તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી, પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ‘પિંક’, ‘નામ શબાના’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘મનમર્જીયા’, ‘મિશન મંગલ’, ‘સાંઢ કી આંખ’ જેવી ફિલ્મોમાં તેણે પડકારજનક પાત્ર દ્વારા લોકોના દિલ જીતી લીધા છે.

તાપસી પન્નુને ફિલ્મમેકર ચેલેન્જીંગ અને અલગ પ્રકારના પાત્ર માટે હવે પરફેક્ટ ગણવા લાગ્યા છે. જોકે એક રીતે જોઇએ તો તે સતત સ્ટ્રોંગ કેન્ટેન્ટ વાળી ફિલ્મોનો ભાગ બની રહી છે. તે મોટાભાગે એ જ ફિલ્મો કરતી જોવા મળે છે, જેમાં તેનું પાત્ર એકદમ અલગ હોય. ફિલ્મ બદલા અને મિશન મંગલમાં પણ તેની એક્ટિંગના વખાણ થયા છે. થોડીક જ ફિલ્મો દ્વારા તાપસી બોલિવૂડમાં સ્ટાર બની ગઇ છે. તાપસી પન્નુ બોલિવૂડમાં ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન જમાવી રહી છે અને આગળ વધી રહી છે. તેની ઓળખ એક એવી અભિનેત્રી તરીકે થવા લાગી છે કે જે કોઇપણ મુશ્કેલ પાત્ર સરળતાથી ભજવી શકે છે. કોઇ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં આવીને તાપસી પન્નૂએ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તાપસીની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ ઉત્કૃષ્ટ હિરોઇનોમાંની એક ગણાતી હોવા છતાં એનામાં સ્ટાર્સ જેવો એટિટ્યૂડ નથી જોવા મળતો. તાપસીએ મોટા ભાગે ઇશ્યૂ બેઝ્ડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં એની ભૂમિકા સ્ત્રીની ગરિમા સાથે સંકળાયેલી હોય છે. પોતાના અંગત જીવનમાં પણ તાપસી નારીની ગરિમા અને સ્વતંત્રતા માટે ખૂબ આગ્રહી છે. તેની જર્નીને છ વર્ષ પૂરા થયા છે, તો તેના વિશેની કેટલીક વાતચિત.

— પોતાના કરીયરને લઇને કેટલા ખુશ છો.

ખૂબ જ ખુશ છું. જે રીતે મેં મારા કરીયર વિશે વિચાર્યું હતું તે મુજબ જ થઇ રહ્યું છે. તે જ પ્રમાણે સફળતા મળી રહી છે. ‘પિંક’ ફિલ્મ આવ્યા બાદ લોકોને લાગ્યું કે તાપસી તો ખૂબ સારી એક્ટીંગ કરી શકે છે. તે મારી કરીયરનો ટર્નીંગ પોઇન્ટ કહી શકાય. જોકે 2018નું વર્ષ મારા માટે વધારે સારું સાબિત થયું છે. ફિલ્મ ‘મુલ્ક’ પછી દર્શકોનો મારા માટેનો વિશ્વાસ વધી ગયો છે. લોકોને લાગવા લાગ્યું છે કે તાપસી દરેક પ્રકારના પાત્રને અલગ જ રીતે પડદા પર ભજવી શકે છે.

મુલ્કફિલ્મ દરમિયાન કોઇ ઘટના બની હતી.

હું મારી બિલ્ડીંગમાંથી ઊતરી રહી હતી અને મને એક મુસ્લિમ મહિલા મળી. તેણે ફિલ્મ ‘મુલ્ક’ વિશે મારી સાથે દસ મિનિટ વાતો કરી. તે ફિલ્મ કરવા માટે મને થેન્ક્યૂ પણ કહ્યું. ફિલ્મ ‘પિંક’ વખતે પણ મને આ પ્રકારની કોમેન્ટ્સ મળી હતી અને આ ફિલ્મમાં પણ મળી રહી છે. એક કલાકાર તરીકે મારા માટે તે ખૂબ મહત્વની વાત છે.

— અનુરાગ કશ્યપ સાથે ફિલ્મ મનમર્જિયામાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

અનુરાગ કશ્યપ ડાર્ક ફિલ્મ બનાવવા માટે અને ફિલ્મના પ્રોડ્યુસર આનંદજી રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. બંનેનું કોમ્બિનેશન ખૂબ રસપ્રદ અને સરસ રહ્યું. તેઓ બંનેની સાથે કામ કરવાની તક મળી તે વિચારીને જ મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી. જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી તો મને સમજાઇ ગયું હતું કે મને આ પાત્રની ઓફર શા માટે કરવામાં આવી હતી. આમપણ અનુરાગજી કહે છે કે ફિલ્મ ‘મનમર્જીયા’ ની રૂમી હું જ છું.

તે અમિતાભ બચ્ચન સથે ફિલ્મ `બદલા પહેલાં 2016માં `પિંકમાં પણ કામ કર્યું છે. મહાનાયક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ફિલ્મ ‘પિંક’ માં તેઓ મારા વકીલ બન્યા હતા. ફિલ્મ ‘પિંક’ માં હું યૌન શોષણનો શિકાર બનેલી એક યુવતીના પાત્રમાં હતી. તો ફિલ્મ ‘બદલા’ માં હું એક સ્ટ્રોંગ અને મારફાડ બિઝનેસ વુમનનું પાત્ર ભજવી રહી હતી. એક વાત પહેલાં જ જણાવી દઉં કે અમિતાભ સર સાથે `પિંક’નું શૂટિંગ શરૂ થયું, તેના માત્ર બે જ દિવસમાં હું એમની સાથે ખૂબ સારી રીતે હળી-મળી ગઇ હતી. એમના અંગે મારા મનમાં જે ખચકાટ હતો, એ બધો દૂર થઇ ગયો. અમિત સર સાથે એક પ્રેમાળ સંબંધ બંધાઇ ગયો. અમે બંને સેટ પર એકબીજા સાથે વાતો કરતા રહેતાં. એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મારી પોસ્ટ પર રિએક્ટ કરતા. સેટ પર એ દરેક વ્યક્તિની ચિંતા કરે છે અને તેનું ધ્યાન રાખે છે. સૌની સાથે અમિતાભ સરનો વ્યવહાર આદરભર્યો હોય છે. અમિતાભ બચ્ચન અભિનયના શહેનશાહ છે, છતાં એ રિહર્સલ કરે છે.

— બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં બેલેન્સ જળવાઇ રહે છે.

હા, મેં નક્કી કર્યું છે કે વર્ષમાં એક સાઉથની ફિલ્મ જરૂરથી કરીશ. હાલમાં જ મારી એક તેલુગુ ફિલ્મ ‘નિવવેરો’ રીલીઝ થઇ છે. 2017માં ‘ગાઝી’ અને અન્ય બે ફિલ્મો રીલીઝ થઇ હતી. હવે સાઉથમાં પણ લોકોને એ વાતનો અહેસાસ થઇ ગયો છે કે કંઇક અલગ પ્રકારનું પાત્ર હોય તો જ તાપસીને બોલાવવી જોઇએ. મારી પાસે હિન્દી અને સાઉથની એવી ઘણી ફિલ્મોની ઓફર છે, જેમાં કંઇક રીસ્ક હોય, હવે હું ફોર્મુલા ફિલ્મો કરવાનું પસંદ કરતી નથી.

— ડિરેક્ટર સુજોય ઘોષે તને ફિલ્મ બદલા માટે કેવી રીતે સિલેક્ટ કરી?

સૌ જાણે છે કે ફિલ્મ `બદલા’ શરૂ થઇ ત્યારે કેટલાક ફેરફાર થયા કર્યા હતા. મને આ ફિલ્મની ઓફર અન્ય કોઇ રોલ માટે મળી હતી. ફિલ્મમાં પહેલાં એ જ દર્શાવવાનું હતું કે એક યુવતીનું ખૂન થાય છે. મેં નિર્માતાને કહ્યું કે વાર્તામાં જો યુવતીના મર્ડરને બદલે યુવાનનું મર્ડર થતું દર્શાવાય તો એ યુવતી(નયના શેઠી)ની ભૂમિકા ભજવવા ઇચ્છું છું, જે બદલો લેવા માગે છે. મારી વાત એમણે માની લીધી અને હું નયના શેઠી માટે આ ફિલ્મમાં ફાઇનલ થઇ ગઇ. શરૂઆતમાં આ ફેરફાર ડિરેક્ટર સુજોય ઘોષને ગમ્યો નહીં, એ આ ફિલ્મ કરવા માટૈ તૈયાર નહોતા. એ પછી મેકર્સે વકીલ (બાદલ ગુપ્તા)ના રોલ માટે અમિતાભ બચ્ચનને સાઇન કર્યા, ત્યારે સુજોય ઘોષ ફિલ્મ કરવા માટે તૈયાર થયા.

સાંઢ કી આંખ ફિલ્મ તે સામેથી માંગી હતી.

હું જૂડવા 2ના ગીત ટન ટનાટન નું શૂટીંગ કરી રહી હતી તે સમયે મને આ ફિલ્મ વિશે ખબર પડી અને હું રાત્રે નવ વાગે નરેશન માટે મળવા ગઇ. મારી સામે 12 લોકો હતા. ગીતકાર, સંગીતકાર, ડાયલોગ રાઇટર અનેક લોકો હતા. મારી સામે પ્લે ચાલી રહ્યો હોય તેવી પરિસ્થિતી હતી. સ્ટોરી સંભળી તો મને ખબર પડ કે 60 વર્ષની દાદીનું પાત્ર છે. તો મને થયું કે હું તેના માટે યોગ્ય નથી. તેઓએ મને કહ્યું કે મેકઅપથી તે થઇ શકે પણ સાથે ફિલ્મ માટે મહેનત ખૂબ કરી પડશે. તે પછી નરેશન સાંભળ્યું અને પૂરું થયાની 10 સેકંડમાં જ મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી. નરેશન એટલું ઇમેપ્કટફુલ હતું કે મારી આંખમાં આંસુ આવી ગયા હતા.

— તારી દરેક ફિલ્મમાં તારું પાત્ર અલગ જ પ્રકારનું હોય છે. તું આ નિર્ણય કઇ રીતે કરે છે?

એવું ચોક્કસ કંઇ કહી ન શકાય. `નામ શબાના’, `પિંક’, `મુલ્ક’ જેવી ફિલ્મોમાં મારા અભિનય અને ફિલ્મની પ્રશંસા કરવામાં આવી. કદાચ એટલા માટે કે મારી એવી જ ઇમેજ બનતી ગઇ. મેકર્સે પણ મને એવા જ રોલ ઓફર કર્યાં – અ વુમન વિધ સ્ટ્રોંગ સ્પાઇન. હકીકત તો એ છે કે હવે પ્રેક્ષકો પણ મૂર્ખ અભિનેત્રીને જોવા ઇચ્છતા નથી. ભલે એ ગમે એટલી ગ્લેમરસ કેમ ન હોય? હું તો નોનફિલ્મી બેકગ્રાઉન્ડ-પરિવારની છું. મારા કોઇ ગોડફાધર-મેન્ટર નથી. આથી મારા માટે લખવામાં આવેલા રોલ અને વાર્તા મને મળવાની નહોતી. મને જે પણ ઓફર્સ મળી, તેમાંથી જ પસંદગી કરતી ગઇ. જોકે એ વાતનો આનંદ છે કે મારી પસંદગી પોતાના અસ્તિત્વના આધારે, આપબળે જીવન જીવતી એક સશક્ત સ્ત્રીના પાત્રો જ હોય છે.

— કરીયરના છ વર્ષની જર્નીને કેવી રીતે જુએ છે.

તમને તો ખબર જ હશે કે હું સોફ્ટવેર એંજીનિયર છું. મારા શોખ માટે થઇને મોડલિંગ શરૂ કર્યું અને ફિલ્મની ઓફર મળવા લાગી. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરીયર શરૂ કરી. હિંદીમાં બેબી, નામ શબાના, પિંક, જૂડવા 2, મુલ્ક જેવી ફિલ્મોમાં લોકોએ મને પસંદ કરી. હું આગળ વધતી ગઇ. મારા અત્યાર સુધીના કરીયરનું સંપૂર્ણ ક્રેડીટ અનુરાગ કશ્યપ, નીરજ પાંડે, ડેવિડ ધવન, સુજોષ ઘોષ, અનુભવ સિન્હા જેવા ડિરેક્ટર્સને ફાળે જાય છે. જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો. મેં પણ ખૂબ મહેનત કરી છે. તેના કારણે જ બોલિવૂડમાં ટકી શકી છું. આગળ વધી શકી છું, જ્યારે કે મારું કોઇ જ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી.

— મોટાભાગની ફિલ્મો હિટ રહી છે, તેનાથી કરીયરને કેટલો ફાયદો થાય છે.

મારી સાઇનિંગ અમાઉન્ટ વધી છે અને મેકર્સને દરેક રીતે સંતોષ થઇ ગયો છે કે તાપસી દરેક પ્રકારના પાત્ર ભજવી શકે છે. તેમનો આ વિશ્વાસ મારા માટે ખૂબ મોટી વાત છે. આજે હું સારા સારા પ્રોજેક્ટ્સ કરી રહી છું કારણકે મને મારા કામ પર વિશ્વાસ છે અને મેકર્સને મારા પર વિશ્વાસ છે.

— હવે પછી કઇ ફિલ્મો કરી રહી છો.

હવે મારી ‘થપ્પડ’ ફિલ્મ આવશે જે આવતા વર્ષે વુમન્સ ડે પર રીલીઝ થશે. તે સિવાય અનુરાગ કશ્યપની એક સાઇકોલોજીકલ થ્રિલર પર કામ ચાલી રહ્યું છે.

Spread the love

Leave a Comment