કુશ્તીનું મેદાન હોય કે અભિનયનું ક્ષેત્ર, 53 ઇંચની છાંતીવાળા આ એક્ટર પહેલવાનીમાં ક્યારેય કોઇનાથી હાર્યા નથી. તો સાથે જ પોતાની ફિલ્મી કરિયરમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા. તેમને આપણે સૌ રામાયણમાં હનુમાનના યાદગાર પાત્રથી આજેપણ ઓળખીયે છીએ. જેમનું નામ છે દારાસિંહ. તેમણે પોતાના જીવનમાં 500થી પણ વધારે ફાઇટ કરી હતી અને તેઓ એકપણ મુકાબલો હાર્યા નહોતા.

દારાસિંહ રંધાવાનો જન્મ 19 નવેમ્બર 1928ના દિવસે અમૃતસર(પંજાબ)ના એક ગામડા ધરમૂચકમાં થયો હતો. તેમની માતાનું નામ શ્રીમતી બલવન્ત કૌર અને પિતાનું નામ શ્રી સૂરત સિંહ હતું. નાની ઉંમરમાં જ તેમની મરજી વિરુદ્ધ તેમના લગ્ન તેમનાથી મોટી ઉંમરની યુવતી સાથે કરાવી દેવામાં આવ્યા હતા. દારાસિંહને જલદી યુવાન બનાવવાના હેતુસર તેમની માતા તેમને બદામના ભૂકો માખણમાં ભેળવીને આપવા લાગ્યા અને સાથે ભેંસનું દૂધ પીવડાવવાનું પણ શરૂ કરી દીધુ.

તેનું પરિણામ એ આવ્યું કે ફક્ત 17 વર્ષની નાની ઉંમરમાં જ દારાસિંહ પદ્યુમન નામના દિકરાના પિતા બની ગયા. દારા સિંહના એક નાના ભાઇ સરદારા સિંહ પણ હતા, જેમને લોકો રંધાવાના નામથી પણ ઓળખે છે. દારાસિંહ અને રંધાવા બંનેએ મળીને કુશ્તી રમવાનું શરૂ કરી દીધુ. ધીમે ધીમે ગામડાની કુશ્તીથી લઇને શહેરોમાં રમતા દરેક કુશ્તીને જીતીને પોતાના ગામનું નામ રોશન કર્યું હતું.

દારાસિંહની લંબાઇ 6 ફૂંટ 2 ઇંચ હતી અને છાતી 53 ઇંચની હતી. લાંબા પહોળા શરીરના બાંધાના કારણે તેમને રેસલિંગમાં પ્રયત્ન કરવાનું ખાસ કહેવામાં આવતું હતું. તેની શરૂઆત તેમણે મેળાઓ અને બજારોમાં યોજાતી નાની નાની લડાઇઓથી કરી હતી. તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ દારાસિંહે રેસલિંગની એક પ્રતિયોગીતામાં પોતાના કરતા અનેકગણુ વજન ધરાવતા 200 કિલોના વજનવાળા ઓસ્ટ્રેલિયાના કિંગ કાંગને પહેલા તો રીંગમાં જોરથી પટક્યો હતો અને પછી તેને ઉંચકીને રીંગની બહાર ફેંકી દીધો હતો.

દારાસિંહ પોતાના જીવનમાં ક્યારેય કોઇ રેસલિંગ મેચ હાર્યા નથી. મહાબલીના નામથી મશહૂર બનેલા તેઓ કુશ્તીમાં ક્યારેય ન હારનારા ચેમ્પિયન્સના પણ ચેમ્પિયન્સ છે. 1968 ના વર્લ્ડ ચેમ્પિયનશીપની સાથે જ તેમણે કુશ્તીમાં હંમેશાના માટે જીત મેળવી લીધી હતી. દારાસિંહે અનેક વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનોની સામે કુશ્તી લડી. 1996માં તેમણે રેસલિંગ ઓબ્ઝર્વ ન્યુઝલેટરમાં હોલ ઓફ ફેમ તરીકેનું બિરુદ મેળવ્યું હતું.

કુશ્તી પછી દારાસિંહે હિન્દી ફિલ્મી દુનિયામાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. બોલિવૂડમાં તેમની એન્ટ્રી 1952માં આવેલી ફિલ્મ સંગદિલથી થઇ હતી. જેમાં કલાકાર તરીકે દિલીપ કુમાર અને મધુબાલા હતા. દારાસિંહની હિરો તરીકેની પહેલી ફિલ્મ જગ્ગા ડાકૂ હતી, જેના પછી તે બોલિવૂડના પહેલા એક્શન હિરો તરીકે છવાઇ ગયા હતા. તે પછી તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને લોકોએ ખૂબ જ પ્રેમ અને સન્માન આપ્યું. ફિલ્મ જબ વી મેટમાં તે છેલ્લે કરીના કપૂરના દાદાજીના પાત્રમાં જોવા મળ્યા હતા.

1970માં દારાસિંહે પહેલી પંજાબી ફિલ્મ ડિરેક્ટ કરી હતી, જેનું નામ નાકન દુખિયા સબ સંસાર હતું. દારાસિંહે પહેલીવાર ફિલ્મ બજરંગબલીમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. તે પછી તેમણે ટીવી સ્ક્રીન પર લોકપ્રિય સિરિયલ રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. તે પછી લોતો તેમને જોઇને કહેવા લાગ્યા કે હનુમાન હોત તો એમના જેવા જ હોત.

આજે દારાસિંહ આપણી વચ્ચે નથી,  પરંતુ તો પણ કરોડો ભારતીયના દિલમાં તેઓ રાજ કરે છે. રેસલિંગમાંથી એક્ટીંગમાં આવનારા દારાસિંહ સોશિયલ મિડીયામાં પણ સૌથી વધારે સર્ચ થનારી વ્યક્તિઓમાના એક હતા. દારાસિંહને 7 જૂલાઇ 2012ના રોજ હાર્ટએટેક આવતા તેમને મુંબઇના કોકિલાબહેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવારથી કોઇ ફાયદો થયો નહીં. તેમના પરિવારના લોકો તેમને ઘરે લઇ આવ્યા અને 12 જૂલાઇ 2012ના રોજ તેઓ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.

 

દારાસિંહની ફિટનેસનું રહસ્ય

રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં ભગવાન હનુમાનનું પાત્ર ભજવનાર રુસ્તમ-એ-હિંદ દ્વારા દારા સિંહને ફક્ત પડદા પરના તેમના અભિનયથી જ નહીં પરંતુ અખાડાના ઇતિહાસમાં પણ થયેલા અનેક મુકાબલાઓના કારણે તેમને આજેપણ યાદ કરવામાં આવે છે. તેમણે પોતાના સમયમાં અનેક મોટાગજાના પહેલવાનોને ધૂળ ચાટતા કરી દીધા હતા. તેઓ પોતે પણ પોતાને ખૂબ ફીટ રાખતા હતા.

ડોક્ટર્સ પણ આપણને કહેતા હોય છે કે સવારનો નાસ્તો ખૂબ જ હેલ્થી હોવો જોઇએ. આખો દિવસ સ્ફૂર્તિમાં રહો તેમાં સવારના નાસ્તાનો સૌથી મોટો ફાળો રહેલો છે. તમને જાણીને નવાઇ લાગશે કે દારાસિંહ આખા દિવસ દરમિયાનના આ સૌથી મહત્વના ખોરાકને મિસ કરતા હતા. 83 વર્ષની ઉંમરે પણ દારાસિંહ નાસ્તો નહોતા કરતા અને ફક્ત સવાર અને સાંજનું જમવાનુ જ લેતા હતા. પોતાને ફીટ રાખવા માટે દારાસિંહ રોજના દસ સિલ્વર ના વર્કની સાથે 8 રોટલી એક સમયમાં ખાતા હતા. તે સિવાય દારાસિંહ રોજના બે લિટર દૂધ અને અડધો કિલો મીટ પણ લેતા હતા. જીમ કરનારા ઘણા યુવકો પોતાની બોડી બનાવવા માટે માર્કેટમાં મળતા પ્રોટીન અને સ્ટીરોઇડનો ઉપયોગ કરે છે. જ્યારે દારાસિંહની નોર્મલ ડાયેટથી બનેલી બોડી તે વાત સાબિત કરે છે કે એક સારા પ્રકારના ખોરાકથી પણ તમે તમારું શરીર સારું બનાવી શકો છો. લાંબા અને પહોળા શરીરવાળો બાંધો ધરાવનાર દારાસિંહ રોજ પોતાના ડાયટમાં 100 ગ્રામ બદામ મુરબ્બા અને ઘીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.

કસરત કર્યા પછી દારાસિંહ રોજ ઠંડાઇ પીતા હતા. તે સિવાય તે ચિકન અથવા લૈંબ સૂપ પીવાનું પણ પસંદ કરતા હતા. પોતાની બોડીને ફીટ રાખવા માટે આટલું રોજ ખાનારા દારાસિંહ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ પણ રાખતા હતા. દારાસિંહ આવું એટલા માટે કરતા હતા કે તેમના શરીરના બધા ટોક્સીન નીકળી જાય જેના કારણે તેમનું મેટાબોલિઝમ સારું રહેતું.

 

Loading

Spread the love

Leave a Comment