દિલ્હીના એક નાના ગામ કિશનગઢનો યુવાન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ મેરી કોમમાં તેના પતિના પાત્રમાં જોવા મળે છે અને તે પોતાના એક્ટિંગના જાદુથી લોકોને આકર્ષી લે છે. ત્યારબાદ ફરીથી તે અનુષ્કા શર્માની ફિલ્મ એનએચ 10માં વિલનના રોલમાં જોવા મળે છે. પછી બોલિવૂડની બ્યૂટીક્વિન એશ્વર્યા રાય બચ્ચન સાથે સરબજીત ફિલ્મમાં પણ તેને તક મળી. એક સાથે બોલિવૂડની ત્રણ ત્રણ જાણીતી અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરવાની તક દર્શન કુમારને મળી તે તેના માટે નસીબ અને તેની મહેનત છે. જોકે આ હિરો દર્શન કુમાર વર્ષો પહેલા સલમાન ખાન સાથે એક ફિલ્મમાં સાઇડ રોલમાં જોવા મળ્યો હતો અને ફિલ્મનું નામ હતું તેરે નામ. જેમાં દર્શન કુમાર સલમાન ખાનના કોલેજના મિત્ર કનકના પાત્રમાં હતો. હાલમાં દર્શન પોતાની ફિલ્મ મિરઝા જૂલિયટના પાત્રને લઇને ખૂબ ચર્ચામાં છે. તે આ ફિલ્મમાં લવરબોય છે. પણ પ્રેમીની વ્યાખ્યામાં થોડો અલગ પ્રકારનો પ્રેમી છે. દર્શન સાથે થયેલી ફિલ્મ, કરિયર અને કેટલીક ખાસ વાતચિત.
— પહેલી ફિલ્મમાં જ પ્રિયંકા હિરોઇન હતી. ફિલ્મ મેરી કોમ કેવી રીતે મળી હતી.
મેરી કોમ માટે મારે અલગ અલગ લુક ટેસ્ટ આપવા પડ્યા હતા. તેમને જ્યારે લાગ્યું કે આ દરેક સીનને બરોબર કરી રહ્યો છે, તો હું મારા પહેલા ટેસ્ટમાં ડીરેક્ટર ઉમંગ સરને મળ્યો હતો. તેમણે કદાચ મારા ઓડિશન્સ જોયા જ હતા. મને મળતા જ તેમણે બે મિનિટમાં કહ્યું હતું કે આ જ મારો ઓનલર છે. તે પછી મારો બીજો ટેસ્ટ સંજય લીલા ભણસાલી સર સાથેનો હતો. તેમણે કદાચ વધારેમાં વધારે પાંચ મિનિટ લીધી હતી. તેમણે પણ મારા માટે હા પાડી દીધી. બંનેને મળ્યા પછી ત્રીજો ટેસ્ટ મારે પ્રિયંકા સાથેના ફોટો શૂટનો હતો. તેમાં જોવાનું હતું કે અમારી પેર મેચ થાય છે કે નહીં. તે પછી અમારી રીડીગ્સ થતી રહી. મળવાનું થતું રહ્યું. એક મહિના પછી તે લોકોએ મને પાત્ર માટે કન્ફોર્મ કર્યો હતો. પ્રિયંકા સાથે ફિલ્મમાં રોલ મળે તે માટેનો તે એક મહિનો ખૂબ મોટો જમ્પ હતો. કોઇ નવા હિરોને સુપરસ્ટાર હિરોઇન સાથે બ્રેક મળે તે ખૂબ મોટી વાત હતી.
— લોકોને ઇન્ડસ્ટ્રીમાં બાયોપિકમાં કામ કરવામાં વર્ષો નીકળી જાય છે. તને પહેલી ફિલ્મ જ મળી ગઇ. કેવું લાગ્યું હતું.
મારા માટે તે ખૂબ જ મોટી તક અને સૌથી મુશ્કેલ પરિસ્થિતી હતી. જોકે મેં મારી મહેનત કરી અને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું.
— પહેલાની ફિલ્મોના પાત્ર કરતા મિરઝાનું પાત્ર કેટલું અલગ છે.
મેરીકોમ અને સરબજીત બંને ફિલ્મ બાયોપિક હતી જેમાં મારે આજના જે રીયલ પાત્રો છે, તે પ્રમાણેનો રોલ ભજવવાનો હતો. મિરઝાના પાત્રમાં ઇમેજીનેશન વધારે છે. તેના પાત્રમાં જે લેયર્સ છે તે અલગ છે. નાનપણથી લઇને યુવાન થાય ત્યાં સુધીનું તેનું જીવન ખૂબ મુશ્કેલ રહ્યું છે. તે પોતાની જીંદગીથી ખૂબ જ કંટાળી ગયો હોય છે. તે જીવનને નવી રીતે જીવવાનો પ્રયત્ન કરવા માગે છે અને તેની શરૂઆત કરે છે, ત્યારે તેને જૂલીયટ સાથે પ્રેમ થઇ જાય છે. પ્રેમ થયા બાદ પણ તેના જીવનમાં ઘણીબધી ઘટનાઓ બને છે, જે તમને ફિલ્મમાં જોવા મળશે.
— મિરઝા જૂલિયટમાં મિરઝાના પાત્રમાં ખાસ શું છે.
મિરઝા આજનો યુવક છે. તેનું પાત્ર ફિલ્મની વાર્તામાં અનેકવાર તૂટે છે અને ફરી પાછો જીંદગી સામે લડે છે. તેના પાત્રમાં અનેક વરાયટી છે, તેથી મને પાત્ર વધારે રસપ્રદ લાગ્યું. હું માનું છું કે રીયલ લાઇફમાં પણ લોકો સાથે આ પ્રકારની ઘટના બનતી જ હશે. મિરઝાનું જે પાત્ર છે, તે લોકોને ખૂબ જ આકર્ષી લેશે તે પ્રકાનું છે. તે આજનો યુવાન છે. ટ્રેલરના રીવ્યું મને ખૂબ સારા મળ્યા છે. આજના યુવાનો મારી સાથે આ ફિલ્મના મિરઝાના પાત્રના કારણે વધારે જોડાઇ રહ્યા છે. તેથી હું મારા પાત્રને લઇને ખૂબ એક્સાઇટેડ છું.
— અનુષ્કા સાથેની ફિલ્મ હોય કે પ્રિયંકા સાથેની તારું પાત્ર હંમેશા અલગ રહ્યું છે.
જ્યારે તમે કોઇ કામ માટે મહેનત કરો છો, તે કામ દિલથી કરો તો લોકો તમને પસંદ કરે જ છે. તમારા કામને વખાણે છે. તો તે સારું લાગે છે. મને મારી ફિલ્મ એનએચ 10ના નેગેટીવ રોલ માટે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ પણ મળ્યો છે. તમને તેનાથી એક અલગ રસ્તો મળે છે. લોકોનો તમારો પ્રત્યેનો પ્રેમ વધી જાય છે. એક એક્ટર માટે દરેક પાત્રમાં અલગ દેખાવું થોડું મુશ્કેલ છે. તેવામાં ઘણીબધી જવાબદારી વધી જાય છે. જોકે એક્ટર અલગ રોલ કરે તેમાં જ તેના ટેલેન્ટને વધારે જોઇ શકાય છે.
— તારે ફિલ્મના શૂટીંગ દરમિયાન સાયકોલોજીસ્ટને મળવું પડ્યું હતું, તેનું કારણ શું.
આ ફિલ્મમાં પણ મારી સાથે એવું જ થયું છે. પહેલા મારા મિરઝાના પાત્રને ખૂબ જ ડિસ્ટર્બ બતાવવામાં આવ્યો છે અને પછી ફિલ્મના મારા પાત્રમાં પોતાના પ્રેમ માટે જે પોઝીટીવીટી બતાવી તેના માટે ડીરેક્ટરને સંતોષ હતો પણ મને મારા પાત્રમાં તે દેખાતું નહોતું. એક એક્ટર જ્યાં સુધી સંપૂર્ણ રીતે પોતાના પાત્ર સાથે જોડાઇ ન શકે, ત્યાં સુધી તે દિલથી પરફોર્મ કરી શકતો નથી. હું મારા પાત્રને સમજવા અને પોઝીટીવ બનાવવા માટે જ સાયકોલોજીસ્ટને મળ્યો હતો. તેમણે મને ઘણી માહિતી આપી હતી. જેમાં એક બાબત મને યાદ છે કે જો તમે આજે પોઝીટીવ રીતે જીવો છો, તો તમારું ભવિષ્ય તેના પર આધારિત હોય છે. તમે તમારા આજને બદલી શકો છો. હું તે રીતે પછી મારા પાત્રને જીવતો ગયો. ફિલ્મમાં મિરઝા અનેક વખત દિલથી તૂટે છે અને ફરી પાછો પોતાની જાતને સાચવી લે છે. આવું અનેકવાર જોવા મળશે. એક કલાકાર તરીકે આ રીતે કરવું તેમાં ઘણીવાર હકીકતમાં આવું ફિલ થવા લાગે છે. તેથી તે મારા માટે ખૂબ મુશ્કેલ રહ્યું.
— મિરઝાના પાત્ર માટે બીજી શું તૈયારીઓ કરવી પડી. આ પાત્રને ભજવવું કેટલું મુશ્કેલ રહ્યું.
મારે નમાઝ વાંચતા શીખવું પડ્યું. તે સિવાય કહીશ કે હું મેથડ એક્ટર છું એટલે હું મારા પાત્રમાં સંપૂર્ણ ડૂબી જાઉં છું. તમે જ્યારે રીયલ ઝોનમાં જઇને પરફોર્મ કરો ત્યારે ખૂબ મુશ્કેલ બની જાય છે. દરેક વસ્તુ માટે પ્રીપેરેશન કરવી પડતી હોય છે. જ્યારે તમે તેમાંથી પસાર થાવ છો, તો તમને તેમાંથી બહાર નીકળતા સમય લાગે છે.
— દર્શન એક્ટર ન હોત તો શું હોત.
હું દિલ્હી પાસે કિશનગઢ કરીને ગામ છે, ત્યાનો છું. નાનપણથી મેં ફક્ત એક્ટિંગમાં આવવાનું વિચાર્યું હતું. મને નાનપણથી કવિતાઓ લખવાનો શોખ છે અને હું તે સ્ટેજ પર પરફોર્મ પણ કરતો. સ્કુલમાં હું ઘણા બધા એવોર્ડ પણ જીત્યો છું. મારું કામ તો નાનપણથી જ શરૂ થઇ ગયું હતું. જ્યારે મારા કામને લોકો વખાણતા તો મારો ઉત્સાહ વધી જતો. તે સમયે મને કેટલાક લોકોએ કહ્યું કે તું તારા ટેલેન્ટને સિરિયસલી લે. તે પછી મેં થિયેટર જોઇન કર્યું. મુંબઇમાં આવીને મેં નીના ગુપ્તાનું સહેજ ગ્રુપ જોઇન કર્યું. હું છેલ્લા છ વર્ષથી નસરુદ્દીન શાહ સાથે થિયેટર કરી રહ્યો છું. મને થિયેટરનો દસ થી બાર વર્ષનો અનુભવ છે.
— નસરુદ્દીન શાહ પાસેથી કેટલું શીખવા અને જાણવા મળ્યું.
તેમને ઇન્ડસ્ટ્રીમાં 55થી વધારે વર્ષનો અનુભવ છે. તે નાનપણથી એક્ટીંગ કરતા આવ્યા છે. તે ઇન્ટરનેશનલ લેવલે પણ નામના મેળવી ચૂક્યા છે. ઇન્ડસ્ટ્રીના બેસ્ટ એક્ટર્સમાના એક છે. તે પોતાના પર ઘણા એખતરા કરી ચૂક્યા હોય છે, તેથી અમને જે નોલેજ મળે તે પ્યોર થઇને આવે છે. તેથી અમને અમૃત મળે છે, તેમ કહી શકાય. તેથી હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજુ છું. તે સિવાય નીના ગુપ્તાજી, એન કે શર્મા જેમનું એક્ટ 1 ગ્રુપ ચાલે છે. જેમાં મનોજ બાજપેયી જેવા કલાકારો ટ્રેઇન થઇને નીકળ્યા છે. આ બધા સાથે મને તક મળી છે જેના કારણે હું મારા કામને વધારે ને વધારે બેટર બનાવવાને પ્રયત્ન કરી શકું છું.
મેધા પંડ્યા ભટ્ટ