શ્વેતા ગુલાટી ઘણા સમય પછી ટેલિવિઝનના પડદા પર જોવા મળશે. પાર્ટનર્સ – ટ્રબલ હો ગઈ ડબલમાં તે જ કેફેની માલિક છે. તેને સસ્પેન્સ નોવેલ્સ વાંચવાનું ગમે છે અને આદિત્ય તથા માનવના બધા કેસોમાં પોતે પ્રાપ્ત કરેલા પુસ્તકિયા જાસૂસી જ્ઞાનને લાગુ કરવાનો પ્રયાસ કરે છે. તે શોમાં માનવની કો-સ્ટાર છે. શ્વેતા સાથે વાતચીતઃ
લાંબા સમય પછી તું ટેલિવિઝન પર પાછી આવી રહી છે, તો કેવું લાગે છે?
લોકો મારું કમબેક થયું છે એમ શા માટે કહે છે તે સમજાતું નથી. હું પોતાને સમય આપવા માગતી હતી તેથી જ આટલો સમય ટેલિવિઝનથી દૂર રહી હતી. કામની વાત આવે ત્યારે હું બહુ જ ચૂઝી છું. મને આ ઓફર મળી ત્યારે કામ કરવા માટે હું ભારે ઉત્સુક હતી, કારણ કે મેં અગાઉ પણ તેમની સાથે કામ કર્યું છે. આ શો લેવાનું એક કારણ તે કોમેડી શો છે. વધુ એક કારણ એ છે કે સોની સબ માટે મેં ભૂતકાળમાં ઘણા બધા શો કર્યા છે અને તેમની સાથે કામ કરવાની મજા આવે છે સોની સબમાં સુખી પરિવાર જેવું વાતાવરણ જોવા મળે છે.
કોમેડી શો તું પસંદ કરે છે કે તને ફક્ત કોમેડી શો જ કરવાનું ગમે છે?
કોમેડીને હું પસંદ કરતી નથી, પરંતુ કોમેડી મને પસંદ કરે છે. મને ડ્રામા કરવાનું ગમે છે અને મારી આંખોમાં પાણી આવે તે ગમે છે. જોકે કોઈક રીતે આ શો મારી પાસે આવ્યો અને મને કોમેડી પણ ગમવા લાગી. હું મારા માટે શું સારું લાગે છે તે પસંદ કરું છું.
તું થિયેટર, ટેલિવિઝન પણ કરે છે ત્યારે કલાકાર તરીકે શું વધારે ગમે છે?
એક કલાકારને શું સારું લાગે છે તે પોતે જોતા નથી, પરંતુ તેને તેના પાત્રમાં કેવા પડકારો મળે છે, તે જોતા હોય છે. હું પડકારો જોઉં છું. થિયેટર નિશ્ચિત જ ટેલિવિઝન કરતાં ગમે ત્યારે વધુ પડકારજનક હોય છે, કારણ કે થિયેટરમાં પોતાને સિદ્ધ કરવા માટે તમને બીજી તક મળતી નથી. પોતાને સિદ્ધ કરવા માટે તમને બીજો એપિસોડ મળતો નથી. ટેલિવિઝન મને ગમે છે કારણ કે મારી કારકિર્દી ટેલિવિઝન સાથે શરૂ થઈ છે. મને ટીવી પ્રત્યે લગાવ છે. જોકે ખરેખર તો બંને માધ્યમ સારાં લાગે છે.
શોમાં તારા પાત્ર વિશે જણાવ ?
હું મારા પાત્ર ડોલી અને મારી વચ્ચે સામ્યતા સાથે શરૂ કરું છું. ડોલીને થ્રિલર, હોરર ગમે છે અને તેને રહસ્યનો ઉકેલ લાવવાનું ગમે છે. તેને લાગે છે કે તેની અંદર પણ જાસૂસ છુપાયેલો છે, પરંતુ તે ક્યારેક તેવી હરકત કરે છે તો ક્યારેક નથી પણ કરતી. શોમાં આપણે આગળ વધીએ તેમ તેમ જાણવા મળે છે કે તેનામાં ખરેખર જોશ છે કે નહીં. મારો થિયેટર પ્રકાર થ્રિલર અને હોરર છે, જેથી ડોલી અને શ્વેતા વચ્ચે સામ્યતા છે. ડોલી પોતાને એક માધ્યમમાં સમર્પિત કરે છે તે તેનો સૌથી મોટો તફાવત છે. તે થ્રિલર મોડમાં આવી જાય ત્યારે તે મોડમાં રહે છે. ડોલી કોફીશોપ માલિકણ છે, જે કોફીને ધિક્કારે છે અથવા તે કોફી પીતી પણ નથી. તે હંમેશાં એવું વિચારે છે કે લોકો આખરે કોફી શા માટે પીએ છે અને હંમેશાં લોકોને કોફી પીતાં અને સામે નાણાં આપતાં જોઈને આશ્રર્ય પામે છે. પોતાના આ થ્રિલર વલણને કારણે તે માનવ અને આદિત્ય માટે કેસનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. ડોલી અત્યંત મીઠી છે, મોજીલી છે, જે ડિટેક્ટિવ બનવા માગે છે, પરંતુ કોફી શોપમાં અટવાઈ ગયેલી છે.
આ શો પાર્ટનરો અને ગુના વિશે છે, જેથી અસલ જીવનમાં ગુનામાં તારો પાર્ટનર કોણ છે?
મારા કૂતરા અસલ જીવનમાં ગુનામાં મારા પાર્ટનર છે. મને તેઓ ગમે છે અને તેમને સારું જીવન આપવા માટે હું આજ કામ કરી રહી છું. મને તેઓ ભરપૂર પ્રેમ આપે છે.
શોમાં જોની સર જેવા ઘણા બધા મોટા કલાકારો, કોમેડિયનો છે, તેમની સાથે કામ કરવામાં તું નર્વસ છે કે ઉત્સાહિત છે?
જોની સર સાથે કામ કરવાની તક મળી તેને હું મારું નસીબ માનું છું. હું તેમની કોમેડી જોતાં જોતાં મોટી થઇ છું. તે કોમેડીના લાઇવ લીજન્ડ છે. હમણાં સુધી તેમની સાથે કોઈ પણ એપિસોડ શૂટ કર્યા નથી, કારણ કે તેઓ કમિશનર છે, પરંતુ મને ખાતરી છે કે ભવિષ્યમાં તેમની જોડે કામ કરવાનો મોકો મળશે, જેની મને આતુરતા રહેશે. હા, હું નર્વસ છું, કારણ કે પીઢ કલાકારો સાથે કામ કરવાનું છે.
મેધા પંડ્યા ભટ્ટ