હમ પાંચ સિરિયલ વિશે ઘણાને ખબર હશે. તેમાં આવતી પગલી અને ચુલબુલી સ્વીટી યાદ છે… યાદ આવ્યું. જોકે સ્વીટીનું પાત્ર જ એવું હતું કે તેને કોઇ ભૂલી શકે તેમ નહોતું. હમ પાંચ સિરિયલ તેના દરેક પાત્ર માટે વખણાતી હતી. જોકે તે સિરિયલમાં સ્વીટીનું પાત્ર ભજવનાર રાખી વિઝાન વચ્ચેના સમયગાળામાં સાતેક વર્ષ જેવી ગૂમ થઇ ગઇ હતી. હવે ફરીથી તે પોતાની એક્ટીંગની દુનિયામાં પાછી ફરી છે. તેણે ટીવી ક્ષેત્રે એન્ડ ટીવી ચેનલ પર ગત વર્ષે આવેલી લોકપ્રિય સિરિયલ ગંગામાં પ્રભા મામીના નેગેટીવ પાત્રથી કમબેક કર્યું હતું. હાલમાં તે સોની સબ પર આવી રહેલા શો સજન રે ફિર જૂઠ મત બોલો સાથે કોમેડીમાં પાછી ફરી છે. આ શોમાં હુસૈન કુવાજેરવાલા, ટીકુ તલસાણિયા જેવા કલાકારો પણ છે. રાખી મોનિકા માલપાનીનું પાત્ર ભજવી રહી છે, જે ચોપરાની પાડોશી છે. રાખી અમદાવાદની મુલાકાતે આવી ત્યારે તેની સાથે તેના સ્વીટીના પાત્ર વિશે, તેના ગાયબ થવાના કારણો વિશે, એક્ટીંગની દુનિયા વિશે અને તેના જીવનની કેટલીક અંગત તેમજ હાલના પાત્ર અંગેની વાતો કરી.

રાખી કરતા સ્વીટી વધારે ફેમસ છે. તું માને છે.

હા, લોકોએ સ્વીટીને ખૂબ પસંદ કરી હતી અને આજેપણ કરે છે. મને તે પાત્રથી નવી ઓળખ મળી હતી. મને ઘણીવાર થાય છે કે હમપાંચ નું કમબેક થવું જોઇએ. આજના સમયમાં તે પાત્ર શું કરી રહ્યા છે. બધાના લગ્ન થઇ ગયા છે અને હું આજેપણ મારા માટે દુલ્હાની શોધમાં છું. ખરેખર મને તો સ્ટોરી વિચાર આવવા લાગે છે. લોકોની જેમ હું પણ તે સિરિયલ અને મારું પાત્ર મિસ કરું છું.

રાખી અત્યાર સુધી ક્યાં ખોવાઇ ગઇ હતી.

મારી પર્સનલ લાઇફ બરાબર નહોતી રહી, તેના કારણે હું મમ્મી-પપ્પાના ઘરે પાછી આવી હતી. મારા પિતાએ મને કહ્યું કે હવે થોડો સમય તું આરામ કર અને ફ્રેશ ફિલ કર. તું 14 વર્ષની ઉઁમરથી કામ કરી રહી છો, તો થોડો સમય એન્જોય કરી લે. થોડું હરવા-ફરવા જા. ખુશ રહે અને એન્જોય કરી લે. રીલેક્સ થા.

સજન રે ફિર જૂઠ મત બોલો શો પસંદ કરવાનું શું કારણ છે.

મારે માટે આ સુપર રોલ છે. મોનિકા માલપાની એકદમ ઘેલી છે. તેનું પાત્ર મારા અગાઉના ભજવેલા પાત્ર જેવું જ છે. આથી મારે માટે મારું સપનાનું પાત્ર બની જાય છે. મેં છેલ્લે કોમેડી ક્યારે કરી તે મને યાદ નથી. લાંબા સમય પછી મને આ તક મળી છે અને તેથી હું તે છોડવા માગતી નહોતી. ભારતીય ટેલિવિઝન પર બધું બહુ સ્ટીરિયોટાઈપ બની જાય છે અને કલાકાર તરીકે બધાને જ કાંઈક અલગ કરવું હોય છે. સોની સબ કોમેડી ચેનલ હોઈ મને આ તક આપી છે.

તારા પાત્ર વિશે કહેશે.

મોનિકા એકદમ ધનવાન એકલી સ્ત્રી છે, જે સુંદરતાની સાથે દિમાગ નહીં હોવાનો એક દાખલો છે. તે એટલી ધનાઢ્ય છે કે તેને માટે પાણી પેરિસથી આવે છે અને ગરીબી શું છે તે તેને ખબર નથી. જોકે મનની તે નિખાલસ છે અને તેના પાડોશી (ચોપરા)ને મદદ કરવા માગે છે. અનુકૂળ છોકરાની શોધમાં તેનાં લગ્ન થયાં નથી અને જયવીર ચોપરા (હુસૈન)ની પ્રેમકથા મુશ્કેલીમાં આવી ગઈ છે એવી જાણ થતાં જ તે તેને મદદ કરવા તૈયાર થાય છે.

શું ડેટ પર જવા માટે યુવાનીમાં ક્યારેય ખોટું બોલી છે.

હા, હા, ચોક્કસ બોલી છું. હું મારા પ્રેમી જોડે બહાર ફરવા જતી ત્યારે મારા વાલીઓને વિચિત્ર કારણો આપીને બહાર નીકળતી હતી, કારણ કે મારા વાલીઓ બહુ ચુસ્ત છે અને બે પ્રેમીપંખીડા વચ્ચે પ્રણય કઈ રીતે ખીલે છે તે વિશે તેઓ જાણતા નહોતા. મને લાગે છે કે ટીનેજ અવસ્થામાં બધાં જ આવું કરે છે.

કોમેડી પર તારી કેવી પકડ છે.

કોમેડી પર મારી સારી પકડ છે, કારણ કે કોમેડી મારી ખૂબી છે એવું મને લાગે છે. કોમેડી મને હંમેશાં ગમી છે. જોકે  આ અગાઉ મને કોમેડી પ્રકારમાં બહુ સારી તક મળી હોય એવું લાગતું નથી.

સજન રે ફિર જૂઠ મત બોલો જેવા કોમેડી શોનો હિસ્સો બનવા મળ્યું તેનાથી કેટલી રોમાંચિત છે.

હું બેહદ રોમાંચિત છું, કારણ કે લાંબા સમયથી હું આવો શો ચાહતી હતી, જે મને મળી ગયો છે. મારું પાત્ર અત્યંત રસપ્રદ છે અને કલાકારો પણ મજેદાર છે. આથી શોનો હિસ્સો બનવાનું હકારાત્મક લાગે છે.

નાની ઉંમરથી આ ફિલ્ડમાં આવી જવાનો અનુભવ કેવો રહ્યો.

હું 14 વર્ષની હતી ત્યારે હમપાંચ સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે પછી અનેક સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું. તે પછી 18-19 વર્ષની થઇ ત્યાં સુધીમાં પ્રોડક્શન હાઉસ શરૂ કરીને તેમાં બીઝી થઇ ગઇ હતી. પહેલેથી જ એક્ટીંગમાં આવી ગઇ હતી એટલે એકડેએકથી બધુ શીખવા મળી ગયું. આજે ઉંમર પ્રમાણે નાની પણ અનુભવ પ્રમાણે મને આ ફિલ્ડમાંથી ઘણું શીખવા મળ્યું છે.

લાઇફમાં નવો વળાંક કેવી રીતે આવ્યો.

મારા પિતા એક ગુરુજીને ખૂબ માને છે. તે ગુજરાતી જ છે, તેમણે મને કહ્યું હતું કે મારો થોડો સમય ખરાબ પસાર થવાનો છે. જે સમયે હું તેમને મળી હતી તે વખતે તેમણે કહ્યું કે મારો સમય બરાબર નથી. હું આ બધામાં હવે ખૂબ વિશ્વાસ કરવા લાગી છું કારણકે તેમની આટલા વર્ષોમાં કહેલી મારા માટેની બધી જ વાત સાચી પડી છે. તેમનું નામ આનંદ પટવા છે. તે કોઇ જ્યોતિષી નથી પણ એક જ્વેલર છે. પણ તેમનામાં ખૂબ પાવર છે.

હમ પાંચ સાથેની કોઇ ખાસ યાદગાર વાતો.

હું અને એકતા સાથે જ સ્કુલ – કોલેજ જતાં. જોકે કોલેજ તો તે વખતે જતા જ નહોતા. 10મું પાસ કર્યું તે પછી તરત જ હમ પાંચ સિરિયલ શરૂ થઇ ગઇ હતી. તે પછી કોલેજ કરી હતી. પાર્લી હિલ બ્રાન્દ્રાનો એક એરીયા છે ત્યાં અમે બધા સાથે બેસતા હતા. તેણે મને કહ્યું કે તું આ શોમાં પાર્ટ કેમ નથી કરતી. તે સમયે એક બીજો શો પણ આવતો હતો જેનું નામ બનેગી અપની બાત હતું. મેં મહિનાના ત્રણ દિવસ બનેગી અપની બાત સિરિયલ માટે આપ્યા હતા અને તે જ ત્રણ દિવસ એકતા કપૂરને પણ જોઇતા હતા. પહેલા જ્યારે તેમણે હમ પાંચ શરૂ કર્યું ત્યારે અન્ય કોઇ આર્ટીસ્ટ સાથે કર્યું હતું. પણ જ્યારે પહેલો આખો એપિસોડ બન્યો તો કોઇને મજા ન આવી. બીજીવાર જ્યારે એપિસોડનું શૂટીંગ રાખ્યું તો પહેલા જે છોકરી હતી તેની પાસે ડેટ્સ નહોતી અને તેના બદલે મને બોલાવી, આ રીતે મને તે સિરિયલ મળી ગઇ. મારી કિસ્મત હતી.

ગુજરાતી ઓડિયન્સ વિશે શું કહીશ.

ગુજરાતી લોકો તો હંમેસા ફોર્મમાં હોય છે. અમારી હમપાંચની આખી ટીમ ગુજરાતી જ હતી. લેખક ઇમ્તિયાઝ પટેલથી લઇને કલાકારો પણ કેટલાક ગુજરાતી હતા. ટીવી ઇન્ડસ્ટ્રી, કપડાં ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી બધે જ ગુજરાતી છવાયેલા છે. તેમના મનમાં મારું શું પહેલા વિચાર આવે છે.

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment