ગમતી જગ્યાએ વેકેશનની મજા માણવા મળે એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પણ આપણા બોલિવૂડના કલાકારો…. તેમને શું ગમે છે? તેમને ક્યારેય તેમની રોજબરોજની દોડધામભરી જિંદગીમાંથી થોડો બ્રેક લઇને ક્યાંય ગમતી જગ્યાએ શાંતિથી થોડો સમય પસાર કરવાની કે મજા માણવાની ઇચ્છા નહીં થતી હોય? અહીં બોલિવૂડની કેટલીક સેલેબ્રિટીઝના હોલિડે ડેસ્ટિનેશનના સમણાંની વાત જણાવી છેઃ
- અનુષ્કા શર્મા
આર્મી પિતાની પુત્રી અનુષ્કા શર્મા પિતાની નોકરીને કારણે નાનપણથી જ અલગ અલગ શહેરોમાં રહી છે. એ સાહસિક સ્વભાવની છે જેને ટ્રાવેલ કરવાનું અને સાહસિક હોય એવી રમતો ખૂબ પ્રિય છે. 2014માં અનુષ્કા ઇટાલી ગઇ, ત્યારે તેને સૂર્ય, રેતી અને ખોરાકનાં પરફેક્ટ કોમ્બિનેશનનો ખ્યાલ આવ્યો. એણે કેટલોક સમય શ્રીલંકામાં પણ વિતાવ્યો અને એ નિયમિત રીતે હિમાલયની મુલાકાત પણ લેતી રહે છે. વિરાટ કોહલી સાથે ઇટાલીમાં લગ્નબંધનથી બંધાયા બાદ હવે બંને સાથે જ વિવિધ સ્થળે ફરવા જાય છે. પ્રશંસકોએ એ બંનેનું હુલામણું નામ રાખ્યું છે, વિરુષ્કા, જે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની ગલીઓમાં મોજ-મસ્તી કરતાં જોવા મળ્યા હતા. પ્રિયપાત્ર સાથે ગમતા સ્થળે મજા માણવાનું કોને ન ગમે?
- ઋતિક રોશન
બોલિવૂડમાં ગ્રીક ગોડ તરીકે ઓળખાતો હિતિક રોશન સતત દુનિયાના કોઇ ને કોઇ ખૂણાની મુલાકાત લેતો રહે છે. લંડનની સ્ટ્રીટ્સમાં ક્યારેક એ પોઝ આપતો જોવા મળે છે, તો ક્યારેક આલ્પ્સમાં બરફ સાથે મસ્તી કરતો હોય છે. જોકે એને કામ અંગે પણ જાતજાતના સ્થળોએ જવાનું બનતું હોય છે, ત્યારે મોટા ભાગે તો એ એનાં સંતાનોને પણ સાથે લઇ જાય છે. તેમનાં સુંદર ફોટોઝ પણ જોવા મળે છે. તેઓ માલદીવ્ઝમાં આરામ ફરમાવી રહ્યાં હોય કે પછી દુબઇમાં કિનારા પર રેતીનું ઘર બનાવતાં હોય છે. તેના પુત્રો હીહાન અને હીધાનને પણ ગમે છે કે તેઓ તેમના પિતા સાથે સારો એવો ક્વોલિટી ટાઇમ પસાર કરે છે અને તેમને જે સ્થળોએ જવાની ઇચ્છા હોય, ત્યાંની મુલાકાત પણ લેવાઇ જાય છે. જોકે તમને ખબર છે કે રોશન્સને સૌથી વધારે શું પસંદ છે? આ અંગે ઋતિકનું કહેવું છે, `મારું ગમતું હોલિડે ડેસ્ટિનેશન તો જ્યાં મારો પરિવાર હોય છે તે જ છે.’
- રણવીર સિંહ
તમે જ્યારે સ્વિત્ઝર્લેન્ડ ટુરિઝમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનો ત્યારે ત્યાંના વેકેશન માટેનું પ્લાનિંગ કરવાનું એકદમ સરળ બની જાય છે. હા, બોલિવૂડનો અત્યારનો હેન્ડસમ હીરો રણવીર સિંહ સ્વિત્ઝર્લેન્ડ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત થયો છે. આ હીરો કાયમ પોતાના વેકેશનમાં કંઇ ને કંઇ સાહસ કરે છે. એણે સ્વિત્ઝર્લેન્ડમાં પેરાગ્લાઇડિંગ અને સ્કાયડાઇવિંગ કર્યું છે. એ જ્યારે ફિલ્મોનું શૂટિંગ ન કરી રહ્યો હોય અને સ્વિત્ઝર્લેન્ડમાં વેકેશન પણ ન માણતો હોય ત્યારે એ ક્યાં જોવા મળે છે, તે જાણો છો? ગોવાના દરિયા કિનારે. હા, તાજેતરમાં એ એકલો જ યુકેની ટ્રિપ પર નીકળી ગયો હતો અને એની પ્રિય દીપિકા સાથે માલદીવ્ઝમાં રજાઓનો આનંદ પણ માણ્યો હતો.
- પ્રિયંકા ચોપરા
ગ્લેમરસ અને પ્રતિભાશાળી એવી આ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જે હાલમાં અમેરિકામાં રહે છે, એ ક્યારેય એના રૂટિનમાંથી બ્રેક લેવાનું ચૂકતી નથી. ગયા વર્ષે માલદીવ્ઝમાં પોતાના પરિવાર સાથે આરામનો સમય વિતાવ્યા પછી એણે પ્રેગની મુલાકાત લીધી. એ માત્ર મોજ માટે ટ્રાવેલ નથી કરતી. પ્રિયંકાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા રેફ્યુજી કેમ્પ્સની મુલાકાત લીધી અને થોડી માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે એ આસામ પણ ગઇ. એ સ્થાનિક ભોજનનો પણ કાયમ સ્વાદ માણે છે અને એને ભાવતી વાનગીઓના ફોટોઝ પણ શેર કરતી રહે છે. એણે પોતાની સ્પેશિયાલિટીઝની યાદી બનાવી છે. એ પોતે પણ તે બનાવવાનો પ્રયત્ન કરે છે.
- શાહરુખ ખાન
કોઇના માન્યામાં આવે કે શાહરુખ ખાનનું ગમતું ટ્રાવેલ ડેસ્ટિનેશન લંડન છે અને એના પરિવારનું પણ વાર્ષિક વેકેશન કાયમ લંડન જ હોય છે. એનો પુત્ર આર્યન લંડનમાં અભ્યાસ કરતો હોવાથી કિંગ ખાન અવારનવાર એ શહેરની મુલાકાત લેતો રહે છે. જોકે એનું દુબઇ ટુરિઝમ કેમ્પેઇન પણ શાનદાર રહ્યું હતું. એ થોડા દિવસ પહેલાં સ્વિત્ઝર્લેન્ડમાં પત્ની ગૌરી અને તેના નાના પુત્ર અબરામ સાથે રજાની મોજ માણતો જોવા મળ્યો હતો. બોલિવૂડના દરેકને ખબર છે કે સ્વિત્ઝર્લેન્ડમાં જીસ્ટાડ નામનું ગામ અને ઝ્વેઇસીમ્મેનનું ટ્રેન સ્ટેશન શાહરુખના દિલવાલેમાં જોવા મળ્યા હતા.
- સોનમ કપૂર
અભિનેત્રી અને ફેશનિસ્ટા સોનમ કપૂર પણ એવી ભારતીય સેલેબ્રિટી છે, જેને ટ્રાવેલ કરવાનું ખૂબ પસંદ છે. એ મેનહટ્ટનની સ્ટ્રીટ્સમાં લોકોને મળવાની સાથોસાથ ઓસ્ટ્રિયામાં ડીટોક્સિંગ પણ કરાવે છે. મે, 2018માં આનંદ આહુજા સાથે લગ્ન થયા બાદ એ બંને લંડનની સ્ટ્રીટ્સમાં ફરતા અને કાન્સમાં મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. એની કાન્હા ટાઇગર રિઝર્વની ટ્રિપ પણ ખૂબ જાણીતી છે અને ફ્લાઇટ્સ પકડવા માટેની દોડાદોડી સાથે સિક્યોરિટી ચેકિંગ્સ છતાં એ પોતાના સેલેબ્રિટી લુક્સને એકદમ સારી રીતે જાળવી રાખે છે. એણે રોબર્ટ લુઇસ સ્ટીવેન્સનનું ક્વોટ ટ્વિટર પર લખતાં જણાવ્યું હતું, `હું ક્યાંય જવા માટે ટ્રાવેલ નથી કરતી, પણ જાઉં છું. હું ટ્રાવેલ કરવા માટે ટ્રાવેલ કરું છું. સાચે જ ફરવું એ પણ એક મજા છે.’
- કરીના કપૂર
કરીના કપૂર તૈમૂરને લઇને શહેરના અનેક સ્થળોએ ફરતી હોય છે. સ્વિત્ઝર્લેન્ડના હિમાચ્છાદિત પર્વતોથી લઇને લંડનની સ્ટ્રીટ્સમાં પણ એના માટે કાયમ બેસ્ટ વેકેશન હોય છે. કરીનાએ ગયા વર્ષે દુબઇમાં વેકેશનની ખૂબ મજા માણી હતી. જોકે બેબોનો સ્વિત્ઝર્લેન્ડ પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે એ સતત ત્યાં પોતાનું એક ઘર ખરીદવાનું સપનું જુએ છે. એણે હોટ-એર બલૂનિંગનો અનુભવ માણ્યો છે અને આલ્પ્સના વેકેશન દરમિયાન એ ગોલ્ફ રમવા માટે ચોક્કસ જાય છે. આ ભારતીય અભિનેત્રી ટ્રાવેલની સાથે ફેશન પ્રત્યે પણ સજાગ હોવાનું જોવાની સાચે જ અનેરી મજા છે. એ ઘણી વાર પોતાની ટ્રાવેલ ટિપ્સ શેર કરતી હોય છે અને વેકેશન દરમિયાન એના પ્રશંસકોને કોઇ મુશ્કેલી કે સમસ્યાનો સામનો ન કરવો પડે તે ધ્યાન રાખે છે.
- સલમાન ખાન
સલમાન ખાન દેશ-દુનિયાના મોટાભાગના દરેક સ્થળો ફરી ચૂક્યા છે. તે પોતે જ કહે છે કે, હું દુનિયાના કોઇ પણ સ્થળે પ્રવાસ કરી શકું છું, તે પેરિસ હોય, ન્યૂયોર્ક હોય કે પછી લંડન, પણ મારા માટે તે જગ્યા ઉત્તેજનાસભર હોવી જોઇએ. મારી ઇચ્છા કર્જત ટ્રાવેલ કરવાની છે. હું ત્યાં હોઉં ત્યારે સાઇકલ ચલાવી શકું છું, ક્રિકેટ રમું છું અને મારી જાત સાથે ઇચ્છું તેમ રહી શકું છું. સલમાનને દુબઇમાં પાર્ટી યોજવાનું ગમે છે અને એ ઘણી વાર એના પરિવાર સાથે ત્યાં જોવા મળે છે. એના ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન તરીકે આ જગ્યા ખાસ બની ગઇ છે.
બોક્સ
- અનુષ્કાને અલગ અલગ જગ્યાએ રજાઓ માણવાનું ગમે છે, પણ તેની ગમતી જગ્યા છે, હિમાલય. એને ત્યાં જઇને અલગ જ પ્રકારની શાંતિ અને રાહતનો અનુભવ થાય છે.
- કિંગ ખાનના પ્રશંસકોને કદાચ એ જાણવાનું ગમશે કે એમનો બાદશાહ દર વર્ષે ઉનાળામાં પરિવાર સાથે લંડનમાં વેકેશન માણે છે. એનું પોતાનું ત્યાં એક ઘર પણ છે.
- પ્રિયંકાને દરિયા કિનારા પસંદ હોવાથી સ્વાભાવિક છે કે એ થાઇલેન્ડના સુંદર કિનારાના ટાપુઓ વચ્ચે જ જોવા મળે.
- બિપાશાને ગોવામાં વેકેશન માણવાનું પસંદ છે. એની કેટલીક ફિલ્મોનું શૂટિંગ ગોવામાં થયું હતું તેથી એને ત્યાં જવાનું વધારે ગમે છે.
- સ્વિત્ઝર્લેન્ડના નયનરમ્ય મેદાનો અને પર્વતોની સુંદરતા કોને ન ગમે? કરીનાના મનમાં તેના ફેવરિટ વેકેશન સ્પોટ તરીકે સ્વિત્ઝર્લેન્ડનું નામ ઘુમરાતું હોય તો નવાઇ પામવાની જરૂર નથી.
- અન્ય એક સેલેબ છે, જેમને પણ ગોવામાં વેકેશન ગાળવાનું ખૂબ પસંદ છે અને એ છે, અમિતાભ બચ્ચન. જોકે એમની ઉંમરને લીધે હવે એમની ગમતી જગ્યા બદલાઇ ગઇ છે.
- કંગનાને રોમેન્ટિક જગ્યાઓ ખૂબ પસંદ હોવાથી એ પેરિસના પ્રેમમાં છે એમ કહીએ તો પણ ચાલે. એને ફ્રેન્ચ ક્યુઝિન પણ ખૂબ પ્રિય છે.
- તમને જોન અબ્રાહમ હિમાલયમાં ટ્રેકિંગ કરતા જોવા મળશે તો સલમાન ખાન ઉત્તર ભારતમાં જ્યારે તક મળે ત્યારે ફરતા દેખાશે.