બરસો રે મેઘા મેઘા…બરસો રે મેઘા મેઘા…બરસો રે મેઘા બરસો….., મેઘા છાયે આધી રાત બેરન બન ગઇ નીંદીયા, મેઘા રે મેઘા રે મત પરદેશ જારે….આજ તું પ્રેમ કા સંદેશ બરસા…., મેઘા રે મેઘા…મેધા રે મેધા…તેરા મન તરસા રે, પાની ક્યુ બરસા રે……, ઓરે મેઘા, કાલે મેઘા, પાની તો બરસાઓ….. આ તમામ મેઘાને એટલે કે મેહને એટલે કે વરસાદને સાદ કરતા ગીતો છે. આવા ગીતો વરસાદ વરસતાની સાથે જ ઘણાને યાદ આવી જતા હશે કારણકે હવે લોકોની મનગમતી ઋતુ આવી ગઇ છે. ચારેતરફ વરસાદી વાતાવરણમાં વ્યક્તિનું તન ભીંજાય છે, સાથે જ તેનું મન પણ ભીંજાય છે. તન અને મનની આ ભીની લાગણીને આપણા બોલિવૂડની મહત્તમ ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. વરસાદના સાથ વિના ફિલ્મો અને ફિલ્મોમાં દર્શાવવામાં આવતા સીન અધૂરા ગણાય છે. લવ મેકિંગ અને ફાઇટીંગના સીનોને વરસાદમાં ખાસ વણી લેવામાં આવ્યા છે. તેનુ ખાસ કારણ છે કે વરસાદને બોલિવૂડની ફિલ્મોમાં એક મેજીક અને રોમાન્સ દર્શાવવા માટેનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. આપણે બધા જ વરસાદને પ્રેમ કરીએ છીએ પણ વરસાદના પ્રેમને કેમ અલગ રીતે દર્શાવવો તે તો બોલિવૂડ દ્વારા જ જાણી અને માણી શકાય છે.
ફિલ્મોના મસ્તીભર્યા રોમેન્ટિક ગીતો
વરસતો વરસાદ હોય એટલે હિન્દી ફિલ્મોના વરસાદી ગીતો અજાણતા જ આપણે ગણગણવા લાગીએ છીએ. તેમાં પણ આપણા મુડ પ્રમાણે ગીત ગણગણવાની મજા જ અલગ આવે છે. જો તમે રોમેન્ટીક મુડમાં હશો તો જરૂરથી તમને એવા વરસાદી રોમેન્ટિક સોંગ યાદ આવશે જેને લઇને તમારા શરીરમાં એક કંપારી છૂટી જશે. વરસતા વરસાદમાં બે યુવાન હૈયા એકબીજાને મળીને પોતાના પ્રેમની વાત રજૂ કરે છે. તન-મનના ઉમંગોને ઠાલવે છે. એવા અનેક ગીતો છે જે તમને આ ઋતુમાં તમારા પ્રિયજનની યાદ અપાવ્યા વિના રહે જ નહીં. પ્રિય પાત્રને પ્રેમ કરવાની અને તેને મહેસુસ કરવાની સૌથી સોહામણી ઋતુ એટલે ચોમાસું. જ્યારે પ્રિયજન સાથે હોય તો અજાણતામાં જ પ્રેમભરી મસ્તી પણ સુજે છે. એવું જ એક મસ્તી ભર્યું ગીત શમ્મી કપૂર અને માલાસિંહાનું છે. 1962માં આવેલી ફિલ્મ ઉજલાનું ગીત જેમાં શમ્મી કપૂર કહે છે કે, દીલ તેરા દિવાના હે સનમ, જેના જવાબમાં માલાસિંહા કહે છે, જાનતે હો તુમ કુછના કહેંગે હમ, મુહોબ્બત કી કસમ. જ્યારે બીજુ ગીત આ વાતાવરણની અસર તમારા પર થયા વિના રહેવા જ ન દે. ડમ ડમ ડીગા ડીગા, મૌસમ ભીગા ભીગા બીન પીયે મેં તો ગીરા મેં તો ગીરા….કેમ ડૂબી ગયાને. 1970માં આવેલું ફિલ્મ હમજોલીનું જીતેન્દ્ર અને લીના ચંદાવરકરનું ગીત હાય રે હાય..દીલ ગભરાય….ખરેખર પ્રેમિકાને તેના પ્રેમિથી ગભરાવી જ દે છે. આવા તો અનેક આ ઋતુમાં આકર્ષણ ઊભુ કરનારા ગીતો છે, જેમાં 1979માં આવેલી ફિલ્મ મંઝીલનું ગીત રીમઝીમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન, ભીગે આજ ઇસ મૌસમમે, લગી કૈસી યે અગન.. તો જરૂરથી અગન ઉત્પન્ન કરી જ દે છે. આ ઉપરાંત રાજેશ ખન્ના અને શર્મીલા ટાગોરનું ફિલ્મ આરાધનાનું રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના ગીત આજે પણ ઉત્તેજના ઉત્પન્ન કરનારા સોન્ગની યાદીમાં પ્રથમ સ્થાને છે. રાજેશ ખન્ના અને ઝીનતનું ફિલ્મ અજનબીનું ભીગી ભીગી રાતો મેં…., અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટીલનું ફિલ્મ નમકહલાલનું આજ રપટ જાયે તો …., અનિલ કપૂર અને માધુરીનું ફિલ્મ બેટાનું ધક ધક કરને લગા…, શ્રીદેવી અને અનિલ કપૂરનું ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાનું કાટે નહીં કટતે દીન યે રાત….., અક્ષય કુમાર અને રવિના ટંડનનું ફિલ્મ મોહરાનું ટીપ ટીપ બરસા પાની…., સની દેઓલ અને અમૃતા સિન્હાનું ફિલ્મ બેતાબનું બાદલ યુ ગરજતા હે…., અમિરખાન અને સોનાલી બેન્દ્રેનું ફિલ્મ સરફરોશનું જો હાલ દિલ કા ઇધર હો રહા હે…, સલમાન ખાન અને મનીષા કોઇરાલાનું ફિલ્મ ખામોશીનું બાંહો કે દરમિયાં, દો પ્યાર મિલ રહે હે…., રાની મુખર્જી અને સૈફ અલી ખાનનું ફિલ્મ હમ તુમનું સાંસો કો સાંસો સે મીલને દો જરા…, આમિર ખાન અને રાની મુખર્જીનું ફિલ્મ ગુલામનું આંખો સે તુને યે ક્યા કેહ દીયા…, ફિલ્મ કિસ્તનું બોબી દેઓલ અને પ્રિયંકા ચોપરાનું બરસાત કે દીન આયે …., ફિલ્મ ફનાનું આમિર અને કાજોલનું ગીત સાજીસ હૈ બુંદો કી.., .ફિલ્મ દે દનાધનનું અક્ષય કુમાર અને કેટરીનાનું ગીત ગલે લગ જા…., ફિલ્મ જબ વી મેટનું તુમસે હી…… કરીના અને શાહીદના પ્રેમનું ચિત્રણ રજૂ કરે છે. આ તમામ ગીતો દ્વારા બે પ્રેમીઓમાં વરસાદની ઋતુંમાં એક બીજા માટે ઉત્પન્ન થતી ઉષ્મા જોવા મળે છે.
સદાબહાર લોકપ્રિય ગીતો
વરસાદી ગીતને ફિલ્મોમાં રજૂ કરવાનો સૌથી મોટો શ્રેય રાજકપૂરને ફાળે જાય છે. 1955માં ફિલ્મ શ્રી 420માં રાજકપૂર અને નરગીસે પ્યાર હુઆ ઇકરાર હુઆ ગીત વરસાદમાં ગાયુ અને બસ પ્રેમની ભીની શરૂઆત થઇ ગઇ. ત્યારબાદ કિશોર કુમાર અને મધુબાલાની 1958માં આવેલી ફિલ્મ ચલતી કા નામ ગાડીનું એક લડકી ભીગી ભાગી સી ગીત તો લોકો આજે પણ કોઇ યુવતીને વરસાદમાં પલળેલી જોઇને ગણગણવા લાગે છે. એવી જ રીતે 1960માં આવેલી ફિલ્મ બરસાત કી એક રાતનું ગીત ગરજત બરસત સાવન આયો પણ ખૂબ પ્રચલિત હતું જેમાં મધુબાલા અને ભારત ભુષણ હતા. 1960માં આવેલી ફિલ્મ પરખનું ઓ સજના બરખા બહાર આયી ગીતમાં લોકોએ સાધનાને ખૂબ પસંદ કરી હતી. હેમા માલીનીની 1970માં આવેલી ફિલ્મ અભિનેત્રીનું ઓ ઘટા સાંવરી…., જયા બચ્ચનની 1971માં આવેલી ફિલ્મ ગુડ્ડીનું બોલ રે પપીહરા…., રાખીની 1979માં આવેલી ફિલ્મ જુર્માનાનું સાવન કે જુલે…મનીષા કોઇરાલાની 1994માં આવેલી ફિલ્મ 1942 લવ સ્ટોરીનું રીમજીમ રીમજીમ, રુમજુમ રુમજુમ..ભીગી ભીગી ઋત મેં તુમ હમ હમ તુમ…..આ ગીતો નાયિકાના મનની લાગણીને રજૂ કરે છે.
વિસરાઇ જતા ગીતો
વરસાદને ધ્યાનમાં રાખીને બનાવેલા અને ઓછા જાણીતા કે ભૂલાઇ ગયેલા ગીતોની પણ એક યાદી છે. હિન્દી ફિલ્મોમાં વરસાદમાં ફિલ્માવાયેલા એવા ઘણા ગીતો છે જે આજે ઓછા સાંભળવા મળતા હોવાના કારણે લોકોને આછો-પાતળો ખ્યાલ છે તો ઘણા ગીતો તો તદ્દન ભુલાઇ જ ગયા છે. સંજય દત્ત અને ફરાહનું ઇમાનદાર ફિલ્મનું ઔર ઇસ દિલ મેં ક્યા રખા હૈ ગીત ઉત્તેજીત કરનારું ગણાય છે. શ્રીદેવીની ફિલ્મ લમ્હેનું મેઘા રે મેઘા ગીત પણ લોકો આજે ભૂલી ગયા છે. જ્યારે વિનોદ ખન્ના અને શ્રીદેવી પર ફિલ્માવાયેલું ફિલ્મ ચાંદનીનું ગીત લોકો ભલે ભૂલી ગયા હોય પણ કેટલાક આશિકોને આજેપણ તે ગણગણવું ગમતું હશે, ગીતના શબ્દો છે, લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ, વહી આગ સીનેમેં ફીર ચલ પડી હૈ. 1994માં આવેલી ફિલ્મ ગોપી કિશનનું ગીત છતરીના ખોલ બરસાત મેં, ભીગ જાને દે ભીગી રાત મેં, યે દિલ્લગી ફિલ્મનું કાજોલ અને અક્ષય કુમારનું દેખો જરા દેખો બરખા કી લડી…. ક્યારેય સાંભળી લઇએ તો જીભે ચડી જાય પણ યાદ ન રહે.
