ફળોનું નામ આવતા જ સૌ પ્રથમ તો તાજગીનો અનુભવ થવા લાગે છે. જો આ જ પ્રકારની તાજગી તમારા કપડાંમાં પણ જોવા મળે તો તે કલરફૂલ બની જાય છે. તમે તમારા વોર્ડરોબમાં રેગ્યુલર ડિઝાઇન્સની સાથે કંઇક નવી ફેશનને સ્થાન આપવા માગતા હો તો તમે ફ્રૂટ પ્રિન્ટની ફેશનના ટ્રેન્ડ પર પસંદગી ઊતારી શકો છો. ઘેરાવોવાળું સ્કર્ટ, ટી શર્ટ્સ, ટોપ, કે પછી હેન્ડબેગ, ઓર્નામેન્ટ્સ વગેરેમાં ફ્રૂટ પ્રિન્ટ જોવા મળી રહી છે. ફ્રૂટ પ્રિન્ટ હાલની નવી ફેશન છે. જે કેઝ્યુઅલ વેરમાં ધૂમ મચાવી રહી છે. જોકે ઊનાળામાં લોકો વધારે ડાર્ક કલરના કપડાં પહેરવાના પસંદ કરતા નથી. ફ્રૂટ પ્રિન્ટવાળા આઉટફીટમાંથી કલરફુલ ફિલીંગ મળતી હોવાથી ગરમીમાં તે ખાસ કેઝ્યુઅલ વેર માટે લોકપ્રિય બની રહ્યા છે.
કેવા પ્રકારના આઉટફીટમાં છે લોકપ્રિય
તમે પોતાને એલગ દેખાડવા ઇચ્છતા હો તો ફ્રૂટ પ્રિન્ટવાળા લૂઝ પેન્ટની સાથે પ્લેઇન ટી શર્ટ્સ પહેરી શકો છો. ટ્યૂનિક ડ્રેસમાં નાની ડિઝાઇનના ફ્રૂટ પ્રિન્ટની ડિઝાઇનની ફેશન છે. ટ્યૂનિક ડ્રેસ અને લોન્ગ ગાઉન સાથે કોર્ટન કે જ્યોર્જેટ મટીરીયલમાં નાની ફ્રૂટ પ્રિન્ટ ડિઝાઇન હાલમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ક્યારેય ફ્રૂટ પ્રિન્ટવાળા ગાઉન કે આઉટફીટ કોઇ પાર્ટીમાં પહેરવાની ભૂલ કરતા નહી. આ પ્રિન્ટ ફક્ત કેઝ્યુઅલવેર માટે જ લોકપ્રિય છે. આ ઉપરાંત બીચ પર કે ક્યાંક ફ્રેન્ડ્સ સાથે હેન્ગઆઉટ માટે ગયા હો તો આ પ્રકારની પ્રિન્ટ્સ ખાસ પહેરવામાં આવે છે.
શર્ટ પર નાની પ્રિન્ટ જોવા મળે છે. જે તમે જીન્સ કે કેપરી સાથે પહેરી શકો છો. જ્યારે ફ્રૂટ પ્રિન્ટાવાળા ટી શર્ટ્સ અલગ જ પ્રકારના હોય છે. કોઇપણ એક ફ્રૂટનો અથવા તો મિક્સ ફ્રૂટનો ફોટો ટી શર્ટ્સમાં વચ્ચેના ભાગમાં અથવા આગળના ભાગમાં હોય છે. જે મોટાભાગે સફેદ કલરના ટી શર્ટ્સ પર વધારે જોવા મળે છે. તે ઉપરાંત ફ્રોકમાં અને સ્કર્ટમાં પણ આ પ્રિન્ટ જોવા મળે છે. કોટનના મટીરીયલમાં મળતા આઉટફીટમાં આ પ્રિન્ટ વધારે જોવા મળે છે. તેથી જ ઊનાળામાં ગરમીમાં આ પ્રિન્ટના આઉટફીટને પસંદ કરવામાં આવે છે.
