કલાકારો : ઇમરાન હાશમી, ઋષિ કપૂર, વેધિકા, શોભિતા ધૂલિપાલા, ડિરેક્શન : જીતુ જોસેફ
‘ધ બોડી’ ફિલ્મ એક સ્પેનિશ ફિલ્મની વાર્તા પર આધારીત છે, જેમાં ફિલ્મનું ટાઇટલ પણ સરખુ જ રાખવામા આવ્યું છે. 2019માં બનેલી આ ફિલ્મ એક સસપેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની શરૂઆતમાં જ પતિનું પાત્ર ભજવનાર અજય પૂરી (ઇમરાન હાશમી) તેની પત્ની માયા વર્મા (શોભિતા ધૂલિપાલા) ના મૃત્યુ માટે જવાબદાર હોય તેની શંકાના ઘેરાવામાં છે. 2012ની સ્પેનિશ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’ કંઇક ખાસ છે. જેના કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક ફિલ્મમેકર્સની નજરે ચડી હતી. આ ફિલ્મ હિન્દી સિવાય કન્નડ અને તમિલમાં 2016માં ‘ગેમ’ નામથી અને કોરીઅન ભાષામાં 2018માં ‘ધ વેનિસ્ડ’ ‘The Vanished’ નામથી બની હતી. તેને અંગ્રેજીમાં બનાવવાની વાતો પણ સંભળાઇ હતી જે 2020માં રીલીઝ થવાની હતી. 2013માં આવેલી મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ’ના રાઇટર અને ડિરેક્ટર તેમજ 2015માં આવેલી હિન્દી ફિલ્મ દ્રશ્યમના રાઇટર જીતુ જોસેફે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.
ફિલ્મની શરૂઆતમાં સફળ અને લોકપ્રિય બિઝનેસમેન માયા વર્મા (સોભિતા ધૂલીપાલા) ની ડેડબોડી અચાનક મોર્ટરીમાંથી ગાયબ થઈ જાય છે. હોસ્પિટલ દ્વારા પોલીસને ફોન કરવામાં આવે છે અને એસ.પી. જયરાજ રાવલ (ઋષિ કપૂર) દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન સૌ પ્રથમ શંકાના ધેરાવામાં માયાના પતિ અજય પુરી (ઇમરાન હાશ્મી) તરફ ધ્યાન દોરવામાં છે. તપાસ દરમિયાન તેનું એક કોલેજની વિદ્યાર્થી રીતુ (વેદિકા) સાથે લગ્નેતર સંબંધ હોવાનું બહાર આવે છે. પતિ – પત્નીના સંબંધો, પતિની તરફેણમાં મળતા પુરાવા આ બધુ અજય તરફ તેની પત્નીનું મોત અને ત્યારબાદ તેની બોડી ગાયબ કરવાના કાવતરા તરફ ઇશારા કરે છે. આ ઉપરાંત તપાસ દરમિયાન કેટલીક રહસ્યમય ઘટનાઓ બને છે અને અજયને લાગે છે કે તેની પત્ની માયા જીવંત છે અને તે તેને ફસાવવાના પ્રયાસ કરી રહી છે. સાચું શું છે તે જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મનો પ્લોટ રસપ્રદ છે, પરંતુ સ્ક્રિનપ્લે ખૂબ જ નબળું છે. એવું લાગે છે કે નિર્દેશક સમજી શક્યા નહીં કે તે વાર્તાને કેવી રીતે આગળ વધારવા માંગે છે. પુનરાવર્તિત ફ્લેશબેક્સ અને રોમેન્ટિક ગીતો, સાથે જોડાયેલું સસ્પેન્સ, એક અલગ વાતાવરણ ઊભુ કરવામાં થોડું ઘણું સફળ દેખાય છે. થોડા દ્રશ્યો ઉપરાંત, આખી ફિલ્મ હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં સેટ થાય છે, જ્યાં ડોકટરો ફક્ત એક જ વાર દેખાય છે. એક રાતમાં આખી ફિલ્મની સ્ટોરીને સમેટી લેવાનો સફળ પ્રયત્ન કરાતો જોવા મળે છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ નબળી છે, જેના કારણે ફિલ્મ ક્રાઈમ ટીવી સીરિયલ જેવી લાગે છે. ફિલ્મનો એકમાત્ર પ્લસ પોઇન્ટ ક્લાઇમેક્સ છે. જે જાણ્યા પછી તમે ફરીથી ફિલ્મની શરૂઆતમાં બનેલી ઘટના તરફ ખેંચાઇ જશો.
2013માં મલયાલમ માં બનેલી ‘દ્રશ્યમ’ ફિલ્મ બાદ ધ બોડીને લઇને જીતુ જોસેફ પાસેથી ઘણી અપેક્ષાઓ કરવામાં આવી રહી હતી અને આ ફિલ્મની ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ફિલ્મ જોઇએ તેટલી આશ્ચર્યજનક નથી. ફિલ્મના કેટલાક દ્રશ્યો ખૂબ જોરદાર છે, પરંતુ તે એટલા અસરકારક દેખાતા નથી.