ચેનીલે લેસ – કોઇ પણ ડ્રેસને આકર્ષક અને શાનદાર લુક આપવાની સાથે તમારે સિન્ડ્રેલા જેવાં સુંદર લાગવું હોય તો ચેનીલે લેસ એક સારો ઓપ્શન છે. કુર્તી હોય કે શોર્ટ ટોપ કે ઇવનિંગ ગાઉન – તમામમાં ચેનીલે લેસ તમારી સુંદરતાને ઓર નિખારે છે.
ફેશનની દુનિયામાં જ્યારે સ્ટાઇલની વાત આવે ત્યારે જે લેટેસ્ટ ફેશનનો ખ્યાલ રાખતી હશે એ આધુનિકાને ચેનીલે લેસ ચોક્કસ યાદ આવવાની. સુંદર મજાનાં મોટિફ અને એમ્બ્રોઇડરી જેવી કિનારી ધરાવતી આ લેસ બોલિવૂડ એક્ટ્રેસીસથી લઇને હોલિવૂડની હિરોઇન્સની પણ પહેલી પસંદ છે. સાચે જ કોઇ પણ પરિધાનનું આકર્ષણ વધારવામાં ચેનીલે લેસ નો અન્ય કોઇ ઓપ્શન નથી. અલબત્ત, ફ્રેન્ચ ચેનીલે લેસ થોડી મોંઘી આવે છે, પણ સ્ટાઇલની વાત આવે ત્યારે તે એવી લાગતી હોય છે કે સૌ જોતાં જ રહી જાય.
તમે એ તો સાંભળ્યું જ હશે કે કેટલીક ફેશન અને સ્ટાઇલ સદાબહાર હોય છે, આ વાત ચેનીલે લેસ ને પણ લાગુ પડે છે. ચેનીલે લેસની ફેશન વર્ષો પહેલાં પણ એટલી જ પોપ્યુલર હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ તેની પોપ્યુલારિટી યથાવત રહેશે એમાં શંકાને સ્થાન નથી. ટીનએજર્સ હોય કે કોલેજગોઇંગ યુવતી કે પછી વર્કિંગ વુમન અથવા હાઉસવાઇફ દરેક વયની મહિલાના વોર્ડરોબમાં ચેનીલે લેસ યુક્ત એકાદ આઉટફિટ તો તમે અવશ્ય જોવા મળે જ.
ડિઝાઇનર ડ્રેસીસની વાત કરીએ તો તેમાં કટ્સનું મહત્વ ખૂબ જ હોય છે. એમાંય નેટમાં તો આ કટ્સ અત્યંત આકર્ષક લાગતાં હોય છે – પછી ભલે તે સ્ટ્રેટ કટ હોય કે ફ્લો કટ. બંને સ્ટાઇલના ડ્રેસીમાં ચેનીલે લેસ સાથે અલગ અલગ સાઇઝના બીડ્સનો ઉપયોગ કરીને તેનું આકર્ષણ વધારી શકાય છે. વેસ્ટર્ન વેરમાં તો ઠીક, આપણા ભારતીય ટ્રેડિશનલ પરિધાનોમાં પણ સમયાંતરે લેસ પોતાની લોકપ્રિયતાનો પરિચય આપી જાય છે.
આઉટફીટ સાથે ચેનીલે લેસ
આજકાલ લગભગ દરેક આઉટફિટમાં અલબેલીઓ નેટને પ્રાધાન્ય આપી રહી છે. તેના કટ્સ અને ડિઝાઇન અનુસાર નેટની આકર્ષક લેસનો ઉપયોગ કરે છે. ચેનીલે લેસનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. ઇવનિંગ વેર અને રેડીમેડ આઉટફિટ્સમાં તો તેનો ઉપયોગ આધુનિકાઓ કરે જ છે, તે સાથે હેન્ડબેગ્સ તેમ જ અન્ય એક્સેસરીઝમાં પણ ચેનીલે લેસ નો ઉપયોગ યુવતીઓ કરવા લાગી છે. ચેનીલે લેસમાં એક સારી બાબત એ છે કે તેમાં વિવિધ ડિઝાઇન્સ જોવા મળે છે. તેમાં મોટી પ્રિન્ટ ધરાવતી વિન્ટેજ લેસીસથી લઇને ગ્લેમરસ લાગે એવી નાની પેટર્નની ચેનીલે લેસીસ તમે પસંદ કરી શકો છો. એકદમ ડેલિકેટ એવી ચેનીલે લેસીસ ના ટેક્સચરમાં ગ્યોપ્યોર અને ઓસ્ટ્રિયન લેસ વગેરે જેવી અનેક રેન્જ જોવા મળે છે. જ્યારે સ્ટ્રેચ લેસનો ક્રેઝ તો અનેરો છે કેમ કે તેને આઉટફિટની નેકલાઇન, સ્લીવ્સ, વેસ્ટ પાસે લગાવવાથી આઉટફિટનો પણ લુક આખો બદલાઇ જાય છે. ટાઇટ ફિટિંગ આઉટફિટ્સ માટે આવી સ્ટ્રેચ લેસ ખાસ પસંદ કરવામાં આવે છે.
