બોલિવૂડમાં કંગનાનું નામ હવે ટોચ પર પહોચી ગયું છે. ગયા વર્ષે તેની ફિલ્મોના કારણે તેને જે સફળતા મળી તે અવર્ણનીય રહી. ફિલ્મ ફેશન, ક્વીન અને તનુ વિડ્સ મનુ રીટર્ન્સ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. હંમેશા પોતાના લુકના કારણે અને દરેક ફિલ્મોમાં પોતાના નવા અવતારના કારણે જાણીતી કંગના ફિલ્મોની સફળતા દ્વારા બોલિવૂડમાં એક અલગ સ્થાન મેળવી રહી છે. હિમાચલ પ્રદેશના એક નાના શહેરમાંથી આવેલી કંગનાએ બોલિવૂડમાં પોતાના આપબળે સફળતા મેળવી છે. તેનો કોઇ ગોડફાધર નથી. આપબળે પોતાનું સ્થાન બોલિવૂડમાં જમાવી રાખવું અને સફળતા મેળવવી તે દરેક માટે મુશ્કેલ છે પણ કંગનાએ પોતાની આવડત દ્વારા સાબિત કરી દેખાડ્યું કે નાના શહેરની યુવતી પણ બોલિવૂડમાં સફળ થઇ શકે છે. કંગના જીવનમાં નિષ્ફળતાને ક્યારેય પોતાના પર હાવી થવા દેતી નથી. જેના કારણે તે આજસુધી ફિલ્મમાં પોતાની એક અલગ ઇમેજને જાળવીને ચાલી રહી છે.
2006માં ગેંગસ્ટરથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની એક્ટીંગની નોંધ ત્યારથી જ લેવામાં આવી હતી. ફિલ્મ ફેશનમાં પણ તેને પસંદ કરવામાં આવી, ત્યારબાદ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, તનુ વિડ્સ મનુ અને શૂટ આઉટ એટ વડાલા તેમજ રાઝ-2, ક્રિસ 3, રજ્જો, ક્વીન અને રિવોલ્વર રાની, તનુ વિડ્સ મનુ-2 જેવી સફળ ફિલ્મોમાં પોતાની એક્ટીંગનો જાદુ પાથર્યો છે. પોતાના કામ અને કરિયરના ગ્રાફને હવે કંગના ઉપર જ લઇ જવા માગે છે.
કંગના પોતાની ફિલ્મોમાં એક અલગ જ ઇમેજ ઊભી કરી દે છે. ક્વીનને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને હવે તે સિમરન લઇને આવી રહી છે. એક અલગ જ પ્રકારના પાત્રમાં તે આ ફિલ્મમાં જોવા મળશે. અનેક લુક સાથે લોકો તેને નવા કિરદાર અને બિન્દાસ એક્ટીંગમાં જોઇ શકશે. કંગના માટે તેની આ ફિલ્મ ખૂબ મહત્વની છે. પોતાની દરેક ફિલ્મમાં થોડી નટખટ અને બિન્દાસ પાત્રને પસંદ કરનારી કંગના પહેલી એવી હિરોઇન છે, જે દરેક ફિલ્મ દ્વારા તેની નવી જ ઇમેજ ઊભી કરી દે છે. મહિલાકેન્દ્રી ફિલ્મો હવે બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે અને વિદ્યા બાલન પછી કંગના તેનું એકમાત્ર ઉદાહરણ છે. મહેશ ભટ્ટ દ્વારા કંગનાને વાઇલ્ડ ફ્લાવરનો ખિતાબ આપવામાં આવ્યો છે. જોકે હાલમાં બોલિવૂડમાં કંગનાના એક ઇન્ટરવ્યૂહ પછી ઘણુખરુ વાતાવરણ વાઇલ્ડ બનાવી દીધું છે, જેના કારણે ઘણા લોકો તેનાથી હવે દૂર થવા લાગ્યા છે. જોકે કંગના બિન્દાસ બનીને કહે છે કે ડરી ડરીને જીવવાની તેને આદત નથી. તેને સિમરન પછી ઇન્ડસ્ટ્રીના લોકો કામ આપશે કે નહીં આપે તેનાથી તેને કોઇ ફરક પડતો નથી. તેના માટે કરિયર કરતા પણ વધારે મહત્વનું નીડર બનીને જીવન જીવવાનું છે. હવે આ જંગલી ફૂલ સિમરન ફિલ્મ લઇને આવી રહી છે, જેમાં તે એક ગુજરાતી ડિવોર્સી યુવતીના પાત્રમાં છે, જેને ચોરી કરવાની અને જુગાર રમવાની આદત છે. આ ફિલ્મમાં તે કેટલી સિરિયસ અને કેટલી બોલ્ડ – બિન્દાસ જોવા મળશે તે તેની પાસેથી જ જણીયે.
કંગનાને તેના કરિયરનો કે અન્ય કોઇનો ડર લાગતો નથી.
જ્યારે હું નાના શહેરમાંથી મુંબઇમાં આવી ત્યારે ફક્ત એક જ વાત વિચારી હતી કે મારી રીતે હું આગળ વધુ અને મારું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકું. મેં જેટલું વિચાર્યું હતુ તેનાથી વધારે મેં મેળવી લીધુ છે. આટલું મેળવ્યા પછી હું ડરીને જીવન જીવવામાં માનતી નથી. જો હું હંમેશા ડરીને જ રહીશ તો મને જે આઝાદી મળી છે, તેનો કોઇ જ ફાયદો નથી. હું આ વાત ફક્ત કહેવા ખાતર જ કહેતી નથી. મારી ફિલ્મ સિમરન ન પણ ચાલે તો પણ મને કોઇ વાતનો ડર નથી અને હું પોતાને સફળ જ માનીશ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું ભવિષ્ય ન પણ રહે તો તેની સામે પણ મને કોઇ તકલીફ નથી. મારું દિલ જે કહે છે, તે જ કરવામાં માનું છું અને મને જે યોગ્ય લાગે તે જ કહું છું. મારા માટે કરિયર કરતા વધારે મારા મન મુજબ જીવન જીવવું વધારે મહત્વનું છે.
તમારા દરેક પાત્રને લોકોએ પસંદ કર્યા છે. સિમરનના પાત્ર વિશે જણાવ.
એક કલાકાર માટે ખરેખર તેનું દરેક પાત્ર કસોટીરૂપ હોય છે. દર્શકો તેના નગેટીવ કે પોઝીટીવ પાત્રને કેટલો પ્રેમ આપે છે તે જરૂરી છે. સિમરનના પ્રફુલ્લ પટેલ પાત્રની વાત કરું તો એક સામાન્ય દર્શક એમ જ વિચારશે કે આ તો ચોર છે તો તેની સાથે તે પ્રકારનું જ વર્તન કરવામાં આવશે. મેં સિમરનના મારા પાત્રની લાગણીને સમજવાનો પ્રયત્ન કર્યો છે, કે તે ભલે ચોરી કરતી હોય કે જુગાર રમતી હોય પણ તે હોટલમાં કામ કરે છે, હાઉસકિપીંગ ડિપાર્ટમેન્ટમાં છે, તો તે કેવી રીતે વિચારે છે. તમે તમારા પાત્ર માટે જેટલું વિચારો છો, તે પડદા ઉપર દેખાઇ આવે છે. લોકો પણ પછી તેને તે દ્રષ્ટીએ જ જોતા હોય છે. જ્યારે તમે તમારા પાત્રને પ્રેમ કરો તો દર્શકો પણ તમને પ્રેમ કરશે. જોકે સિમરન એવી યુવતી છે કે તે દરેક પરિસ્થિતી સામે લડે છે. તે હિંમતથી જીવન જીવે છે.
કંગના અને સિમરન કેટલા સિમિલર અને અપોઝીટ છે.
હું પ્રફુલ્લ પટેલ સિમરનની જેમ દરેક પરિસ્થિતી સામે લડી શકું છું પણ હું તેની જેમ બેંકમાં ચોરી કરી શકીશ નહીં. પ્રફુલ્લનું પાત્ર મારી પોતાની પર્સનાલીટીની ખૂબ નજીક રહ્યું છે. તેનું ફિલ્મમાં જે પિતા સાથેનું રીલેશન છે, તે મારી રીયલ લાઇફ સાથે પણ કનેક્ટ કરે છે.
ગુજરાતી યુવતીનું પાત્ર અને ગરબા રમવા કેટલા મુશ્કેલ રહ્યા.
ગુજરાતી યુવતીનું પાત્ર ભજવવાની ખૂબ જ મજા આવી. મેં જોયું છે કે ગુજરાતી યુવતીઓ બધી રીતે ખૂબ જ તૈયાર અને એક્ટીવ હોય છે. ગરબા રેમો સરે શીખવાડ્યા હતા, જે પોતે પણ ગુજરાતી છે. ઘરના ફેમીલી ફંક્શનમાં નાચતા હોય તેવું લાગતું હતું. સ્ટ્રેસ જરાપણ લાગ્યો નહોતો.
