નવરાત્રીના દિવસોમાં દરેક યુવાન હૈયુ હિલ્લોળે ચડે છે અને નવરાત્રીની મજા માણે છે. ગુજરાતમાં તે સૌથી મોટો તહેવાર ગણાય છે. દરેક લોકોને નવરાત્રીનો તહેવાર અને ગરબા રમવા ખૂબ જ ગમે છે. સાથે જ હિન્દી ફિલ્મોમાં પણ ગુજરાતના ગરબાને આજથી નહીં પણ જૂના સમયથી સ્થાન મળેલું છે. ગરબો અને હિન્દી ફિલ્મો એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. હિન્દી ફિલ્મોમાં આવેલા તમામ ગરબાના ગીતો આજેપણ નવરાત્રીમાં સાંભળવા મળે છે અને લોકો તે ગીતના તાલે મનભરીને ઝૂમે છે. આવા જ કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મોની નવરાત્રીના ગીતને આજે યાદ કરી લઇએ.

 

હાલમાં જ આવેલી ફિલ્મ ‘મિત્રો’માં આવેલું નવરાત્રી ગીત આ વખતે ખૂબ ધૂમ મચાવવાનું છે. તેના શબ્દો છે, ‘છમાછમ નાચ આજે, ધમાધમ ઢોલ બાજે, નોન સ્ટોપ હલ્લા મચેગા, ઓય નાચો સારે, અપની ફેમસ હૈ રાત વાલી યારીયા, જાણે સારા જહાં, પેથલપુરમાં સુનલે ઓ છોરીયા, જૂમે નગરીયા જબ જબ યે ઘૂમે, કમરીયા……. યે તારી કમરીયા’. જે સાંભળીને જ ગરબા રમવા માટે તાન ચડી જાય તેવું સુંદર ગીત છે. તે સિવાય અન્ય ફિલ્મ ‘લવરાત્રી’ના પણ મોટાભાગના ગીતો નવરાત્રીના છે. તેમાં પણ ‘આવી ગઇ રાત, ભૂલો બધી વાત, પ્રેમની આ મૌસમ છે રે….અબ આઓ મેરે પાસ, રેહ જાઓ મેરે સાથ, પ્રેમની આ મૌસમ છે રે….મીલ જાયે મુજકો અગર સાથ તેરા, તો ભૂલું મેં સારા જહાં, છોગાળા તારા, છબીલા તારા, રંગીલા તારા, રંગભેરું જુએ તારી વાટ’ ગીત હાલમાં હીટ છે. તે સિવાય આ જ ફિલ્મનું બીજુ ગીત ‘રંગતારી…..’ પણ આ વખતે નવરાત્રીમાં જરૂરથી સાંભળવા મળશે. આ બંને ફિલ્મોના ગીતની ખાસિયત એ છે તે તેમાં ગુજરાતી ગરબાની બીટને લેવામાં આવી છે. સાથે જ તેમાં ગુજરાતી શબ્દો પણ ઉમેરવામાં આવ્યા છે. જે નવરાત્રીમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે.

જૂના સમયની ફિલ્મોની વાત કરીયે તો 60 ના દાયકામાં આવેલી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં ગુજરાતી ગરબો જોવા મળ્યો હતો. તે ફિલ્મમાં જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી સ્વ. નૂતન ‘મૈ તો ભૂલ ચલી બાબૂલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે’ ગીતમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. તે સમયે તે ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આજેપણ કેટલીક જગ્યાએ તે સાંભળવા મળી આવે છે. તે સમયે શેરી ગરબા જ થતા અને તેમાં આ ગીત ખૂબ સાંભળવા મળતું.

 

અમિતાભ અને રેખાની 1979માં આવેલી ફિલ્મ ‘સુહાગ’માં ‘હે નામ રે, સબસે બડા તેરા નામ ઓ શેરોવાલી…..,’ ગીતમાં રાસ ગરબા જોવા મળ્યા હતા. ફિલ્મના આ ગીતમાં બંને ટ્રેડિશનલ ગરબાના ડ્રેસમાં જોવા મળ્યા હતા. ખૂબ જ લોકપ્રિય બનેલા આ ગીતને આજેપણ લોકો ગરબામાં એન્જોય કરે છે. 2013માં આવેલી ‘કાઇ પો છે’ ફિલ્મનું ગીત ‘રંગી પરોઢ આવી, ખુશીયો સંગ લાવી, હરખાયે હૈયુ હાયે…..’ ગીત પણ લોકપ્રિય છે. જેમાં સુશાંત સિંહ અને અમ્રિતા પૂરી જોવા મળ્યા હતા. આ ફિલ્મનું  શૂટીંગ અમદાવાદમાં થયું હતું તેથી સંપૂર્ણ ગુજરાતી ગરબા અને રાસનો માહોલ આ ગીતમાં જોવા મળ્યો હતો. 2013માં આવેલી ‘ગોલીયો કી રાસલીલા રામલીલા’ ફિલ્મના તો બે થી ત્રણ ગીત નવરાત્રીમાં આજેપણ લોકપ્રિય છે. જેમાં ‘નગાડા સંગ ઢોલ બાજે…..’ તો ખરેખર યુવાન હૈયાને ડોલાવી દે છે. તે સિવાય ‘લહુ મુંહ લગ…. ગયા ’  પણ તમને નવરાત્રીમાં સાંભળવા મળે છે.

જોકે સલમાન ખાન અને ઐશ્વર્યાની સૌથી હિટ રહેલી 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું ‘ઢોલી તારો ઢોલ…..’ વાગે આટલા વર્ષો પછી પણ નવરાત્રીમાં ધૂમ મચાવે છે. આ ફિલ્મમાં પણ ગુજરાતી કુટુંબ અને કલ્ચરની વાત હતી. જેના કારણે ફિલ્મમાં ગરબાના ગીતને ઉમેરવામાં આવ્યું હતું અને તે ગીત ખરેખર આટલા વર્ષો પછી પણ ખૂબ જ લોકપ્રિય છે. 1999માં આવેલી બીજી એક ફિલ્મ ‘ખૂબસુરત’નું એક ગીત ‘ઘૂંઘટ મેં ચાંદ હોગા, આંચલ મેં ચાંદની…’માં પણ રાસ-ગરબા જોવા મળ્યા હતા. જે નવરાત્રીમાં પણ સાંભળવા મળે છે. 2001માં આવેલી ફિલ્મ ‘લગાન’નું શૂટીંગ ગુજરાતના શહેર કચ્છમાં થયું હતું અને તેમાં પણ ગ્રેસી સિંગ અને આમિરખાનને દર્શાવતું ગીત ‘રાધા કૈસે ન જલે’ થોડા ઘણા ગરબા ફોર્મમાં જ દર્શાવવામાં આવ્યું હતું.

 

આમિર ખાન અને જૂહી ચાવલાની 1989માં આવેલી ફિલ્મ ‘લવ લવ લવ’નું ‘ડિસ્કો ડાન્ડિયા’ સોંગ પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય રહ્યું હતું. સોનાલી બેન્દ્રેની વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘દિલ હી દિલ મેં’ માં ‘ચાંદ આયા હૈ ઝમીં પે, આજ ગરબે કી રાત મેં’ માં પણ રાસ-ગરબા જોવા મળ્યા હતા. 2002માં આવેલી ઋતિક રોશન અને અમીષા પટેલની ફિલ્મ ‘આપ મુજે અચ્છે લગને’ નું ગીત ‘ઓરી ગોરી ચલો રી ચોરીચોરી, મીલન ઋત આયી રે’ પણ ગરબા ફોર્મમાં જોવા મળ્યું હતું. 2017માં આવેલી ગુજરાતની વાર્તા પર આધારીત ફિલ્મ ‘રઇસ’ માં પણ ‘ઊડી ઊડી જાય…’ ગીતમાં રાસ-ગરબા જોવા મળ્યા. તે ગીત પણ નવરાત્રીમાં આજેપણ સાંભળવા મળે છે. કાજોલ અને વિકાસ ભલ્લાની ફિલ્મ ‘તાકાત’નું ‘ડાંડીયે કે બહાને આ જાના, કભી મીલને મીલાને આ જાના’ ગીત પણ તે સમયે ખૂબ લોકપ્રિય રહ્યું હતું. ઋતિક રોશન અને કરીના કપૂરની ફિલ્મ ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ ફિલ્મનું ‘બની બની પ્રેમ કી દિવાની બની’ ગીતમાં પણ ગરબાની ધૂન હોવાથી તે આજેપણ નવરાત્રીમાં સાંભળવા મળે છે.

 

દરેક ફિલ્મમાં જ્યારે નવરાત્રીના રાસ-ગરબાની સિચુએશન રાખીને ગરબા રાખવામાં આવ્યા છે, ત્યારે તે ક્યાંક ને ક્યાંક પ્રેમીઓની જોડતા આવ્યા છે. ફિલ્મોના ગીતો અને શબ્દો પણ એવા જ હોય છે. જે ગરબાની સાથે સાથે યુવાન હૈયાને પણ ડોલાવે છે. તેથી જ તો કેટલીક ફિલ્મોમાં ગરબો જોવા મળતો હોય છે.

લોકપ્રિય નવરાત્રી ફિલ્મના ગીત

  • નગાડા સંગ ઢોલ બાજે (રામલીલા)
  • ઢોલી તારો ઢોલ બાજે (હમ દિલ દે ચૂકે સનમ)
  • કમરીયા રે, તારી કમરીયા (મિત્રો)
  • છોગાળા તારા (લવરાત્રી)
  • રંગરાત્રી (લવરાત્રી)
  • ઊડી ઊડી જાય (રઇસ)
  • રંગી પરોઢ આવી (કાઇ પો છે)
  • નિંબુડા નિંબુડા નિંબુડા (હમ દિલ દે ચૂકે સનમ)
  • સબસે બડા તેરા નામ (સુહાગ)
  • ડાંડીયે કે બહાને (તાકત)
  • બની બની, પ્રેમ દીવાની બની. (મૈં પ્રે કી દિવાની હૂ)
  • રાધા કૈસે ના જલે (લગાન)
  • મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ (સરસ્વતીચંદ્ર)

 

 

Loading

Spread the love

Leave a Comment