કોઇ વ્યક્તિમાં છૂપાયેલી ખામીને આપણે સૌ પ્રથમ ચર્ચાનો વિષય બનાવી લઇએ છીએ પણ ક્યારેય એમ વિચારતા નથી કે તે વ્યક્તિમાં કેટલી ખૂબી રહેલી છે. તે કેટલી આવડત ધરાવે છે. મનુષ્યની માનસિકતા સૌ પ્રથમ અને હરહંમેશ નેગેટીવ વિચારો તરફ વધારે દોડવા લાગે છે. કોઇપણ વાત હોય તો તેની પાછળ નકારાત્મક અભિગમ તરત જોવા મળશે.

વાતોનું શેરીંગ કરવું એ કોઇકના માટે ગોસિપ છે, કોઇકના માટે મનોરંજન હોય છે, તો કોઇકના માટે ફરીયાદ કરવી હોય છે. પણ ફરીયાદ કરવાની આ પદ્ધતિ તમારા જીવનને કેવો વળાંક આપે તેનો અંદાજો પણ લગાવી શકાય નહીં. તેના માટે તમારો એટીટ્યૂડ બદલવો પડશે અને મુશ્કેલીઓની કડી સુધી પહોંચવું પડશે. તેના માટે ખૂબીઓ ગણો , ખામીઓ નહીં.

અનામિકા તેની સહેલીઓ સામે તેના પતિની ફરિયાદ કરી રહી હતી. રોજ મોડેથી આવવું તેમનું તો રુટીન બની ગયું છે, બધુ કામ મારે જ કરવું પડે છે, બાળકોને ટ્યુશનથી લાવવા, ફળ લાવવા, ઘર માટે શાકભાજી લાવવા કેટલુંય કામ હોય છે. રોજ કહું છું કે થોડા જલ્દી આવો, બાળકોની સાથે રહો, તેઓ શું ભણે છે તે જુઓ, પણ સાંભળતા જ નથી. તેમના માટે તો તેમની ઓફીસ જ સર્વસ્વ છે. અનામિકા પોતાના પતિની ફરિયાદ કરી રહી હતી પણ તેને એક વાત નહોતી દેખાતી કે જે સહેલીઓની વચ્ચે તે પોતાના પતિની ફરિયાદ કરી રહી હતી, તે બધી જ મનમાંને મનમાં તેના પર હસતી હતી. તેની વાતોની મજા લેતી હતી, તેમાંથી કોઇ એક પણ તેનું હમદર્દ નહોતું કે કોઇએ પણ તેની મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયત્ન ન કર્યો.

અનામિકા જેવી મહિલાઓની આ દુનિયામાં કોઇ અછત નથી. જે પોતાની આખી જીંદગી ફરિયાદ કરવામાં જ પસાર કરી દે છે. તે હંમેશા કહેતી રહે છે કે, તેમની પાસે આ નથી, પેલું નથી. પતિથી, સગાસંબંધીઓથી, નસીબથી અને પોતાનાથી પણ તેને હંમેશા ફરિયાદ રહેતી હોય છે. આ મહિલાઓ પોતાના સ્વભાવના કારણે તેમની પાસે જે હોય છે, તેનો આનંદ પણ લઇ શકતી નથી. તે પોતે સમજી નથી શકતી કે તે આનંદમાં રહેશે તો તેનાથી તેના પરિવારની પ્રગતિને અસર થશે. જો આ મહિલાઓ પોતાની ફરિયાદને કહેવામાં થોડો ચેન્જ લાવે કે તેને પોઝીટીવ રીતે કહેવાનો પ્રયત્ન કરે તો તકલીફો દૂર થવામાં વધારે સમય લાગશે નહી.

હવે જો અનામિકાના ઘરની વાતને લઇને જ આગળ ચર્ચા કરીએ તો પરિવાર અને તેમના માટે થઇને જ પતિ મોડે સુધી ઓફિસમાં રોકાઇને પોતાની નોકરી બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઓવરટાઇમ કરીને વધારે પૈસા કમાવવાનો પ્રયત્ન કે પ્રમોશન લઇને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. આવામાં પોતાની મહિલામંડળની વચ્ચે પોતાના પતિની ફરિયાદ કરવાની કોઇ જરૂર છે ખરી…શું આમાંથી કોઇની પાસે પણ અનામિકાના પતિને વહેલા ઘરે લાવવા માટેનો ઉપાય છે ખરો…શું કોઇને પણ તેની ઘરની પરિસ્થિતીનો ખ્યાલ છે ખરો… ઓફિસમાં તેના પતિને શું તકલીફો પડે છે, તેનો કોઇને ખ્યાલ છે ખરો…અનામિકાએ પોતાના પતિની ઓફિસમાં મોડે સુધી રોકાવાની તકલીફને સમજવાન પ્રયત્ન તો કર્યો નથી અને બધાની વચ્ચે પોતાના પતિને દોષી સાબિત કરી દીધો. પોતાના ઘરની ફરિયાદ બહાર કરવી આ વાત કેટલી હદે યોગ્ય છે, તે કોઇ મહિલા ક્યારેય વિચારે છે ખરી…

દરેકના જીવનમાં સારી-ખરાબ પરિસ્થિતીઓ આવે છે, તેને સ્વીકારવી જ પડે છે. એક સમય સુધી ભાઇ-બહેન, સંબંધીઓ કે મિત્રો સાથે હોય છે. પણ તે પછી તો તમારે જ દરેક મુશ્કેલીઓનો સામનો જાતે કરવાનો સમય આવે છે. તેવામાં શેર કરવાના બહાને ફરિયાદ કરો તો વાત કરવાનો કોઇ અર્થ રહેતો નથી. ખામીઓ ગણાવ્યા કરવી તે કોઇ ઉપાય નથી, તે વાત સમજવી જોઇએ.

જીવનમાં જ્યારે ઉદાસી છવાઇ જાય છે, ત્યારે નેગેટીવીટી ઘર કરી લે છે. પણ દરેક પરિસ્થિતીમાં પોઝીટીવ વિચારો તમને આગળ વધવામાં અને વ્યક્તિની સારી બાબતોને સમજવામાં મદદરૂપ બની જશે. કોઇને ફરિયાદ કરીને તમે તો પોતાને હાસ્યપાત્ર બનાવો જ છો, સાથે જ તમારા જીવનસાથીની નજરોમાં પણ નીચા પડો છો.

જે મહિલાઓને દરેક સમયે ફરિયાદ કરવાની આદત હોય ચે, તેઓ ફક્ત પોતાની જ ઇન્સિક્યોરીટી જાહેર કરે છે. તેમનામાં આત્મવિશ્વાસ ઓછો જોવા મળે છે. પોતાના ઇનર સર્કલમાં તે હંમેશા પોતાની તુલના બીજા જોડે કરતી રહે છે. તેમને એવું લાગે છે કે જે બીજા પાસે છે, તે તેમની પાસે હોવું જ  જોઇએ. ઘણી મહિલાઓ તો એવું પણ વિચારતી હોય છે કે બીજાની ભૂલ સાંભળતા પહેલા તે પોતાની જ બધી વાતો જાહેર કરી દે. જેમણે નાનપણમાં જોયું હોય કે ઝગડાથી લાભ થાય છે, તેઓ પોતાની પ્રવૃત્તિ  એવી રીતે જ કરતા રહે છે. તેઓ બીજાને નીચા પાડીને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે. આવી મહિલાઓ પોતાની આખી જીંદગી નકારાત્મકતા સાથે વિતાવી જ દે ચે, પણ સાથે જ આવા વાતાવરણમાં ઉછરતા બાળકો પર પણ તેની અસર પડે છે. તેમને સારા સંસ્કાર મલતા નથી. તેઓ હંમેશા કન્ફ્યૂઝ રહે છે. ડિપ્રેશમ અનુભવે છે. તેમનામાં વ્યાવહારિક સમસ્યાઓ ઉદ્ભવે છે. જો માતા સ્ટેબલ હોય  તો બાળકો સારા જ વાતાવરણમાં મોટા થાય છે. નેગેટીવ અને ફરિયાદી વિચારોના કારણે પતિને ઘરમાં કોઇ રસ રહેતો નથી. કૌટુંબિક અને સાંસારિક જીવનમાં ઉથલપાથલ સર્જાય છે. આ બધુ ફક્ત એક વિચારસરણીના કારણે જ જન્મે છે. તો પોતાના જ વ્યક્તિની ખામીઓને સતત વાગોલતા રહેવા કરતા તેની ખૂબીઓને જાણીને ખામીઓને ઢાંકી દેવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ફરિયાદ માટેના વાક્યો

— નણંદ ખૂબ ચાલાક છે

— તેઓ મારી સાથે મારા પિયર તો આવં જ નહીં.

— બર્થડે વિશ પણ નથી કરતા.

— સાસુમા દરેક વાતમાં ટોક્યા કરે છે.

— આમનો ગુસ્સો તો ખૂબ જ ખરાબ છે.

— જ્યારે હોય ત્યારે ટીવી સામે જ બેસી જાય છે.

— મારી માટે તો ટાઇમ જ ક્યાં છે તેમની પાસે.

— ઘરના કામોમાં તો ધ્યાન જ નથી આપતા.

— ક્રિકેટ તો મારી સોતન જેવી બની ગયું છે.

— મિત્રો સાથે ગપ્પા મારી શકાય, મારી સાથે વાત કરવાનો સમય નથી.

— બાળકોને ક્યારેક તો ભણાવી શકાયને.

— ઘરના બધા જ કામ મારે જ કરવાના. કોઇ મદદ ન કરે.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment