ધોતી કહો કે ધોતિયું આમ તો પુરુષોનો પોશાક છે, પરંતુ જો તમે ફિલ્મ જબ વી મેટ જોઇ હોય તો તેમાં કરીના કપૂરને વ્હાઇટ ટી-શર્ટ સાથે એકદમ ખૂલતો અને પગની પાની પાસેથી થોડું ફિટિંગવાળા પાયજામા જેવા ડ્રેસમાં જોઇ હોય તો તમને ખ્યાલ આવશે કે હવે ધોતી માત્ર પુરુષો માટેનો જ પોશાક નથી. જબ વી મેટ ફિલ્મમાં કરીના કપૂરે પહેરેલા ખૂલતા પાયજામાને જોતાંની સાથે જ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો અને ડ્રેસ ડિઝાઇનર્સે બોટમવેરમાં તરત જ ધોતી પેન્ટ ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધું. જોકે તે પછી તો શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂરને પણ આ આઉટફીટમાં તેમની ફિલ્મોમાં જોવામાં આવ્યા.
કેવી રીતે ધોતી પેન્ટ બની ફેશન
ધોતી પેન્ટ એક્ઝેટલી ધોતિયા જેવા નથી હોતા. તે યુવતીઓ માટે રેડી-ટુ-વેર સ્ટિચ્ડ પેન્ટ છે. ધોતી પેન્ટના ફેબ્રિક્સ, ડિઝાઇન્સ, પેટર્ન, પેન્ટની લંબાઇ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ફેબ્રિકમાં કોટન, ક્રેપ, જ્યોર્જટ, મસલીન વગેરે મટીરિયલમાંથી ધોતી પેન્ટ તૈયાર કરવામાં આવે છે. ઉનાળામાં બોટમવેરમાં ધોતી પેન્ટ ખૂબ જ કમ્ફર્ટેબલ અને કૂલ રહે છે કેમ કે તે ખૂલતા હોવાને લીધે પગની ત્વચાને પૂરતી હવા મળી રહે છે અને ત્વચા શ્વાસ લઇ શકે છે. ઉનાળામાં જીન્સના હેવી પેન્ટના સ્થાને ધોતી પેન્ટ પહેરવાનું ગમે છે, કેમ કે તે લાઇટવેટ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ધોતી પેન્ટ આપણા દેશની યુવતીઓમાં તો ઠીક, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા ફેશન શોઝમાં પણ સ્થાન પામ્યા છે. બોલિવૂડની હિરોઇનો પણ અનેક વાર ધોતી પેન્ટ પહેરેલી જોવા મળી છે.
ધોતી પેન્ટને કઇ રીતે ક્યા આઉટફીટ સાથે પહેરશો
- ધોતી પેન્ટ અને જેકેટઃ
ફેન્સી અને આકર્ષક એમ્બ્રોઇડરી કરેલા જેકેટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ તો ગણાય જ છે, આવા જેકેટ સાથે કોઇ પણ આઉટફિટ સુંદર લાગે છે, ત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બનવા માટે તમે આવા લોંગ જેકેટની સાથે ધોતી પેન્ટ અને તેની સાથે એક્સેસરીઝમાં કાનમાં લોંગ ઇયરિંગ્સ પહેરી શકો છો. લગ્નપ્રસંગમાં આ પોશાક એકદમ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લાગશે.
- ધોતી પેન્ટ અને ક્રોપ ટોપઃ
ફેશનેબલ છતાં કેઝ્યુઅલ લુક મેળવવા માટે ક્રોપ ટોપ સાથે પ્રિન્ટેડ પેન્ટ પહેરો. તેનાથી તમે એકદમ સ્ટાઇલિશ લાગશો. આ આઉટફિટ સાથે હિલ્સ અને ચોકરની એક્સેસરીઝ પહેરો. એથી તમારા કર્વ્સ આકર્ષક લાગશે.
- ધોતી પેન્ટ અને કેપ ટોપઃ
આજકાલ ફેશનની દુનિયામાં કેપ ટોપનું આગમન થયું છે. તે કોઇ પણ પ્રકારના બોટમવેર સાથે આકર્ષક લાગે છે. ધોતી પેન્ટ સાથે પણ કેપ ટોપનું કોમ્બિનેશન એકદમ આગવું લાગશે. સાદા ધોતી પેન્ટ સાથે કેપ ટોપ તમને સાદગીભર્યો છતાં સોબર લુક આપશે.
- ધોતી પેન્ટ અને પેપલમ ટોપઃ
પેપલમ ટોપ એ ધોતી પેન્ટ સાથે મોડર્ન અને ટ્રેડિશનલ ફેશનનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આની સાથે ક્રાફ્ટેડ ઇયરિંગ્સ પહેરો અને પગમાં પહેરો હિલ્સ, મોજડી અથવા જૂતી જે તમને કમ્ફર્ટેબલ લાગતાં હોય. પાર્ટીમાં સૌની નજર તમારા પર જ હશે એમાં શંકા નહીં.
- ધોતી પેન્ટ અને અનારકલીઃ
અનારકલી આજની આધુનિકાના વોર્ડરોબમાં સ્થાન ધરાવે જ છે. અનારકલી સાથે ધોતી પેન્ટ તમને યુનિક લુક આપશે. તેની સાથે મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો વનસાઇડ નાખશો, તો વાત જ ન પૂછો.
તમારો બોડીશેપ કેવો છે એ નક્કી કરી તે મુજબ ધોતી પેન્ટ પહેરો.
- ગ્લાસ-શેપ્ડ બોડીઃ તમારું બોડી ગ્લાસશેપ હોય તો તો કંઇ કહેવાનું જ નથી રહેતું. તમે પરફેક્ટ બોડી શેપ ધરાવો છો. તમને ગમે તે ધોતી પેન્ટ પહેરો, તે તમને ચોક્કસ શોભશે જ. તેની સાથે ટ્યુનિક્સ અથવા તો સાદા ટી-શર્ટ પહેરી શકો છો. તમારો લુક પરફેક્ટ લાગે એ માટે કાનમાં ઝુમકા અને પગમાં મોજડી પહેરો અને લો, તૈયાર છો તમે લોકોની નજરમાં સમાઇ જવા માટે.
- પેર-શેપ્ડ બોડીઃ જો તમારો બોડી શેપ આવો હોય તો તમારા શરીરનો કમરથી નીચેનો ભાગ થોડો ભારે હોય છે. આવા બોડી શેપમાં તમે ટાઇટ ટોપ કે કુર્તા અને લુઝ ટ્રાઉઝર્સ કે બોટમવેર પહેરશો તો સારા નહીં લાગે. આમાં ધોતી પેન્ટ તમને મદદરૂપ થઇ શકે છે. ધોતી પેન્ટ સાથે સિમ્પલ શર્ટ તમને ફોર્મલ લુક પ્રદાન કરે છે. તમારા પગ લાંબા દેખાય તે માટે તમે ટક્સ ધરાવતા શર્ટ્સ અથવા ટોપ્સ પહેરી શકો છો. આની સાથે એક્સેસરીઝમાં ગળામાં નેકલેસ અને પગમાં હિલ્સ પહેરો. પરફેક્ટ રહેશે.
- એપલ-શેપ્ડ બોડીઃ ઉપરોક્ત બંને પ્રકારનાં બોડી શેપ કરતાં આ બોડીશેપ એકદમ વિપરિત પ્રકારનો છે. આવો બોડી શેપ ધરાવતી યુવતીની કમર અને કમરથી ઉપરનો શરીરનો ભાગ વધારે હોય છે. આવા બોડી શેપ માટે તમારે અપર વેર અને બોટમ વેરની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું રહે છે. ધોતી પેન્ટ આવા બોડીમાં ચોક્કસ વોલ્યૂમ આપે છે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે ધોતી પેન્ટ સાથે તમારે ડાર્ક કલરના ટોપનું મેચિંગ કરવાનું છે. તે સાથે હાથમાં રંગબેરંગી બેંગલ્સ અને ક્રોસ સ્લિંગ બેગ તમને પરફેક્ટ દર્શાવશે.
