દાંપત્યજીવનને વ્યવસ્થિત અને કુશળ રીતે ચલાવવા માટે એકબીજાને સમજવું સૌથી વધારે જરૂરી છે. તે ઉપરાંત એકબીજા પરનો વિશ્વાસ સૌથી મહત્વની કડી છે, જે બંનેને બાંધી રાખે છે. તેનાથી સંબંધ હંમેશા પ્રેમભર્યો બની રહે છે. જીવનમાં કેટલીક નાની નાની બાબતો જીવન સાથે જ વણાયેલી હોય છે, છતાંય આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી કે પછી કરવા માગતા નથી. એકબીજાને જીવનભર સાચવી રાખવા અને જાળવી રાખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે.

એકબીજા માટે સમય જરૂરી

સરળ અને સહજ જીવનમાં આનંદ મેળવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. બંને સાથે મળીને એવો સમય શોધી કાઢો જેનાથી એકબીજાના મનમાં રહેલો એકબીજા માટેનો પ્રેમ પહેલાની જેમ જ ખીલી ઊઠે. તમે સમય કાઢીને સાથે ફરવા જઇ શકો છો. એકબીજા માટે સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો. પ્રેમ વ્યક્ત કરવાની આનાથી વધારે બીજી સારી પદ્ધતિ બીજી કોઇ હોઇ શકે નહીં. પત્ની પણ ગમે તેટલી વ્યસ્ત રહેતી હોય તો પણ સાંજે સાથે આંટો મારવા જવાની આદત રાખો. તેનાથી સ્વાસ્થ્ય તો સારું રહેશે જ સાથે જ હળવી વાતો પર ચર્ચા કરવાનો સમય પણ મળી જશે.

ગુસ્સા પર કાબુ રાખો

જ્યારે પણ તમને તમારા સાથીની કોઇ વાત પસંદ ન હોય તો ગુસ્સામાં કહેતા પહેલા, બૂમો પાડતા પહેલા કે લડાઇ કરતા પહેલા એકવાર વિચારી લેજો કે આવું વર્તન કરવાથી કોઇ ફાયદો છે ખરો. આ પ્રકારનો વિચાર તમારા સંબંધને વધારે ગાઢ બનાવશે. જો તમે તમારા સંબંધને હંમેશા જીંદાદીલ રાખવા ઇચ્છતા હો તો બંને પોતાના ક્રોધ પર કાબૂ રાખતા શીખો.

થોડા સાથની જરૂર

પતિ પોતાના કાર્યના કારણે વધારે સમય બહાર રહેતા હોય તો તેના કારણે પત્નીએ રીસાઇ જવાની કે દુખી થવાની જરૂર નથી. તે અંગે શાંતિથી ચર્ચા કરો. તમે પતિને સ્પષ્ટ રીતે કહો કે તમને તેમના સાથની જરૂર છે, તમે તેમની સાથે સમય વિતાવવા ઇચ્છો છો. કેટલાક પ્રસંગોમાં તેમનો સાથ ન હોય તો તમને તેમના વિના ગમતું નથી તેવું સ્પષ્ટ કહેતા શીખો. જો તમે એકબીજા સાથે વાત નહીં કરો તો તમારા સંબંધમાં તણાવ ઉત્પન્ન થવા લાગશે.

ભાગીદાર છે એ પણ

જ્યારે પણ તમે તમારી સફળતાની વાત કે ચર્ચા કરતા હો, તો દરેકમાં ફક્ત પોતાના કામને જ મહત્વ ન આપો, તેમાં તમારા પાર્ટનરને પણ ભાગીદાર ગણાવો. તમારા જીવન સાથે જોડાયેલી આશાઓ અને આકાંક્ષાઓની જાણકારી તેમને પણ કરાવવી જોઇએ.

કોઇ વાત મનમાં ન રાખો

જૂના ઝઘડા, ફરિયાદો, કહેલું-સાંભળેલું જેવી વાતોને મનમાંથી હંમેશા માટે દૂર કરી નાખો. જો તમે બંને કડવી વાતોને તમારા મનમાં સાચવી રાખશો તો તમને તેનાથી તકલીફ થશે. તમે ઇચ્છતા ન હો છતાંય ક્યારેક તમે તમારા સાથી સાથે તે અંગેની ચર્ચા કરી બેસો અને તેનાથી તમારા સંબંધમાં ખટરાગ ઊભો થાય. ખટાશ આવી જાય. કેટલીક વાતોને ભૂલી જવામાં જ શાણપણ છે.

બજેટ પરની ચર્ચા

એકસાથે બેસીને ઘરના ખર્ચનું બજેટ તૈયાર કરો. સાથે જ બજેટને જ્યારે જરૂર હોય ત્યારે કેવી રીતે ઓછું કરીને બચત કરી શકાય તે પણ ચર્ચા કરો. આ રીતે બંને સમજદારીથી પૈસાની બચત કરી શકશો.

સમજણ જરૂરી

દાંમ્પત્યજીવનમાં ઘણીવાર નહીં, મોટાભાગે બાળકોની બાબતને લઇને કે બાળકે કઇ કહ્યું હોય અને ખોટી રીતે તેનું અર્થઘટન કરી લઇએ તો ખટરાગ ઊભો થાય છે. એટલે પહેલા જેના કારણે તે ઘટના ઊભી થઇ હોય તેની પરિસ્થિતીને સમજવાનો પ્રયત્ન કરો. કારણ જાણ્યા વિના એકબીજાને દોષારોપણ કરવું સમજદારી નથી.

થોડુંક પરિવર્તન કરવું

પોતાને બદલવું શક્ય હોતું નથી, પણ જો થોડાક બદલાવથી એકબીજા વચ્ચેનો પ્રેમભાવ ગાઢ બનતો હોય તો તમારા સ્વભાવ અને વ્યવહારમાં થોડુંક પરિવર્તન કરવામાં સંકોચ અનુભવશો નહીં.

અનુભવ જણાવો

આજકાલના વ્યસ્ત સમયમાં તણાવથી હંમેશા ઘેરાયેલા રહેવું પડે છે. તેનું સૌથી સ્પષ્ટ સમાધાન એકબીજા સાથેની વાતચિતથી દૂર કરી શકાય છે. જીવનસાથી સાથે દરેક નાની બાબત સેર કરો અને તેમને તેના માટે પ્રેરિત કરો. એકબીજાની વાત ધ્યાનથી સાંભળો. તે સમય દરમિયાન તમને કોઇ ડિસ્ટર્બ ન કરે તેનું ખાસ ધ્યાન રાખો. એકબીજા સાથેની વાતચિતથી મન હળવું થઇ જાય છે અને મોટામાં મોટી તકલીફ પણ મોટી લાગતી નથી. વાતચિત દરમિયાન કોઇ એવા વિષયની ચર્ચા ન કરો જેનાથી વિવાદ ઊભો થાય.

પર્સનલ સ્પેશ

દાંમ્પત્યજીવનમાં પર્સનલ સ્પેશનું પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. પર્સનલ સ્પેશનો અર્થ એવો થાય છે કે એકબીજા સાથે રહેતા હોવા છતાંય બંનેને સ્વતંત્ર હોવાનો અનુભવ થતો રહે. તેનાથી તમે બંને સંપૂર્ણતાનો અનુભવ કરતા રહેશો.

પારિવારિક દોષારોપણ ટાળો

ક્યારેક ક્યારેક જીવનમાં કડવાશ એટલા માટે ઘોળાઇ જતી હોય છે કે બંને એકબીજાના પરિવાર ઉપર દોષારોપણ કરવા લાગે છે. એકબીજાની વાતોમાં પરિવારના લોકોને દોષ દેવો તે યોગ્ય નથી. જો તમને લાગતું હોય કે કેટલાક લોકોના કારણે તમારા દાંમ્પત્યજીવનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો તેવા લોકોથી દૂર થઇ જવું વધારે યોગ્ય રહેશે.

 

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment