બોલિવૂડમાં ખેલાડીના નામથી ઓળખાતા અક્ષય કુમાર આજના સમયમાં એક આગવી ઓળખ બોલિવૂડમાં ધરાવે છે. ખાન ત્રિપુટીની સામે જો કોઇ ટકી શકતું હોય તો તે ફક્ત અક્ષય કુમાર જ છે. અક્ષય કુમાર પોતાની કરિયરમાં ધીમે ધીમે આગળ ને આગળ વધી રહ્યા છે. તેમની કરિયરમાં રાતોરાત સ્ટાર બની ગયા હોય તેવી કોઇ બાબત જોવા મળતી નથી. દરેક પાત્રને ખૂબ જ સરળતાથી નિભાવી શકવાની તેમનામાં ક્ષમતા છે. હવે તે પોતાના પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જઇને કામ કરનાર કલાકારોમાં સામેલ થઇ ગયા છે. જોકે હાલમાં તો અક્ષય તેમની બે ફિલ્મોને લઇને ખૂબ જ ચર્ચામાં છે. જેમાં એક ફિલ્મ પેડમેન છે અને બીજી સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ 2.0 છે. જોકે આ ફિલ્મ 26 જાન્યુઆરી પહેલા રીલીઝ થવાની હતી. જેમાં તે સુપર વિલનનું પાત્ર ભજવી રહ્યા છે. 2.0 ફિલ્મમાં વીએફએક્સનું કામ બાકી હોવાના કારણે તેની રીલીઝ એપ્રિલ સુધી આગળ વધી ગઇ છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેને 3ડીમાં શૂટ કરવામાં આવી છે. જોકે હવે અક્ષયની ફિલ્મ પેડમેન પહેલા રીલીઝ થશે.

દરેક રોલમાં પરફેક્ટ

એક્શન ફિલ્મોમાં પોતાની ફિઝીકનો શાનદાર ઉપયોગ કરનાર અક્ષય કુમારની ગણતરી કેટલાક ગણતરીના પાંચ કલાકારોમાં થાય છે. આમ તો અક્ષય કરાટેના માસ્ટર પણ રહ્યા છે. મોહરા, મૈં ખિલાડી તુ અનાડી, ખિલાડી જેવી ફિલ્મોમાં પોતાનો જાદુ પાથર્યા બાદ તે આગળ વધ્યા અને પછી રોમેન્ટિક ફિલ્મોમાં પોતાની કલાકારી દેખાડી. કેટલીક રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યા પછી જ્યારે ફિલ્મસિટીમાં શાતિ છવાઇ ગઇ તો તેઓ કોમેડી જોનરમાં કૂદી પડ્યા અને હેરાફેરીથી તેમણે કોમેડીનો ટ્રેક પકડી લીધો. કોમેડીમાં હેરાફેરીની સાથે ફિર હેરાફેરી, સિંઘ ઇઝ કિંગ, ખટ્ટા મિઠા, વેલકમ જેવી અનેક ફિલ્મોમાં આવ્યા અને પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી લીધુ. તે પછી ક્યારેક ક્યારેક વચ્ચે ફોર્મુલા ફિલ્મોમાં પણ જોવા મળ્યા. સાથે જ એક્શનવાળી ફિલ્મોમાં પણ પોતાની આવડત દેખાડી. અંડરવર્લ્ડ પર બનેલી ફિલ્મ હોલીડે, વિદેશી જમીન પર ભારતીયોને બચાવનાર મેજરની ભૂમિકાવાળી ફિલ્મ એરલિફ્ટમાં જોવા મળ્યા. તે પછી એક અલગ જ પાત્રમાં નેવી ઓફિસર તરીકે ફિલ્મ રુસ્તમમાં જોવા મળ્યા. દર્શકોને અચંબિત કર્યા.

સામાજીક મુદ્દાઓને અભિનય દ્વારા દિશા આપી

બોલિવૂડમાં સફળતા મળ્યા બાદ સફળતાનો જાદુ માથે ચડી જાય છે પણ અક્ષય કુમાર પર સ્ટારડમ હાવી થયેલું જોવા મળતું નથી. તે દરેક લોકોને ખૂબ સરળતાથી મળે છે અને પોતાના કમિટમેન્ટ પૂરા કરે છે. તે સિવાય સામાજીક મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં પણ તે પાછળ રહ્યા નથી. આંતકવાદનો મુદ્દો હોય તે સામાજીક કુનિતીનો મુદ્દો હોય તે હંમેશા આગળ રહ્યા છે. હાલમાં જ આવેલી ફિલ્મ ટોયલેટ – એક પ્રેમ કથામાં તેમણે પોતાના શાનદાર અભિનયનો પરચો આપ્યો છે. ગામડાથી લઇને શહેરી વિસ્તારોમાં ટોયલેટ ન હોવાના મુદ્દાને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મમાં તે વિષય લેવામાં આવ્યો છે. હવે આ પછી અક્ષય એક નવો જ મુદ્દો લઇને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે – પૈડમેન. હવે જોવાનું છે કે આ ફિલ્મમાં તે શું કમાલ કરવાના છે. તે પછી તે રજનીકાંત સાથેની ફિલ્મ 2.0માં  વિલન બનીને આવી રહ્યા છે. આ પાત્ર તેમના ફેન્સ માટે ખૂબ જ આશ્વર્યજનક બાબત બની રહેશે.

સુપર હિરો હૈ યે પગલા

અક્ષય કુમાર પોતાની ફિલ્મ પૈડમેનને લઇને ખૂબ ખુશ છે કારણકે આ ફિલ્મ ટ્વીંકલ ખન્ના બનાવી રહી છે. તેનું નવું પોસ્ટર રીલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર કોટનના ઢગલા પર ઊભા છે. આ પોસ્ટર પર લખવામાં આવેલી ટૈગ લાઇન ખૂબ રસપ્રદ છે – સુપરહિરો હૈ યે પગલા. આ ફિલ્મ પૈડમેન 26 જાન્યુઆરી 2018ના રોજ રીલીઝ થવાની છે. પૈડમેન અરુણાચલમ મુરુગાનાથનમની વાર્તા છે. જેમણે ઓછી કિંમતના સેનેટરી પૈડ બનાવવાની શરૂઆત કરી હતી. અરુણાચલમનો આ આવિષ્કાર ક્રાંતિકારી સાબિત થયો અને ગામડાના વિસ્તારની બહેનો માટે તે આર્શીવાદ સમાન સાબિત થયું. આ ફિલ્મમાં અક્ષયની સાથે રાધિકા આપ્ટે અને સોનમ કપૂર પણ છે. રાધિકા ફિલ્મમાં અક્ષયની પત્નીના પાત્રમાં જોવા મળશે.

પૈડમેનનું ડીરેક્શન આર.બલ્કી કરી રહ્યા છે. ખાસ વાત તો એ કે પૈડમેન ટ્વીંકલ ખન્નાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ છે. આ પહેલી તક છે કે બંને જણા પહેલીવાર આ રીતે સાથે જોડાશે. મિસેજ ફનીબોક્સ પછી ટ્વીન્કલ ખન્નાએ પોતાના ઉપન્યાસના કેટલાક ફની ચેપ્ટર લખી લીધા હતા. જ્યારે તે પોતાની કોલમ માટે રીસર્ચ કરી રહી હતી ત્યારે તેને અરુણાચલમની વાત વિશે ખબર પડી. તેણે પોતાની નોવેલ સાઇડ પર મૂકીને સેનેટરી મેનની સ્ટોરી પર કામ શરૂ કરી દીધુ. ટ્વીંકલ ખન્ના તેને લઇને એક નાની ફિલ્મ બનાવવા ઇચ્છતી હતી પણ અક્ષય અને બલ્કીએ તેને મોટી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો.

વિલન તરીકે 2.0 માં

અક્ષય હવે રજનીકાંતની ફિલ્મમાં પણ જોવા મળશે. તેની ફિલ્મનું કુલ બજેટ 400 કરોડ છે. આટલા મોટા બજેટ વાળી આ પહેલી એશિયાઇ ફિલ્મ કહેવામાં આવી રહી છે. તેને વર્લ્ડવાઇડ 7000 સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર વિલન તરીકે જોવા મળશે. આ ફિલ્મની ખાસિયત એ છે કે ફિલ્મને 3ડીમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં સંગીત એ.આર.રહેમાને આપ્યું છે, જેમણે ઇવેન્ટમાં લાઇવ પરર્ફોમન્સ આપ્યું છે. ફિલ્મનું નિર્દેશન એસ.શંકરે કર્યું છે. 2.0 એ 2010માં આવેલી ફિલ્મ રોબોટનું સિક્વલ છે. આ વખતે પણ લીડ રોલમાં રજનીકાંત જ હશે પણ ફિલ્મનું મોટું આકર્ષણ અક્ષય કુમાર પણ છે. જે ખૂબ જ વિચિત્ર ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં આ બંને ઉપરાંત એમી જેક્શન, સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ છે. દુનિયાના સૌથી મોટા સ્ટ્રીમિંગ જોઇંન્ટ અમેઝન પર આ ફિલ્મના હિન્દી, તમિલ અને તેલુગુ વર્ઝનને જોઇ શકાશે.

હિરોઇનો સાથે સારું ટ્યુનિંગ

અક્ષય કુમારની એક બીજી ખાસ વાત એ છે કે હિરોઇનો સાથે તેમનું ટ્યુનિંગ ખૂબ સારું રહે છે. કૈટરીના કૈફ તેમની સાથે સિંઘ ઇઝ કિંગ અને વેલકમમાં જોવા મળી હતી અને લોકોએ તેમને પસંદ પણ કર્યા હતા. ત્યારપછી સૌનાક્ષી સિન્હા સાથે રાઉડી રાઠોડમાં તહેલકો મચાવ્યો અને હોલિડેમાં ફરીથી સાથે જોવા મળ્યા હતા. રુસ્તમ ફિલ્મમાં જેમાં અક્ષય નેવી ઓફિસર બન્યા હતા તેમાં ઇલિયાના ડિક્રૂઝ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા. ટોયલેટ-એક પ્રેમકથામાં નવી હિરોઇન ભૂમિ પેડનેકરની સાથે તેમની જોડી જામી હતી. જે ગામ્રીણ પહેરવેશમાં હતી. જેને પણ લોકોએ પસંદ કરી. હવે આવનારી ફિલ્મ પૈડમેનમાં તે રાધિકા આપ્ટેની સાથે જોવા મળશે. જોકે તેમાં સોનમ કપૂર પણ જોવા મળશે. અક્ષય માટે એ વાત ક્યારેય હોતી નથી કે તે કોઇની સાથે જોડીમાં સારા લાગશે કે નહીં. તે પાત્રના મુજબ ફિટ થઇ જ જાય છે.

ઇન્ડસ્ટ્રીને 2.0થી છે આશાઓ

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 2.0 ખૂબ મોટા બજેટની ફિલ્મ છે. ફેન્સની સાથે બોલિવૂડના લોકો પણ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં જ તેનું નવું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય વિલન તરીકે અક્ષય કુમારનું પોસ્ટર સામે આવ્યું છે. જોકે એ વાત પહેલેથી જ નક્કી હતી કે અક્ષય આ ફિલ્મમાં વિલનના પાત્રમાં અલગ અંદાજમાં જોવા મળશે. પોસ્ટર રીલીઝ થયું તો અક્ષયના ફેન પણ પોસ્ટર જોઇને ચોંકી ઊઠ્યા છે. થોડા સમય પહેલા દુબઇમાં તેનું ગ્રાન્ડ મ્યુઝીક લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ હતી કે જેટલા બજેટમાં કેટલીય ફિલ્મો બની જાય તેટલા બજેટમાં ફક્ત મ્યુઝીક લોન્ચ પર પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ગ્રાન્ડ ઇવેન્ટ પર કુલ 13 થી 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં યોજાયેલા આ મ્યુઝીક લોન્ચ પ્રોગ્રામમાં રજનીકાંત, અક્ષય કુમાર, એ.આર. રહેમાન સહિત ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment