એક વર્ષ પહેલા રાની મુખર્જી ફિલ્મ મર્દાની લઈને આવી હતી અને હવે આજે રિલીઝ થનારી ફિલ્મ ‘મર્દાની 2’ માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ફરીથી રાની મુખર્જી એક પોલીસ ઓફિસરના પાત્રમાં છે. લગ્ન બાદ અને દીકરીના જન્મ બાદ રાની મુખર્જી ખૂબ જ સિલેક્ટેડ ફિલ્મો કરી રહી છે. પોતાના સંબંધને સમય આપી રહી છે. બોલિવૂડમાં એક ઓળખ અને પ્રસિદ્ધિ મેળવ્યા બાદ હવે રાની મુખરજી શું મેળવવા ઈચ્છે છે, અને પોતાના જીવનમાં સૌથી વધુ આનંદ ક્યારે મળે છે તે રાની મુખર્જી ટેલિફનિક વાતચિતમાં જણાવે છે. આમ જોઈએ તો રાની મુખર્જીની ફિલ્મી કરિયરનો 13 વર્ષ પુરા થયા છે. દર્શકોએ તેમની ફિલ્મો અને તેના પાત્રોને ખૂબ પસંદ કર્યા છે અને એટલો જ પ્રેમ પણ આપ્યો છે. પોતાની કરિયરમાં એક સ્થાન મેળવ્યું છે. પોતાના અંગત જીવનમાં પણ તે ખૂબ ખુશ છે. ફિલ્મ પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા સાથે લગ્ન બાદ અને દીકરી ના જન્મ પછી જાણે રાની મુખર્જી નું જીવન સંપૂર્ણ થઈ ગયું છે. જોકે હાલમાં તો આજે રિલિઝ થનારી ફિલ્મ મર્દાની 2ને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ સમાજમાં બની રહેલી ઘટના ઉપર પ્રકાશ પાડી રહી છે અને રાની મુખર્જી પોલીસ ઓફિસરના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મ અંગે અને તેના જીવન અંગે થયેલી રાની મુખરજી સાથે ની વાતચિત.
બોલિવૂડમાં આટલા વર્ષો વિતાવ્યા બાદ એક સફળ કલાકાર તરીકે તમારા માટે એક્ટિંગ શું છે.
મારા માટે એક્ટિંગ નો અર્થ રિએક્ટ કરવું છે. સારી એક્ટિંગ એને જ કહેવાય છે, જે તમારા દિલથી તમે કરો છો અને જે નેચરલ લાગે છે. ઘણીવાર તમારું આ જ કામ તમારી સ્ટાઇલ બની જાય છે. મેં મારી કરીયર દરમ્યાન ભજવેલા દરેક પાત્ર માટે હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે હું દિલથી કામ કરું અને લોકોને નેચરલ લાગે તે રીતે મારી જાતને રજૂ કરું. મારા પાત્રને લઈને ક્યારેય ઓવર એક્ટિંગ ના કરું અને મારા દરેક પાત્ર સાથે ન્યાય કરી શકું.
તમારી એક્ટિંગને દર્શકોએ હંમેશા પસંદ કરી છે, તો પછી લગ્ન બાદ ફિલ્મોમાં કેમ ઓછા જોવા મળો છો.
મેં હંમેશા મારા પાત્રને પ્રાથમિકતા આપી છે. તે મારી પહેલી ફિલ્મ હોય કે છેલ્લી ફિલ્મ હોય. જો આજે પણ મને એક સારું પાત્ર ભજવવા મળે તો હું ફિલ્મો કરવા માટે ક્યારેય ના પાડીશ નહીં. પાત્રની બાબતમાં હું ખૂબ જ ચૂઝી છું.
મર્દાની ફિલ્મ પછી તેની સિકવલમાં જોવા મળી રહ્યા છો. શું આ સિવાય કોઈ અન્ય ફિલ્મોમાં દમદાર પાત્ર મળ્યું જ નથી.
હા મને મર્દાની વિષય પહેલેથી ખૂબ પસંદ રહ્યો છે. આ પ્રકારની ફિલ્મો કરવી ગમે છે, જેમાં સમાજને કોઈ મેસેજ આપી શકાય છે. તેના કારણે જ ફિલ્મ મર્દાની કરતી વખતે મેં ખુબ જ એન્જોય કર્યું હતું. મને આ પાત્ર ભજવવામાં ખૂબ જ મજા પડી હતી, એટલે અને હવે તેની સિક્વલ પણ કરી રહી છું. જેના ડિરેક્ટર ગોપી પુથરન છે
તમે અત્યાર સુધીની જે પણ ફિલ્મો કરી છે, તેમાં સૌથી વધુ કયા કલાકાર સાથે કામ કરવાનું તમને ગમ્યું હતું.
મેં અમિતજી સર સાથે ફિલ્મ બ્લેક માં કામ કર્યું હતું. તે મને ખૂબ જ ગમ્યું હતું. આ ફિલ્મ ઉપરાંત મે તેમની સાથે કભી ખુશી કભી ગમ માં પણ કામ કર્યું છે. અમિતજી સાથે કામ કરવું એટલે મારા માટે મારું સપનું સાચું થયા જેવી ફીલિંગ રહી છે.
હવે તમે એક કલાકારની સાથે સાથે પત્ની અને માતા પણ છો, તો તમારા સંબંધો વિશે શું કહેવા માંગો છો.
મેં મારા દરેક સંબંધને હંમેશા ઇમાનદારીપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. હું સંબંધોની બાબતમાં ખૂબ જ ક્લિયર રહી છું, પછી તે મિત્રતા હોય પ્રેમ હોય કે પછી કોઈની સાથે દુશ્મની રહી હોય.
શું તમે દુશ્મનીને નિભાવવામાં પણ વિશ્વાસ રાખો છો.
આમ જોવા જઈએ તો હું ખૂબ શાંત સ્વભાવની છું. હંમેશા મિત્રતા અને શાંતિમાં વિશ્વાસ રાખું છું, પણ જો કોઈ મારી સેલ્ફ રિસ્પેક્ટ ને વિશે કંઈ કહી જાય તો હું તે વ્યક્તિને માફ કરી શકતી નથી. તે સિવાય જો કોઈ વ્યક્તિ એકવાર મારી નજરમાંથી ઉતરી જાય તો બીજીવાર હું તે વ્યક્તિ સાથે જોડાઈ શકતી નથી. હું ઈચ્છું તો પણ તે વ્યક્તિ સાથે ફરીવાર મિત્રતા કરી નથી શકતી.
તમારા જીવનમાં મળેલી અનેક ભેટસોગાદો માંથી સૌથી સુંદર ભેટ કરી રહી છે.
મારી પાસે એક ગિફ્ટ છે. જે મને ખૂબ જ પ્રિય છે. હું તેને હંમેશા સાચવીને રાખું છું અને તે મારી એક ડાયમંડ રીંગ છે. મને મારા પપ્પાએ મારી બર્થ ડે પર ગિફ્ટ આપી હતી. તે ગિફ્ટ મને સૌથી વધુ પ્રિય છે.
તમારી જિંદગીની સૌથી ખુશીની પળ કઇ છે.
હું તમને મારા જીવનની સૌથી ખુશીની પળ વિશે વાત કરું, તો જ્યારે મેં મારી દીકરી આદીરાને જન્મ આપ્યો તે છે. તે સમયે જીવનમાં સૌથી વધુ ખુશ થઈ હતી. આટલો આનંદ મને જીવનમાં ક્યારેય થયો ન હતો. માતા બન્યા પછી જ મેં અનુભવ્યું કે આ સુખ કેટલું કીંમતી છે.
તમે જીવનમાં દરેક વસ્તુ મેળવી છે. હવે શું મેળવવાનું બાકી છે.
હું ભગવાનની આભારી છું કે મેં મારા જીવનમાં જે પણ ઈચ્છા રાખી તે દરેક વસ્તુ મને મળી છે. હવે બસ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે હું જેટલું પણ જીવન જીવું તે ખૂબ જ સારી રીતે જીવું. હવે કંઇ જ મેળવવાની ઈચ્છા નથી. બસ પ્રેમ અને શાંતિ જ ઈચ્છું છું.
તમને તમારા જીવનમાં સૌથી બેસ્ટ કોમ્પ્લીમેન્ટ કઈ મળી છે.
મને આજેપણ યાદ છે કે એકવાર એક ત્રણ વર્ષના બાળકે મને જોઇને બૂમો પાડી હતી. મેરી રાની, મેરી રાની…તે સમયે તે બાળક પર મને ખૂબ પ્રેમ આવ્યો હતો. સાથે હસવું પણ ખૂબ આવ્યું હતુ.
તમારા શોખ વિશે જણાવશો.
એક્ટિંગ સિવાય મને ડાન્સનો ખૂબ શોખ છે. ફ્રિ સમયમાં યોગા કરવાનું પસંદ કરું છું. દેશ-વિદેશના સારા લોકેશનવાળા સ્થળોએ ફરવાનું પસંદ છે. એક રીતે કહી શકો કે મને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.