તહેવાર દરેક સંબંધને જોડવાનું કામ કરે છે. કોઇપણ તહેવાર હોય તેમાં સગા-સંબંધીઓ, મિત્રો કે સાથી સાથે હોય તો તહેવારની મજા ચાર ગણી વધી જાય છે. તહેવારની મજા એકલા માણવામાં નથી પણ સંગી-સાથી સાથે હોય તો જ તહેવાર જેવું વાતાવરણ લાગે છે.
કોઇપણ સંબંધ બગડ્યો હોય કે કોઇની પણ સાથે નાની વાતને લઇને બોલાચાલી થઇ હોય તો પણ તહેવારના દિવસોમાં દરેક બાબતને ભૂલી જવી જોઇએ. પ્રેમથી સાચા હૃદયથી સૌને માફી આપવી અને માંગવી જોઇએ. આવા સમયે જે સંબંધ સુધરે છે તે જીવનભર ટકી રહે છે. સંબંધની સાચી સમજણ પણ તહેવાર સાથે ઊજવનાર જ જાણી શકે છે.
કુટુંબમાં જ્યારે તહેવારનું વાતાવરણ સર્જાય છે ત્યારે એકબીજાને ત્યા જવાનું કે રોકાવાનું થતું હોય છે. તેવામાં મહેમાન આવે કે રોકાય તો ઘરનું વાતાવરણ અને દરેકના મનને સાચવવાનું કામ ખાસ કરીને પતિ-પત્ની બંનેનું હોય છે. તહેવારમાં બંને જણાએ એકબીજાને મદદરૂપ તો થવું જ જોઇએ. સાથે જ બંનેના કુટુંબમાંથી કોઇપણ વ્યક્તિ આવે તો તેની સાથે પ્રેમથી વાતો કરી તેમનો આદરસત્કાર કરવો જોઇએ. ઘરના યજમાન દ્વારા મળતા આવકાર દ્વારા જ મહેમાનને તેમના સ્વભાવ અને મનમાં છૂપાયેલા ભાવની ખબર પડી જાય છે.
મહેમાન એક-બે દિવસ માટે રોકાવા આવ્યા હોય તો તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઇપણ ઉગ્ર સંવાદ ન થાય તેનું તેમણે ખાસ ધ્યાન રાખવું. મહેમાનોને લઇને કોઇપણ તકલીફ હોય તો તેમની સામે કે મોટા અવાજે ચર્ચા ક્યારેય ન કરવી. તેનાથી તહેવારની સાથે મહેમાનનો મૂડ પણ તમે બગાડી દેશો. સાથે જ સમાજ અને કુટૂંબમાં તમારી છાપ પણ બગડશે. મનની કડવાશને તહેવારના સમયમાં ક્યારેય જાહેર થવા દેવી નહીં. બની શકે તો મનમાં કડવાશ લાવવી જ નહીં. જો કોઇ બાબત મનમાં ખૂંચતી હોય તો તેની ચર્ચા પછીથી પણ થઇ શકે છે.
ઘર નાનું હોય અને મહેમાન વધારે હોય તો રહેવાની રહેવા કે સૂવાની બાબતને લઇને ક્યારેય પતિ-પત્નીએ એકબીજાને ગમે તેમ બોલવું નહી. શાંતિથી દરેક બાબતનો ઉકેલ મળી જ જતો હોય છે. પતિ કે પત્ની કોઇના પણ કુટુંબની વ્યક્તિ આવી હોય તો તેને પ્રેમથી રાખો અને તહેવારનો આનંદ સાથે માણો. તમારું ઘર નાનું હોય પણ જો દિલ મોટું હશે તો દરેક બાબતનો ઉકેલ સરળતાથી જાતે જ મળી જશે. પતિની બહેન પોતાના ભાઇના ઘરે દિવાળી કરવા આવે તે સ્વાભાવિક છે, તેથી પત્નીને તેની નણંદ સાથે ભલે ગમે તેટલી કડવાશ હોય પણ જો તહેવારના સમયે તેને ખુશ રાખશો તો તે પોતાની પહેલાની બધી જ કડવાશ ભૂલીને સંબંધને સુધારી લેશે.
સંબંધને સુધારી લેવાનો સૌથી સારો માર્ગ તહેવાર જ છે. તેવું જ બે ભાઇઓ કે દેરાણી –જેઠાણીના સંબંધમાં પણ હોય છે. સંબંધમાં ગમે તેટલી કડવાશ હોય પણ જો તહેવારના દિવસે તમે એકસાથે મળીને ઊજવણી કરશો તો લોકોને તમારો પ્રેમ અને સંપ તરત દેખાઇ આવશે. જે એક સારી છબી ઊભી કરે છે.સાથે મળીને મિષ્ટાન બનાવવા કે નવી નવી વાનગીઓ બનાવવાની જે મજા છે, તે સંબંધને વધારે મજબૂત કરે છે.
ઘરની વહુ ઘરમાં દીવા કરે અને પ્રેમનો પ્રકાશ પાથરે છે. તો આ બાબત ઘરની દીકરીને પણ લાગું પડે છે. ભાભી અને નણંદ કે પછી સાસુમા પણ સાથે મળીને ઘરમાં દીવે દીવે પ્રકાશ પાથરી શકે છે. હળીમળીને એકસાથે કામ કરવાથી અને તહેવારની મજા માણવાથી સંબંધોમાં નવી હરિયાળી જોવા મળે છે.
નાના બાળકો ભેગા થાય એટલે પણ ઘરમાં ધમાલનું વાતાવરણ સર્જાય છે. ઘણીવાર બાળકો એકબીજા સાથે વસ્તુને લઇને કે રમતને લઇને મારા મારી કરે કે જીદ કરે તો બાળકો વચ્ચેની ધમાલને મોટાઓએ નજરઅંદાજ કરીને તેમને સમજાવવા જોઇએ. બાળકોના ઝગડા તમારા સુધી ન પહોંચે અને મોટેરાઓને મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘણીવાર આવી નાની બાબતોને કારણે પણ સંબંધ તૂટવા જેવું મોટું સ્વરૂપ સામે આવીને ઊભુ રહી જતું હોય છે. તેથી અમુક બાબતોને નજરઅંદાજ કરવી જરૂરી છે.
તહેવારોમાં તમે કોઇની પણ સાથે સારુ-નરસુ વર્તન કરો તે આખી જિંદગી સાંભળવા મળતું હોય છે. આપણે ઘણીવાર વડીલોના મોંઢેથી કે કોઇ અન્યના દ્વારા સાંભળતા હોઇએ છીએ કે દિવાળીમાં પણ મોં ચડાવીને બેઠા હતા, અમને તો ગયા પણ અપમાન જેવું લાગ્યું, આ તો એક વાક્ય છે. આવા અનેક વાક્યો અને સંવાદો અનેકના મોં એ સાંભળ્યા હશે. તહેવારમાં સંબંધને સાચવવા ખૂબ જ અગત્યના બની જતા હોય છે. તમારે ત્યાં કોઇપણ વ્યક્તિ મળવા આવે તો તેને સમય આપશો તો તેને માન મળ્યું હોય તેવું લાગશે. થોડો સમય પણ મળવા આવેલી વ્યક્તિને શાંતિથી સાંભળો તો તેને તમારા બહાર વખાણ કરતા પણ જોશો.
તહેવારમાં સૌથી વધારે સુંવાળો સંબંધ બને છે, તો તે પતિ-પત્નીનો છે. રજાના દિવસો હોય અને સાથે તહેવારની ઊજવણી કરવાની હોય ત્યારે બંનેને સાથે રહેવાનો એકબીજાને બધાની વચ્ચે પણ થોડો સમય આપવાનો લ્હાવો લઇ લેવો જોઇએ. તહેવારમાં જો બંને એકબીજાના મનને અને માનને સાચવી લેશો તો કુટુંબમાં પોતાની એક અલગ સારી છબી આપોઆપ જ ઊભી કરી લેશો. એકબીજાના ઘરના લોકોની વચ્ચે હંમેશા હસતા રહો અને એકબીજાને પણ માન આપો.
તહેવારમાં ક્યારે મનદુખ કરશો નહીં. જે રીતે ઘરમાં દીવો પ્રગટાવી રોશની કરો છો, તે જ રીતે એકબીજાના દિલમાં પણ પ્રેમનો દીપ પ્રગટાવીને જીવનભરની રોશની કરી શકો છો.તહેવારના દિવસોમાં બંને એકબીજાની પસંદગીના કપડા પહેરીને પ્રેમ દર્શાવી શકો છો. પત્ની પણ પતિને તેને ગમે તે રીતે તૈયાર થઇ શકે છે. પતિ પણ પત્નીના વખાણ કરી શકે છે. બંને એકબીજાનુંધ્યાન રાખતા હો, તો તને શાબિદ્ક રીતે જણાવશો, તો તહેવારમાં આનંદ ભળી જશે.દિવા કરવામાં કે રંગોળી પૂરવમાં કે સાથે ખરીદી કરવા જવાથી થોડી ઘણી સારી પળોને સાથે માણી શકો છો.
દરેક વ્યક્તિને સમય અને સન્માન જોતું હોય છે. જો આ બે વાતને હંમેશા જીવનમાં જાળવી લો તો દરેક દિવસ તહેવાર જેવો બની જતો હોય છે.દીવે દીવે દીવાળી તો ઊજવશો જ પણ સાથે જ સાથે મળીને સંબંધમાં હરિયાલી પણ પાથરવી અને જીવનભર તેને પ્રેમના પાણીથી સીંચતા રહેવું.
મેધા પંડ્યા ભટ્ટ