ગૃહિણી માટે ઘરનું સૌથી મહત્વનું સ્થળ તેનું રસોડું છે, જ્યારે રસોઇ તૈયાર થાય ત્યારે તેને ડાઇનિંગ ટેબલ પર તે ખૂબ જ કાળજી પૂર્વક ગોઠવતી હોય છે અને જમતી વખતે ઘરના દરેક સભ્યને ખૂબ જ ચાહથી પિરસતી હોય છે. તમે રોજ જે ટેબલ પર બેસીને જમો છો, તેની પણ સંભાળ, સજાવટ અને મેનર્સ તમારા ઘરનો જ અને લાઇફમાં ડિસીપ્લીનનો એક ભાગ છે. રોજબરોજ તો તમે ટેબલ પર બેસીને જમો છો, પણ ક્યારેક જેમ ઘરના અન્ય રૂમ કે સ્થળની સજાવટ કરીને તેમાં ચેન્જ લાવીએ છીએ એ જ રીતે ડાઇનિંગ ટેબલ પર પણ અલગ અલગ પદ્ધતિઓ અપનાવીને થોડો ચેન્જ લાવી શકાય છે.
જ્યારે પણ ઘરમાં મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય ત્યારે આપણે ડાઇનિંગ ટેબલ ખાસ સજાવતા હોઇએ છીએ. તમે તમારા ટેબલને રોજ વધારે નહીં તો થોડુંક રોજ ડેકોરેટ કરી શકો છો. કહેવાય છે, સ્વચ્છતા હોય તો મન પણ ખુશ રહે છે. રેગ્યુલર તમે તમારા ઘરના ડાઇનંગ ટેબલ પર મિડલ ભાગમાં કાચનો પહોળો બાઉલ મૂકી રાખો અને તેમા ગુલાબ અને ગલગોટાની પાંદડીઓ સજાવતા રહેશો તો ડાઇનિંગ ટેબલ સુંદર દેખાશે. તે સિવાય રોજ ટેબલને સાફ કરવું પણ જરૂરી છે. તેના પર પાથરવામાં આવતી મેટને પણ અઠવાડિયામાં એકવાર સાફ કરતા રહો. ક્યારેક કોલિન કે બ્લીચથી પણ ટેબલ ગ્લાસને સ્વચ્છ કરવું.
ડાઇનિંગ ટેબલ પર સજાવટ, રસોઇ ગોઠવવી, બેસવું, ભોજન કરવું તેના પણ કેટલાક નિયમો હોય છે. જેનું પાલન કરવાથી તમે ડિસીપ્લીન શીખી શકો છો અને સાથે જ તેનો આનંદ પણ લઇ શકો છો. જમવાનું બનાવ્યા પછી ટેબલને એવી રીતે સજાવો કે ભોજન પહેલા જ ભોજનનો આનંદ લઇ શકો છો.
જો જમ્યા પહેલા ટેબલ ખાલી રાખવું હોય તો ભોજનની બધી વસ્તુઓ તૈયાર કરીને રસોડામાં એક ભાગમાં મૂકી રાખો. જેથી ટેબલ સજાવ્યા બાદ તેના પર ગોઠવી શકાય. ઘરમાં જેટલા સભ્યો હો તે પ્રામણેના થાળી, વાટકા, ચમચી, હાથ લૂંછવાના રૂમાલ વગેરે ધ્યાનથી ગોઠવી દેવું. ડાઇનિંગ ટેબલ પર વચ્ચેના ભાગમાં ચમચીનું સ્ટેન્ડ પણ રાખી શકાય, જેથી વારંવાર તમારે ઊભા થવું ન પડે. તે સિવાય મીઠું, ખાંડ અને મરચાની ડબ્બી પણ રાખી શકાય. દરેક વ્યક્તિ પોતાના ટેસ્ટ પ્રમાણે તે લઇ શકે.
ટેબલ મેટ પાથરીને દરેક વાનગી ગોઠવવાથી ટેબલની સજાવટમાં વધારો થાય છે. તે સિવાય દરેક ખુરશીવાળી જગ્યાએ થાળીઓ ગોઠવવાના સ્થાન પર પણ મેટ પાથરવી. પાણીનો જગ કે ગ્લાસ ટેબલ પર ન રાખવા. કોઇ પાણી લેતી વખતે ચૂકી જાય તો આખા ટેબલ પર પાણી ઢળી જાય છે. તેનાથી જમવાના આનંદમાં ખલેલ પણ પહોંચે છે. તેના માટે ડાઇનિંગ ટેબલની બાજુમાં નાનું ટેબલ ગોઠવી તેના પર પાણી રાખવાની વ્યવસ્થા કરો. તે સિવાય ગ્લાસને એ રીતે ગોઠવો કે બેસનારની ડાબી બાજુએ તે હોય. અથાણું, મીઠું અને સલાડ જેવી વસ્તુઓને ટેબલના વચ્ચેના ભાગમાં રાખો.
તમે જ્યારે પણ સલાડ બનાવવાની તૈયારી કરો ત્યારે રોજ તો નહીં પણ જ્યારે પણ રજાનો દિવસ હોય કે રસોઇમાંથી થોડો વધારે સમય કાઢી શકતા હો તો સલાડને રેગ્યુલર શેઇપ કરતા કલાત્મક શેઇપમાં સમારીને ગોઠવો.
ક્યારેક ટેબલ પર કપડાના નેપકીન સિવાય પેપર નેપકીન પણ રાખો. તે સિવાય જો ડાયરેક્ટ કુકર કે કડાઇને તમે ટેબલ પર ગોઠવતા હો, તેના બદલે જો તમારે ત્યાં બાઉલ સેટ હોય તો દાળ-શાકને તેમાં પણ કાઢીને પીરસી શકાય છે. ડિનર કરતા હો, તો મિડલ ભાગમાં બે કે ત્રણ કેન્ડસેટ ગોઠવી શકાય છે. ડાબી બાજુએ ફૂલ પ્લેટ અને જમણી બાજુઅ ક્વાટર પ્લેટ ગોઠવો. જે ચમચીનું સ્ટેન્ડ છે તેમાંથી ચમચી અને કાંટાને પણ ગોઠવો. ક્લાટર પ્લેટનો ઉપયોગ આપણે રોજ કતા નથી એટલે તેના બદલે ચમચી કે નાની વાટકી પણ ગોઠવી શકો છો. આ ટેબલ ડેકોરેશન તમને હોટલ જેવુ ફિલ કરાવશે. ચટણી, સોસ જેવી વસ્તુઓને ટેબલના મીડલ ભાગમાં રાખો.
ખાસ અગત્યની વાત કે જ્યારે પણ વાનગીઓ ટેબલ પર ગોઠવો ત્યારે એવી રીતે ગોઠવો કે ડાઇનિંગ ટેબલ પર બેઠેલી દરેક વ્યક્તિ સરળતાથી દરેક વસ્તુ લઇ અને મૂકી શકે. ઘરમાં ટેબલની સજાવટ હવે ફક્ત મહેમાનો પૂરતૂ જ નહીં પણ તમારા માટે પણ કરવી જોઇએ.