ઘરનો આરામદાયક ખૂણો બેડરૂમ ગણાય છે. આખા દિવસનો થાક રાત્રે સૂતી વખતે ઉતરી જાય છે અને તેવા સમયે જો બેડ અને બેડશીટ પણ આરામદાયક હોય તો સંપૂર્ણ આરામનો અનુભવ કરી શકાય છે. બેડમાં તો હવે લોકો મોટા ભાગે મેટ્રેક્સ અથવા તો રૂના ગાદલા સ્પેશિયલ બનાવડાવે છે. પણ તેના ઉપર પાથરવામાં આવતી બેડશીટ જો આકર્ષક હોવાની સાથે અનુકૂળ હોય તો ખરેખર બેડરૂમની શોભા ખીલી ઊઠે છે.
બેડશીટ હવે નવી સ્ટાઇલમાં અને રંગોમાં મળે છે, જેનાથી ઇન્ટીરીયરને ક્લાસીક લુક મળે છે. તમે બજારમાં મળતી અનેક પ્રકારની બેડશીટ પર પસંદગી ઉતારીને તમારા બેડરૂમને નવો લુક આપી શકો છો. હવે ઘણા બધા ફેબ્રીકમાં બેડશીટ ખૂબ સરળતાથી મળી રહે છે. જેમકે લીનન, કોટન, સાટીન અને સિલ્ક. આ તમામ પ્રકારના મટીરીયલમાં અનેક પ્રકારની પ્રિન્ટ પણ ઉપલબ્ધ છે, જેમાં ચેક્સ, સ્ટ્રીપ, લાઇનિંગ, ફ્લોરલ અને ટ્રેડીશલન ફોરેવર ડિમાન્ડમાં રહેતી હોય છે.
કોટન બેડશીટ
કોટન બેડશીટ તમારા બેડરૂમને નવીનતા બક્ષે છે. હવે બજારમાં એવી ઘણી ડિઝાઇન અને મટીરીયલ આવી ગયા છે, જેનું ચલણ હંમેશા રહે છે. કોટનની બેડશીટને ખૂબ જ સરળતાથી વોશ કરી શકાય છે. તે રોજબરોજના ઉપયોગમાં પણ લઇ શકાય છે. કોટન બેડશીટમાં હાલમાં ફ્લોરલ અને ચેક્સ પ્રિન્ટ વધારે ડિમાન્ડમાં છે. તે સિવાય ગામઠી પ્રિન્ટ પણ તમને કોટનમાં વધારે જોવા મળશે. હવે તો ડબલ ડિઝાઇન પ્રિન્ટ એટલે કે ફ્લોરલ અને ચેક્સની મિક્સ પ્રિન્ટ પણ કોટન બેડશીટમાં વધારે સારો લુક આપી રહી છે. ડબલ બેડ પર અડધા ભાગમાં ફ્લોરલ અને અડધા ભાગમાં ચેક્સ અથવા લાઇનિંગ ખૂબ જ આકર્ષક દેખાય છે. હાલમાં તે ખૂબ જ ફેશનેબલ ડિઝાઇન ગણાઇ રહી છે. કોટનમાં વેરાયટીઝ અને ચોઇસ વધારે પ્રમાણમાં મળી રહે છે.
કવર્ડ બેડશીટ
કવર્ડ બેડશીટ મોટાભાગે લીનન અને કોટન આ બે પ્રકારના મટિરીયલની હોય છે. તેમાં તમે આખા બેડને નીચે સુધી કવર કરી શકો છો. તેમાં પ્રિન્ટની ચોઇસ લિમિટેડ પણ આકર્ષક હોય છે.
ફ્રેબ્રિક્સના પ્રકાર
વ્હાઇટ કોટન બેડશીટ :
કોટન બેડશીટ પોતાની ક્વોલીટીના કારણે વધારે પોપ્યુલર છે. તેને મેઇન્ટેન કરવું ખૂબ સહેલું છે. સાથે જ તે તમારા બોડીને કુલ રાખે છે અને તમે સારો અનુભવ મેળવી શકો છો. સ્કીન કે શરીરને તેના મટીરીયલથી કોઇ નુકસાન પહોચતું નથી. તેમાં સફેદ પ્રિન્ટેડ બેડશીટ પણ ખૂબ ડિમાન્ડમાં છે. તે કુલ લાગે છે.
સાર્ટીન બેડશીટ :
સાર્ટીન બેડશીટ ખૂબ જ પાતળા ફેબ્રીકમાંથી બનેલી હોય છે. ગરમીના દિવસોમાં તે આરામદાયક હોતી નથી. તેનો ઉપયોગ સજાવટ માટે કરવામાં આવે છે. તે ખૂબ સુંદર અને શાઇની લુક આપે છે. તે પ્રિન્ટેડની સાથે પ્લેઇન કલરમાં પણ મળે છે. પ્લેઇન કલર વધારે ઇફેક્ટીવ હોય છે.
સિલ્ક બેડશીટ :
સિલ્કની બેડશીટ તમને પેશનેટ ફિલિંગ અપાવે છે. સિલ્કની બેડશીટ ખૂબ જ સોફ્ટ હોય છે, તેનો ઉપયોગ ખૂબ સાચવીને કવરવો પડે છે. રાજાશાહી ઠાઠનો અનુભવ આ બેડશીટ કરાવે છે. યલો ગોલ્ડન અને કેટલાક ડાર્ક કલર્સમાં જ તે મળે છે. તેના પર કરવામાં આવતી પ્રિન્ટ પણ ખૂબ રીચ લુક આપે છે. તેને વોશ કરતી વખતે પણ ખૂબ કાળજી રાખવી પડે છે.
મેધા પંડ્યા ભટ્ટ