પ્રેમને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી, આ જ કારણે અનેક એવી ઘટનાઓ બને છે જેનાથી સંબંધો બગડે છે. જ્યારે અચાનક કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય ત્યારે સામાજિક વર્તુળ અને સંબંધો પણ નિકટના બની જાય છે. બાળપણ અને ઉંમરનું અંતર પણ અહીં આવીને જ ઓગળવાનું શરૂ થાય છે. આકર્ષણ એ સીમાઓમાં બંધાયેલું હોતું નથી, કે જેના કારણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તે વ્યક્તિ અપરિણીત છે કે પરિણીત તેનું ધ્યાન રહેતું નથી. જ્યારે સ્ત્રીપુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય છે ત્યારે આ આકર્ષણનું કોઈ ને કોઈ નક્કર કારણ અવશ્ય હોય છે.

પ્રેમ થવાના કારણો અનેક હોય છે. તે ફક્ત શારીરિક આકર્ષણ જ હોઇ શકે તે જરૂરી નથી. તમે કોઈ સ્ત્રી અથવા પુરુષથી પ્રભાવતિ થયા હો તો તમે એની ચાલ, રહેણીકરણીની રીતભાત, બોલવાનો અંદાજ, મોહક પ્રતિભા, ખૂબસૂરત આંખો, વ્યવહાર અથવા પરસ્પરની સમજણ, સ્વભાવ કોઈ ને કોઈ વસ્તુ અથવા ખૂબીથી પ્રભાવિત જરૂર થતા હશો. પરંતુ ક્યારેક ક્યારેક કલાકો સુધી એકબીજાની સાથે રહેવું, ભલે પછી તે ઓફિસ હોય અથવા સંશોધનકાર્ય દરમિયાન કે ક્યારેક કટોકટીભરી પરિસ્થિતિમાં એકબીજાને મદદરૂપ થવું એ પણ એકબીજાને નિક્ટ લાવે છે. જ્યારે કલાકો સુધી સાથે હો ત્યારે એકબીજાની ખૂબી અને ખામીઓ સારી રીતે જાણી શકાય છે કારણ કે એકબીજાને સમજવાની પૂરતી તક મળે છે.

સ્ત્રી પુરુષની વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ ઉંમરની સીમાઓ અને સામાજિક મર્યાદાઓના વર્તુળમાં નથી આવતું, પરંતુ આ આકર્ષણના પરિણામે જન્મેલા સંબંધ સામાજિક મર્યાદાઓની સીમાઓમાં જરૂર બંધાયેલા હોય છે. જ્યારે બે સમવયસ્ક સ્ત્રીપુરુષ વચ્ચે આકર્ષણ થાય છે અને એને સંબંધનું નામ આપવામાં આવે છે, ત્યારે આવા સંબંધો નૈતિક અને કાનૂની બંને દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જ્યારે એકબીજા પ્રત્યેનું આકર્ષણ સામાજિક સીમાઓનો ભંગ કરીને અનૈતિક સંબંધનું સ્વરૂપ ધારણ કરવા માંડે, તો આવા સંબંધો પારિવારિક મૂલ્યો પર એક ઘા સમાન હોય છે અને ચારિત્ર્ય પર આંગળી ઉઠાવે છે.

આવા અપરિપક્વ સંબંધો હંમેશાં કિશોરોના મગજમાં વિકાસ પામતા હોય છે કારણ કે આ ઉંમરમાં યુવક-યુવતીઓ સમાજના નીતિનિયમોને જાણતાં કે સમજતા હોતાં નથી. તે પોતાનાથી મોટી ઉંમરની પરિણીત વ્યક્તિના મોહ અને આકર્ષણનો ભોગ બનવા લાગે છે. કેટલાક તો પોતાના પિતા જેટલી ઉંમરના મિત્રોની સાથે પણ મોહમાં ફસાઈ જતા હોય છે. ત્યારે એમનું મન માત્ર એક જ વાતને ગણગણે છે કે,

“ન ઉમ્ર કી સીમા હો, ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન…”

કિશોરાવસ્થા એ ઉંમરનો એવો નાજુક પડાવ છે; જ્યાં જેની તરફથી પણ થોડુંઘણું ભાવનાત્મક સંરક્ષણ મળી જાય કે તરત એ વ્યક્તિ સારી લાગવા લાગે છે પછી ભલે એ ટીચર, કાકા, મામા, મોટાભાઈ, પિતાનો મિત્ર અથવા ઘરનો નોકર જ કેમ ન હોય. ઉંમરના એ નાજુક તબક્કામાં કોઈ પૌઢ વિવાહિત પુરુષમાં જ્યારે પોતાના સપનાના રાજકુમાર જેવી ખૂબી દેખાવા લાગે તો તે પછી પોતાના જેટલી ઉંમરનો યુવાન પણ એને આકર્ષિત કરી શકતો નથી.

બીજી સ્થિતિ અપરિપક્વ ઉંમરની કાલ્પનિકતાનું પરિણામ ન હોય છતાં પરિપક્વ ઉંમરના વડીલો વચ્ચે પણ જન્મે છે. આપણે અતિશય નિકટતાનાં પરિણામોની વાસ્તવિકતાથી માહિતગાર હોવા છતાં પણ આ વમળમાં ફસાઈ જતાં હોઈએ છીએ. આપણી ઓફિસમાં આપણી સાથે કામ કરતાં કર્મચારીઓ સાથે પ્રેમની નિકટતા વધારતા જઈએ છીએ. ઘણીવાર પરિસ્થિતિ સ્પષ્ટ હોય છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ એ પરિણીત પુરુષ કે સ્ત્રી છે તો પણ આ વાસ્તવિકતા સમક્ષ આંખ આડા કાન કરીએ છીએ.

સ્ત્રી પુરુષના સંબંધોમાં જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલાને પોતાની તરફ ઢળેલી અનુભવે તો એ સંબંધનો ભરપૂર આનંદ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. આ રીતે જ્યારે કોઈ મહિલા વિવાહિત પુરુષ (ઓફિસ કર્મચારી) તરફ આકર્ષાય અને પોતાના આકર્ષણનો એકરાર કરે તો પોતાના પ્રત્યેના આકર્ષણની જાણ થતાં પુરુષ એ આકર્ષણની અયોગ્ય ફાયદો ઉઠાવવા પ્રયત્નશીલ રહે છે. જ્યારે કોઈ મહિલા અથવા યુવતી કોઈ વિવાહિત પુરુષ પ્રત્યે આકર્ષિત થાય છે ત્યારે અનેક સમસ્યાઓ ઊભી કરે છે.

જ્યારે તમે કોઈ વિવાહિત પુરુષ પ્રત્યે આકર્ષિત થાઓ અને એ તમારી સાથે પ્રેમસંબંધ રાખવા માગે પણ એ સંબંધને કોઈ નામ આપવાં ન આવે તો આવા સંબંધ સમાજમાં પુરુષનું નહીં પણ સ્ત્રી પરિહાસનું કારણ બને છે. ત્યારે સ્ત્રીને ચારિત્ર્યહીન, કલંકિની અને ન જાણે બીજા અનેક ઉપનામો આપવામાં આવે છે.  જ્યારે કોઈ પરિણીત પુરુષ કોઈ મહિલા પ્રત્યે આકર્ષાય અને તેનું કોઈ સંબંધમાં રૂપાંતર કરે તો એનો પ્રભાવ એ વ્યક્તિ પર જ નહીં પણ સમગ્ર પરિવાર પર પડે છે. બંને પરિસ્થિતિનું પરિણામ દુઃખદ આવે છે. જ્યાં એક સ્થિતિમાં સમગ્ર પરિવાર તૂટવાનું દુઃખ અનુભવે છે. જ્યારે બીજી સ્થિતિમાં પરિણીત વ્યક્તિના મોહપાશમાં ફસાયેલી સ્ત્રીએ સામાજિક પીડા અને બહિષ્કાર સહન કરવો પડે છે.

સમાજમાં રહેવા માટે સામાજિક સીમાઓ અને મર્યાદાઓ નિભાવવી પડે છે. આ સામાજિક મર્યાદાઓમાં માનવીય સંબંધો બંધાયેલા છે. પરંતુ આપણે ત્યાં કેટલાક સંબંધોનું જોડાણ સંબંધોની આડશમાં અનૈતિકતાનું પ્રદર્શન કરતા હોય છે. પરિણીત વ્યક્તિ પ્રત્યેના આકર્ષણમાં જરૂરી નથી કે એનું વ્યક્તિત્વ આપણને આકર્ષિત કરી રહ્યું હોય પરંતુ ઘણીવાર પૈસાપાત્ર હોવું એ પણ એના પ્રત્યે આકર્ષિત કરે છે. વ્યક્તિનું ધનવાન હોવું એ ભવ્ય સુખસુવિધાઓનું પ્રતીક છે. જે જીવનને એશોઆરામથી ભરી શકે છે. જોકે સંબંધોની ગરિમાને જાળવવી એ દરેક સ્ત્રી અને પુરુષની ફરજમાં છે.

આપણા સમાજે કેટલાક સંબંધોમાં પરસ્પર મજાક અને ટીખળ કરવાની મર્યાદિત પરવાનગી આપી છે. જેમાં સાળી-બનેવી, દિયર-ભાભી, નણદોઈ-સાળાવેલીના સંબંધોનો સમાવેશ થાય છે, જે હળવી મજાક કરીને પોતાના સંબંધોમાં નવીનતા અને તાજગી જાળવી રાખે છે. પરંતુ આ સંબંધોની આડશમાં હળવી શાબ્દિક છેડછાડ ઘણી વખત અપરિપક્વ વિચારણસરણીને કારણે બિભત્સ મજાક અને શારીરિક છેડછાડ સુધી પહોંચે છે. જેનાથી સંબંધોથી ગરિમાને અસર પહોંચે છે. સંબંધોની ગરિમાને અસર ન થાય એ માટે જરૂરી છે કે એ સંબંધને ઊંડાણથી જાણો અને સમજો.

 

રીલેશન સ્કેનર – મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment