વિશ્વરૂપમ્ પછી વિશ્વરૂપમ્ 2ને લઇને હાલમાં કમલ હસન ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન જોવા મળશે અને તે તમામ સ્ટંટ કમલ હસને પોતે કરેલા છે. કમલ હસનની દરેક ફિલ્મ હંમેશા વિવાદોને લઇને ઘેરાતી જોવા મળી છે, ત્યારે આ વખતે તેમણે પોતાની આ ફિલ્મને વિવાદોથી બચાવવા માટે કઇક યોજના વિચારી રાખી હતી. કમલ હસન લોકપ્રિય અભિનેતા તરીકે સાઉથની ફિલ્મોમાં જ નહીં પણ હિન્દી ફિલ્મોમાં પણ જાણીતા છે. તેમણે બોલિવૂડમાં કેટલીક ગણતરીની જ ફિલ્મો કરી હતી પણ આજેપણ તે ફિલ્મોને યાદ કરીને તેમના અભિનયને વખાણવામાં આવે છે. તેમણે દર્શકો પર એક ઊંડી છાપ છોડી છે. સાઉથમાં તો તેઓ સુપરસ્ટાર છે જ, સાથે જ તે એક સારા અભિનેતા હોવા ઉપરાંત, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સારા લેખક પણ છે. તેઓ એક રાજકારણી તરીકે પણ સક્રીય જોવા મળે છે. આજે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ્ 2 રીલીઝ થઇ રહી છે, ત્યારે તેમની સાથે તેમની કરીયર અને ફિલ્મ અંગે થયેલી ટેલિફોનિક વાતચિત.

પહેલી ફિલ્મ વિશ્વરૂપમ્ 2013માં આવી હતી તો બીજો ભાગ બનતા આટલો લાંબો સમય કેમ લાગ્યો.

પહેલી ફિલ્મ વખતે જ મેં તેની સિક્વલ બનાવવાનું નક્કી કર્યું હતું. કોઇપણ એક ફિલ્મ બનવવા પાછળ ઘણો સમય, પૈસો, એનર્જી રોકવી પડે છે. મારો હંમેશાથી પ્રયત્ન હોય છે કે જે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોય તેમાં જ ફિલ્મ બની રહે. ફિલ્મ વિશ્વરૂપમની સિક્વલ બનાવતી વખતે વિચાર્યુ હતું તેવું પ્લાનિંગ કરી શક્યા નહોતા. જેના કારણે થોડું મોડું થઇ ગયું.

ફિલ્મમાં એક્શન સીન વધારે છે, કેવી રીતે કરી શક્યા.

હા, આ ફિલ્મમાં ઘણા મુશ્કેલ સ્ટંટ છે. અમે ઘણા ખતરનાક સ્ટંટ પરર્ફોમ કર્યા છે. જેમાં કોઇ વ્યક્તિ કે પ્રાણીને ઇજા થઇ નહોતી. હું પણ મારા સ્ટંટ જાતે જ કરી લઉં છું. ફિલ્મમાં કેટલાક સ્ટંટ ઊંડા પાણીની અંદર પણ ફિલ્માવાયા છે.

વહીદા રહેમાન પણ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તેમની સાથે કામનો અનુભવ કેવો રહ્યો.

વહીદાજી સાઉથના જ છે. તે બોલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. 80 વર્ષની ઉંમરે પણ તેમનામાં ખૂબ એનર્જી છે. તેમણે શૂટીંગ વખતે મને કહ્યું કે મારી કામ કરવાની પદ્ધતિ તેમને ગુરુદત્તજીની યાદ અપાવે છે. ગુરુદત્ત સાહેબ સાથે તુલના થાય તે સાંભળીને હું ખૂબ ખુશ થયો. વહીદાજી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું.

નિર્દેશક શેખર કપૂર સાથે વર્ષો જૂનો સંબંધ છે. તેના વિશે શુ કહેશો.

હા, અમે ત્રીસ વર્ષથી સાથે કામ કરીયે છીએ. અમે બંનેએ નક્કી કર્યું છે કે બેમાંથી જે પણ પહેલા ફિલ્મ શરૂ કરશે, બીજો તેની ફિલ્મમાં કામ કરશે. મેં વિશ્વરૂપમ્ શરૂ કરી અને શેખરને યાદ કરાવ્યું કે તેણે મારી સાતે આ ફિલ્મમાં કામ કરવાનું છે.

તમારી દરેક ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી હોય છે. આ ફિલ્મને બચાવવા માટે શું કર્યું.

તે વિવાદોનો કોઇ અર્થ હતો જ નહીં. તેના વિશે કશું જ વિચારી શકાય નહીં. જો કોઇ ફિલ્મમાં આલ્કોહોલિક વ્યક્તિને દેખાડવામાં આવે તો તે દારૂ પીતો હોય તે દેખાડવું જરૂરી છે. બસ આ વાતને લઇને કોન્ટ્રોવર્સી થઇ ગઇ કે દારૂ પીતી વ્યક્તિ શા માટે દેખાડવામાં આવી. અરે, ભાઇ શરાબ પીવી જોઇએ તેવો સંદેશો તો આપ્યો નથી ને….ગમે તેટલું સાચવીને ચાલો તો પણ વિવાદોથી બચી શકાય તેમ નથી.

તમારી અત્યાર સુધીની જર્ની વિશે શું કહેશો.

બાળપણમાં સમજણ આવી ત્યાં સુધી ભણવાનું હતું. જ્યારથી ફિલ્મોમાં કલાકાર, નિર્દેશક, નિર્માતા, લેખક તરીકે આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. ફક્ત એક સામાન્ય દર્શકની દ્રષ્ટિથી પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. મારી મોટાભાગની ફિલ્મો મેં દર્શકોની સાથે જોઇને એન્જોય કરી છે. હું પણ તેમાનો જ એક છું. પોતાને આઇકોન માનતો નથી. મારા પિતાજી ચેન્નઇમાં એડવોકેટ હતા. જો મને ગુરુ બાલચંદર મળ્યા ન હોય તો હું અભિનેતા નહીં વકીલ બન્યો હોત. મારી જર્ની ખૂબ જ સુંદર રહી છે.

તમે તમારી લાઇફમાં શું મેળવ્યું છે અને શું ગૂમાવ્યું છે.

ફક્ત પૈસા જ ગૂમાવ્યા છે. ફિલ્મ નિષ્ફળ જાય તો પૈસા ગૂમાવ્યા છે. બાકી મેં જે મેળવ્યું છે, તેના માટે મારા ચાહકોનો આભારી છું. દેશના લોકોનો આભારી છું કારણકે મને જે એવોર્ડસ મળે છે, તેનાથી મને આગળ વધવાની પ્રેરણા મળતી રહે છે.

તમારી બંને દિકરીઓ એક્ટ્રેસ છે પણ તમારી કોઇ ફિલ્મ એમની સાથે જોવા મળી નથી.

શ્રુતિ અને અક્ષરા બંને ટેલેન્ટેડ છે. બંનેએ પોતાના આપબળે કરિયરની શરૂઆત કરી છે. પોતાના માટે એક જગ્યા બનાવી છે. જે એક પિતા તરીકે મારા માટે ખૂબ ગર્વની વાત છે. બંને સાથે ફિલ્મ કરવાની વાત છે, તો શાબાસ નાયડૂ કરીને ફિલ્મમાં હું તે બંને સાથે જોવા મળીશ. જેને ટી.કે રાજકુમારે ડીરેક્ટ કરી છે. જે હિંદીમાં પણ જોવા મળશે.

સ્વ. શ્રીદેવી વિશે શું કહેશો.

તે ખરેખર ખૂબ જ સુંદર કલાકારા હતી. અમે લગભગ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સાઉથમાં અમારી જોડી ખૂબ લોકપ્રિય રહી છે. તેની સૌથી સારી બાબત મને યાદ છે કે અમારી વચ્ચે ઉંમરનો વધારે ફર્ક નહોતો તો પણ તે હંમેશા મને સર કહીને જ સંબોધન કરતી. તે ખૂબ જ રીસ્પેક્ટ આપનારી અને મેળવનારી અભિનેત્રી હતી.

 

Loading

Spread the love

Leave a Comment