ગરમીમાં પહેરવામાં હળવા લાગે એવા મટિરિયલ અને નજરને જોવી ગમે એવી પ્રિન્ટના આઉટફિટ વધારે સારા રહે છે. ફ્રોકની ફેશન ક્યારેય જુની થતી નથી. ખાસ કરીને ગરમીમાં તો તમારા માટે એ વધારે અનુકૂળ રહે છે. ફેશનમાં ઓફ શોલ્ડર કે સ્પેગેટી ફ્રોક કે ફ્રોક સ્ટાઇલની કુર્તી સાથે ચૂડીદાર કે સલવાર આ વર્ષે ‘ઇન’ છે.

યુવતીઓ જ્યારે પોતાના પહેરવેશમાં શરીરને હળવા લાગે તેવા, ફ્લોરલ પ્રિન્ટવાળા અને લાઇટ રંગોને પસંદ કરવા લાગે છે ત્યારે ઉનાળાના તાપની સામે રક્ષણ મેળવવા અને ફેશનમાં રહેવા તૈયાર થઇ ગઇ છે તેમ સમજી લેવું. ગરમીમાં સુંદર અને પહેરવામાં હળવા ફ્રોક કે ફ્રોક સ્ટાઇલના ડ્રેસ અને કુર્તી વધારે આરામદાયક રહે છે. હવે બજારમા જોવા મળતી ફ્રોક સ્ટાઇલ તમને મોડર્ન અને વેસ્ટર્ન બંને આઉટફિટનો આનંદ અપાવશે.
બજારમાં મળતાં અનારકલી કુર્તા અને ચૂડીદાર તેનું સૌથી સુંદર ઉદાહરણ છે. આ જ સ્ટાઇલમાં બનાવવામાં આવતાં ફ્રોક સ્ટાઇલ કુર્તી જેને તમે લેગિંગ્સ, જેગિંગ્સ અને સલવાર, લોગિગ્સ પેન્ટ તેમ જ ચૂડીદાર સાથે પહેરી શકો છો. આ ઉપરાંત, ફ્લોરલ તેમ જ અન્ય પ્રિન્ટમાં પણ ફ્રોક સ્ટાઇલના કુર્તા અને ફ્રોક જોવા મળે છે.

ફ્રોકની ફેશન ક્યારેય જુની થતી નથી. ખાસ કરીને ગરમીમાં તો તમારા માટે એ વધારે અનુકૂળ રહે છે. મુલાયમ કોટનમાંથી બનતાં અને ફલોરલ પ્રિન્ટવાળા ફ્રોક હંમેશાં આંખોને જોવા અને સૌને પહેરવા ગમે છે કારણ કે તે પહેરવામાં હળવા અને આરામદાયક હોય છે. કોટનના ફ્રોક અને ફ્રોક સ્ટાઇલની કુર્તી કે ડ્રેસમાં પરસેવો સરળતાથી શોષાય જાય છે.
ફ્રોકમાં નવા પ્રયોગો કરવા હોય તો કોટનની સાથે મલમલ અને શિફોન કે જ્યોર્જટનો ઉપયોગ પણ તમે ફ્રોક કે કુર્તી બનાવવા માટે કરી શકો છો. આ મટિરિયલ પણ પહેરવામાં હળવું હોય છે, મોટા ભાગે પાર્ટીવેરમાં તે વધારે ઉપયોગી બની રહે છે. શરીરને આવા મટિરિયલ પહેરવાથી વસ્ત્રોનો ભાર પણ લાગતો નથી જે ઉનાળામાં સૌથી વધુ મહત્વનું છે.

ફ્રોક કે ફ્રોક સ્ટાઇલની કુર્તીને તમે અલગ અલગ રીતે પહેરી શકો છો. આ ઉનાળાના તાપમાં તમે તેને અલગ રીતે પહેરીને જુઓ. જેમ કે, જો તમે ફ્લોરલ પ્રિન્ટવાળું ઓફ શોલ્ડર કે પછી સ્પેગેટી ફ્રોક પહેયું હોય તો હાથમાં વુડન કડાં કે રિસ્ટવોચ પહેરો. જો ફ્રોક સ્ટાઇલની ઘેરદાર કુર્તી પહેરી હોય તો પ્લાસ્ટિકના કલરિંગ મોટી પટ્ટીવાળા કડા પહેરી શકો. જે તમને કુર્તી પર સુંદર લાગશે. ફ્રોકની સાથે ફુટવેરમાં તમે હિલવાળા સેન્ડલ કે સેન્ડલ બુટ પહેરી શકો. કુર્તી-ચૂડીદાર સાથે તમે મોજડી કે હિલવાળા ડિઝાઈનર ચંપલ કે સેન્ડલ પહેરી શકો છો. ફ્રોકની સ્ટાઇલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી ફ્રોક સ્ટાઇલવાળી કુર્તીઓ વધારે આકર્ષક લાગે છે. મોટા ભાગે નોકરિયાત યુવતીઓ આ પ્રકારની કુર્તી પહેરવાનું વધારે પસંદ કરે છે.
ફ્રોકની સાથે બેલ્ટની બોલબાલા
લોંગ ટોપ, ફ્રોક, સ્કર્ટ,મિની સ્કર્ટ, જીન્સ, પાર્ટીવેર ગાઉન સાથે આજકાલ નાનામોટા અને સાંકડા, પહોળા કે દોરી ગૂંથી હોય એવા પાતળા બેલ્ટ બાંધવાની ફેશન યુવતીઓમાં ‘ઇન’ છે.

ફેશનમાં ક્યારે શું નવું આવી જાય તે ખબર પડતી નથી. આજ સુધી માત્ર સ્કર્ટ, જીન્સમાં ઉપયોગમાં લેવાતા બેલ્ટ હવે અનેક સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. ફ્રોક, લોંગ ટોપ, સ્કર્ટ-ટોપ, જીન્સ, શોર્ટ્સ, મિની સ્કર્ટ્સમાં નાનામોટા તેમ જ પહોળા કે સાંકડી ડિઝાઈનવાળા બેલ્ટ જોવા મળે છે. હવે તો ફ્રોકમાં અને જીન્સ પર નાની ગૂંથણીવાળી દોરીની ડિઝાઈનવાળા બેલ્ટ અને તેનાથી ઉલટું સ્કર્ટ્સ અને શોર્ટ્સ તેમ જ ફ્રોક પર પહોળા ડિઝાઈનર બેલ્ટની ફેશન જોવા મળે છે. હવે તો ડિઝાઈનર ટોપમાં બેલ્ટની ફેશન દિવસે ને દિવસે વધતી જ જાય છે.
ટોપમાં એટેચ્ડ બેલ્ટ પણ બનાવવામાં આવે છે, તો ઘણા ટોપમાં બેલ્ટનો ફક્ત ડિઝાઈન તરીકે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લેધરના જ નહીં, પણ હવે તો કાપડના બેલ્ટ પણ વધુ આકર્ષક લાગી રહ્યા છે. બેલ્ટવાળા ટોપનો કંઇક અલગ જ ગેટઅપ આવે છે. ઘણી વાર પાર્ટીમાં શોર્ટ્સ, ફ્રોક કે ગાઉન સાથે પણ ગોલ્ડન કે સિલ્વર અથવા તો ડાયમંડજડિત બેલ્ટ પહેરવામાં આવે છે, જે ખૂબ જ હેવી લુક આપે છે.

હવે તો સાદા ફ્રોકમાં પણ સિંગલ બેલ્ટ પહેરવામાં આવે છે. કમરના ભાગે બાંધવામાં આવતો બેલ્ટ હવે ફેશનમાં પોતાનું સ્થાન જમાવી રહ્યો છે અને તેમાં તે નાની અને મોટી દરેક આકર્ષક સાઇઝમાં લેધર, કાપડ, જીન્સ જેવા અનેક મટિરિયલમાં મળે છે.