2009માં બોલિવૂડમાં અલાદ્દીન ફિલ્મથી ડેબ્યૂ કરનારી જેકલીને દસ વર્ષમાં બોલિવૂડમાં ઘણા મોટા બેનરની ફિલ્મોમાં જાણીતા હિરો સાથે કામ કર્યું છે, છતાંય હજી પોતાની એક અલગ ઇમેજ બનાવી શકી નથી. જોકે તેની ફિલ્મ કિક તેના કરિયર માટે નવો વળાંક સાબિત થઇ હતી. હાઉસફુલ, મર્ડર-2, હાઉસફુલ-2, હાઉસફુલ-3, રેસ -2, ઢીસૂમ, કિક, રોય, બ્રધર્સ જેવી ફિલ્મો તેણે કરી છે. રેસ-2 પછી રમૈયા વસ્તાવૈયામાં તેના કામની નોંધ થોડી ઘણી લેવામાં આવી હતી. દસ વર્ષમાં તેણે બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે તેનું કલાકાર તરીકેનું નામ છે પણ જે જોઇએ તેવી જગ્યા તે હજીપણ બોલિવૂડમાં મેળવી શકી નથી. હાલમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અ જેન્ટલમેનમાં દેખાઇ હતી. ફિલ્મ, કરિયર અને બોલિવૂડ વિશે તેની સાથે થયેલી રૂબરૂ વાતચિત.

શ્રીલંકાથી આવેલી જેકલીન છેલ્લા દસ વર્ષથી બોલિવૂડમાં છે. ઇન્ડસ્ટ્રી વિશે જેકલીન કહે છે કે, ઇન્ડસ્ટ્રીમાં મહેનત કરવી ખૂબ મુશ્કેલ છે. અહીં પ્રતિભાશાળી હોવાની સાથે વ્યવહાર કુશળતા પણ હોવી જરૂરી છે. જો તમારામાં ઇગો હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં પગપેસરો કરવો જોઇએ નહીં. અહીં તમારે શાલીન બનવું પડે છે. કામ માંગવામાં શરમ આવતી હોય તો સમજી લેવું કે તમને ફિલ્મો મળવામાં મુશ્કેલીઓનો સામનો ચોક્કસપણે કરવો પડશે. મારા મત પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં દરેક હિરો-હિરોઇન પોતાના સંપર્કોનો વધારો કરતા રહે છે. દરેક પોતાના નિર્માતા-નિર્દેશકોને કહીને જ રાખે છે કે મોટા કલાકારો સાથે ફિલ્મ મળે તેવા પ્રયત્ન કરજો. જોકે મેં બધાને તો નહીં પણ કરણ જોહર, સાજીદ નડીયાદવાલા જેવા બે-ત્રણ ફ્રેન્ડ્સ નિર્માતાઓને કહી રાખ્યું હતુ કે તેમની ફિલ્મોમાં જો મારે લાયક કામ હોય તો મને જરૂરથી જાણ કરે. જે નવા કલાકારો છે, જેમની કોઇ ઓળખ બની ન હોય, તે દરેક આ પ્રકારનું કાર્ય કરતા જ હોય છે.

સલમાન સાથે કિક ફિલ્મ આવ્યા પછી જેકલીન ઇન્ડસ્ટ્રીમાં વધારે જાણીતી બની ગઇ છે. જેકલીન કહે છે કે, મને સલમાન પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે. મને ઘણીવાર એવું લાગે કે સલમાન નિર્દેશકોના કહ્યા પ્રમાણે નહીં પણ પોતાના મનથી જ કામ કરી રહ્યા છે. કિક ફિલ્મની શૂટીંગ દરમિયાન જ્યારે અમે શોટ ઓકે થયા પછી તેમના કામને સ્ક્રીન પર જોતા ત્યારે ખબર પડતી કે તેમણે કેટલા પરફેક્શન સાથે કામ કર્યું છે. એક વખત મેં તેમને ખૂબ જ ગભરાઇને સવાલ કર્યો કે તમે આટલા બધા નેચરલ કેવી રીતે રહી શકો છો. તેમણે જબાવમાં કહ્યું કે “મતલબ?”  હું તે સમયે ગભરાઇ ગઇ, તો તેમણે મને કહ્યું કે આઇ એમ જસ્ટ ટીઝીંગ યું. પછી તેમણે મને કહ્યું કે, તું ફક્ત તારા કામ પર જ ધ્યાન આપ, પછી જો દરેક બાબત તારા પક્ષમાં જ હશે. તારે કોઇની પણ નકલ કરવાની જરૂર નથી. બી યોર સેલ્ફ. કિક ફિલ્મ દરમિયાન ભલે મને કંઇક શીખવા ન મળ્યું હોય, પણ હું એટલું જરૂર શીખી છું કે બી યોર સેલ્ફ. હવે હું મારા કામ પર ફોકસ કરી રહી છું.

જોકે અત્યાર સુધીમાં જેકલીનને જેટલા પણ રોલ મળ્યા છે, તેમાં તેને પોતાની અભિનય કળાને દેખાડવાની તક મળી નથી. તેને વિદેશમાંથી આવેલી ગ્લેમરસ સ્ટાર તરીકે જ લોકો ઓળખે છે. જેકલીન પોતાની આ છબીને બદલવા ઇચ્છે છે. તે કહે છે કે, લોકો મને ફક્ત ગ્લેમરર હોવાના કારણે જ યાદ ન કરે છે, પણ કોઇક પડકારરૂપ પાત્ર માટે પસંદ કરે તેવી ઇચ્છા છે. હું દર્શકોને યાદ રહી જાય તેવું પાત્ર ભજવવા ઇચ્છું છું. મારી મુસાફરી કેટરીના કૈફ જેવી રહી છે. તે લંડનથી અહીં આવી છે અને હું શ્રીલંકાથી આવી છું. અમારે બંનેએ અહીં આવીને અહીંની ભાષા શીખવી પડી. પોતપોતાની રીતે અનેક ઊતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું છે. હવે અમે બંને એ એક ઓળખ તો ઇન્ડસ્ટ્રીમાં મેળવી જ લીધી છે. અમે બંને એ આ સ્થાન અમારી મહેનત અને આવડતથી મેળવ્યું છે. કોઇપણના સપોર્ટ વિના આ રીતે આગળ વધવું ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મુશ્કેલ છે.

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ અ જેન્ટલમેન વિશે વાત કરતા જેકલીન કહે છે કે, આ ફિલ્મમાં હું એનઆરઆઇ યુવતી કાવ્યાના પાત્રમાં છું. સિદ્ધાર્થ ગૌતમ અને ઋષિનો ડબલ રોલ પ્લે કરી રહ્યો છે, તો તેના બંને પાત્ર અલગ અલગ છે. જેમાં કાવ્યાને ઋષિ જેવું પાત્ર વધારે પસંદ છે. જેકલીનને તેની લાઇફમાં રીયલ જેન્ટલમેન કેવો હોવો જોઇએ પૂછતા તેણે કહ્યું કે, તે ખરેખર સુંદર, સુશિલ અને ફિલ્મના ઋષિ જેવો થોડો રીશ્કી તો હોવો જ જોઇએ. સાથે જ તેનામાં સમજણશક્તિ, સંસ્કૃતિને માન આપે, હોશિયાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવો જોઇએ. જોકે મને હજી સુધી કોઇ મળ્યું નથી કારણકે હાલમાં તો હું ફક્તને ફક્ત મારા કાર્યમાં જ ધ્યાન આપી રહી છું. જેના કારણે હું મારી ફેમીલી, ફ્રેન્ડ્સ અને ફેનથી દૂર થઇ જાઉં છું તો હું મારી લાઇફમાં આ બાબતને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહી છું. હું માનું છું કે કરિયરની સાથે સાથે આ દરેક વ્યક્તિ પણ જીવનમાં મહત્વના છે. તમે પૈસા કે નામ કમાઇ લેશો પણ એક સમય એવો આવે છે કે તમને આ દરેકની જરૂર પડે છે. તમે તમારા જીવનની યાદોને તમારા નજીકના વ્યક્તિ સાથે અને તમને પ્રેમ કરતી વ્યક્તિ સાથે વહેચી શકો છો. તેથી આ દરેકનું મહત્વ જીવનમાં ખૂબ જ રહેલું છે.

જે રીતે કાર્ય અને રીલેશન વચ્ચે જેકલીન બેલેન્સ જાળવી રાખવા માગે છે, તે જ રીતે કરિયરમાં પણ જેકલીને તેના પાત્રની પસંદગી કરવામાં હંમેશા બેલેન્સ જાળવી રાખ્યું છે. તેણે કોમેડી, રોમેન્ટિક, એક્શન દરેક પ્રકારના પાત્ર કર્યા છે. તેમછતાંય તે બોક્સ ઓફિસ પ્રમાણે ફિલ્મોને સફળ થયેલી માને છે. ઉપરાંત પોતાના પાત્રની પસંદગી કરતી વખતે તેના માટે ક્યું પાત્ર કેટલું સારું અને ખરાબ રહેશે તે પણ જુએ છે. તે પાત્ર માટે કેટલી કોન્ફિડન્ટ છે તે તેના માટે વધારે મહત્વનું છે. એક સારી સ્ક્રિપ્ટ અને પાત્રની તેને તલાશ છે, જે ભજવવામાં તેને રીશ્ક લેવું પસંદ રહેશે. જેકલીન કહે છે કે, અત્યાર સુધીના પાત્રમાં મને કિક ફિલ્મનું મારું પાત્ર ખૂબ પસંદ છે, કારણકે તે મારી પોતાની ખૂબ નજીક રહેલું છે. સાઇના અને જેકલીન બંને એકસરખા છે. તે સિવાય બ્રધર્સમાં જે જેનીનું પાત્ર હતું તે મારા માટે મુશ્કેલ હતું.

બોલિવૂડમાં કેટલાક ડિરેક્ટર છે, જેમની સાથે કામ કરવાનું સપનું દરેક કલાકાર જોતા હોય છે. જેકલીનને પણ કેટલાક ડિરેક્ટર સાથે કામ કરવાની ઇચ્છા છે, તે અંગે તેણે કહ્યું કે તેને સંજય લીલા ભણસાલી સાથે એક એપિક ફિલ્મ કરવાની ઇચ્છા છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment