અશ્વીની કલસેકર અત્યાર સુધીની પોતાની કરિયરમાં નેગેટીવ રોલ માટે ખૂબ વખણાય છે. પોતાના દરેક પાત્રને ખૂબ જ રીયલ ટચ આપનાર અશ્વીનીને ઇન્ડિયન શોપની ઓપેરા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં તેણે હંમેશા દમદાર મહિલાના પાત્રવાળી જ ભૂમિકા ભજવી છે અને પોતાના દરેક પાત્રની ઊંડી અસર દર્શકોના મન પર છોડી છે. ઝી ટીવીની સિરિયલ કસમ સેમાં જીજ્ઞાસા આન્ટીના નેગેટીવ પાત્ર બાદ ઝાંસીની રાણીમાં સહનશીલ હિરાબાઇના રૂપમાં મશહૂર બનેલી અશ્વીનીએ અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. ભારતીય ઇતિહાસની એક તાકતવર મહિલાના પાત્રમાં ઝી ટીવી પરની એકતા કપૂરની સિરિયલ જોધા અકબરમાં માહમ અંગાના રોલમાં તે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. અશ્વિની કળસેકર સોની સબના આગામી ક્રાઈમ આધારિત કોમેડી શો પાર્ટનર્સ- ટ્રબલ હો ગઈ ડબલમાં જોવા મળશે. અત્યાર સુધી ગ્રે શેડ પાત્રમાં ફિલ્મ અને ટીવીમાં તે જોવા મળ્યા છે. હવે ટ્રબલ હો ગઇ ડબલ કોમેડી સિરિયલમાં તે નીના નાડકર્ણી બનશે, જે બે સંતાનો આયેશા અને ડોલીની વહાલી માતા છે. તે વિધવા છે અને હંમેશાં સાથીની તલાશમાં હોય છે. વધારે ઉંમર હોવા છતાં તે એકદમ જોશીલા છે અને બધી સોશિયલ મિડિયા સાઈટ્સ પર અત્યંત સક્રિય રહે છે. અશ્વિની શોમાં નીના નાડકર્ણીના પાત્ર વિશે વધુ સ્પષ્ટ વાત કરે છે.

તમારા પાત્ર વિશે જણાવો ?

આ સિરિયલમાં મારું પાત્ર નીના નાડકર્ણી વિધવા છે, જે બે પુત્રી સાથે રહે છે. મારી બે આયેશા અને ડોલી તેમનાં મિત્રો અને કામમાં સતત વ્યસ્ત રહેતી હોવાથી તેમની પાસે માતા માટે બિલકુલ સમય નથી. આથી હું પોતાની અંદર મસ્ત રહું છું અને સક્રિય સામાજિક જીવન જીવું છું.

તમે હંમેશાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે ત્યારે આ કોમેડી પાત્ર કેવું લાગે છે?

મેં અગાઉ ફિલ્મોમાં કોમેડી કરી છે. આથી આ મારા માટે નવું નથી. મને કોમેડી કરવાનું ગમે છે, પરંતુ તે બહુ મુશ્કેલ પણ છે. હાસ્ય દરેક માનવી માટે ભિન્ન હોય છે. બધા જેની પર હસતા હોય ત્યાં કોઈકને હસવું ન પણ આવે એવું પણ બની શકે છે. સોની સબ જેવી ચેનલ અત્યંત હાસ્યસભર છે. તે કોમેડીનો પ્રકાર રિપીટ કરતી નથી અને પારિવારિક ચેનલ છે. મને લાગે છે કે કોમેડી પડકારજનક છે, પરંતુ તે કરવાનું મોજીલું પણ છે.

તમે ટેલિવિઝન સાથે બોલીવૂડમાં પણ કામ કર્યું છે. શું વધારે સારૂ લાગે છે?

કલાકાર માટે માધ્યમ ગમે તે હોય તેણે કેમેરાની સામે અભિનય બતાવવાનો હોય છે. બંને સ્થળ મુશ્કેલ છે. ટેલિવિઝનમાં તમને આગામી એપિસોડમાં પોતાને સિદ્ધ કરવાનો મોકો મળે છે, પરંતુ ફિલ્મોમાં તે મળતો નથી. આથી બંનેમાં મને ફાવે છે.

તમે અગાઉ જોની લિવર સાથે કામ કર્યું છે, તો ફરી જોડે કામ કરવાનું કેવું લાગે છે?

તેમના જેવા દિગ્ગજ સાથે કામ કરવાનું હંમેશાં ગમે છે. તે પાત્રમાં જે રીતે હાસ્ય લાવે છે તે જોવા જેવું હોય છે. કોમેડી પ્રકારમાં હું બે જણને બહુ માનું છું. એક, મહેમૂદજી અને બીજા જોની લીવર છે. તેઓ દરેકે દરેક ભૂમિકાને ન્યાય આપે છે. ઉપરાંત તમને માર્ગદર્શન પણ આપે છે, જે તેમને ઉત્તમ અભિનેતા બનાવે છે. મને લાગે છે કે તેમની જોડે ફરીથી શૂટિંગ કરવાની મજા આવશે.

કોમેડીમાં તમારા લોકપ્રિય કલાકારો કોણ છે?

નિખાલસતાથી કહું તો હું બ્રિટિશ કોમેડીની કટ્ટર ચાહક છું. મને સ્લેપસ્ટિક કોમેડીનું ઘેલું નથી, પરંતુ શાબ્દિક અને સ્થિતિજન્ય કોમેડી ગમે છે. કોમેડીમાં ઘણી બધી વિભિન્નતા છે, જે આપણે અભ્યાસ કરતા નથી. હું બોલીવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગમાંથી પ્રેરણા લઉં છું.

તમારા દરેક પાત્રો દર્શકોના મન પર અસર છોડી જાય છે. શું ક્યારેય કોઇ પાત્ર તમારા પર અસર છોડી ગયું છે?

હું માનં છું કે પાત્રના નામથી ઓળખાવાના બદલે વ્યક્તિ તેના પોતાના ઓરીજનલ સ્વભાવથી ઓળખાય તે વધારે મહત્વનું છે. લોકો મને મારા પાત્રના નામે અને અશ્વીની કલસેકરના નામે બંને રીતે ઓળખે છે. લોકો મને મારા પાત્ર દ્વારા ઓળખે છે, તે પણ મારા માટે સારી વાત છે. મારી દ્રષ્ટીએ ઓળખવા કરતા જાણવું વધારે જરૂરી છે. હું મારું દરેક પાત્ર એ રીતે ભજવું છું કે મારો રોલ નાનો હશે તો પણ તે લોકોના મન પર અસર છોડી જશે.

દરેક પાત્રને રીયલ બનાવવા કેટલા મુશ્કેલ રહે છે?

કોઇના માટે ગુસ્સો કરવો, ચહેરા પર ધૃણા લાવવી, આંખના એક્સપ્રેશન આપવા ખૂબ જ મુશ્કેલ છે. જોકે સાચું કહું તો કોમેડી માટે પણ ચહેરાના હાવભાવ ખૂબ મહત્વના છે. તમારી બોલવાની પદ્ધતિ પણ તેમાં ખાસ અસર ઊભી કરતી હોય છે.

તમે માનો છો કે નેગેટીવ પાત્રો વિના સિરિયલ અધૂરી છે?

કોઇપણ બાબતમાં મુસ્કેલી ન હોય તો તેની મજા નથી હોતી. જો તમે કોઇ રસ્તે કારમાં જતા હો અને ગાડી સ્મૂધલી ચાલ્યા કરે તો તેમાં કઇ જ નવાઇ નથી પણ જેવા ઉબડખાબડ રસ્તાઓ શરૂ થાય તો હવે શું થશે તેવી તાલાવેલી ઊભી થાય છે. સિરિયલોમાં પણ એવું જ છે. તમે એકસરખી સિરિયલ જોતા હો અને તેમાં ટ્વીસ્ટ ન આવે તો 15 મિનિટથી વધારે તે જોઇ નહીં શકો. જીવનમાં રસ્તાની વચ્ચે જ્યા સુધી પથ્થરો નહીં આવે ત્યા સુધી તકલીફો કે મુશ્કેલીનો સામનો કરવાની હિંમત નહીં આવે. પછી તે તકલીફો વ્યક્તિના રૂપમાં હોય કે કોઇ કુદરતી ઘટનાની રીતે હોય, તો જ ઇન્ટ્રેસ ઊભો થાય છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment