ઇમ્તિઆઝ અલી પોતાની ફિલ્મો માટે ખૂબ જાણીતા છે. તેમની ફિલ્મોની વાર્તા તેઓ પોતે જ લખતા હોય છે. જે ખૂબ જ અલગ પ્રકારની હોય છે. સૌથી વધારે નવા નવા લોકેશન્સને પોતાની દરેક ફિલ્મમાં દેખાડવાનો શ્રેય ઇમ્તિઆઝને ફાળે જ જાય છે. નવા સ્થળોની સાથે તેમની દરેક ફિલ્મની વાર્તામાં કઇક નવીનતા જોવા મળતી હોય છે. સાથે જ ફિલ્મના પાત્રોની પસંદગી અને કેમેસ્ટ્રી હંમેશા સચોટ રહે છે. દરેક પ્રેમ કહાની કઇક અલગ જ રસ્તા તરફ વળાંક લેતી હોય છે. જબ વી મેટ, લવ આજ કલ, રોકસ્ટાર, કોકટેલ, હાઇ વે જેવી તેમની દરેક ફિલ્મોની વાર્તા અનોખી જ રહી છે. હવે ફરીથી તેઓ પોતાની ફિલ્મ જબ હેરી મેટ સેજલ લઇને આવી રહ્યા છે. જેની વાર્તા પણ એકદમ અલગ પ્રકારની લવસ્ટોરીને દર્શાવી રહી છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની પરફેક્ટ કેમેસ્ટ્રી સાથેની આ ફિલ્મમાં નવા સ્થળોની સાથે નવી પ્રેમકહાની પણ જોવા મળવાની છે. હાલમાં જ ઇમ્તિઆઝ અલી સાથે થયેલી રૂબરૂ વાતચિતમાં તેમણે પોતાની જબ હેરી મેટ સેજલ ફિલ્મ વિશેની વાતો શેર કરી.
જબ હેરી મેટ સેજલ ફિલ્મમાં શું નવું જોવા મળશે.
આ ફિલ્મના પાત્રો નવા છે. મારી દરેક ફિલ્મમાં હું નવા પાત્રને જ લેવાનું પસંદ કરું છું. જેના કારણે ફિલ્મમાં કઇક નવું હોવાનું જણાય આવે છે. સાથે જ મને એક રાઇટર તરીકે એવું લાગે છે કે દરેક પાત્ર પોતાની વાત કહેતું હોય છે. હું એક રાઇટર તરીકે તેને રેકોર્ડ કરીને તેમના પર ફિલ્મો બનાવું છું. ફિલ્મમાં હરીન્દરસિંહ નેહરા અને સેજલ ઝવેરી જે પ્રકારના પાત્ર છે તે મારા માટે ખૂબ જ યુનિક છે. અ પહેલા મેં જે બે ત્રણ ફિલ્મો બનાવી છે, તેમાં થોડી ગંભીરતા પણ જોવા મળી હતી. જ્યારે જબ હેરી મેટ સેજલ ફિલ્મમાં તમને એ બાબત સામાન્ય જોવા મળશે. હું ઘણા સમય પછી એક હળવા મૂડની ફિલ્મ લઇને આવ્યો છું, તેમાં લેયર્સ તો પહેલી ફિલ્મો જેવા જ છે પણ લોકો તેને ખૂબ એન્જોય કરશે.
તમે ક્યારેય એક્શન ફિલ્મો નથી બનાવી તેનું શું કારણ.
એક વ્યક્તિ પોતાની રીતે વિવશ હોય છે. તેના દિલમાં જે પ્રકારની વાર્તા આવે તે એવા પ્રકારની જ ફિલ્મો બનાવતો હોય છે. હું પોતે ઇચ્છું છું કે દરેક પ્રકારની ફિલ્મો બનાવું. જે મારા મનમાં જ ઊગી શકતી ન હોય, એવી ફિલ્મો હું નથી બનાવી શકતો. જો કોઇ વાર્તા મનમાં જ આવશે નહીં તો કેવી રીતે બનાવી શકાય. હું ફિલ્મોને એક્શન કે લવસ્ટોરી એવા જોનરથી જોતો નથી. હું પાત્ર અને વાર્તાની બાબત પર વધારે ધ્યાન આપીને ફિલ્મોને જોવાનું પસંદ કરું છું.