ફૂટવેરમાં પણ ફ્રૂટ પ્રિન્ટ
ફ્રૂટ પ્રિન્ટની થીમવાળા ફૂટવેર પણ હવે તો ખૂબ જ લોકપ્રિય છે. રંગબેરંગી ફ્રૂટ પ્રિન્ટથી પ્રેરીત થઇને ચપ્પલ્સ, હીલ્સ, ફ્લેટ્સ, સેન્ડલ અને સ્પોર્ટ્સ શૂઝમાં પણ ફ્રૂટ પ્રિન્ટનો ઉપયોગ નવા જ અંદાજમાં થઇ રહ્યો છે. જો તમે ફૂટવેરમાં ફ્રૂટ પ્રિન્ટ પહેરી રહ્યા હો તો તેની સાથે ફ્રૂટ શેઇપના કે ફંકી પ્રકારના આભૂષણોનો જ ઉપયોગ કરો. તેનાથી તમારો અલગ જ અંદાજ લોકોને જોવા મળશે.
ફ્રૂટ શેઇપના ફંકી આભૂષણો
ટીનએજ યુવતીઓને હવે ફ્રૂટ શેઇપવાળા અને ફ્રૂટ પ્રિન્ટવાળા આભૂષણો ખૂબ પસંદ આવે છે. આજકાલ ફેબ્રીક મટીરીયલની જ્વેલરી વધારે લોકપ્રિય બની રહી છે. આ મટીરીયલ પર બનેલા ફ્રૂટ પ્રિન્ટવાળા ફંકી આભૂષણો ખૂબ આકર્ષક લાગે છે. ફંકી ફ્રૂટ જ્વેલરીની સાથે ફ્રૂટ પ્રિન્ટવાળા આઉટફીટ પહેરો. ખૂબ જ આકર્ષક લાગશે. આ પેટર્નના બ્રિસલેટ તે ફ્રૂટ શેઇપ સ્ટોનથી બનેલા હળવા નેકલેસ તમારા લુકને વધારે નિખારશે. ફ્રૂટ ડિઝાઇનની વીંટી પણ હવે તો ખૂબ વેચાણમાં છે.
કઇ વાતનું ધ્યાન રાખશો
— વધારે પ્રમાણમાં મોટી ફ્રૂટ પ્રિન્ટવાળા આઉટફીટ પસંદ કરવા નહીં.
— પાર્ટીમાં કે ફોર્મલ ડ્રેસમાં ક્યારેય ફ્રૂટ પ્રિન્ટના ડ્રેસ પહેરવા નહીં. પાર્ટીમાં, ઓફીસમાં કે મીટીંગમાં તે ક્યારેય શોભશે જ નહીં.
— પિકનિક પર જવા માટે, ફ્રેન્ડ્સ સાથે ફરવા ગયા હો ત્યારે, ફેમીલી ગેટ ટુ ગેધરમાં કે ઉનાળામાં કેઝ્યુઅલ વેર યુઝ કરવા માટે ફ્રૂટ પ્રિન્ટના આઉટફીટ પર પસંદગી ઊતારી શકો છો.
— તમે સ્થૂળ કાયા ધરાવતા હો તો મોટી ફ્રૂટ પ્રિન્ટના બદલા નાની ફ્રૂટ પ્રિન્ટના આઉટફિટ પર પસંદગી ઊતારી શકો છો.
— શરીર પાતળું હોય કે ઝીરો ફિગર હોય તો મોટી ફ્રૂટ પ્રિન્ટના દરેક આઉટફીટ તમને સારા લાગશે.
— સ્કર્ટ, જીન્સ કે પછી બોટમના કોઇપણ આઉટફીટમાં ફ્રૂટ પ્રિન્ટ હોય તો તેની ઉપર હંમેશા પ્લેઇન કલરના આઉટફીટ જ મેચિંગમાં પહેરવા. કોઇપણ ટૂ-પીસ પહેરતી વખતે બેમાંથી એક જ પ્રિન્ટેડ હોય તેનું ખાસ ધ્યાન રાખવું.
— લોન્ગ ગાઉન કે ફ્રોક જો ફ્રૂટ પ્રિન્ટવાળું હોય તો તેની ઉપર તમે પ્લેઇન સ્રગ પહેરીને ડિફરન્ટ લૂક અપનાવી શકો છો.
— જો જ્વેલરી અને ફૂટવેર પણ તમે ફ્રૂટ પ્રિન્ટના જ પહેરવાના હો તો ખાસ ધ્યાન રાખવું કે આઉટફીટની પ્રિન્ટ કરતા તેના કલર કોમ્બિનેશન અલગ હોય.