સિમરનમાં કઇ બાબત ખાસ છે, જે ગુજરાતી દર્શકોને વધારે સ્પર્શી જશે.
એક ફેમીલીની વાર્તા છે. ગુજરાતી લોકો પોતાની ફેમીલીને વધારે મહત્વ આપતા હોય છે અને અમારી ફિલ્મ પણ આજકાલની ગુજરાતી ફેમીલીને દર્શાવી રહ્યું છે. આજના સમયમાં આધુનિકતામાં સંબંધો કેટલા મુશ્કેલ બની જાય છે તે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં દિકરી અને પિતા વચ્ચેના સંબંધની વાત છે. એક યુવતી જે પોતાના સપનાઓ પૂરા કરવામાં ખોટા રસ્તે ચડી જાય છે, તે વાત છે. તે ફરીથી પોતાની ફેમીલીમાં કઇ રીતે પાછી આવે છે. તે વાર્તા છે.
હાલમાં ચર્ચાયેલા મુદ્દાઓના કારણે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તમારા વિશે ઘણુ કહ્યું છે, આ બધુ કેવી રીતે હેન્ડલ કરી શકો છો.
જો હું આ બધી બાબતો વિશે વિચારતી રહીશ તો મારા ઘરમાંથી બહાર પણ નીકળી શકીશ નહીં. તેથી જે લોકો ફાલતુની વાતો કરી રહ્યા છે, તેના વિશે મારે વિચારવું જ નથી. બધા અંદાજીત વાતો કરી રહ્યા છે. કોઇ સ્પષ્ટપણે મારું નામ લઇ રહ્યું નથી. જે લોકો હસી રહ્યા છે, તો હું માનું છું કે હાસ્યભર્યું વાતાવરણ હોવું જ જોઇએ. મને પોતાને પણ ઘણી ટ્વીટ પર હસવું આવ્યું છે.
સિમરનને પ્રમોટ કરવા માટેનો સ્ટંટ હોઇ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
હું જ્યારે પણ પત્રકારોને મળું છું તો ફક્ત ફિલ્મના પ્રમોશન દરમિયાન જ મળુ છું. ક્યારેય કોઇને મેં ઘરે સ્પેશિયલ ઇન્ટરવ્યૂહ માટે બોલાવ્યા નથી. ફિલ્મ વિશે વાતો થાય છે અને હું તેના જ જવાબ આપું છું. જ્યારે તમે મને પર્સનલ વાતો પૂછશો તો હું તેના પર પણ જવાબ તો આપીશ કારણકે ફિલ્મ કરતા પણ વધારે હું મહત્વની છું. ફિલ્મ તો અત્યારે આ એક છે, આગળ જતા બીજી અનેક આવશે. તો દરેક વખતે તો આ પ્રકારની વાતો નહીં હોય.
શું કંગના હવે ડિરેક્શન કરવા ઇચ્છે છે.
હા, પણ સાથે મારી એક્ટીંગ તો હું ચાલુ જ રાખીશ. જો મારી ફિલ્મ સિમરન ચાલશે તો અન્ય બીજા પ્રોજેક્ટ પણ કરીશ.
ફિલ્મો દ્વારા તમે સફળતા અને એવોર્ડ્સ મેળવ્યા છે. તો હવે પછી કેવા પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા છે.
હું કોઇ ફિલ્મ કે કોઇ વ્યક્તિનું નામ દઇને તો નહીં કહી શકું કે મારે તે પ્રકારની ફિલ્મ કે પાત્ર કરવા છે. પણ હવે મને લાગે છે કે મારે એક બાયોપિક ફિલ્મ કરવી જોઇએ. જે કોઇના જીવન પર આધારિત હોય. જે સ્ટાઇલિશ અને ઇન્ટરનેશનલ લેવલ પર બનવાની હોય. તે સિવાય મારી ઇચ્છા એક પિરીયો ડ્રામા કરવાની છે. 11મી કે 12 સદી સાથે રીલેટ કરે અને તેમાં પણ ખાસ હિસ્ટ્રી સાથે જોડાયેલું કોઇ પાત્ર ભજવવાની ખાસ ઇચ્છા છે. જોકે રાણી લક્ષ્મીબાઇ દ્વારા મારું સપનું હું પૂરુ કરી રહી છું તેમ કહી શકું છું.
તમે તમારી સ્ટાઇલ ચોઇસ જાતે જ હેન્ડલ કરો છે, કેવી રીતે.
મને કોઇ જજ કરે તે માટે હું નથી. હું ખૂબ જ સ્ટાઇલીશ પર્સન છું. મને ઘરમાં કે બહાર સ્ટાઇલીશ ડ્રેસીંગ કરવું ગમે છે. ફેન્સી ફૂડ ખાવાનું ગમે છે. જો મને લાગે કે મારું સલાડ ફેન્સી નથી તો હું બહાર જાઉં છું અને મારુ મનગમતું સલાડ અને ડ્રેસ ખરીદી લઉં છું. તે સિવાય હું રોજ એક જ કપમાં ચ્હા પણ પીવાનું પસંદ કરતી નથી. મને મારી રોજબરોજની દરેક વસ્તુમાં વરાયટી અને સ્ટાઇલ પસંદ છે.
સેટ પર ઘણીવાર વિવાદોમાં ઘેરાઇ ગયા છો. તેના વિશે શું કહેશો.
હા મને ખબર છે પણ હું આવી વાતોથી હવે ટેવાઇ ગઇ છું. હું થોડી મૂડી પર્સન છું. ઘણીવાર લોકોને લાગે છે કે હું નિરાશાવાદી છું. હું માનું છું કે સ્ટાર બની ગયા પછી કેટલીક અફવાઓ આપોઆપ આવી જ જતી હોય છે. આવી વાર્તાઓ ખૂબ સારી હોય છે.
કંગનાને ક્યાં વધારે શાંતિ મળે છે.
મેં મનાલીમાં એક ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે. મને ત્યાં રહેવું અને વારંવાર ત્યાં જવું ખૂબ જ પસંદ છે.
હજીપણ સિંગલ છો, તેનાથી ખુશ છો.
શા માટે લોકો મારા લગ્ન કરાવવા માગે છે, તે જ સમજાતું નથી. હું સિંગલ છું તેનાથી હું ખૂબ જ ખુશ છું. હાલના સમયમાં હું કોઇપણ પ્રકારના રિલેશનશીપમાં જોડાવા માગતી નથી. એક એક્ટ્રેસ તરીકે હું ખૂબ જ બીઝી છું.
તમારી અનેક ફિલ્મો ફ્લોપ રહી છે, તો તેની કરિયર પર કેટલી અસર પડી.
કાઇટ્સ, ડબલ ધમાલ, નો પ્રોબ્લેમ, રાસ્કલ જેવી અનેક ફિલ્મો ફ્લોપ રહી પણ તેનાથી હું ક્યારેય ધરે બેસી નથી રહી. હું પોતાને એક વર્કીંગ લેડી માનું છું અને મારા કામને સતત શોધવું તે મારું કામ છે. નિરાશ થવાથી ઘરે બેસી જાઉં તો કરિયર જાતે જ સ્પોઇલ થઇ જાય. કેટલીક હિરોઇનો જેની કરિયરનો અંત થવાનો હોય તે ફિલ્મોમાં આઇટમ ડાન્સ પણ સ્વીકારી લે છે. પણ પોતાનું કામ તો ચાલું જ રાખે છે. મારી ફ્લોપ ફિલ્મોની અસર જ્યારે પ્રોડ્યુસર કે ડાયરેક્ટરને નથી થઇ તો હું શા માટે તેનો શોક મનાવું. વળી, થોડી ફ્લોપ ફિલ્મો મારા કરિયર પર કોઇ અસર કરતી નથી.
તમે પોતાને કોઇની સાથે સરખાવતા નથી. તેનું કોઇ ખાસ કારણ.
હું નાનપણથી જ બોલ્ડ છું અને દરેક બાબતમાં મારા પોતાના વિચારો અને નિર્ણય હોય છે. મારા વિચારો બધા કરતા અલગ હતા અને છે. લોકો મને જે કહેશે તેનાથી હું ઊલટું જ કરીશ તેવી મારી એક પ્રકારની માનસિકતા છે. એ જ રીતે મેં ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ધ્યાન આપ્યું નથી. હું ફક્ત મારા કામથી જ કામ રાખું છું. મેં ક્યારેય વિચાર્યું પણ નથી અને ધ્યાન પણ નથી આપ્યું કે કઇ હિરોઇન શું કરી રહી છે, કે કેટલી સફળ છે. હું જે વિચારું છું તે જ કરું છું. તેનું જે પણ પરિણામ આવે તેના માટે હું પોતાને જ જવાબદાર ગણુ છું.
મેધા પંડ્યા ભટ્ટ