આજકાલ મોસમ મસ્ત છે. ઠંડીની સાથે દિવસના સમયે સૂર્યનો તડકો માણવો ગમે એવો હોય છે અને એવામાં જો ફ્રેન્ડ્સ સાથે, ઓફિસ ટૂર પર કે પછી એકલાં જ ટ્રાવેલિંગ માટે નીકળ્યાં હોઇએ તો મજા આવી જાય. અલબત્ત, એક પ્રશ્ન મૂંઝવે ખરો કે ટ્રાવેલિંગ દરમિયાન વધારે સામાન ન થાય અને છતાંય ફેશનેબલ લાગીએ તો એ માટે કેવાં ડ્રેસીસ, એક્સેસરીઝ વગેરે સાથે લેવાં?
ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં તો તમે એ યાદ રાખો કે કઇ જગ્યાએ જઇ રહ્યાં છો? જ્યાં જઇ રહ્યાં છો, ત્યાંનું વાતાવરણ કેવું છે? જેવી વિગતો વિસ્તારપૂર્વક જાણી લઇ પછી તમારો સામાન પેક કરો. જોકે સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઇ પણ જગ્યાએ જઇ રહ્યાં હો ત્યારે પણ તમે ફેશનેબલ લાગો એ જરૂરી છે. તેથી જ્યારે જવાનાં હો ત્યારે એવા આઉટફિટની પસંદગી કરો જે લાંબો સમય પહેરી રાખ્યા હોય તો પણ તેમાં વધારે પડતી ક્રીઝ ન પડી જાય. જેમાં તમે લિનન અથવા શિફોનનો ડ્રેસ કે પછી ટી-શર્ટ અને જીન્સની પસંદગી કરી શકો છો. ટી-શર્ટ અને જીન્સ એટલા માટે કે જીન્સ તમે બે-ત્રણ વાર પહેરો તો પણ તેમાં વાંધો નથી આવતો અને તેમાં જેટલી ક્રીઝ વધારે પડેલી હોય તેટલું તે વધારે સારું લાગે છે. વળી, જીન્સ કમ્ફર્ટેબલ પણ રહે છે. આ તો થઇ તમારે જતી વખતે પહેરવાનાં કપડાંની વાત, પણ હવે તમારે ટ્રાવેલિંગમાં સાથે શું લઇ જવું એના વિશે વાત કરીએ.
આઉટફિટ્સ
- તમારી સાથે એવા આઉટફિટ્સ લઇ જાવ જે લાઇટવેઇટ હોય. તે એવા મટિરીયલના હોય, જેમાં ક્રીઝ ઓછી પડતી હોય અને જો ટ્રાવેલ દરમિયાન તમારે તે ધોવા હોય તો ઝડપથી સુકાઇ જાય. એટલું જ નહીં, તે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોવા જોઇએ. જેથી તમે ટ્રાવેલિંગનો પૂરતો આનંદ માણી શકો. આવા આઉટફિટમાં એકાદ-બે જીન્સની સાથે મેચિંગ થાય એવા ત્રણ-ચાર ટી-શર્ટ્સ અને કેપ્રી પણ સાથે રાખો. આવા આઉટફિટ્સ તમને ટ્રેકિંગનો પ્લાન હોય તો પણ કમ્ફર્ટેબલ રહેશે અને આ બધાં આઉટફિટ્સ નાની એવી ટ્રાવેલ બેગમાં સહેલાઇથી સમાઇ જશે. કેપ્રી સાથે પણ તમે ટી-શર્ટનું પેરિંગ કરી શકો છો. આથી દરેક વખતે અલગ અલગ આઉટફિટ પહેર્યાં હોવાનું લાગશે અને તમારે સાથે આઉટફિટ્સ ઓછા લઇ જવાના થશે.
- જીન્સ અને કેપ્રી એવા આઉટફિટ્સ છે, જે ટ્રાવેલિંગ દરમિયાન તમે ગમે તેટલા સમય સુધી પહેરી શકો છો અને તેની સાથે ટી-શર્ટ અને શોર્ટ ટોપ્સ પણ કેરી કરી શકો છો. તેની સાથે એકાદ-બે ડ્રેસીસ પણ લઇ જાવ. જેથી તમારે જો કોઇ એવી જગ્યાની મુલાકાત લેવી હોય જ્યાં ડ્રેસથી તમારો લુક વધારે ઇમ્પ્રેસિવ લાગે તો ડ્રેસ પહેરી શકો. આ ડ્રેસ પણ બને તો લિનન, શિફોન વગેરે જેવા મટીરિયલના હોય તો તેમાં ક્રીઝ ઓછી પડશે અને તમારે તેને વોશ કરવા હશે તો પણ સહેલાઇથી વોશ કરી શકશો.
એક્સેસરીઝ
- હવે વાત કરીએ ટ્રાવેલિંગ દરમિયાન એક્સેસરીઝની પસંદગીની, તો ટ્રાવેલિંગ દરમિયાન લાઇટવેઇટ એક્સેસરીઝ પહેરવી જોઇએ. કાનમાં નાની બુટ્ટી, સ્ટડેડ હોય અથવા સિમ્પલ સ્ટોનની બનેલી બુટ્ટી, ગળામાં પ્રમાણસર લાંબી ચેઇનમાં એક નાનું એવું પેન્ડન્ટ હોય તો તે વધારે સારી એક્સેસરીઝ રહેશે. હાથમાં મોટાં બેંગલ્સ કે કડાં ન પહેરતાં સાદી ચેઇન જેવાં લુઝ બ્રેસલેટ પહેરી શકો છો. સાથે લઇ જવા માટે તમારા ડ્રેસીસ સાથે મેચિંગ થતી હોય એવી એક્સેસરીઝ પસંદ કરો.
- એમાં જીન્સ પર બાંધવા માટેનો બેલ્ટ એવો હોવો જોઇએ જે તમારા તમામ જીન્સ સાથે મેચ થતો હોય. રિસ્ટ વોચ પણ તમામ આઉટફિટ્સ સાથે મેચિંગ હોય એવી પસંદ કરવી. જેથી વધારાની રિસ્ટવોચ સાથે લઇ જઇ તેની સાચવણીની સમસ્યા ન રહે. હા, તમે ઇચ્છો તો બે-ત્રણ જોડી ઇયરિંગ્સ કે બુટ્ટી સાથે રાખી શકો છો. જેથી તમારા આઉટફિટ્સ સાથે મેચિંગ એક્સેસરીઝ પહેરી શકો.
મેકઅપ
- ટ્રાવેલ માટેની મેકઅપ કિટ આજકાલ માર્કેટમાં મળે છે. એ તમે સાથે રાખી શકો. આમાં તમારા મેકઅપની બધી વસ્તુઓ સારી રીતે સચવાઇ રહે છે. તેને જો તમારી બેગ અથવા પર્સમાં રાખો તો પણ લિક્વિડ મસ્કારા અથવા આઇ-લાઇનર વગેરે ઢોળાઇને બીજી વસ્તુઓ ખરાબ થવાની સંભાવના નથી રહેતી. ટ્રાવેલિંગ દરમિયાન લાઇટ અને નેચરલ લાગે એવો મેકઅપ કરો. જેથી દિવસ દરમિયાન પરસેવો થાય કે તમે ગમે ત્યાં ફરતાં હો તો પણ સારો લાગે.
સ્થળ અનુસાર
- ટ્રાવેલિંગમાં ડેસ્ટિનેશનનું મહત્વ ઘણું છે. તમે કઇ જગ્યાએ ફરવા જાવ છો, તે મુજબ ડ્રેસીસ, એક્સેસરીઝ, મેકઅપ અને ફૂટવેર પસંદ કરો. ટ્રેકિંગનો પ્લાન હોય તો તમારી સાથે ટ્રેકિંગ માટેના સ્પેશિયલ શૂઝ અને અન્ય જરૂરી વસ્તુઓ લઇ જવાનું યાદ રાખો. જો સી-બીચ પર ફરવાના હો તો પગમાં ફ્લોટર્સ વધારે સારા રહેશે. તે સાથે તમારી સાથે સી-બીચ પર પહેરવા માટેના સ્પેશિયલ કોસ્ચ્યુમ પણ રાખો. જેથી દરિયામાં નહાવાની ઇચ્છા થાય તો તે માટે યોગ્ય સ્વિમ વેર તમારી પાસે હોવા જોઇએ. ટોવેલ, હેર કેપ, વગેરે પણ તમારી પાસે હોવાં જોઇએ.
વાળ અને સ્કિનનું ખાસ ધ્યાન
- જ્યારે પણ ટ્રાવેલિંગ કરતાં હો ત્યારે તમારા વાળ અને સ્કિનનું ખાસ ધ્યાન રાખો કેમ કે ટ્રાવેલિંગ દરમિયાન તમે ક્યારેક સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવો છો. તો કોઇ સ્થળ એવું હોય જ્યાં વાતાવરણ સતત ભેજવાળું હોય તો તમારી સ્કિન તેના કારણે ચિકાશયુક્ત લાગે છે. આવામાં ટ્રાવેલિંગ અથવા ટ્રેકિંગની મજા માણી શકાતી નથી. તમારા વાળને બને તો ખુલ્લાં રાખી અને માથા પર સ્કાર્ફ બાંધી દો. જેથી વાળ પવનમાં વધારે ઊડે નહીં અને વાળમાં ધૂળ કે માટીના લીધે તે મેલાં ન થાય અને સૂર્યના તડકામાં તે રફ ન થઇ જાય. જો તમને સતત સ્કાર્ફ બાંધી રાખવાનું પસંદ ન હોય તો બધા વાળ ભેગા કરી હાઇ પોની ટેઇલ બાંધી દો અથવા બન હેરસ્ટાઇલ કરશો તો પણ સારી લાગશે. સાથે થોડા વેટ ટિશ્યૂપેપર્સ પણ રાખો જેથી જ્યારે જરૂર લાગે ત્યારે તેનાથી ચહેરો લૂછી ફ્રેશ લુક મેળવી શકો.
આમ, ટ્રાવેલિંગ દરમિયાન તમે જો થોડું સમજી-વિચારીને અને ડેસ્ટિનેશનને ધ્યાનમાં રાખીને આઉટફિટ્સ, એક્સેસરીઝ, કોસ્મેટિક્સ વગેરે સાથે લઇ જશો, તો તમારી પાસે જરૂરિયાતનો પૂરતો સામાન હોવા છતાં સામાન વધારે નહીં થાય. સાથે જ તમે ટ્રાવેલિંગમાં પણ તમારા આઉટફિટ્સ સાથે મેચિંગ એક્સેસરીઝની સાથે ફૂટવેર અને યોગ્ય હેરસ્ટાઇલ સાથે પરફેક્ટ ફેશનેબલ લુક મેળવી શકશો. સો ગર્લ્સ, નાઉ ડોન્ટ વેસ્ટ યોર ટાઇમ. પેક યોર લગેજ અને ગેટ સેટ ગો…