ફૂલોની સજાવટથી તમારું ઘર તો સુંદર દેખાય જ છે, સાથે સોડમનો સાથ પણ મહેમાનને વધારે ફ્રેશ કરી દે છે. જોકે તેના માટે જરૂરી છે કે તમે કેવા પ્રકારના ફૂલોની પસંદગી કરી રહ્યા છો. હાલમાં લગ્ન સિઝનમાં અનેક પ્રકારના ફૂલોથી લગ્નમંડપ અને રીશેપ્શન ડેકોરેશનની સજાવટ જોઇને તમારું મન બે ધડી તો પ્રફૂલ્લિત થઇ જ જતું હશે. ફૂલ એક એવી વસ્તુ છે, જે દરેકને પ્રિય છે. જો આ ફૂલોની સજાવટ તમે પણ તમારા ઘરમાં રોજબરોજ કરશો તો, મન ખૂબ જ પ્રફૂલ્લિત રહેશે અને ફ્રેશ ફીલ કરી શકશો. હવે ઘર અને બગીચામાં ખાસ કરીને લોકો એક્સેસરીઝ પ્રત્યે વધુ આકર્ષાયા છે. ઘરમાં કે ગાર્ડનમાં એક અલગ લુક આપનારી એક્સસરીઝને લોકો પોતાના ગાર્ડનમાં સ્થાન આપીને તેમાં પ્લાન્ટ્સ કે અન્ય ફૂલ છોડથી સજાવી ગાર્ડનની શોભા વધારે છે.
કેવા પ્રકારના ફૂલોથી કરશો સજાવટ
ઘરમાં ખાસ કરીને સજાવટ માટે સિઝનલ ફૂલોની પસંદગી કરવી વધારે યોગ્ય રહેશે. કોરનેશંસ, ઓર્કિડ્સ, એન્થ્યૂરિયમ્સ, ઓરીએન્ટલ, લીલી, એશિએટીક લીલી જેવા ફૂલોની ખૂબ જ ડિમાન્ડ છે અને હોમ ડેકોરેશનમાં આ ફૂલો વધારે અનુકૂળ રહે છે. જો આ ફૂલોની થોડી કાળજી રાખવામાં આવે તો આ વાતાવરણમાં પણ તે પાંચ થી છ દિવસ સુધી ફ્રેશ રહી શકે છે. આ તમામ ફૂલની સુંદરતા અને વાઇબ્રન્ટ કલર્સ ઘરની સુંદરતા વધારવામાં મદદરૂપ થાય છે.
રંગીન પ્લાન્ટર્સ
તમે તમારા બગીચામાં રંગીન પ્લાન્ટર્સ રાખી શકો છો. તે બગીચામાં અલગ તરી આવશે. તેમાં ખાસ ધ્યાન રાખવું કે જો પ્લાન્ટ્સ લાઇટ કલરના હો તો તમે બ્રાઇટ કલરના પ્લાન્ટર્સનો ઉપયોગ કરી શકો છો. રોઝમરી, ફ્રન્સ કે સજાવટ માટેના ઘાસને રંગબેરંગી પોટ્સમાં સજાવો અને પછી તેને ગ્રુપમાં ગોઠવીને કોઇ ખાસ સ્થળ પર મૂકી શકો છો. આ દરેક વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરશે, તેમને વધારે સાર-સંભાળની જરૂર પડશે નહીં. કેટલાક ફૂલ-છોડ તડકો સહન કરી શકતા નથી અને વધારે તડકો પડે તો સૂકાઇ જાય છે. આ સિઝનમાં ફક્ત ફૂલ-છોડની સંભાળની જરૂર નથી હોતી પણ આવા ફૂલ-છોડનો ઘરની સજાવટમાં પણ ઉપયોગ કરવો જોઇએ, જેથી ઉનાળાની ઋતુમાં તે લીલાછમ અને સુંદર બની રહે.
લોનની બોર્ડર
બજારમાં હવે રેડીમેટ એઝ મળે છે, જેને તમે લોનના કિનારે લગાવી શકો છો. તમે જૂની ઇંટો દ્વારા પણ આકર્ષક બોર્ડર તૈયાર કરી શકો છો. તેનાથી માટી અને ખાતર બહાર પડશે નહીં અને છોડને પૂરતું પોષણ મળી રહેશે.
સજાવટમાં એક્સેસરીઝ
બગીચાને એક્સેસરીઝથી સજાવટની ફેશન હાલમાં વધારે જોવા મળે છે. હોમ ગાર્ડનમાં હવે ફૂલ, છોડ અને કૂંડાઓ સિવાય પણ ઘણુબધુ જોઇ શકાય છે. લોકો પોતાના આ શોખની પાછળ હજારો રૂપિયા પણ ખર્ચી નાખે છે. નેચરલ લુક માટે સિમેન્ટ આર્ટ ગાર્ડનની એન્ટ્રી અથવા વચ્ચેના ભાગને અલગ ખાસ પ્રકારનો લુક આપવા માટે સિમેન્ટથી આર્ટ પણ કરાવવામાં આવે છે. તેના માટે સિમેન્ટથી બામ્બૂની આકૃતિમાં અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાં બગીચાનો પ્રવેશદ્વાર, પરીનો સ્ટેચ્યૂ, નારિયળના ઝાડ, કબૂતર, પ્રાણી-પક્ષી, હાથી, હંસ, અને કેટલાક ખાસ આકારના કૂંડાઓ અને સ્ટેચ્યૂઝ તૈયાર કરાવવામાં આવે છે. વળી, કેટલાક મોટા હોમ ગાર્ડન્સમાં તો સ્મોલ હાઉસીસ પણ જોવા મળે છે. તેના પર કલર કરીને કુદરતી રૂપ આપવાનો પ્રયત્ન કરાય છે. સિમેન્ટથી આર્ટ વર્ક કરીને બગીચાને સુંદર રીતે સજાવવા માટે લોકો મનમૂકીને ખર્ચો કરે છે.
સજાવટ માટે મૂર્તિઓ
ટેરાકોટાની મૂર્તિઓ, ખુરશીઓ અને મોટા મોટા કૂંડાઓને બગીચામાં સજાવીને ટ્રેડીશનલ લુક આપવામાં આવી રહ્યો છે. મહિલાઓ અને પુરુષોની આદમકદ મૂર્તિઓ, સ્વાગત મુદ્રામાં ઉભા રહેલા ચોકીદાર, તબલા આકારની ખુરશીઓ વધારે પસંદ કરવામાં આવે છે. ઇચ્છાપ્રમાણે તેના પર કલર પણ કરી શકાય છે.
અન્ય આકર્ષણ
બગીચામાં લગભગ 3થી 4 ફૂટનો સિરેમિક, સિમેન્ટ અથવા માર્બલનું ગોળ તળાવ જેવું તૈયાર કરાવો. પોંડને આકર્ષક બનાવવા માટે તેમાં ફૂવારો પણ લગાવી શકાય છે. કમળ, પાણીની વનસ્પતિઓ અને માછલીઓ દ્વારા તેને કુદરતી તળાવ જેવો લુક આપી શકાય છે. જોકે આ તળાવને ખાસ સંભાળ અને સ્વચ્છતાની જરૂર હોય છે.
મેધા પંડ્યા ભટ્ટ