સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ કઇક એવી સુંદર થઇ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ખરા અર્થમાં પાપા પગલીમાંથી એક પગલું આગળ વધીને ચાલતા શીખી ગઇ હોય તેમ કહી શકાય છે. મહિનાની શરૂઆતમાં જ આપણે તો છીએ બિન્દાસ અને હાફ ટીકીટ જેવી એક સાથે બે ગુજરાતી ફિલ્મો એકબીજાની સામે ટકરાઇ જેમાં આપણે તો છીએ બિન્દાસને લોકો વધારે પસંદ કરી રહ્યા છે કારણકે તેમાં એક સુંદર સોશિયલ મેસેજ જોવા મળ્યો. તે પછીના અઠવાડિયે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ ફરીથી બે ફિલ્મો જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તેવી રોંગ સાઇડ રાજુ અને તુ તો ગયો ફિલ્મ રજૂ થઇ છે અને થિયેટરમાં લોકોને પૂરું મનોરંજન કરાવી રહી છે.

રોંગ સાઇડ રાજુ ફિલ્મ વિશે વાત કરું તો એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે. જેનું દિગ્દર્શન મિખિલ મુશાલેએ કર્યું છે અને તેમની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા લખવામાં તેમને બે વર્ષ લાગ્યા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે યાર અને કેવી રીતે જઇશ ફિલ્મોથી જે યુ ટર્ન આવ્યો હતો, તે ફિલ્મના દિગ્દર્શક અભિષેક જૈન આ ફિલ્મમાં નિર્માતા તરીકે જોડાયા છે. જોકે આ ફિલ્મની સૌથી મોટી સફળતા એ છે કે બોલિવૂડના ફેન્ટમ પ્રોડક્શન હાઉસ સાથે તે જોડાયેલી છે. ફિલ્મમાં સો ટકા બોલિવૂડ ફિલ્મો જોતા હો તેવી મજા દર્શકો માણી શકશે. પ્રતિક ગાંધી જે લીડ રોલ પ્લે કરી રહ્યો છે, તેની એક્ટિંગ વિશે તો શબ્દો પણ ખૂટી પડે તેટલું સુંદર તેનું પરર્ફોમન્સ રહ્યું છે. ડ્રાઇવર તરીકેના તેના પાત્રમાં તે સંપૂર્ણ પણે કલાકાર તરીકે દીપી ઊઠે છે અને એક્ટિંગની સાથે સાથે તેના એક્સપ્રેશન તેનાપાત્રને વધારે સ્પષ્ટ કરતા જોવા મળે છે. સ્ટોરીને જે રીતે સુંદર વળાંક આપીને દર્શકોને છેલ્લે સુધી જકડી રાખવામાં આવ્યા છે, તે લેખકની આવડતને છતી કરે છે. ફોરેનની હિરોઇન બોલિવૂડ ફિલ્મોમાં જ જોવા મળી છે પણ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ તેની એન્ટ્રી થઇ ચૂકી છે. કિમ્બર્લી લુઇસા મેગબેથનો ફિલ્મમાં શેલીનો રોલ ખરેખર તેની મહેનત દેખાડે છે. ગુજરાતી ગરબા તેણે શીખ્યા છે.

ફિલ્મની શરૂઆતમાં ઘાટલોડિયામાં એક અકસ્માત દેખાડવામાં આવે છે, જેમાં એક કાર બે પોલિસ કોન્સ્ટેબલ અને એક વૃદ્ધને અડફેટે લે છે. જેમાં બંને કોન્સ્ટેબલોનું સ્થળ પર મૃત્યુ થાય છે. બીજી તરફ તરત જ ફિલ્મના હિરો રાજુની એન્ટ્રી તે સ્થળ પર જ થાય છે અને તે આ ઘટનાથી ડરીને પોતાનું સ્કુટર તે ઘટના સ્થળે જ મૂકીને ભાગી જાય છે. રાજુના સ્કુટરમાં દારૂની ત્રણ બોટલો ડીકીમાંથી મળે છે અને પછી શરૂ થાય છે ફિલ્મનું સસપેન્સ. શૈલી મલેશિયાથી તેના મિત્ર તન્મય સાથે અમદાવાદમાં આવે છે. શૈલીના મિત્ર તન્મનયના પિતાને ત્યાં રાજુ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય છે. આ રીતે શૈલી અને રાજુ એકબીજાના પરિચયમાં આવે છે અને રાજુને તેના પ્રત્યે પ્રેમની લાગણી જન્મે છે. શું શૈલી રાજુના પ્રેમને સમજી શકશે…..? શું રાજુ જે ઘટના સ્થળે પોતાનું સ્કુટર છોડીને આવ્યો તેના કારણે તે કોઇ મૂસીબતમાં મૂકાશે…..? અનેક સસપેન્સ સર્જનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ ખરેખર તમને ખૂબ જ પસંદ પડશે.

ફિલ્મની સૌથી સારી બાબત એ છે કે ફિલ્મની વાર્તા પાછળ ખૂબ જ મહેનત કરવામાં આવી છે. અમદાવાદનમાં અનેક હિટ એન્ડ રન કેસ થાય છે. આવા જ એક હિટ એન્ડ રન કેસને ધ્યાનમાં રાખીને સાચી લાગે તેવી ઘટવા અને થોડીક કાલ્પનિક વાર્તા સાથે તમે પોતાને સાંકળી શકશો તેવી રજૂઆત કરવામાં આવી છે. ફિલ્મના સંવાદો ખરેખર ચોટદાર છે અને સાથે જ ફિલ્મનું સંગીત સચીન-જીગરે આપ્યું છે અને ફિલ્મનું ગીત સતરંગી રે…અરીજીત સિંહે અને ડોન કોર્ડોએ ગાયું છે, જે લોકોએ ખૂબ પસંદ કર્યું છે. પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં થ્રિલર અને સસપેન્સ નવો વિષય મળ્યો છે તો તેને જોવાનું ચૂકતા નહીં.

   મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment