કિચન દરેકની અને દરેક ઘરની જરૂરિયાત છે. તમે બેચલર હો, તમારો પરિવાર નાનો હોય કે મોટો કે પછી તમે ચોક્કસ વય વટાવી ગયાં હો, રસોડું તો તમારી જરૂરિયાતને પરિપૂર્ણ કરે એવું જ હોવું જોઇએ.

કિચન – દરેક પરિવારમાં અને ઘરમાં સૌથી વધુ મહત્વ ધરાવતો ઘરનો એવો હિસ્સો, જેની જરૂર પરિવાર નાનો હોય કે મોટો, ઘરમાં રહેનાર વડીલ હોય કે બેચલર, દરેકને માટે અલગ અલગ પ્રકારના કિચનની જરૂર પડતી હોય છે. વડીલો અને મોટા પરિવાર એટલે કે સંયુક્ત પરિવાર માટે કિચન કેવું હોય અને તેમાં કેવી સુવિધા હોવી જોઇએ તે વિશેની થોડી માહિતી આજે આપણે જાણીશું.

ઘરમાં બેચલર કે સિંગલ વ્યક્તિ રહેતી હોય તો તો નાનું કિચન પણ પૂરતું થઇ રહે છે, પણ જ્યારે સંયુક્ત પરિવારમાં રહેતાં હો તો સ્વાભાવિક રીતે જ મોટા કિચનની જરૂર પડે છે. રસોઇ બનાવવાની સાથોસાથ અન્ય ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસની જરૂર પણ વધારે પડતી હોય છે. એ જ રીતે ઘરમાં જો માત્ર વડીલો એટલે કે મોટી વયના લોકો રહેતાં હોય તો કેટલીક ખાસ વસ્તુઓ ઉપરાંત કિચનની ડિઝાઇન પણ થોડી અલગ પ્રકારની હોવી જોઇએ. કેવા પરિવાર માટે કેવું કિચન જોઇએ તે વિશે જાણીએ.

ઘરમાં જ્યારે મોટી વયના લોકો રહેતાં હોયઃ

સૌથી પહેલાં એક વાત તમારે સ્વીકારવી રહી કે તમે પહેલાં જેટલી ઝડપથી અને સારી રીતે હરફર કરી શકતા હતાં કે કામ કરતાં હતાં, હવે એટલી ઝડપથી હરવા-ફરવાનું કે કામ કરવાનું શક્ય નથી હોતું. આથી કિચન એવા પ્રકારનું હોવું જોઇએ કે તમારે વારંવાર નીચા નમવું ન પડે અથવા ગોઠણ વાળીને બેસવું ન પડે. તમારી જરૂર માટેની વસ્તુઓ તમારી ચારે બાજુ અને નજીકમાં જ રહેલી હોય તેનો ખ્યાલ રાખો. અહીં આપેલા ઉપાયો અપનાવીને તમે તમારા કિચનને સુવિધાભર્યું બનાવી શકો છો.