વિવિધ પ્રકારની ચેનીલે લેસીસ
હવે તો ફેશનના ક્રેઝને ધ્યાનમાં રાખીને ડ્રેસ ડિઝાઇનર્સ પણ અનેક પ્રકારની લેસીસનો ઉપયોગ ડિઝાઇનર ડ્રેસીસમાં કરવા લાગ્યા છે. આવી લેસીસમાં બેલ્જિયન લેસ, લાઇક્રા લેસ, ક્રોશિયો લેસ ઉપરાંત અનેક પ્રકારની લેસનો ઉપયોગ ડિઝાઇનર્સ કરે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન – બંને આઉટફિટમાં બીડ્સ, સ્ટોન વગેરેથી સજાવેલી સોફ્ટ નેટ અને ચેનીલે લેસ આજકાલ ખૂબ લોકપ્રિય છે. જોકે અન્ય લેસીસની સરખામણીએ ચેનીલે લેસ સૌથી સારી રહે છે. તેનાં બારીક અને સુંદર મોટિફ અલગ જ આકર્ષણ ઊભું કરે છે. એટલું જ નહીં, તેની બારીક કિનારી તેને વધારે આકર્ષક બનાવે છે. ઘણા ફરિયાદ કરે છે કે લેસ ઝડપથી ખરાબ થઇ જાય છે અથવા તો તેમાં કાણાં પડી જાય છે, પણ જો લેસની ક્વોલિટીની વાત કરીએ તો ઇટાલિયન કે ફ્રેન્ચ લેસ સૌથી સારી રહે છે. ચેનીલે લેસની બારીક પેટર્ન પણ હસ્તકલાનો ઉત્તમ નમૂનો બની રહે છે. આ કારણસર ફ્રેન્ચ ચેનીલે લેસ થોડી મોંઘી આવે છે, પણ તેની ક્વોલિટી સારી હોય છે. તમને યાદ હોય તો, લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઇ હતી ત્યારે વ્હાઇટ ચેનીલે લેસ ગાઉનમાં એને જોઇને કંઇકેટલાય લોકોના મોંમાંથી આહ નીકળી ગઇ હતી અને ત્યાં હાજર તમામ અભિનેત્રીઓમાં વ્હાઇટ ચેનીલે લેસ ગાઉનમાં એ અલગ જ તરી આવતી હતી.
જૂની ફેશન બની નવી
અનેક લોકપ્રિય ડિઝાઇનર્સને વ્યક્તિગત રીતે પણ ચેનીલે લેસ ખૂબ પસંદ હોય છે. તેમાંથી બનાવેલા અથવા તેનાથી સજાવેલા આઉટફિટ્સ પહેરનારને પરી જેવો લુક પ્રદાન કરે છે. પહેલાંનાં જમાનામાં આપણા દાદી-નાની પોશાક તમે જોશો તો તેમાં એકાદ સાડી કે બ્લાઉસને તો ચોક્કસ ચેનીલે લેસ લગાવેલી જોવા અચૂક મળશે. એ જ ચેનીલે લેસ આજકાલ વેડિંગ ડ્રેસમાં ચણિયા-ચોળી અને સાડી સહિત અનેક ટ્રેડિશનલ આઉટફિટ્સની શોભા વધારે છે, જે દર્શાવે છે કે ચેનીલે લેસ કેટલી પેઢીઓમાં લોકપ્રિયતા ધરાવે છે. આવાં ચેનીલે લેસ આઉટફિટ્સ પહેરી સુંદર દેખાવાને લીધે મનમાં અનોખો આત્મવિશ્વાસ જાગે છે. કેટલાક ડ્રેસ ડિઝાઇનર્સ લેસ સાથે જાતજાતનાં એક્સપરિમેન્ટ પણ કરે છે. જેમ કે, ઉનાળાની સિઝનમાં લેસયુક્ત આઉટફિટ્સ ફ્રેશનેસ પ્રદાન કરે છે. કોટનમાં સેલ્ફ પ્રિન્ટ અને લિનનમાં ચિકન વર્કની સાથે જો નેકલાઇન અને સ્લીવ પર ચેનીલે લેસ લગાવેલી હોય તો એ આઉટફિટનો ગેટઅપ અનેરો આવે છે. હવે જ્યારે વેડિંગ સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે અનેક નવોઢાઓ પણ પોતાના વેડિંગ ડ્રેસમાં ચેનીલે લેસ લગાવડાવતી હોય છે.
કેવી એક્સેસરીઝ પહેરશો
ચેનીલે લેસ લગાવેલા આઉટફિટ્સની સાથે તમે આકર્ષક અને તેની સાથે મેચ ખાય એવી એક્સેસરીઝ પહેરો તો તમારી સુંદરતા ઓર નિખરી ઊઠે છે. લેસ કે નેટવાળા આઉટફિટ્સ સાથે સુંદરતા વધારવા માટે તેની સાથે કિંમતી સ્ટોન્સ સ્ટડેડ અથવા હેવી ઇયરિંગ્સ વધારે શોભી ઊઠે છે. એ ઉપરાંત, તમે ઇચ્છો તો ગળામાં સાદા મોતીનો એક સેરનો નેકલેસ પણ પહેરી શકો છો. આવા આઉટફિટ્સ સાથે ન્યૂડ મેકઅપ કરો તો વધારે આકર્ષક લાગશે અને પગમાં સ્ટ્રેપવાળા ફૂટવેર સાથે સ્વરોસ્કી લગાવેલ ક્લચ બેગ…. પછી જુઓ, સૌનું સેન્ટર ઓફ અટ્રેક્શન તમે જ હશો.