ક્રિસમસ અને ન્યૂ યરનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે યુવતીઓ પાર્ટીમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરશે તેની પસંદગી અગાઉથી જ કરવા લાગતી હોય છે. આ વર્ષે પાર્ટીમાં સૌથી વધુ કેવા વસ્ત્રોની ડિમાન્ડ રહેશે અને તેમાં પણ કેવી ડિઝાઈન અને સ્ટાઇલના ડ્રેસીસ પાર્ટીમાં શોભશે તેના પર પણ ધ્યાન અપાતું હોય છે. યુવતીઓ પાર્ટીમાં પહેરવા માટે શોર્ટ ફ્રોકને વધુ પસંદ કરશે. સિલ્ક, સાટિન અને શિફોન મટિરિયલમાંથી ખાસ પાર્ટી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે કારણ કે આ મટિરિયલ શાઇનિંગ આપે છે, પહેરવામાં પણ મુલાયમ લાગે છે અને તેમાંથી તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો રિચ લુક આપે છે.
ડિઝાઇનર જીજ્ઞા શાહ કહે છે કે, ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીમાં શોર્ટ ફ્રોક પસંદગીમાં પહેલા છે. જેમાં ઓફ શોલ્ડર અને હોલ્ટર નેકના ફ્રોક વધારે જોવા મળશે. તે સિવાય મોટી ઉંમરની મહિલાઓ લોંગ ફુલ લેન્થ પાર્ટી ડ્રેસ પર પોતાની પસંદગી કરતી જોવા મળશે. ફ્રોકમાં જુદી જુદી ડિઝાઈનો તેમ જ ટક્સ, પિ્લટ્સ, બોક્સ જેવી સ્ટાઇલ ફરીથી લોકોને આકર્ષશે. ડાર્ક રંગના ઇટાલિયન ક્રેપ મટિરિયલ ઉપર કરવામાં આવેલું ગેઝિંગવાળું ફ્રોક તો પાર્ટીમાં અત્યંત આકર્ષક અને સુંદર લાગે છે.
સામાન્ય રીતે રાતના સમયે યોજાતી પાર્ટીમાં યુવતીઓ મોટા ભાગે ડાર્ક રંગના આઉટફિટ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. જોકે આ વખતે પાર્ટી માટે ડાર્ક રંગના વિવિધ શેડ્સ જેમાં મરૂન, રેડ, પર્પલ, બ્લ્યૂ, ડાર્ક પિંક, ઓરેન્જ, લવન્ડર, યલો અને હંમેશાં પસંદગીમાં પ્રથમ સ્થાને રહેતો બ્લેક આ બધા રંગો વધારે જોવા મળશે. શોર્ટ ફ્રોક તો પ્રથમ પસંદગીમાં હોય જ છે, તે સાથે લોંગ ગાઉન પણ એટલા જ સુંદર અને આકર્ષક લાગે છે. ગોલ્ડન, ગ્રે, બ્લેક, રેડ, ઓરેન્જ, યલો, પિંક, ડાર્ક બ્લ્યૂ અને મલ્ટિકલરવાળા લોંગ ગાઉન, શોર્ટ પાર્ટી ડ્રેસ અને જીન્સ પર પહેરવામાં આવતા શાઇનિંગવાળા અને ગ્રે, બ્લેક અને મલ્ટિકલરના ડીપનેક ધરાવતા ટોપ યુવતીઓ પસંદ કરે છે.
ઓફશોલ્ડર, હોલ્ટરનેક અને રાઉન્ડ નેકની સિમ્પલ ડિઝાઈનવાળા પાર્ટી ડ્રેસમાં હવે સ્લીવ પણ પોતાનું સ્થાન બનાવી રહી છે. કેટલાક ઓફ શોલ્ડર ફ્રોકની ડિઝાઈનમાં પ્લિટ્સ વધારે આકર્ષક લાગે છે અને તેના પર કરવામાં આવેલું લાઇટ વર્ક સોબર લુક આપે છે. ડાર્ક કલર્સની સાથે સાથે લાઇટ કલર્સમાં વ્હાઇટ તો હોય જ હોય. તે ઉપરાંત, પિંક, ગ્રે, સ્કાય બ્લ્યૂ અને ગોલ્ડન તેમ જ ક્રીમ કલર્સ પણ પસંદગીમાં રહેશે. હવે નાઇટ પાર્ટીમાં ડાર્કની સાથે લાઇટ કલર્સ પણ જોવા મળશે.
જુના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીની ચમક-દમકમાં યુવતીઓ પોતાને પણ ચમકતી રાખવા માટે શાઇનિંગ આપતા આઉટફિટ પહેરવાનું વધારે પસંદ કરે છે. શાઇનિંગ આપતા ડ્રેસમાં મોટા ભાગે સિલ્ક અને શિફોન મટિરિયલનો ઉપયોગ થતો હતો, પણ વેલવેટ મટિરિયલમાંથી બનતા પાર્ટી ડ્રેસ તો અનોખું જ આકર્ષણ ઊભું કરે છે. પાર્ટી ડ્રેસમાં જોવા મળતી સેલ્ફ શાઇનિંગ, સિંગલ તેમ જ મલ્ટિકલર સીકવન્સ તમારા વ્યક્તિત્વને વધારે ગોર્જિયસ લુક આપે છે. તેમાં પણ ફોલ ડ્રેસ અને ફેધર ગેધરિંગવાળા ડ્રેસીસ પહેર્યા પછી તો તમે બધાથી જુદા જ તરી આવશો.તો હવે તમે નક્કી કરી લો કે કેવા પ્રકારનો પાર્ટી ડ્રેસ તમે આ વખતે પહેરશો અને પાર્ટીની શાન બનીને ચમકી ઉઠશો?
બોક્સ
પાર્ટીની પહેલી પસંદ બોલ્ડ કલર્સ
પાર્ટીવેરમાં મહિલાઓ અને યુવતીઓ માટે પહેલી મુશ્કેલી કેવા રંગનો ડ્રેસ પહેરવો તે હોય છે. તેનું કારણ એ છે કે અમુક પ્રકારની બોડી પર અમુક જ કલર સારા લાગે છે. પાર્ટીવેરમાં વેસ્ટર્ન કપડાંની પસંદગી કરવાની હોય ત્યારે તે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. ફેશન વસ્તુ જ એવી છે કે રોજબરોજ બદલાતી રહે છે. સારી ફેશનસેન્સ એને જ કહેવાય જે બદલાતા ટ્રેન્ડની સાથે આગળ વધે. તેથી નવા ટ્રેન્ડ માટે હંમેશા અપડેટ રહેવું જોઇએ. હવેનું નવું વર્ષ બોલ્ડ ડ્રેસીસ અને બોલ્ડ રંગો લઇને આવ્યું છે.
ભૂરો અને લીલો – ડાર્ક બ્લ્યૂ અને હળવા સમુદ્રી રંગો પહેલા પસંદ કરો. તેમાં ફેબ્રિકમાં સિલ્ક અને વેલ્વેટ પસંદ કરી શકો છો. સાથે જ સીકવન્સવાળા પોલીએસ્ટરને પણ પસંદ કરી શકાય.
પેસ્ટલ કલર – ડેલીકેટ કલરની પસંદગી કરીને આંતરીક સુંદરતાને નિખારી શકો છો. તેમાં તમે બીડેડ પોલિએસ્ટર પસંદ કરી શકો છો.
બ્લેક કલર – બ્લેક કલર પસંદ કરો. તેને અંડરએસ્ટિમેટ કરવાની ભૂલ ન કરવી. તેનો અર્થ એવો નથી કે તમે ટ્રેડીશનલ જઇ રહ્યા છો. બ્લેક કલર પોતાનામાં જ બોલ્ડ કલર છે. જે તમને ભીડમાં પણ જૂદા કરે છે. સાથે જ તમને અલગ કોન્ફિડન્સ અને બોલ્ડનેસ પણ પ્રદાન કરે છે. સિલ્ક રીયોનનું ફ્રોક સ્ટાઇલ ડ્રેસ તમે તમારા પાર્ટીવેર માટે પસંદ કરી શકો છો.
પર્પલ કલર – પાર્ટીમાં પર્પલ કલર ગ્લેમરમાં વધારો કરવા માટે પૂરતો છે.
બ્લેક અને ગોલ્ડ કલર – બ્લેક અને ગોલ્ડ કલરનું મિક્સઅપ હંમેશા પરફેક્ટ જ હોય છે. સિલ્ક ફેબ્રિકની ઉપર હોલ્ડન બિડેડ વર્ક ખૂબ સુંદર અને આકર્ષક લાગે છે.
મેધા પંડ્યા ભટ્ટ