1994માં આવેલી ફિલ્મ બેન્ડેડ ક્વીનથી લોકપ્રિય બનેલી અભિનેત્રી સીમા બિસ્વાસ પહેલી અભિનેત્રી છે કે જેણે પોતાના કરિયરની શરૂઆત જ બાયોપિક ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ ડાકુરાણી ફુલનદેવીના જીવન પર આધારીત હતી. ફિલ્મી દુનિયામાં બાયોપિક કરવા માટે અનુભવી કલાકારોની પસંદગી થતી હોય છે. જ્યારે સીમા બિસ્વાસે પોતાની પહેલી જ બાયોપિક ફિલ્મ દ્વારા પોતાના અભિનયનું કૌશલ્ય દેખાડી દીધુ હતું. જોકે ત્યારબાદ ફક્ત એક જ પ્રકારની ઇમેજમાં બંધાઇને રહેવા કરતા તેમણે અનેક અલગ પ્રકારના રોલ કરવા પર પસંદગી ઊતારી અને તેમની ફિલ્મ ખામોશીમાં એક મૂંગી-બહેરી માતાના પાત્રમાં તે જોવા મળ્યા. આ રીતે પોતાની કરિયર દરમિયાન અનેક અલગ પ્રકારના પાત્ર તેમણે ભજવ્યા છે અને ભજવી રહ્યા છે. જેમા કંપની અને વિવાહ ફિલ્મ બાદ તેમની માતા તરીકેની ઇમેજના બે નવા રૂપ જોવા મળ્યા. જેમાં વિવાહના તેમના રોલના કારણે ફરીથી તેમની ઇમેજમાં નવો ફેરફાર થયો અને એક માતા તરીકેના નવા રોલમાં લોકોએ તેમને પસંદ કર્યા. ફ્રેકી અલી અને હાફ ગર્લફ્રેન્ડમાં પણ સીમાજી માતાના પાત્રમાં જોવા મળ્યા. હવે તેમની ફિલ્મ સમીરમાં તેઓ ફરીથી એવા પુત્રની માતાના રોલમાં છે જેને પોલીસ શોધી રહી છે. તેમનો રોલ અસરકારક છે. આ ફિલ્મ અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પર આધારીત છે. સીમા બિસ્વાસ સાથે થયેલી ફિલ્મ અંગેની કેટલીક વાતચીત.

સમીર ફિલ્મમાં તમારા માટે શું નવુ છે. શું રીયલ સ્ટોરી પર આધારીત ફિલ્મ છે.

ફિલ્મની વાર્તા ખૂબ અલગ છે અને સ્ક્રિપ્ટ ખૂબ જ સ્ટ્રોંગ છે. આ ફિલ્મમાં વાસ્તવિકતાના દર્શન થતા જોવા મળશે. સંપૂર્ણ રીતે સાચી હકીકત પર આધારીત ફિલ્મ નથી. ફિલ્મના દરેક પાત્ર તમને રીયલ હોય તેવું જ લાગશે. કોઇ વિક્ટીમ હોય તો તમને ફિલ્મ રીયલ હોય તેવું લાગી શકે છે. કોઇ એક્ટીવિસ્ટ હોય તો તમને રીયલ હોય તેવું લાગી શકે છે. આવી રીતે ઘણા સામાન્ય લોકો આ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મમાં તમારા પાત્ર વિશે જણાવો.

હું એક માતા તરીકેના પાત્રમાં છું તો મારું પાત્ર તમને સામાન્ય જ લાગશે. હું એવી માતા છું જે પોતાના દિકરાના કારણે લોકોની વચ્ચે કારણ વિના હોરાન થાય છે. સુડી વચ્ચે સોપારી જેવી મારી હાલત આ ફિલ્મમાં દર્શાવાઇ છે. દરેક માતાનું સપનું હોય છે કે તેનો દિકરો ખૂબ જ આગળ વધે અને સારું કામ કરે. જ્યારે દિકરો ખોટા રસ્તે જાય છે અને ખોટી દિશામાં દોડવા લાગે છે, ત્યારે માતાને ખૂબ દુખ થાય છે. તે થોડી ડિર્સ્ટબ પણ થઇ જતી હોય છે. વધારે મહત્વનું પાત્ર ન કહી શકાય પણ ફિલ્મના મુખ્ય પાત્રને ક્યાંક ને ક્યાંક રીલેટ કરતું મારું પાત્ર છે.

સ્ટોંગ કેરેક્ટર પ્લે કર્યા પછી જ્યારે સામાન્ય પાત્ર ભજવવાના હોય તો શું ફરક લાગે છે.

મને જ્યારે કોઇ પાત્ર રીયલ લાગે તો જ હું તે ભજવતી હોઉં છું. દર્શકો જેની સાથે કનેક્ટ થઇ શકે તેવું પાત્ર મને લાગ્યું તો મેં તે સ્વીકારી લીધું. દરેક પાત્રને તેની સ્ક્રીપ્ટ સ્ટ્રોંગ બનાવતી હોય છે. તેમાં તમારો રોલ કેટલો મહત્વનો અને વધારે છે, તે પણ જોવાનું હોય છે. રોલ વધારે કે ઓછો હોય તે મહત્વનું હોતું નથી પણ પાત્રની ફિલ્મમાં શું અસર થશે તે વધારે મહત્વનું હોય છે.

 

સમીર ફિલ્મમાં કોઇ મેસેજ છે.

એક માતાના તેના દિકરા માટેના સપના જોવા મળશે. દિકરો જ્યારે ખોટા માર્ગે દોરવાય છે, તો તેને જે દુખ થાય છે, તેનું શું પરિણામ આવે છે, તે ક્યાંકને ક્યાંક એક મેસેજ બની શકે છે. જ્યારે દિકરો ખોટા માર્ગે જાય તો તેના માટે માતાને જ કારણભૂત માનવામાં આવે છે. તે આ ફિલ્મમાં જોવા મળશે.

તમે કોઇપણ રોલ પસંદ કરો તો તેમાં પહેલા સ્ક્રિપ્ટને મહત્વ આપો છો કે પાત્રને લઇને પસંદ કરો છો.

હું સૌથી પહેલા સ્ક્રિપ્ટને પસંદ કરું છું. હું ફિલ્મમાં મારો રોલ લાંબો છે, કે ટૂંકો તે ક્યારેય જોતી નથી. હું મારું પાત્ર ફિલ્મમાં કેટલું મહત્વનું છે, તે ખાસ જોઉં છું. મારા પાત્રના કારણે વાર્તામાં કોઇ અસર પડે છે કે નથી પડતી તે પણ ખાસ જોઉં છું.

અત્યારની ફિલ્મો વિશે શું કહેશો.

આજકાલ જે પ્રકારની ફિલ્મો આવે છે, તેમાં સ્ટોરી વધારે જોવા મળે છે, ફોર્મુલા હોતા નથી. જે ફિલ્મની વાર્તામાં વાસ્તવિકતા છે, તેવું સ્પર્શી જાય તો દર્શકો તેને તરત જ સ્વીકારી લેતા હોય છે. જે ફિલ્મમાં વાસ્તવિકતા જોવા મળતી નથી તેવી ફિલ્મો વધારે ચાલતી નથી. જેના કારણે ઘણીવાર બિગ બજેટવાળી કે મોટા સ્ટારવાળી ફિલ્મો પણ આપણે ફ્લોપ થતી જોઇએ છીએ. હવે દર્શકોને પણ વાસ્તવિકતા સાથે જોડાયેલી ફિલ્મો પસંદ છે. હાલમાં જ ટોયલેટ ફિલ્મ આવી જેનો વિષય લોકોની સાથે જોડાયેલો છે, તો લોકો તેને પસંદ કરી રહ્યા છે. જોકે બજરંગી ભાઇજાન કમર્શિયલ હોવા છતાંય દર્શકોને પસંદ આવી કારણકે તેમાં એક સારો મેસેજ આપવામાં આવ્યો હતો.

શું આ ફિલ્મ ઇલેક્શન પર અસર કરશે.

આ ફિલ્મ લો બજેટની ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મો પ્રોડ્યુસર ખૂબ જ મુશ્કેલથી બનાવતા હોય છે. આ ફિલ્મમાં કોઇ મોટા કલાકારો પણ નથી. કોઇ સપોર્ટ પણ નથી. પૈસાનું રોકાણ કરીને તે પૈસા પાછા મળે તેવો પ્રયત્ન હોય છે. વળી, જૂલાઇમાં સેન્સર બોર્ડે ક્લીયર સર્ટીફિકેટ આપ્યું છે. તેથી ત્યારપછી એક જ બાબત રહે છે કે ઝડપથી આ ફિલ્મને રીલીઝ કરી દેવી જોઇએ. જેનાથી લોકોમાં એક પિક્ચર ક્લીયર થાય. જોકે આ ફિલ્મ એક પોલીટીકલ થ્રીલર ફિલ્મ છે. સ્ટોરી ખૂબ જ ઝડપથી ભાગે છે. સિનેમેટીક જે પણ ક્વોલીટી હોવી જોઇએ તે છે, તેથી ફિલ્મને અન્ય કોઇ બાબત સાથે કોઇ અસર થઇ શકે તેવું કહી ન શકાય.

સીમાજી માટે ક્યો રોલ વધારે પડકારજનક રહ્યો છે.

મારા માટે મારો દરેક રોલ પડકારરૂપ રહ્યો છે. મારા માટે આ રોલ ખૂબ જ સરળ છે, તેવું હું ક્યારેય વિચારતી નથી. જો એવું વિચારીશ તો મને એ પ્રકારનું જ લાગશે. તેથી મારે મારા દરેક પાત્રમાં ખૂબ ઊંડાણમાં જવું છે. જે રીતે બધી પ્રોસેસ થતી હોય છે, તે પ્રમાણે રોલને અનુભવું છું. હું પહેલા બેથી ચાર વખત સ્ક્રિપ્ટ વાંચુ છું. તે પછી મારા પાત્ર વિશે વાંચીને તે પ્રકારે વિચારવાની શરૂઆત કરું છું. હું મારા પાત્રમાં હંમેશા અંદરથી બહારની તરફ જતી હોઉં છું. હું ક્યારેય મારા પાત્રના સ્ટ્રક્ચર વિશે વિચારતી નથી. તે કાળી, ગોરી, લંગડી, લૂલી, આંધળી કેવું હશે તેના પર ફોકસ કરતી નથી. તેનું શું બેકગ્રાઉન્ડ છે, તે ક્યાં રહેતી હતી, શું કરતી હતી તે વિશે વધારે વિચારું છું. પહેલા પાત્રને અંદરથી સમજવાનો પ્રયત્ન કરું છું પછી તેના બાહ્ય રૂપને સમજુ છું.

બેન્ડેડ ક્વીન બાદ ફરીથી ક્યારેક કોઇ સ્ટ્રોંગ પાત્રમાં જોવા મળ્યા નહીં. શું ઇમેજ બાંધવા નહોતા માંગતા.

તે ફિલ્મ પછી મને એવા પ્રકારના અનેક પાત્રની ઓફર આવી હતી. પાત્રની પસંદગી કે સ્વીકાર કરવો કે ન કરવો તે મારા પર આધાર રાખે છે. હું પાત્રની પસંદગી માટે હંમેશા મારા મનની વાતને સાંભળું છું. એક થિયેટર આર્ટીસ્ટ હોવાના કારણે હું દરેક પ્રકારની ચેલેન્જ સ્વીકારવા માંગતી હતી. મને સ્ટીરીયો ટાઇપ પાત્ર ભજવવામાં મજા આવતી નથી. હું અલગ અલગ પ્રકારના પાત્ર ભજવવા ઇચ્છતી હતી. વાર્તા પણ નવી હોય જેમાં પાત્રને યોગ્ય ન્યાય મળે તેવું મને પસંદ છે. તે ફિલ્મ ચાલે કે ન ચાલે તે હું વિચારતી નથી. જ્યારે બેન્ડેડ ક્વીન કરી ત્યારે મેં વિચાર્યુ નહોતું કે આ મારી પહેલી ફિલ્મ કે છેલ્લી ફિલ્મ હશે. મને તે સમયે પણ ખબર નહોતી કે હું ઇન્ડસ્ટ્રીમાં આગળ વધીશ કારણકે તે સમયે પણ થિયેટર કરતી હતી અને આજેપણ કરું છું. તેની વચમાં ક્યારેક ફિલ્મ આવી જાય તો કરી લઉં છું.

તમને તમારા ભજવેલા પાત્રોમાં થી વધારે પ્રિય પાત્ર ક્યા છે.

બેન્ડેડ ક્વીન પછી મને મારી ફિલ્મ વોટરનું પાત્ર ખૂબ પસંદ છે. તે પાત્ર મને ખૂબ જ ઇન્સપાયર કરે છે. તે સિવાય વિવાહ ફિલ્મનું અલગ જ પાત્ર મને પસંદ છે. ખામોશી, કંપની, એક હસીના થી ફિલ્મના પાત્ર પણ મને પસંદ છે.

 

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment