કોઇપણ સ્ત્રી લગ્નના થોડા સમય પછી ફરીયાદો કરતી હોય છે કે, તેના પતિને હવે તેનામાં રસ રહ્યો નથી. આ બાબત દરેકના ઘરમાં જોવા મળતી હોય છે. લગ્ન પહેલા દરેક યુવતી અને લગ્નના થોડા સમય સુધી દરેક પત્ની પોતાની દરેક નાનામાં નાની બાબત, જેમકે, કપડાં પહેરવા, તૈયાર થવું વગેરેમાં ખૂબ ચિવટ રાખતી હોય છે. દરેક પુરુષને પણ પસંદ હોય છે કે તેની પત્ની હંમેશા સુંદર અને સુઘડ દેખાય. થોડા વર્ષો બાદ આ પરિસ્થિતીમાં ફેરફાર થઇ જાય છે.

જો તમે પરિણીત હો તો પણ તમારે તમારું વ્યક્તિત્વ, તમારો વ્યવહાર, તમારી આદતો એવી રાખવી જોઈએ કે તમે ક્યાંય પણ ઊભા હો, તો પણ લોકો તમારી સાથે વાત કરવા માટે સામેથી આવે. તમારા પ્રત્યે આકર્ષિત બને. જો તમે તેમાં જરા પણ ઢીલાશ રાખશો તો તમારું આકર્ષણ ગુમાવી બેસશો. લોકો તમને નકારવા લાગશે અને ત્યારે તમે ખૂબ જ દુઃખી થઈ જશો. ઘણીવાર તમારી પાસે કોઈપણ વસ્તુની ઊણપ હોતી નથી. રૂપિયાપૈસા, શિક્ષણ, સારો પતિ, સારો પરિવાર, સારા મિત્રો બધું જ હોય છે, પરંતુ તમારો વ્યવહાર, આદતો એવી હોય છે કે લોકો તમારાથી દુર ભાગે છે અને ત્યારે તમે દુઃખી થઈ જાઓ છો. એટલા માટે જો તમે ખરેખર સુખી જીવન જીવવા માંગતા હો તો નીચેની બાબતો પર જરૂર ધ્યાન આપોઃ

શારીરિક બાંધો

તમે જાડા હો કે પાતળા, કાળા હો કે ગોરા તેનાથી તમારું આકર્ષણ ક્યારેય ઓછું નથી થતું, પરંતુ પોતાના શરીર પ્રત્યે બેદરકારી રાખવાથી તે ઓછું થાય છે. અતિશય મોંઘાં કપડાંમાં લચી પડેલું શરીર કદી પણ સુંદર લાગતું નથી. તમારો બાંધો વ્યવસ્થિત હોય તો તમે સાધારણ પોશાકમાં પણ સુંદર દેખાશો.  જો તમે સ્થૂળ હો અને તમારા હાથનાં સ્નાયુઓ લચી પડેલા હોય કે કમર જાડી હોય તો તેને શેપમાં લાવવાનો પ્રયત્ન કરો, નહીં તો લોકોનું આકર્ષણ તમારા પ્રત્યે ઘટતું જશે. સાથે જ પતિને પણ તમારામાં રસ ઓછો થવા લાગશે.

વ્યવસ્થિત કપડાં પહેરો

કપડાં તમારું વ્યક્તિત્વ બનાવે છે, તો તેને બગાડે પણ છે. કપડાંથી જ વ્યક્તિનું સ્તર અને વ્યવહારની જાણકારી મળી શકે છે. તમે હજારો રૂપિયાની સાડી પહેરી છે. કટ સ્વીલ બ્લાઉઝ પહેર્યો છે અને તમારી બ્રાની સ્ટ્રેપ બાજુ પરથી દેખાય છે તો વિચારો, જોનારાઓ તમારા વિશે શું વિચારશે? કરી દીધી ને 100 રૂપિયાએ હજારો રૂપિયાની ચમકને ફીકી અને સાથે જ તમારા વ્યક્તિત્વને પણ ફીકું પાડી દીધું. જો સ્ટ્રેપ બતાવવાની ફેશન હોય તો સ્ટ્રેપ પણ તમારા ડ્રેસ જેવી જ સુંદર હોવી જોઈએ. પછી એને બતાવવા માટેની પણ સ્ટાઈલ હોવી જોઈએ. આ ઉપરાંત કપડાં એટલાં પાતળાં પણ ન પહેરો કે અંદરનાં વસ્ત્રો અને ડિઝાઈન સુધ્ધાં દેખાય. જો વસ્ત્રો આછાં ન હોય તો પણ અંદરનાં વસ્ત્રો એવાં ન પહેરો કે તેની ડિઝાઈન અને જોડ એટલી ઊપસે કે બાહ્ય વસ્ત્રોમાંથી પણ તે સાફ દેખાય. જો આંતરિક વસ્ત્રો ડિઝાઈનવાળાં હોય તો બાહ્ય વસ્ત્રો પણ ડિઝાઈનવાળાં જ પહેરો.

જો હાથનાં બાવડાંના સ્નાયુઓ ઢીલાં પડી ગયા હોય તો કટ સ્લીવ્સ ન પહેરો. જો પેટ વધેલું હોય તો નાભિ બતાવતી સાડી ન પહેરો. જે પણ પહેરો વ્યવસ્થિત રીતે પહેરો જેથી લાલચુ આંખોથી બચી શકાય. જયારે પણ ઘરેથી નીકળો ત્યારે તમારી જાતને વધુ પ્રકાશ પડતાં અરીસામાં એકવાર સારી રીતે જરૂર જોઈ લો.

સ્વયંને પ્રેમ કરો

પોતાની જાતને પ્રેમ કરવાનું શીખો. જો તમે પરિણીત હો તો તમારી પોતાની સંભાળ લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. શરીરનો જે પણ ભાગ સારસંભાળ વગરનો હશે એની પતિને તો ખબર પડશે જ. હવે જો પતિ પણ તમારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરે, ગુસ્સો કરે કે પછી અન્ય વ્યક્તિ સાથે તમારી સરખામણી કરી તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે તો તેના માટે ગુનેગાર કોણ ગણાશે? તમે પોતે જ ને? વધુ સારું તો એ જ છે કે સુખી રહેવું હોય તો પોતાની જાતને પ્રેમ કરો. થોડો સમય તમારા પોતાના માટે પણ કાઢો અને બીજા માટે ઉદાહરણરૂપ બનો.

હસો અને હસાવો

સમયને બોજારૂપ બનતો અટકાવવાનો સીધો ઉપાય છે કે તેને હસીને પસાર કરો. તમને જો કોઈ બાબતની મુશ્કેલી પડતી હોય તો દુઃખી થવાથી શો ફાયદો? એ સમયને હસીને પસાર કરી લો. એ સાચું છે કે સુખ બહાર શોધવાથી નથી મળતું. નાની નાની ખુશીઓ શોધવી પડે છે. નાની નાની ઊણપોને દૂર કરવી પડે છે. પોતાની સંકુચિત વિચારધારાને વિસ્તૃત કરવી પડે છે. જો તમે એવું કરશો તો તમારું જીવન સુખી થઈ જશે.

દરેક પતિને તેની પત્ની માટે માન હોય છે કારણકે તે તેના ઘરને ખૂબ સુંદર અને પરિવારને ખૂબ પ્રેમથી રાખે છે. તે તેના સંતાનોની માતા હોય છે. પતિનો પ્રેમ હંમેશા જળવાઇ રહે તે માટે એક પત્નીએ હંમેશા વ્યવસ્થિત અને સુંદર દેખાવું જોઇએ. પતિને તેનાથી તેના પ્રત્યે તો આકર્ષણ જળવિ જ રહે છે, સાથે જ તેને લાગે છે કે દરેક કાર્યમાં તેની પત્ની ખૂબ જ કુશળ છે. પત્નની નજરોમાં હંમેશા તેની પ્રેમિકા બની રહેવા માટે ઘરની તમામ જવાબદારીઓની સાથે પોતાના પ્રત્યેની જવાબદારીમાંથી પણ ચૂકસો નહીં.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment