સાક્ષી તંવર ટીવી સ્ક્રીનનાં લોકપ્રિય અભિનેત્રી છે, તે સાથે જ એ ફિલ્મોમાં પણ પ્રતિભાશાળી ભૂમિકાઓ અદા કરે છે. હવે એ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એક્ટિંગ કરી રહ્યાં છે. સાક્ષી તંવર ટીવી, ફિલ્મો પછી હવે વેબસીરિઝ દ્વારા પણ દર્શકોના દિલમાં સ્થાન કરી રહી રહ્યાં છે. તેમણે જે પણ સિરિયલો કે ફિલ્મો કરી છે, તે દરેક લોકપ્રિય રહી છે.

આજકાલ સાક્ષી તંવર અલ્ટ બાલાજીની વેબ સીરિઝ `કર લે તૂ ભી મહોબ્બત’ની ત્રીજી સિઝનમાં જોવા મળે છે. આમાં એમની સાથે રામ કપૂર છે. આ પહેલાંની બે સિઝનમાં પણ એ બંનેની જ જોડી આ સીરીઝમાં જોવા મળી હતી. સાક્ષી અને રામ કપૂર, ટીવી સિરિયલ `બડે અચ્છે લગતે હૈ’માં પણ સાથે કામ કરી ચૂક્યાં છે. જે સિરિયલ ખૂબ જ લોકપ્રિય રહી હતી. સાથે જ એમની જોડી ખૂબ લોકપ્રિય પણ થઇ હતી. એમની વેબ સીરિઝ `કર લે તૂ ભી મહોબ્બત’ની ત્રીજી સિઝનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વેબ સીરિઝ મારફત કોઇ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? બહુ ઓછા ટીવી શો, ફિલ્મોના પ્રોજેક્ટ કરનારાં સાક્ષી તંવરને પ્રેક્ષકોના મનમાંથી દૂર થઇ જવાનો ડર લાગતો નથી? જેવા પ્રશ્નો અને સાથે વેબ સીરિઝ `કર લે તૂ ભી મહોબ્બત’ અને કરિયર અંગે સાક્ષી તંવર સાથે વાતચીત થઇ.

તમે વેબ સીરિઝ `કર લે તૂ ભી મહોબ્બત’માં કામ કરી રહ્યાં છો. બે સિઝન લોકપ્રિય રહી છે. ત્રીજી સિઝનમાં દર્શકોને શું નવું જોવા મળશે?

અલ્ટ બાલાજીની વેબ સીરિઝ `કર લે તૂ ભી મહોબ્બત’ના પહેલા ભાગમાં લીડ કેરેક્ટર મળે છે, એમની વચ્ચે પ્રેમ થાય છે. બીજી સિઝનમાં એમનાં લગ્ન થાય છે. હવે ત્રીજી સિઝનમાં લીડ કેરેક્ટર કરણ (રામ કપૂર) અને ટિપ્સી (સાક્ષી તંવર) વચ્ચે બોલાચાલી, મતભેદ, ઝઘડા થવા લાગે છે. પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગે છે. કરણના મનમાં ટિપ્સી માટે નફરત પણ ઉત્પન્ન થઇ રહી છે.

આ સિરિઝનો હેતુ શું છે?

કરણ અને ટિપ્સી એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પણ હવે તેમને એકબીજા પ્રત્યે ઘૃણા થવા લાગી છે. આનાં અનેક નાનાં-મોટાં કારણો છે. અમે આ વેબ સિરિઝ મારફત એટલું જ જણાવવા માગીએ છીએ કે નકારાત્મકતાને મનમાંથી દૂર કરો, તમારા સંબંધોને પ્રેમથી નિભાવો. ત્યારે જ તમે શાંતિભર્યું જીવન જીવી શકશો.

ટિપ્સી અને તમારી વચ્ચે કોઇ પ્રકારની સમાનતા છે?

ટિપ્સી કરતાં સાક્ષી ખૂબ અલગ છે. ટિપ્સી લાગણીઓને મનમાં ધરબી રાખે છે, પોતાની ભાવનાઓને વ્યક્ત નથી કરતી. જ્યારે હું એવી નથી. મને ગુસ્સો આવે છે. આ ઉપરાંત, કોઇ મારાથી નારાજ હોય તો એને મનાવવા માટે મારા તરફથી પહેલ કરું છું. હું કોઇ વાતને મનમાં ભરી નથી રાખતી. કોઇ પ્રકારનો ઇગો મારા મનમાં રાખતી નથી.

તમે અભિનેતા રામ કપૂર સાથે ટીવી સિરિયલ `બડે અચ્છે લગતે હૈ’માં પણ કામ કર્યું હતું. કો-સ્ટાર તરીકે રામ સાથે તમારું બોન્ડિંગ કેવું છે?

રામ સાથે હું જ્યારે પહેલી વાર ટીવી સિરિયલ `બડે અચ્છે લગતે હૈ’ વખતે મળી હતી ત્યારે અમારી વચ્ચે આદર અને સન્માનનો સંબંધ બંધાયો હતો. રામ સાઉથ મુંબઇમાં રહે છે, જ્યારે મારો ઉછેર સ્મોલ ટાઉનના એક મિડલ ક્લાસ ફેમીલીમાં થયો છે. અમારા બંને વચ્ચે કોઇ પ્રકારની સમાનતા ન હોવા છતાં બોન્ડિંગ એવું છે કે અનેક વાર સીન રિહર્સલ કરવાની જ જરૂર નથી પડી અને છતાં સીન ખૂબ સારા બને છે.

તમે ફિલ્મ `દંગલ’માં પણ અભિનય કર્યો હતો. એમાં એક્ટિંગ કરીને તમારી કરિયરને કેટલો લાભ થયો?

હું નસીબદાર હતી કે મને ફિલ્મ `દંગલ’માં કામ કરવા મળ્યું. એમાં મારું પાત્ર ઓડિયન્સને ખૂબ ગમ્યું હતું. તે પછી તો મારી પાસે અનેક ફિલ્મોની ઓફર આવી, પણ મેં દરેક ઓફર સ્વીકારી નહીં. હું તો એવી જ ફિલ્મો કરીશ, જેમાં મને મારી એક્ટિંગ સ્કિલ્સ દર્શાવવાની તક મળશે.

તમે ફિલ્મો, ટીવી સિરિયલો અંગે ખૂબ જ ચૂઝી છો. એ ડર નથી લાગતો કે ઓછું કામ કરવાને લીધે ક્યાંક દર્શકો તમને ભૂલી ન જાય?

મારામાં કામની બાબતે કોઇ પ્રકારની ઇનસિક્યોરિટી નથી. શરૂઆતમાં પણ એવું કંઇ નહોતું અને અત્યારે પણ નથી. સિરિયલ `કહાની ઘર-ઘર કી’ આઠ વર્ષ ચાલી. આ સિરિયલને એ સમયે હાઇએસ્ટ ટીઆરપી મળતો હતો. મેં ટીવીમાંથી પણ ત્રણ વર્ષનો બ્રેક લીધો. તે પછી ટીવી સિરિયલ `બડે અચ્છે લગતે હૈ’માં કામ કર્યું. તે પછી વેબસીરિઝ કરી. દરેક વખતે દર્શકોએ મને તેમનો પ્રેમ આપ્યો.

લોકોને વેબસીરિઝ ગમે છે ખરી, પણ તેમાં સેન્સરશિપ નથી. તમને આમાં કંઇ ખોટું નથી લાગતું?

આ નવા ડિજિટલ જમાનામાં વેબ ફિલ્મ્સ અને વેબ સીરિઝની લોકપ્રિયતા ખૂબ વધી ગઇ છે. લોકો તે મોબાઇલમાં જ જોઇ લે છે. સેન્સરશિપની વાત કરીએ તો તે દરેકના મનમાંથી આવવી જોઇએ. હું તો માત્ર એટલું જ કહીશ કે જો તમને કોઇ કન્ટેન્ટ ન ગમતું હોય તો એ પ્લેટફોર્મ પર જવું જ નહીં.

દીકરી વિશે શું કહેશો. દીકરી સાથે જીવન કેવું વ્યતીત થાય છે?

ગયા વર્ષે એક દીકરીને દત્તક લીધી છે. દીકરીને દત્તક લેવાનો નિર્ણય મેં કર્યો ત્યારે મારા પરિવારના સભ્યોએ મને પૂરતો સપોર્ટ આપ્યો. મારી પુત્રીનું નામ દિત્યા છે, જે માતા લક્ષ્મીના એક રૂપનું નામ છે. એ જ્યારથી અમારા પરિવારમાં આવી છે, પ્રત્યેક પળ આનંદમય બની ગઇ છે. મારી દીકરી સાથે હું ખૂબ ખુશ છું.

 

Loading

Spread the love

Leave a Comment