ફેશનનની દુનિયામાં હંમેશા કઇકને કઇક નવું બદલાતું જ રહે છે. આમ તો દર વખતે જંપસૂટ ટ્રેન્ડમાં રહે છે પણ આ વખતે જંપસૂટના બદલે બોયલર સૂટને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જંપસૂટ જે રીતે પહેરવામાં અનૂકૂળ અને આરામદાયક રહ્યા છે, તે જ રીતે હવે બોયલર સૂટ પણ વધારે કમ્ફર્ટ ફીલ કરાવી રહ્યા છે. જોકે કોઇ એક સમયે પુરુષો માટે કામના આઉટફીટ તરીકે ઓળખાતા બોયલર સૂટ હવે યુવતીઓ અને મહિલાઓના વોર્ડરોબમાં સ્થાન મેળવી રહ્યા છે. એટલું જ નહીં હવે તેને ઓફિસથી લઇને કોઇપણ સ્થળે તમે અનુકૂળ રીતે પહેરીને જઇ શકો છો.
બોયલર સૂટનો ટ્રેન્ડ ખૂબ જ અલગ અને ખાસ છે. તેની સૌથી ખાસ અને મહત્વની વાત એ છે કે તે દરેક ઉંમરની અને સાઇઝની મહિલાઓ પર સારા લાગે છે. તે રીતે તેની ડિઝઆઇન કરવામાં આવી હોવાથી તે વધારે લોકપ્રિય બની રહ્યા છે. ફેશનેબલ દેખાવાની સાથે સાથે તમે તમારા શરીરની કમજોરીઓને પણ સરળતાથી ઢાંકી શકો છો. તેથી આ વર્ષે ટ્રેન્ડમાં સ્થાન જાળવી રાખવા માટે તમે બોયલર સૂટને તમારા વોર્ડરોબમાં પહેલું સાથે આપી દો.
કેવી રીતે પહેરશો
જોકે બોયલર સૂટ ટોપ ટૂ બોટમ એકસરખો જ દેખાય છે. પણ તેને વધારે સ્ટાઇલિશ દેખાડવા માટે તમે કેટલીક પદ્ધતિ અપનાવી શકો છો. તમે બોયલર સૂટની નીચે કોન્ટ્રાસ્ટ કલરના ટી શટ્સ પહેરી શકો છો. તે સિવાય બોયલર સૂટની સાથે બેલ્ટ પણ પહેરવું પણ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી બોયલર સૂટનો લૂક એકદમ બદલાઇ જશે. જો તમે તેને કેઝ્યુઅલ લૂકમાં પહેરવા ઇચ્છતા હો તો તેની સાથે સ્નીકર્સ પહેરી શકો છો.
બિન્દાસ લૂક મેળવો
બોયલર સૂટ એવો પહેરવેશ છે, જે પહેરીને તમે એકદમ બિન્દાસ લૂકમાં દેખાશો. ક્યારેક સ્નીકર્સના સ્થાને તમે હીલ પણ પહેરી શકો છો. જો તેની સાથે તમને એક્સેસરીઝ પહેરવી હોય તો સ્ટેટમેન્ટ ઇયરીંગ્સ, નેકપીસ અને એક હેન્ડબેગ લેશો તો પણ આ દરેક વસ્તુઓ આ ડ્રેસ સાથે સારી લાગશે.
ફેબ્રિક અને કલર
બોયલર સૂટ આમ તો અનેક પ્રકારના ફેબ્રિકમાં મળી રહે છે. જોકે તમારે ઋતુ અને વાતાવરણ પ્રમાણે તેની પસંદગી કરવી તે વધારે યોગ્ય રહેશે. એટલે કે તમે ડેનિમ, કોટન જેવા ફેબ્રિકને વધારે પ્રાથમિકતા આપો. જો તમારે ડિફરન્ટ લૂક મેળવવો હોય તો તેના માટે કલરની પસંદગી પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. જેમાં વ્હાઇટ અને બ્લેક સિવાય લાઇટ પીંક, ઓલિવ ગ્રીન, લવન્ડર, નેવી બ્લ્યૂ જેવા કલર્સ પહેરી શકાય છે. બોયલર સૂટના ડિઝાઇનમાં તમને સ્કિન ફીટ થી લઇને ઓવરસાઇઝ બોયલર સૂટ ખૂબ જ સરળતાથી મળી જશે. તેથી તમે કોઇપણ બોયલર સૂટ ખરીદતા પહેલા તેને પહેરીને ટ્રાય કરીને જ લો. તેનાથી તમને ખબર પડશે કે તે તમારા પર સૂટ થાય છે કે સારો લાગે છે કે નહીં.
કેટલીક બાબતોનું ધ્યાન રાખો
- બોયલર સૂટની ફેશન ખૂબ અલગ છે, તેથી જ્યારે પણ તે પહેરો ત્યારે આત્મવિશ્વાસ સાથે પહેરો.
- બોયલર સૂટની પસંદગી કરતી વખતે તેના કટ્સ અને કલર પર ખાસ ધ્યાન રાખો.
- જો તમે પ્લેઇન બોયલર સૂટ પહેરી રહ્યા છો, તો તમારી સ્ટાઇલમાં આકર્ષણ ઊભુ કરવા માટે તમે તમારી એક્સેસરીઝ અને તેના કલર પર વધારે ફોકસ કરો. જેથી તે વધારે સુંદર દેખાય.
- બોયલર સૂટ ફક્ત પ્લેઇન કલરમાં જ નથી મળતા પણ તે સ્ટ્રાઇપ્સ, ફ્લોરલ પ્રિન્ટ, પોલકા ડોટ્સ વગેરે પ્રિન્ટ્સમાં પણ જોવા મળે છે. તે ઉપરાંત ટાઇ એન્ડ ડાઇ પ્રિન્ટમાં બોયલર સૂટ ખૂબ આકર્ષક લાગે છે, તેથી તમે તેને પણ પસંદ કરી શકો છો.