઉપરાંત ઓફિસમાં પ્રકાશ રહે તેવી વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઓફિસ માટે સફેદ લાઇટ સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે, તેના માટે મિરર ઓપટિક સીએફએલ અને હેલોજન લાઇટ્સ જેવા અનેક વિકલ્પો છે.
મેધા પંડ્યા ભટ્ટ