  • કિચનનું ફ્લોરિંગ એવું હોવું જોઇએ, જે સાફ કરવામાં સરળતા રહે. એ માટે સિરામિક ટાઇલ્સ, ટેક્સચર્ડ ટાઇલ્સ, બામ્બૂ અથવા એવું ફ્લોરિંગ મટીરિયલ પસંદ કરો કે તેના પર પગ લપસી જવાનો ભય ન રહે.
  • મોટી વયનાં (વડીલો) માટે મોડ્યુલર કિચન બેસ્ટ ઓપ્શન છે. જેથી પ્લેટફોર્મ નીચે બનાવેલી કેબિનેટનો ઉપયોગ કરવા માટે વધારે મથામણ ન કરવી પડે. શક્ય હોય તો કિચનમાં જ ટેબલ અને બે ખુરશીની વ્યવસ્થા કરાવો. જેથી શાકભાજી સમારતી વખતે અથવા વધારે સમય ઊભા રહીને થાક અનુભવાય તો થોડી વાર ત્યાં બેસી શકાય.
  • કિચનની ડિઝાઇન સુરક્ષિત હોવી જોઇએ. તેના બારણાંની સામે જ એક બારી પણ હોવી જોઇએ. જેથી હવાની સારી રીતે અવરજવર થવાની સાથોસાથ રસોડામાં ઉજાસ પણ સારો રહે.
  • પગથિયાનો ઉપયોગ ન કરો. ઘણા લોકો ઘરના લેવલથી એકાદ-બે પગથિયાં ચડવા પડે એવું કિચન બનાવડાવતાં હોય છે. આવું હોય તો પગથિયાં કાઢી નાખી કિચનના લેવલને એકસમાન કરી દો જેથી દિવસભર કિચનમાં જવા-આવવા માટે પગથિયાં ચડ-ઉતર ન કરવાં પડે.
  • કિચન મોટું અને વધારે જગ્યા ધરાવતું હોવું જોઇએ, જેથી તમને હરવા-ફરવામાં સરળતા રહે.
  • કિચન ડાઇનિંગ રૂમની નજીક જ હોવું જોઇએ. આમ કરવાથી તમને વજનદાર કટલરી કે ડિશીશ ડાઇનિંગ ટેબલ સુધી લઇ જવામાં સરળતા રહે. તમે ઇચ્છો તો આવી વસ્તુઓ લઇ જવા માટે નાની એવી ટ્રોલી પણ કિચનમાં રાખી શકો છો. જોકે એ માટે કિચનનું ફ્લોરિંગ એકસમાન સપાટ હોવું જોઇએ.
  • સૌથી મહત્વનો છે, કુદરતી પ્રકાશ. વડીલોને સમય જતાં આંખો નબળી પડતાં થોડું ઓછું દેખાય છે. આથી વસ્તુઓ જોવામાં પણ મુશ્કેલ બને છે. આ કારણસર કિચનમાં કુદરતી પ્રકાશની સારી વ્યવસ્થા હોવી જોઇએ.
  • કિચનમાં લાઇટ કલર કરાવવો જેથી તે ખુલ્લું અને સાફ લાગે.

તમારો પરિવાર મોટો હોય, વડીલો અને સંતાનો સૌ સાથે રહેતાં હોય તો કિચનના કામ માટે બે-ત્રણ સભ્યો સહાયક બનતાં હોય છે. તેથી આવા ઘરમાં મોટા અને ખુલ્લા કિચનની જરૂર હોય છે. કિચનનું એંસી ટકા કામ તો આ રીતે સહાયકો કરતાં હોય છે તેથી કિચનમાં તમને મનપસંદ બનાવવા માટે એક અલગ કાઉન્ટર અને બર્નરની જરૂર પડે છે.

આવા પરિવાર માટે લેઝર કિચન વધારે પરફેક્ટ રહે છે. આવા કિચનમાં ડબલ સામાન હોય છે. કિચન એપ્લાયન્સીસ અને અન્ય સાધનોનો પણ ડબલ સેટ હોય છે.

  • ફ્રીજ રાખવા માટે તેના માપની કેબિનેટ હોવી જોઇએ.
  • વાસણ સાફ કરવા માટેની જગ્યા એટલે કે વોશિંગ પ્લેસ અલગથી હોય અને નાની-મોટી જરૂરિયાતો માટે નાનકડું સિંક એક સાઇડ પર બનાવેલું હોવું જોઇએ.
  • કિચનમાં ચાર બર્નર ધરાવતા ગેસની સગડી અને તેની સાથે બે બર્નર ધરાવતા ગેસની સગડી હોવી જોઇએ।
  • ફ્લેપ ગ્રેનાઇટનું જ રાખવું અને કાઉન્ટર આરસીસીમાંથી બનાવેલું હોવું જોઇએ. જેથી કોઇ વસ્તુ ખાંડવાની જરૂર પડે તો પ્લેટફોર્મમાં તિરાડ ન પડે.
  • કિચનમાં ટાઇલ્સ ફ્લોરિંગ હોવું જોઇએ જેથી કિચન મોટં અને સ્વચ્છ લાગે. સ્ટોરેજ માટેની જગ્યા અલગ હોવી જોઇએ.
  • કિચનમાં લાઇટ અથવા બેઝ કલર કરાવવો જેથી તે વિશાળ લાગે.
  • જો કિચન વધારે મોટું હોય તો તેની એક સાઇડે ડાઇનિંગ ટેબલ પણ ગોઠવી શકો છો, જેથી સૌ સાથે મળીને જમી શકે અને રસોઇ કરનારને પણ આનંદ આવે.

આ રીતે તમારી જરૂરિયાતને અનુરૂપ કિચન બનાવડાવવાથી તમને રસોઇ કરવાનો આનંદ આવવા સાથે કામ કરવાની પણ મજા આવશે.

 

Loading

Spread the love

Leave a Comment