હાલમાં જ્યારે હોમડેકોરમાં લોકો વિશેષ ધ્યાન આપી રહ્યા છે ત્યારે હવે કંઇક અલગ ચલણને પણ અપનાવવામાં તેમને ખચકાટ નથી. પોતાના ઘરને સૌથી અલગ દેખાડવાની હોડમાં હવે લોકો થીમ ફર્નીચરને અપનાવી રહ્યા છે. હાલમાં થીમ ફર્નીચરનું ચલણ ખૂબ વધી રહ્યું છે. આ પ્રકારના ફર્નીચરથી ઘરની સજાવટને નવું રૂપ મળે છે. ઘરના દરેક ભાગમાં અથવા તો દરેક રૂમમાં તમે એક થીમ નક્કી કરીને તે પ્રકારનું ફર્નીચર મૂકીને તે રૂમમાં એક થીમ ઊભી કરી શકો છો.
થીમ ફર્નીચરના કારણે તમે કંઇક અલગ જ સ્થળે હો તેવો અનુભવ કરી શકો છો. આજકાલ લોકો અનેક થીમને અપનાવી રહ્યા છે. જેમાં બીચ થીમ અને વાઇલ્ડ લાઇફ થીમ વધારે ઇન છે. તે ઉપરાંત બાળકો માટે તો થીમનો ખજાનો છે. અલાદ્દીન થીમ, ગેલેક્સી, ડોલહાઉસ, જંગલ થીમ, કાર્સ , સફારી ફર્નીચર, કીંગ પેલેસ જેવા અનેક ફર્નીચર્સની ડિઝાઇનથી થીમ ઊભી કરવામાં આવે છે. જ્યારે વાત ફર્નીચરની આવે છે ત્યારે સૌ પહેલા ડ્રોઇંગરૂમમાં સોફાસેટનો વિચાર આવે છે. જોકે તે સિવાય ચેર, સીટીંગ, ડ્રેસીંગ ટેબલ, કેબીનેટ્સ, કોર્નર ટેબલ અને તેની જેવા અનેક પ્રકારના ફર્નીચરની જરૂર ઊભી થાય છે. જોકે ફર્નીચરની એક મોટી રેન્જ બજારમાં ઉપલબ્ધ છે. તેમાં પણ લાકડાના ફર્નીચરની પસંદગી સૌથી વધારે રહેલી છે. આજેપણ તેનો પહેલાની જેમ જ ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય સમયની સાથે કેન, બામ્બૂ, રોટ આર્યન ફર્નીચર પણ બજારમાં જોવા મળે છે. જોકે હવે તો બજારમાં ફર્નીચરમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. એટલે ઘણીવાર હોમ ડેકોરેશન માટે ક્યા ફર્નીચરનો ઉપયોગ વધારે કરવો તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કારણકે હવે ટ્રેડીશનલ ફર્નીચરની સાથે સાથે કન્ટેમ્પરરી, વિક્ટોરીયન અને ઇમ્પોર્ટન્ટ બધા જ પ્રકારના ફર્નીચર હવે લોકોની પસંદગી બની રહ્યા છે.
હાલમાં જોવા જઇએ તો થીમ બેઝ્ડ ફર્નીચરનું ચલણ સૌથી વધારે છે. આ પ્રકારના ફર્નીચર રૂમને નવો જ લુક પ્રદાન કરે છે. થીમ પ્રમાણે રૂમને કોઇ એક શૈલી પ્રમાણે સજાવવાનો હોય છે, જેમકે પરંપરાગત રીતે, કન્ટેમ્પરરી અથવા તો રોયલ લુક આપવામાં આવે છે.
ટ્રેડીશનલ થીમ
પરંપરાગત પદ્ધતિથી ઘરની સજાવટ માટે સૌથી પહેલા જૂની શૈલીના લાકડાના બનેલા ફર્નીચરનો ઉપયોગ કરો. લાકડાના ફર્નીચર પર કરવામાં આવેલું ઝીણુ કોતરણી કામ કે નકશી કામ ઘરની સજાવટમાં રાજવી લુક પ્રદાન કરે છે. સોફાની સાથે જો વધારે પ્રમાણમાં ખુરશીનો ઉપયોગ કરી રહ્યા હો, તો નેતરની બનેલી ખુરશીનો ઉપયોગ કરો. તમે ઇચ્છો તો ઢોલીયાનો ઉપયોગ પણ કરી શકો. તે પણ રૂમને પારંપરિક રૂપ આપવાનું કામ કરશે. એ જ રીતે બેડરૂમ માટે સીસમના લાકડાના બનેલા બેડનો જેના પર ગુજરાતી અને રાજસ્થાની શૈલીમાં નકશીકામ કરવામાં આવ્યું હોય તેનાથી સજાવી શકો છો.
કન્ટેમ્પરરી થીમ
કન્ટેમ્પરી થીમ માટે ઘરને તે પ્રકારના ફર્નીચરથી સજાવવા માટે મેટલ, રોટ આર્યન અને ફાઇબરમાંથી બનેલા ફર્નીચરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ફર્નીચર ઘણાબધા રંગોમાં મળે છે. તેમાં રંગોને મિક્સ એન્ડ મેચ પણ કરવામાં આવે છે. બે રંગના સોફાનો પ્રયોગ પણ કરી શકો જેમકે થ્રી સીટરનો રંગ જો મરૂન હોય તો બાકીના બે સિંગલ સીટર સોફાનો રંગ ક્રીમ રાખવો. આજકાલ બજારમાં જુદીજુદી જાતના મટિરીયલ જેવાકે રોટ આર્યન, સ્ટલી જેવામાં અનેક આકારમાં જેમાં અંડાકાર, સ્ટ્રેટ વગેરેમાં એડિશનલ ખુરશીઓ પણ મળે છે. જે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
આજકાલ ફર્નીચરમાં થીમનું પ્રમાણ ખૂબ વધતું જોવા મળે છે. જેમકે લિવિંગ રૂમમાં રોયલ થીમ ફર્નીચર તો વળી, બેડરૂમમાં કન્ટેમ્પરરી અથવા સી થીમનું ચલણ છ. હવે તો બાળકોના રૂમમાં પણ તેમના બેડને તેમના મનગમતા કાર્ટુન કેરેક્ટરથી પેઇન્ટ કરવામાં આવે છે. કારના અકારના બેડ બનાવવામાં આવે છે. કેટકેટલીય આ થીમ બેઝ્ડ ફર્નીચરમાં નવીનતા છે તે તો તમને તેનો ઉપયોગ કર્યા પછી જ અને લોકો પાસેથી વખાણ સાંભળ્યા પછી જ ખબર પડશે. તો તમે પણ કરી દો તમારા ઘરને તમારી મનગમતી થીમના ફર્નીચરથી સજાવવાની શરૂઆત અને દરેક રૂમમાં એક અલગ જ અનુભવ કરાવતી શૈલી ગોઠવી દો.
મેધા પંડ્યા ભટ્ટ