- બનાના-શેપ્ડ બોડીઃ આવો બોડી શેપ ધરાવતી યુવતીઓ જો ધોતી પેન્ટ સાથે કંઇ પણ અપરવેર પહેરે તો તેમને શોભતાં નથી. ધોતી પેન્ટ સાથે તમે લુઝ ફિટિંગ ધરાવતા ટોપ્સ અથવા ટી-શર્ટ્સ પહેરી શકો છો. આની સાથે કમર પર બાંધેલો બેલ્ટ તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહેશે.
- સ્ટ્રેઇટ-શેપ્ડ બોડીઃ આવા બોડી શેપમાં યુવતીની કમરથી ઉપરનો અને નીચેનો ભાગ એકસરખો હોય છે અને તેનો કમરનો ભાગ પણ વધારે નથી હોતો. આવા બોડી શેપમાં તમને લેયર્ડ ધોતી પેન્ટ્સ સારા લાગશે અને તેની સાથે પહેરો લુઝ ફિટિંગ ધરાવતાં ટોપ્સ. બસ… ઓલ યુ નીડ ઇઝ જસ્ટ ફન…
- રેક્ટેન્ગલ-શેપ્ડ બોડીઃ આવો બોડી શેપ ધરાવતી યુવતીઓના કમરથી નીચેનો ભાગ સીધો હોય છે અને તેથી ધોતી પેન્ટ પહેરવાથી તે એકદમ ફ્લેટ લાગે છે. પ્રિન્ટેડ અથવા ઊભી લાઇનિંગ ધરાવતા ધોતી પેન્ટની સાથે એવું ટોપ પહેરો જેનાથી તમારા શરીરનો ઉપરનો ભાગ થોડો ભરાવદાર દેખાય. આની સાથે સ્ક્વેર શૂઝ ન પહેરવાં.
શું કહે છે ડિઝાઇનર્સ
ડિઝાઇનર્સ પણ ધોતી પેન્ટ માટે આગવા વિચારો ધરાવે છે. પ્રખ્યાત ડિઝાઇનર જીજ્ઞા શાહનું કહેવું છે કે, ધોતી પેન્ટ આજકાલ ઇન ફેશન છે અને મેં અનેક યુવતીઓને ધોતી પેન્ટ પહેરેલી જોઇ છે. હું પણ અત્યારની યુવતીઓને 80ના દાયકાના અંતમાં જે રીતે ધોતી પેન્ટ પહેરવાની ફેશન હતી તે રીતે પહેરે એ પ્રીફર કરીશ. ધોતી પેન્ટ સાથે શોર્ટ કુર્તી તમને કમ્ફર્ટેબલ રાખશે. એન્કલથી સહેજ ઉપર સુધીની લંબાઇ ધરાવતાં ધોતી પેન્ટ સાથે શોર્ટ કુર્તી ઉનાળા માટે આદર્શ ડ્રેસ છે. આમાં સારી રીતે ડ્રેપ થાય એ માટે કોટનને બદલે જો તમે મસલીન અથવા સિલ્ક કે કોટન સિલ્ક મટીરિયલ પસંદ કરો તો વધારે શોભશે.
હવે તો ધોતી પેન્ટ ભારત સહિત વિશ્વભરમાં લોકપ્રિય બન્યાં છે. જોકે ભારતીય યુવતીઓને તે વધારે શોભે છે. ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ હોવાની સાથે ધોતી પેન્ટ અને કુર્તી અથવા ટાઇટ ફિટિંગ ટોપ તેમને સેક્સી દર્શાવે છે. આની સાથે શોર્ટ કુર્તી અથવા ક્રોપ ટોપ પણ સારા લાગે છે. ધોતી પેન્ટ સાથે પહેરવાની એક્સેસરીઝમાં પગમાં કોલ્હાપુરી ચંપલ અથવા મોજડી શોભે છે. આના માટેના ફેબ્રિકમાં એનું કહેવું છે કે જ્યોર્જટ, ક્રેપ અથવા લાઇટવેટ સિલ્ક વધારે સારા મટીરિયલ છે, તેનો ફોલ સારો પડે છે. સિમ્પલ ધોતી પેન્ટની સાથે તમે પ્રિન્ટેડ અથવા ટેક્સચર્ડ ટોપ પહેરો તો પણ આકર્ષક લાગે છે.