તમારી ફિલ્મમાં હંમેશા જૂદા રાજ્યોને તેમજ ત્યાંના પાત્રને સાંકળવામાં આવે છે અને આ વખતે પંજાબ અને ગુજરાતના પાત્ર લેવામાં આવ્યા છે. તો શું નવું જોવા મળશે.
હું અત્યાર સુધી જેટલા પણ લોકોને મળ્યો છું તેઓ કોઇને કોઇ રાજ્યના હોય જ છે. હું પોતે અલગ રાજ્યનો છું. હું જેને પણ મળુ તેને પહેલા પૂછું છું કે તમે ક્યાના છો, ક્યુ ગામ, નાનું શહેર કે મોટું શહેર, કેવા પ્રકારનું, ત્યાના લોકો વિશે, તે સિવાય અનેક બાબતો જાણવાની ઉત્સુકતા મને હંમેશા રહે છે. તેનાથી એક વ્યક્તિને તમે ઓળખી શકો છો. મને આવી બાબતોમાં ખૂબ રસ રહેતો હોય છે. તે વ્યક્તિ ઘણીવાર પોતાની ભાષા બોલતો હોય છે. દિલ્હીની અંદર જ જૂદી જૂદી 25 રીતથી હિન્દી ભાષા બોલાય છે. હું આ વસ્તુને ખૂબ એન્જોય કરું છું અને મને લાગે છે કે આવી બાબતો સિનેમેટીક અને ડ્રામેટીક પણ હોય છે.
તમારી ફિલ્મમાં હંમેશા નવા સ્થળો હોય છે. આ વખતે ક્યા જોવા મળશે.
આ ફિલ્મમાં પણ ઘણા સ્થળો લેવામાં આવ્યા છે, જેમાં યુરોપના ઘણા શહેરોમાં અમે શૂટ કર્યું છે. આમર્સ્ટડમ, લીઝબર્ન, પોર્ટુગલમાં પ્રાગ અને બુડરબેસ્ટમાં શૂટ કર્યું છે. ભારતમાં પંજાબમાં નૂરમહેલમાં શૂટ કર્યું છે. મને લાગે છે કે મારી ફિલ્મ માટે તે એકદમ પરફેક્ટ લોકેસન રહ્યું હતું. નૂર મહેલ પંજાબનું ખૂબ જાણીતું સ્થળ છે. તે સિવાય બોમ્બેમાં પણ શૂટ કર્યું છે.
ગુજરાતી અને પંજાબી લોકોમાં ઘણી સામ્યતાઓ હોય છે. શું તેના કારણે આ પાત્ર પસંદગી કરવામાં આવી છે.
ના એવું નથી. આ ફિલ્મની વાર્તા એક ટુર ગાઇડની વાર્તા છે. જે યુરોપમાં રહે છે પણ મૂળ તે પંજાબનો છે. ટુર્સમાં ભારતના લોકો જતા હોય છે અને તેમાં પણ ગુજરાતીઓ વધારે ફરવા જતા હોય છે. તેઓ સૌથી વધારે ટ્રાવેલ કરતા હોય છે. ગુજરાતીઓ દુનિયા આખીમાં ટ્રાવેલ કરતા જોવા મળશે. અનુષ્કાનું પાત્ર મુંબઇની ગુજરાતી યુવતીનું છે. મુંબઇના જે ગુજરાતી છે, તે લોકો ગુજરાતના કે અમદાવાદના ગુજરાતી કરતા અલગ ભાષા બોલે છે. તેઓ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીનું મિક્સ્ચર બોલતા હોય છે. જેમાં થોડો મરાઠીનો ટચ પણ આવી જાય છે. તેથી સેજલ ઝવેરી જે પાત્ર છે, તે એક ટાઉનમાં રહેતી યુવતી છે.
ગુજરાતી પાત્રને પસંદ કરવું કેટલું સરળ અને કેટલું મુશ્કેલ રહ્યું.
હું આ પ્રકારના ગુજરાતી બેકગ્રાઉન્ડવાળી અનેક યુવતીઓને ઓળખુ છું અને મારી ફ્રેન્ડ્સ પણ ઘણી છે. આ પાત્ર પસંદ કરવામાં ખૂબ મજા આવી. તે સ્ટ્રીક્ટ ગુજરાતી પાત્ર નથી. ગુજરાતી હોવા છતાંય બોમ્બેની ભાષાનો ટચ જોવા મળે છે. એક ટીપીકલ અને રસપ્રદ પાત્ર મળ્યું. અમે એક મહિલાને પણ ગુજરાતી ડાયલોગ શીખવાડવા માટે રાખી હતી. તે હંમેશા અનુષ્કાની સાથે રહેતી. તેના રીડીંગ વખતે અને ડબીંગ વખતે આખી ફિલ્મને તેણે જોઇ હતી, જેમાં ચાર જગ્યાએ ભૂલ હતી તે સુધારી હતી. કારણકે અમે કોઇ વ્યક્તિની ભાષાને લઇને લાગણી દુભાય તેવું ઇચ્છતા નહોતા. મેં મારી દરેક ફિલ્મમાં પાત્ર અને તેની ભાષા પર હંમેશા ખાસ ધ્યાન આપ્યું છે.
શાહરૂખ વિશે શું કહેશો. કેવો રહ્યો અનુભવ.
ખૂબ જ સારો અને અલગ પ્રકારનો અનુભવ રહ્યો. હું કહી શકું કે મસ્તીની સાથે સાથે હળવાશભર્યો અનુભવ રહ્યો. શાહરૂખ પોતે ખૂબ જ સેન્સેટીવ વ્યક્તિ છે. તેની સાથે જેણે પણ કામ કર્યું છે તે તમામને તમે પૂછી શકો છો કે તે તેની સાથેની દરેક વ્યક્તિને એક લાગણીથી જોડીને રાખે છે. ખૂબ જ પ્રેમ અને સાહજીકતાથી રાખે છે. તે ક્યારે તમારી જરૂરીયાત પૂરી કરી દે તે તમે જાણી પણ શકતા નથી. તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી.
ફિલ્મમાં શાહરૂખ અને અનુષ્કા જ શા માટે.
આ જવાબ તો તમને ફિલ્મ જોશો એટલે મળી જ જશે. તો પણ કહીશ કે કેટલીક બાબતો સ્વાભાવિક હોય છે. તમે ફિલ્મ જોશો એટલે બંને પાત્ર કેટલા પરફેક્ટ છે, તે તમને સમજાશે. શાહરૂખ એટલે કે આ પાત્રનું એક દિલ છે, જે તેની લાગણીને સમજી શકે. આ બાબત એક્ટરમાં હોવી જરૂરી હતી. શાહરૂખ પોતે ખૂબ જ સેન્સેટીવ વ્યક્તિ છે. તેથી આ પાત્ર ભજવવું તેમના માટે સરળ હતું. મારા માટે તે આ પાત્ર માટે કાસ્ટ થાય તે એક્સાઇટીંગ પણ હતું. અનુષ્કા એટલે કે તે ખૂબ જ પ્રામાણિક એક્ટર છે. તેની જે બેસીક પર્સનાલીટી છે, તે સેજલ જેવી નથી પણ તે સેજલના પાત્રને સમજીને તેને ખૂબ પરફેક્ટ રીતે ભજવી શકે છે.
મેધા પંડ્યા ભટ્ટ