જો તમે અપાર્ટમેન્ટમાં રહેતા હો અને ખાસ કરીને ચોમાસામાં હરિયાળી પસંદ હોય તો વધારે ચિંતા કરવી નહીં. તમે તમારા ઘરમાં લીલોતરીને તમારી બાલ્કનીમાં લગાવવાના સપનાને પૂરા કરી શકો છો. જોકે ઘરમાં રહેતા લોકો પણ આ રીતે પોતાના ઘરઆંગણમાં સજાવટ કરી શકે છે. તમે નાની નાની કાચની કે જારની બોટલમાં ફૂલછોડ ઊગાડી શકો છો. તેના માટે તમારે શું કરવું તે વિશે જાણીયે.

કાચની બોટલ કે જારમાં ઊગાડેલા છોડ તમારા ઘરની અંદરની હવાને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે અને સાથે જ ઘરના ઇન્ટિરીયરને પણ સુંદર બનાવે છે. આના માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે ગ્લાસની બોટલ કે જારમાં તમે છોડને વાવી રહ્યા હો તે ઉપરથી સાંકડા અને નીચેથી પહોળા હોવા જોઇએ. આ પ્રકારે છોડમાં મની પ્લાન્ટ, સ્પાઇડર પ્લાન્ટ, વેંડરીંગ જ્યૂ, આઇવી જેવા છોડ લગાવીને ઘરને સજાવી શકાય છે. ગ્લાસની બોટલ કે જારમાં છોડ લગાવવા માટે એવા છોડની પસંદગી કરો જે વધારે પ્રમાણમાં ફેલાતા ન હોય. તેના કારણએ તેને મેઇન્ટેન કરવું વધારે સરળ રહે છે.

 

છોડ લગાવવાની પદ્ધતિ

  • કન્ટેનરના 1/5 ભાગમાં નાના નાના પથ્થર નાખો. તે પછી કલર્સ સ્ટોન અને શેલ્સ નાખીને તેને સજાવો.
  • તે પછી 1/4 ભાગમાં ચારકોલનું પાતળું પડ પાથરો. જે નાના પથ્થરોની ઉપર હોવું જોઇએ. ચારકોલ કન્ટેનર હવાને શુદ્ધ કરે છે. તમે ચારકોલ કેટલું નાખો છો તે ગ્લાસ કન્ટેનર પર આધારીત છે. નાના ગ્લાસમાં બેથી ત્રણ અને મોટા ગ્લાસમાં પાંચ થી છ ચારકોલની જરૂર હોય છે.
  • જે માટીમાં છોડ ઊગાડવાનો હોય તેમાંથી ખરાબ પડ કાઢીને તેને તડકે સૂકવી દેવી. તેમાં માટી અને ખાતરનું પ્રમાણ એકસરખુ રાખવું. આ મિશ્રણનો 1/5 ભાગ કન્ટેનરમાં નાખવો. માટીને બક્ટિરીયા રહીત બનાવવા માટે માટીને માઇક્રોવેવમાં પણ બેક કરી શકાય છે.
  • જે છોડને તેમાં રોપવાનો હોય તેની પસંદગી સમજી વિચારીને કરવી. છોડ ભેજમાં લીલોછમ રહે અને ઝડપથી વધે નહીં તે રીતે પસંદગી કરો. ફૂલવાળા છોડની પસંદગી ન કરો. કન્ટેનરની સાઇઝ પ્રમાણે જ પસંદગી કરવી.
  • ગ્લાસ કન્ટેનરમાં રોપેલા છોડને સીધું પાણી પાવાની જગ્યાએ સ્પ્રે કરવું. તેને વધારે પાણી ન આપો. કન્ટેનરને ઢાંકણથી કવર કરો અને જ્યાં વધારે પ્રકાશ આવતો ન હોય તેવી જગ્યાએ મૂકો. તેનાથી કન્ટેનરની અંદરનું તાપમાન વધે છે અને જો તેની અંદર ભેજનું પ્રમાણ વધે તો કવરને દૂર કરી દેવું. તેનાથી પાણીનું બાષ્પિભવન થઇ જશે. તેમાં રંગીન પથ્થરો, છીપલા કે માર્બલ નાખી શકો છો.
  • તમે લીલાછમ છોડ લગાવવા માટે ગ્લાસના બાઉલ કે એક્વેરીયમ ટેન્કનો ઉપયોગ પણ કરી શકો છો. ગ્લાસને ઉપરથી ઢાંકવા માટે કોર્ક અથવા લીડ હોય તો સારું રહેશે. તેનાથી છોડની અંદર ભેજ જળવાઇ રહે છે.
  • આ રીતે ગ્લાસ જારમાં રોપેલા છોડ તેમના પાંદડાઓમાંથી ભેજ મેળવી લે છે. ભેજના ટીપાં શીશાની આજુબાજુ જામી જાય છે. તે ધીમે ધીમે માટી દ્વારા શોષાઇ જાય છે. આ રીતે જાર કન્ટેનરમાં રોપેલા છોડને લાંબા સમય સુધી પાણી આપવાની જરૂર રહેતી નથી.

 

Loading

Spread the love

Leave a Comment