બૉલિવૂડમાં વરસાદના ગીતોને લગતી બીજી પણ એક રસપ્રદ બાબત છે. ઘણા ગીતો એવા છે જેમાં વરસાદનો ઉલ્લેખ છે. વરસાદના હોવાનો આભાસ ઊભા કરનારા આ ગીતો જ્યારે સાંભળીયે ત્યારે વરસાદ પડતો હોય તેવું અનુભવીએ પણ ઘણા ગીતોમાં ખરેખર એવું નથી. અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજીની ફિલ્મ ‘મંઝિલ’ના ગીત ‘રિમઝિમ ગિરે સાવન…’ના બે વર્ઝન છે. આ ગીતના લતા મંગેશકરના કંઠવાળા વર્ઝનમાં વરસાદ છે, પણ પુરુષ સ્વરવાળા વર્ઝનમાં વરસાદ નથી. કિશોર કુમારના ઘેરા અવાજે ગવાયેલું ગીત સાંભળીને કોઇને એમ જ લાગે કે તેમાં ઝરમર વરસાદ પડતો દેખાડાયો હશે પણ હકીકતમાં આ ગીત હીરો એક મિત્રના ઘરે પાર્ટીમાં ગાય છે. લતા મંગેશકરનો સ્વર ધરાવતું બીજું એક અદ્ભુત ગીત ’સાવન કે ઝુલે પડે, તુમ ચલે આઓ’ (જુર્માના) પણ આવું જ છે. ’સાવન કે ઝુલે પડે’ અને ’પાગલ હુઇ હૈ પવન’ જેવી અમુક પંક્તિઓના કારણે રેઇન સોંગ હોવાનો ભાસ આપતું આ ગીત વરસાદનું નથી. તો બીજી બાજુ ‘ઝિંદગી કી ના ટૂટે લડી…'(ક્રાંતિ) જેવા ગીતો પણ છે જેમાં વરસાદ છે. જીવનના સંઘર્ષો સાથે પ્રેમને સાંકળી લેતા આ ગીતમાં વરસાદ એક બૅકગ્રાઉન્ડ પૂરું પાડે છે. માત્ર સાંભળીને તો તે ગીતમાં વરસાદ પડતો હોવાનો શ્રોતાને ખ્યાલ પણ ન આવે. તેમજ ‘જલતા હૈ જિયા મેરા ભીગી-ભીગી રાતોં મેં’…’ઝખ્મી’ ફિલ્મમાં વરસાદનું આ એક એવું અફલાતૂન ગીત છે જેમાં ગેસ્ટ હાઉસમાં ઉતરેલા હીરો-હીરોઇન (રાકેશ રોશન, રીના રૉય) નાચે-ગાય છે ખરા, પણ ભીંજાતા નથી.
યાદગાર ફિલ્મી ગીતો
પ્રેમ હોય, પ્રેમનું ખેંચાણ દર્શાવાનું હોય તો સાથે મસ્તી પણ હોવી જ જોઇએ ને, તેથી જ નાયક અને નાયિકાને ધ્યાનમાં રાખીને પ્રેમના ખેંચાણ અને સાથે જ થોડા મસ્તીભર્યા ગીતોનો પણ સમાવેશ કરવાનું કેમ કરીને ભૂલી શકાય. ફિલ્મ દિલ તો પાગલ હે નું ઘોડે જૈસી ચાલ….., ફિલ્મ તાલનું તાલ સે તાલ મીલા….., ફિલ્મ ચમેલીનું ભાગે રે મન કહી…., ફિલ્મ હમ આપકે હૈ કૌનનું પહેલા પહેલા પ્યાર હૈ…., ફિલ્મ કોઇ મીલ ગયાનું ઇધર ચલા મેં ઉધર ચલા….., ફિલ્મ સત્યાનું ગીલા ગીલા પાની…., ફિલ્મ દહેકનું સાવન બરસે તરસે દીલ….., ફિલ્મ લગાનનું ઘનન ઘનન ઘીર આયે બદરા….., ફિલ્મ લમ્હેનું વો લમ્હે…વો યાદેં…., ફિલ્મ અપસાના પ્યાર કાનું ટીપ ટીપ બારીસ શુર હો ગયી….., ધૂમ ફિલ્મનું દિલબરા…. દિલબરા….., કલયુગ ફિલ્મનું જીયા ધડક ધડક….., ફિલ્મ દીલવાલે દુલ્હનીયા લે જાયેંગેનું મેરે ખ્વાબોમેં જો આયે……, ફિલ્મ કભી ખુશી કભી ગમનું સુરજ હુઆ મધ્ધમ….. અને ફિલ્મ દેવદાસનું સિલસિલા યે ચાહત કા….જેવા અનેક ગીતો છે.
પ્રેમની ઉત્કંઠા દર્શાવતા ગીતો
વરસાદમાં પ્રેમની ઉત્કંઠા પણ દર્શાવવામાં ફિલ્મકારો પાછળ રહ્યા નથી. પહેલાની ફિલ્મોમાં જે વરસાદમાં પ્રેમ દર્શાવવામાં આવતો તેમાં પ્રેમરૂપે પડછાયો દેખાડી દેતા, અથવા છત્રીને આડી કરી દેતા જેથી આગળની પરિસ્થિતી શું થવાની છે, તે દર્શકોએ સમજી લેવાનું હતું. પણ હવે તો વરસાદમાં પલળીને જે પ્રેમની ઉષ્માઓ ઉત્પન્ન થાય તેનું દૃશ્ય આપણે જોઇએ છીએ. ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર ખાન અને કરિશ્મા કપૂરનો જે વરસાદમાં ઝાડની નીચે લીપ કીસનો સીન બતાવવામાં આવ્યો છે, તે તો લોકો આજેપણ નહીં ભૂલ્યા હોય. તે સિવાય ફિલ્મ હમતુમમાં રાની મુખર્જી અને સૈફનો પણ આવો જ સીન છે. ધૂમ -2 માં ઐશ્વર્યા રાય અને ઋતિક રોશનના કીસના સીનથી ચર્ચાઓ થઇ હતી. ફિલ્મ વિરઝારામાં પણ શાહરૂખ અને પ્રિટી ઝીંટાને, ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં કાજોલ અને શાહરૂખને, ઇમરાન અને સોહાઅલી ખાન ફિલ્મ તુમ મીલેમાં તેમજ ઇમરાનની મડર ફિલ્મમાં પણ તેણે મલ્લિકા સાથે વરસાદી વાતાવરણમાં ઘણા હોટ કીસ સીન આપ્યા છે. આમિર ખાન અને કરીના કપૂર ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં, ફિલ્મ જન્નત- 2માં પણ વરસાદમાં કીસના સીનને દર્શાવવામાં આવ્યો છે. ગોવિંદા અને કરીશ્માના ફિલ્મ દુલારાના સાજન રે સાજન કેહતા હે સાવન…ગીતમાં પણ આ સીન દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત કરીશ્માએ રાહુલ રોય સાથેની ફિલ્મ સપને સાજન કે માં પણ ગીત આ રહા હે મઝા તેરી બાહોમાં….માં કીસ સીન આપ્યો છે.
બોક્સ
કેટલાક વિસરાઇ ગયેલા ગીતો
- વૃષ્ટિ પડે ટાપુર ટુપુર (પહેલી)
- હમ તુમ દોનો સાથ મેં ભીગ જાયેંગે બરસાત મેં (તરાના)
- ભીગી ભીગી રુત હૈ (તકદીર કા બાદશાહ)
- એક છતરી ઔર હમ હૈં દો (માન ગયે ઉસ્તાદ)
- બુંદો કે મોતી (વેક અપ સીદ)
- ચૂપકે સે લગ જા ગલે (સાથીયા)
- મેં યહાં હું યહાં (વિરઝારા)
- એક નઝર મેં ભી (ટેક્સી નંબર 9211)
- ગીલા ગીલા પાની (સત્યા)
- છોટી સી કહાની (ઇજ્જત)
- તેરા મન તરસા રે પાની ક્યું બરસા રે (લમ્હે)
- બરસાત મેં હમ સે મીલે તુ સજન (બરસાત)
- રેઇન ઇઝ ફોલિંગ છમાછમ છમ (ગુનેહગાર)
- સુન સુન સુન બરસાત કી ધૂન સુન (સર)
- આયેગા મઝા અબ બરસાત કા (બરસાત)
જાણીતા 10 વરસાદી ગીત
- પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ પ્યાર સે ફીર ક્યુ ડરતા હૈ દીલ (શ્રી 420)
- કાંટે નહી કટતે દીન યે રાત (મિસ્ટર ઇન્ડિયા)
- પહેલા પહેલા પ્યાર હૈ (હમ આપકે હૈ કોન )
- ટીપ ટીપ બરસા પાની (મોહરા)
- રીમઝીમ રીમઝીમ (1942 અ લવ સ્ટોરી)
- કોઇ લડકી હૈ, જબ વો હસતી હૈ (દીલ તો પાગલ હૈ)
- જો હાલ દીલ કા ઇધર હો રહા હે ( સરફરોશ)
- ભાગે રે મન કહી (ચમેલી)
- તુમ સે હી (જબ વી મેટ)
- બરસો રે મેઘા…મેઘા (ગુરુ)